હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ : … મગર હમ તુમ્હારે રહેંગે – અંક – ૭ :: હેંમંત કુમાર – ‘અન્ય’ સંગીતકારો માટે : યુગલ ગીતો [૨]

હેંમંત કુમાર – ‘અન્ય’ સંગીતકારો માટે, માઈક્રોફોનની સામે, ગાયકની ભૂમિકામાં : યુગલ ગીતો

એન. વેન્કટરામન

અનુવાદ / સંવર્ધિત સંકલન – અશોક વૈષ્ણવ

[૨] ૧૯૫૩ / ૧૯૫૪ – કારકિર્દીનાં પુષ્પનો મઘમધતો ઉઘાડ

૧૯૫૧માં ‘સઝા’નાં સંધ્યા મુખર્જી સાથેનાં એસ ડી બર્મને રચેલાં યુગલ ગીત ‘આ ગુપચુપ પ્યાર કરેં’ની સફળતાની પાછળ પાછળ જ હેમંત કુમાર ૧૯૫૨માં ‘આનંદ મઠ’ સાથે સંગીત કુમાર તરીકે પણ પોતાનું સ્થાન બનાવી ચુક્યા હતા. પોતાનાં સંગીતમાં હેમંત કુમારે, ૧૯૫૪થી લઈને ૧૯૭૯ સુધીમાં  બધું મળીને લગભગ ૯૦ જેટલાં ગીતો ગાયાં છે જેમાંથી ૩૬ ગીતો સૉલો હતાં. તેની સરખામણીમાં ૧૯૪૨થી લઈને લગભગ ૧૯૮૦ સુધીમાં અન્ય સંગીતકારો માટે ૨૦૦ જેટલાં ગીતો ગાયાં, જેમાંથી લગભગ અર્ધો અર્ધ ગીતો સૉલો ગીતો છે.

અમુક અપવાદોને બાદ કરતાં બહુ ઉપરછલ્લી રીતે જ કહીએ તો અન્ય સંગીતકારો માટે ગાયેલાં યુગલ ગીતો કદાચ વધારે યાદ થતાં હશે. આ બધાં જ ચિરકાલીન યુગલ ગીતો આ ૧૯૫૨થી ૧૯૬૨ -૬૪ સુધીના સમયમાં જ આવ્યાં.

૧૯૫૩

૧૯૫૩માં ‘અનારકલી’ માટે હેમંત કુમારે સી રામચંદ્ર માટે ગાયેલું, લતા મંગેશકર સાથેનું યુગલ ગીત જાગ દર્દ-એ-ઈશ્ક઼ જાગ માત્ર હેમંત કુમારનાં, કે સી રામચંદ્ર નાં, જ ગીતો માટે નહીં, પણ હિંદી ફિલ્મોનાં સમગ્ર ગીતો માટે એક સીમાચિહ્ન ગીત બની ગયું. આ ગીત વિશે આપણે વિગતે વાત અગાઉ અંક ૩ માં વાત કરી હતી એટલે અહીં એ વિશે પુનરાવર્તન ટાળ્યું છે. સી રામચંદ્ર માટે હેમંત કુમારનાં ગીતોની સંખ્યા એસ ડી બર્મન માટે તેમનાં ગીતો પછી બીજા સ્થાને આવે એટલી છે. એ વિશે વિગતે વાત કોઈ બીજા ઉપયુક્ત સમયે કરીશું, જેથી સી રામચંદ્ર માટે ગયેલાં હેમંત કુમારનાં બીજાં એક યુગલ ગીતથી અન્ય સંગીતકારો માટે ગાયેલાં યુગલ ગીતોની પુર્ણાહતિ કરવાની તક મળે.

એટલે, આજના મણકા માટેનાં અન્ય સંગીતકારો માટે ગાયેલાં યુગલ ગીતોની શરૂઆત ૧૯૫૩ની ફિલ્મ ‘આગોશ’થી કરીશું.

મિલજુલ કે બાંટો રે ગરીબી કે ફંડે – આગોશ (૧૯૫૩) ઈન્દિરા માનચંદાની અને કોરસ સાથે – સંગીતકાર: રોશન – ગીતકાર: શૈલેન્દ્ર

આ જ ફિલ્મનાં હેમંત કુમાર અને લતા મંગેશકરે ગાયેલાં યુગલ ગીત, ધીરે ધીરે ચઢ ગયા નદીમેં પાની, માં શેલેન્દ્રએ પ્રેમના રોમાંચને જેટલી સહજતાથી વણી લીધેલ છે એટલી જ સહજતાથી પ્રસ્તુત ગીતમાં તેમણે પોતાની સમાજવાદી સમાજરચનાની વિચારસરણીને વણી  લીધી છે.

