મંજૂષા – ૪૨. ધાર્મિક રૂઢિઓનું આંધળું અનુકરણ નહીં

વીનેશ અંતાણી

કોમ્પ્યુટિન્ગ અને ટેલિકોમ્યુનિક્સના ક્ષેત્રમાં મહાન સુવિધાઓની જગતને ભેટ આપનાર સ્ટીવ જૉબ્સની ધર્મ વિશેની માન્યતા સમજવા જેવી છે. સ્ટીવ જૉબ્સનાં માતાપિતા ચુસ્ત ધાર્મિક નહોતાં, પરંતુ સ્ટીવમાં ધાર્મિક સંસ્કાર પડે તે માટે તેઓ એને રવિવારે ચર્ચમાં લઈ જતાં. સ્ટીવ તેર વરસનો હતો ત્યારે ‘લાઈફ’ મેગેઝિનનાં મુખપૃષ્ઠ પર આફ્રિકાના એક ગરીબ દેશનાં ભૂખે મરતાં બે બાળકોનું ચિત્ર છપાયું હતું. સ્ટીવ તે અંક લઈને ચર્ચમાં ગયો. એણે પાદરીને પૂછ્યું કે એ એની એક આંગળી ઊંચી કરે તે પહેલાં જ ઇશ્ર્વરને અગાઉથી ખબર પડી જાય કે એ કઈ આંગળી ઊંચી કરવાનો છે? પાદરીએ જવાબ આપ્યો: હા, ઇશ્ર્વરને બધી જ ખબર હોય છે. સ્ટીવે ‘લાઈફ’ના કવરપેજ પર છપાયેલો ભૂખે મરતાં બાળકોનો ફોટો બતાવીને પૂછ્યું, શું ભગવાનને આની ખબર છે? એ ભૂખે મરતાં બાળકો સાથે શું બનવાનું છે એની પણ એને ખબર હશે? પાદરીએ ધર્મગુરુને છાજે એવો જવાબ આપ્યો: સ્ટીવ, તું કશું સમજતો નથી, પણ હા, ભગવાન આ વિશે જાણે છે. પાદરીનો આવો ઉડાઉ જવાબ સ્ટીવ સ્વીકારી શકે તેમ નહોતો. એ દિવસથી કહેવાતા ધર્મ પરથી એની શ્રદ્ધા ઊઠી ગઈ. એણે ચર્ચમાં જવાનું બંધ કરી નાખ્યું. જો કે ત્યાર પછી એણે બૌદ્ધ ધર્મની ઝેન વિચારધારાનો અભ્યાસ કરવાનો અને એ પ્રમાણે આચરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. વરસો પછી સ્ટીવે ધર્મ અને આધ્યાત્મિકતા વિશે પોતાના વિચારો રજૂ કરતાં જણાવ્યું હતું કે ધર્મની રૂઢિઓનું આંધળું અનુકરણ કરવાને બદલે જો આધ્યાત્મિક અનુભવો પર ભાર મૂકવામાં આવે તો ધર્મ વધારે અસરકારક બને છે. ખ્રિસ્તી ધર્મના સંદર્ભમાં સ્ટીવનું કહેવું હતું કે ખરેખર તો ભગવાન પરની આંધળી શ્રદ્ધાને બદલે ઇસુ ખ્રિસ્ત જે રીતે જીવ્યા અને એમણે જે રીતે જગતને જોયું એ રીતે લોકો વર્તે તો ધર્મનો સાચો અર્ક સમજી શકાય. જૉબ્સે કહ્યું હતું: “મને લાગે છે કે જુદા જુદા ધર્મ એક જ ઘરમાં પ્રવેશ કરવાના જુદા જુદા દરવાજા છે.”

      ભારતીય સંસ્કૃતિ આ પ્રકારની સમન્વયતામાં માને છે. આપણા દેશમાં વિવિધ જાતિઓ, સંસ્કૃતિઓ, રીતરિવાજો, ધર્મો, ભાષા વગેરેનું સુભગ સમન્વય જોવા મળે છે. એને લીધે ભારતીય સંસ્કૃતિને આધ્યાત્મિકતાની જુદા જ પ્રકારની ઊંચાઈ મળી છે. જો કે થોડાં વરસોથી ભારતમાં ધાર્મિક અસહિષ્ણુતાનું પ્રમાણ વધ્યું છે અને તે કારણે સાચા ભારતીયને નીચું જોવું પડે એવું વાતાવરણ ઊભું થયું છે. આજે જ્યારે વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં વિશ્ર્વે હરણફાળ ભરી છે અને આખી દુનિયા એક ગામ જેવી થઈ ગઈ છે ત્યારે ધાર્મિક સંકુચિતતા કોઈ પણ સંવેદનશીલ વ્યક્તિને વિચાર કરતી કરી મૂકે છે.

      રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું હતું કે ધર્મ માનવજાતને વિભાજિત કરતો નથી, ધર્મ આપણા સમગ્ર અસ્તિત્વની સાર્થકતાનો સાચો અર્થ સમજાવે છે. આપણે આપણી અંગત જિંદગીને સમષ્ટિ સાથે કેવી રીતે જોડીએ છીએ એ જ વાત રવીન્દ્રનાથની દૃષ્ટિએ સાચો ધર્મ છે. એમણે કહ્યું છે કે ધર્મ આપણી જિંદગીનું ગુરુત્વમધ્યબિંદુ છે  તે વાત આ અર્થમા સમજવાની જરૂર છે. એમણે ધર્મને વ્યક્તિને અન્ય વ્યક્તિઓથી અલગ પાડનાર પરિબળ તરીકે નહીં, પરંતુ સમસ્તની સાથે જોડનાર પ્રેરકબળ તરીકે જોયું છે. સ્ટીવ જૉબ્સે ખ્રિસ્તી ધર્મના સંદર્ભમાં જે કહ્યું તે બધા જ ધર્મો માટે પણ સાચું છે કે મહાન આત્માઓ જે રીતે જીવ્યા, એમણે જે રીતે જીવન-જગત-માનવસંબંધોને જોયા એ રીતે જીવવાથી અને દુનિયાને જોવાથી જ માનજાતનું કલ્યાણ શક્ય છે – ધર્મની રૂઢિઓના આંધળા અનુકરણથી નહીં.

      અમેરિકન મહિલા કોલીન સ્ટિને ધર્મ વિશેની પોતાની માન્યતાને આ શબ્દોમાં મૂકી હતી: ‘ઘણા લોકો ધર્મને એમના જીવનના માર્ગદર્શક પરિબળ તરીકે જુએ છે અને કેટલાક લોકો ધર્મનો ઉપયોગ અન્ય લોકો પર કાબૂ મેળવવા અને એમને કચડવા માટેના બળ તરીકે કરે છે. લોકોને કાબૂમાં રાખવા કે એમને કચડવા માટે ધર્મનો ઉપયોગ કરવામાં આવે તો એને ધર્મ કહી શકાય નહીં. માણસે પોતાની જિંદગી આંધળી ધાર્મિક માન્યતાઓથી નહીં, પરંતુ ‘ડહાપણ’થી દોરવી જોઈએ.” બ્રિટનના પ્રસિદ્ધ અખબાર “ગાર્ડિયન” દ્વારા ૨૦૦૬ના વરસમાં કરવામાં આવેલા એક સર્વેક્ષણમાં બ્યાસી ટકા લોકોએ જણાવ્યું હતું કે આજના સમયમાં ધર્મને લીધે લોકોમાં વિભાજન થવા લાગ્યું છે અને જીવનમાં ટેન્શન વધી રહ્યું છે.

      મહાત્મા ગાંધીએ આખીય વાતને બહુ સરળતાથી સમજાવી છે. એમણે કહ્યું હતું કે સત્ય અને સદાચારથી મોટો ધર્મ બીજો કોઈ હોઈ શકે નહીં. હોઠ પર ભગવાનનું નામ રાખીને પાપ આચરતો માણસ  ભગવાનની કૃપાની આશા જ કેવી રીતે રાખી શકે? ધારો કે કોઈ માણસ ભગવાનનું અસ્તિત્વ સ્વીકારે છે, પરંતુ અનૈતિક અને દુરાચરી જીવન જીવે છે, જ્યારે બીજો માણસ ભગવાન શું છે તે પણ જાણતો નથી અને સાદાચારી અને નૈતિક જીવન જીવે છે – બેમાંથી સાચો ધાર્મિક કોણ છે? જવાબ સ્પષ્ટ છે.


શ્રી વીનેશ અંતાણીનું વીજાણુ સંપર્ક સરનામું: vinesh_antani@hotmail.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.