૧૯૬૦ પછી રોશનની જે સંગીત શૈલીથી આપણે વધારે પરિચિત છીએ તેના કરતાં આ બન્ને ગીતમાં રોશન બિલકુલ અલગ જ સ્વરૂપે સાંભળવા મળે છે. તેમાં પણ @૧.૪૩ પર જે રીતે હેમંત કુમાર ‘સારા જહાં’માં અંત થતી પંક્તિમાં ‘હાં…’ પર જે રીતે તાન લહેરાવે છે તે તો બહુ જ અભિનવ પ્રયોગ છે.

આ ગીતમાં સહગાયિકા ઈન્દિરા માનચંદાની વિશે બહુ માહિતી નથી મળી શકી.

ગીતની એક અન્ય ખુબી પણ નોંધપાત્ર છે – ટાઈટલ્સની સાથે સાથે શરૂ થતું ગીત ટાઈટલ્સ પૂરૂં થયા પછી એક સ્વતંત્ર ગીત તરીકે ચાલુ રહે છે.

નોંધ – ૧૯૬૦ પછીથી રોશનનાં ગીતોમાં માધુર્યની આગવી હાજરી વર્તાતી, જેનું સર્વકાલીન શ્રેષ્ઠ કહી શકાય તેવું ઉદાહરણ તેમણે રચેલ ‘મમતા’ (૧૯૬૪)નું હેમંત કુમાર લતા મંગેશકરનું, રાગ યમનમાં સ્વરબધ્ધ થયેલ, યુગલ ગીત – છુપા લો યું દિલમેં પ્યાર મેરા – કહી શકાય. અન્યોન્ય માટેના પ્રેમની આટલી અલૌકિક અભિવ્યક્તિ તો વાસ્તવિક જીવનમાં પણ કોઈ કદાચ કરી શકે કેમ તે પણ કહેવું મુશ્કેલ છે !

હમ પ્યાર કરેંગે… હમ લડ કે ઝગડ કે ભી પ્યાર કરેંગે – ધુન (૧૯૫૩) – લતા મંગેશકર સાથે – સંગીતકાર: મદન મોહન – ગીતકાર: ભરત વ્યાસ

રાજ કપુર માટે હેમંત કુમારનો સ્વર પ્રયોજાયો હોય એ જેટલી વિરલ લાગે તેવી ઘટનાની સાથે સાથે ભરત વ્યાસ પાસેથી આવા મસ્તીખોર શબ્દો સાંભળવાનો અહીં થયેલો યોગ પણ એટલો જ વિશિષ્ટ કહી શકાય.

જોકે ગીતનાં ફિલ્માંકનમાં આ મસ્તી જરા પણ નથી અનુભવાતી.

યાદ કિયા દિલને કહાં હો તુમ, પ્યાર સે પુકાર લો જહાં હો તુમ – પતિતા (૧૯૫૩) – લતા મંગેશકર સાથે – સંગીતકાર: શંકર જયકિશન – ગીતકાર: હસરત જયપુરી

શંકર જયકિશને પોતાની કારકિર્દીનાં શરૂનાં વર્ષોમાં એક તરફ દેવ આનંદ માટે પરંપરાગત રૂપે હેમંત કુમારનો સ્વર આ યુગલ ગીતમાં વાપરીને બીજી તરફ અલગ અલગ ગાયકો સાથે તેમને પુરેપુરી ફાવટ રહી શકે છે તે બતાવી આપ્યું હતું.

એકોર્ડીયનના સુરથી શરૂ થતા પૂર્વાલાપને ‘યાદ કિયા દિલને કહાં હો તુમ’થી  ઊપડતાં મુખડામાં હેમંત કુમારના ખરજ સ્વરની સાથે, ‘પ્યાર સે પુકાર લો જહાં હો તુમ’ને સાંકળી લઈને લતા મંગેશકરના નારી સ્વરની સહજ મિઠાશને શકર જયકિશને અદ્‍ભુત રીતે વણી લીધેલ છે.

એક કલી દો પતિયાં…. જાને હમારી સબ બતિયાં – રાહી (૧૯૫૩) – લતા મંગેશકર, મીના કપુર અને અન્ય પારખી ન શકાતા પુરુષ અને સ્ત્રી સ્વર તેમ જ કોરસ – સંગીતકાર: અનિલ બિશ્વાસ – ગીતકાર: પ્રેમ ધવન

ગીત તત્ત્વતઃ પૂર્વ ભારતમાં ચાના બગીચાઓમાં કામ કરતાં મજુરોના મનની ભાવનાઓને વાચા આપે છે. અનિલ બિશ્વાસે મજુરોનાં પાછાં ફરવાના સમય, કામ કરતી વખતનો સમય, મેનેજરોની  કામ લેવાની જુલમગારી રીત સમે અવાજ ઉઠાવવાની ઘટના જેવી અલગ અલગ પરિસ્થિતિઓને ત્યાંનાં લોકગીતોની પ્રસ્તુત શૈલીમાં વણી લીધેલ છે.

સૌ બરસ પર પ્રીતમ ઘર આયે – રામી ધોબન (૧૯૫૩) – ગીતા દત્ત સાથે – સંગીતકાર: હિરેન બોઝ – ગીતકાર: રામ મૂર્તિ ચતુર્વેદી

હિરેન બોઝ બંગાળી ફિલ્મ સંગીતનાં ક્ષેત્રમાં ખુબ સન્માનીય નામ હતું . અહીં તેમણે બાઉલ લોક સંગીતની લોકધુનને પ્રયોજી છે. અંતરાની પંક્તિઓની અલગ લયમાં બાંધણીને ફિલ્મની સીચ્યુએશન સાથે કંઈક સંબંધ હશે, પરંતુ આટલી ભુલી ચુકાયેલી ફિલ્મ વિશે વિશેષ માહિતી નથી મળી શકી.

જાદુગર ભગવાન, અનોખા જાદુગર ભગવાન – શોલે (૧૯૫૩) – અમીરબાઈ કર્ણાટકી, મીના કપૂર અને પ્રેમલતા – સંગીતકાર: ધનીરામ – ગીતકાર: સરસ્વતી કુમાર ‘દીપક’

અશોક કુમાર, બીનારાય અને તેમનાં સંતાનો બેબી નાઝ અને માસ્ટર રોમી પર ફિલ્માવાયેલું આ ગીત તેમની આનંદની પળોનો સમય છે.

હિંદી ફિલ્મોમાં થતું આવ્યું છે તેમ સમયનું ચક્ર ફરે છે અને હવે બે બાળકો ભગવાન પાસે એ જ ગીત એક પ્રાર્થના રૂપે ગાય છે.

મેરે  રાજા કે નયનોમેં રાની સમાયી, પ્યારકી જવાની સે હો ગયી સગાઈ – લેહરેં (૧૯૫૩)- શમશાદ બેગમ સાથે – સંગીતકાર: સી રામચંદ્ર – ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ

શમશાદ બેગમ સાથે હેમંત કુમારનાં યુગલ ગીતોની સંખ્યા બહુ જ જૂજ છે એ કારણસર આ ગીતને અહીં સમવાવાનો બીજો એક આડપેદાશ જેવો લાભ ગીતની સ્વરરચના વિશે વાત કરવાનો મળતો મોકો છે.

સી રામંચંદ્રએ ગુજરાતી ગરબાની ધુનના બહુ અવનવા પ્રયોગો પોતાનાં ગીતોમાં કરેલ છે. આ ગીતમાં તેમનાં જ અતિપ્રસિધ્ધ ગીત ભોલી સુરત દિલ કે ખોટે (અલબેલા, ૧૯૫૧)ની સીધે સીધી ઝલક તો જોવા મળે છે, પરંતુ પૂર્વાલાપમાં નગારાની થાપથી થતા ઉપાડમાં ગરબાની શૈલીની અસરનો પ્રભાવ પણ એટલો જ પણ સહજપણે વર્તાય છે. 

૧૯૫૪

બાદલકી પાલકી પર હો કે સવાર આજ આનેવાલી હૈ બરસાત – ચક્રધારી (૧૯૫૪) – આશા ભોસલે સાથે – સંગીતકાર: અવિનાશ વ્યાસ – ગીતકાર: પ્રદીપજી

વરસાદની રાહ જોતાં ખેડૂત પતિ-પત્નીના અન્યોન્યના પ્રેમ ભાવનાં ગીતમાં ફરી એક વાર ડાંડિયા રાસની ધુનનો પ્રયોગ કરાયો છે.

આડ વાત –

આ જ ધુનનો ઉપયોગ બિલ્કુલ અલગ સીચ્યુએશનમાં સી રામંચંદ્રએ નાસ્તિક (૧૯૫૪)માં કરેલ છે.

૧૯૫રમાં હેમંત કુમારે નૌશાદનાં ગીતોનાં વર્ઝન ગીતો – મોહબ્બત ચૂમે જિનકે હાથ અને ટકરા ગયા તુમસે વો દિલ હી તો હૈ -ગાયાં હતાં તે વાતનો ઉલ્લેખ આપણે આ શ્રેણીના ત્રીજા અંકમાં કરેલો. ૧૯૫૪માં એ જ નૌશાદ તેમણે નૌશાદની તેમજ  પોતાની કારકિર્દીની તેમજ હિંદી ફિલ્મનાં યુગલ ગીતોની પ્રથમ હરોળનું યુગલ ગીત શબાબ (૧૯૫૪)માં ગાયું.

ચંદન કા પલના રેશમકી ડોરી – શબાબ (૧૯૫૪) – લતા મંગેશકર સાથે – સંગીતકાર નૌશાદ – ગીતકાર શકીલ બદાયુની

ફિલ્મમાં આ ગીત સૌ પ્રથમ હેમંત કુમારના સૉલો સ્વરમાં છે તે પછી કોરસ સાથેનાં રૂપમાં શરૂ થઈને યુગલ ગીત સ્વરૂપે ફિલ્માવાયું છે.

ગીતનું એક ત્રીજું વર્ઝન પણ છે જે  ફિલ્મના અંતમાં મુકાયું છે

ઋત હૈ સુહાની, રાત જવાન હૈ, દિલમેં મોહબ્બત, હોઠોં પે આહેં – મનોહર (૧૯૫૪) – સંધ્યા મુખર્જી સાથે – સંગીતકાર : એસ વી વેન્કટરામન – ગીતકાર: વિશ્વામિત્ર આદિલ

તમિળ ભાષામાં બનેલી મૂળ કોસ્ચ્યુમ ડ્રામા ફિલ્મનું આ હિંદી સંસ્કરણ છે. આ ગીત તો સામાન્યપણે રચાયેલાં ગીતો જેવું જ છે. પરંતુ, વધારે નોંધપાત્ર બાબત એ છે કે તમિળ સંસ્કરણની પટકથા અને સંવાદ એમ કરૂણાનિધિએ લખેલ છે, જે આગળ જતાં તામિલનાડુના મુખ્ય પ્રધાન બન્યા હતા.

આજના મણકાની શરૂઆત પણ હેમંત કુમાર અને સંધ્યા મુખર્જીના યુગલ ગીતના ઉલ્લેખથી જ થય છે એ સુખદ યોગાનુયોગ સાથે હેમંત કુમારે અન્ય સંગીતકારો માટે ગાયેલ યુગલ ગીતોનો ત્રીજો, અને અંતિમ મણકો હવે પછી….

Author: Web Gurjari

2 thoughts on “હેમંત કુમાર જન્મશતાબ્દી સ્મરણાંજલિ : … મગર હમ તુમ્હારે રહેંગે – અંક – ૭ :: હેંમંત કુમાર – ‘અન્ય’ સંગીતકારો માટે : યુગલ ગીતો [૨]

 1. આહલાદક સફર !
  ‘ રાહી ‘ વાળું સુંદર ગીત પહેલી વાર સાંભળતો હોઉં એવું લાગ્યું.
  હેમંત કુમારનું ગમે તે ગીત હોય – એકલ, યુગલ કે કોરસ – એ સાંભળતા હોઈએ ત્યારે લતાનું એમના વિષેનું પેલું વિધાન યાદ આવ્યાં વગર રહે નહીં કે એ અવાજ સાક્ષાત ભગવાનનો અવાજ છે !
  આભાર !

  1. હેમંત કુમારનાં જેટલાં ગીતો જેટલી અઢળક માત્રામાં જાણીતાં થયાં હતાં તેનાથી અનેક ગણાં તેમનાં ગીતો એનાથી અનેક ગણી ઓછી સફળતાને વર્યાં છે. એ બધાં ગીતોની ઓછી જાણકારી માટે ફિલ્મોનું અસફળ થવાનું કારણ મહત્ત્વનું પરિબળ રહ્યું છે.

   આ જ કારણસર, કદાચ, તેઓ ‘૬૦ના દાયકામાં પોતે નિર્માણ કરેલી હિંદી ફિલ્મો અને બંગાળી ફિલ્મો તરફ વધારે ઢળ્યા હશે. એ વાત હવે પછીના મણકામાં…..

Leave a Reply

Your email address will not be published.