પ્રકૃતિનેયે શોભાવી રહેલું – શિરમોરસુંદર – રાષ્ટ્રીય પક્ષી “મોર”

હીરજી ભીંગરાડિયા

       “ કાળી કાળી વાદળીમાં વીજળી ઝબૂકે,

                               મેહુલિયો કરે કલશોર………..જોને કળાયેલ બોલે છે મોર ”  …..!

અષાઢનાં કાળાં ડિબાંગ વાદળાંઓ આકાશમાં ઘેઘૂર જામ્યાં હોય અને ધરતી પર લળુંબ-જળુંબ થઇ – અમૃતની ધારાઓ છોડવાની તૈયારીમાં હોય, વળી સાથમાં કૃષ્ણ કનૈયે હડૂડૂડૂ….ધૂમ….હડૂડૂડૂ…ધૂમ…જાણે આભમાં ગેડીદડાની રમત આદરી દીધી હોય એ ટાણે ડોકના ત્રણ ત્રણ કટકા કરી “મેહ…આવ, મેહ….આવ” મોરલા ગળકું દેતા હોય  અને સામેથી બીજાયે મોરલા પાછા એવા જ “ટેહૂક……ટેહૂક..” ના ભલકારા ભણતા હોય, વનરાઇ આખી ગહેકારવથી ગાજી ઉઠી “વાહરે….મોરલા…..વાહ” ! એવા શાબાશી સમા પડધા પાડતી હોય એવા ટાણાનો અલૌકિક નજારો જોવા-સાંભળવા ને માણવાનું મન કોને ન થાય ભાઇ મારા !

     પંખી સમાજમાં નાનાં-મોટાં, રંગબેરંગી, કર્ણપ્રિય બોલીવાળાં, અનેકવિધ ખાસિયતોવાળાં પંખીઓ તો અસંખ્ય છે. પણ લોક-હદયમાં મોરને જેટલું સ્થાન મળ્યું છે એટલું  અન્ય કોઇ પક્ષીને મળ્યું નથી.

મોરને મળેલું ગૌરવ“મોર તારી સોનાની ચાંચ, મોર તારી રૂપાની પાંખ ! સોનાની ચાંચે રે મોરલો મોતી ચણવા જાય !”       

“મોર તું આવડા તે રૂપ ક્યાંથી લાવ્યો ? મોરલો મરત લોકમાં આવ્યો !” અરે ! “મારે ટોડલે બેઠો રે મોર કાં બોલે ?” અને  “હાં રે મોર બોલે છે લીલી નાઘેરમાં” જેવા અનેક ધોળ, ગરબા, રાસ અને લગ્નગીતોમાં લોકનારીઓએ મોરલાને ગાયો છે. તો “હરિ હરિ તે વનનો મોરલો ગિરધારી રે, રાણી રાધા ઢળકતી ઢેલ જીવણ વારી રે.” જેવા લોકરાસમાં મોર-ઢેલને કાન-રાધાના પ્રતિક ગણી લડાવ્યા છે. અરે ! “ ઢેલ આવેતો ઢીકો મારું…….મોર આવેતો પરણાવું”, “છીંડીએ છીંડીએ ચાર ચોર, ઉડ્યારે વઢવાણના મોર”, “ઢીંચણ ઢોયા………મોર કળાયેલ” જેવી અનેક રમત-ઉખાણાંમાં બાળકોએ ભેળો રમાડ્યો છે. તેના સુડોળ આકાર અને લીલી-નીલી કાયાને ગામડાંની બહેનોએ તોરણિયે-ટોડલિયે, ચાકળે-ચંદરવેને કાંધી-ચિતરિયે ભરતમાં ભર્યો છે, મોતીમાં ગંઠ્યો છે. અરે ! પાણિયારે આળેખ્યો છે, હાથે અને હૈડે ત્રોફાવ્યો છે. ઇ ભાતીગળ મોરલાને સોનીડાએ ઘરેણાંમાં નગટાવ્યો છે તો કારીગરોએ ઠામ-વાસણમાં કંડાર્યો છે અને ચિત્રકારોએ પ્રકૃતિના આ સૌથી સુંદર પક્ષીને ચિત્રોમાં આલેખ્યો છે તો કવિઓએ મન ભરીને ગીત-કવિતામાં લલકાર્યો છે.           

       મા શારદાએ સવારીમાં શોભાવ્યો છે તો કાર્તિકેયે વાહન તરીકે પસંદ કર્યો છે. અરે 1 બાળ કાનુડે મોરપીંછ્ની કલગી બનાવી માથાના મુગટને શણગાર્યો છે. ગરીબની ઝૂપડીથી માંડી માલેતુદારની મહેલાત સુધી મોરલો અનેક રૂપ-આકારથી રમતો ભમતો રહ્યો છે.

દેહ વર્ણન-  :હોલાં, કબુતર, કાબર, કાગ, બગ કે તેતર બટાવરા વગેરેમાં નર-માદા બન્ને એક જ સંબોધનથી ઓળખાય. પણ આ પંખીમાં એવું નહીં .જેમ પોપટ એટલે ‘નર’ અને એની ‘માદા’ એટલે મેના. અને કોકીલ બોલીએ  એટલે  ‘નર’ છે તેમ માનવાનું ને કોયલ કહીએ એટલે ‘માદા’ સમજાય. બસ એમજ !  મોર એ આ પંખીના નર માટેની ઓળખ છે જ્યારે માદા માટે ‘ ઢેલ’ શબ્દ વપરાય છે.

         મોરની ડોક હોય લાંબી, સુંદર વળાંક વાળી ! લીલા-નીલા રંગ મિશ્રિત ભાત્યવાળી ! ગળાથી માંડી શરીરના છેડા સુધી બધો જ ભાગ નીલવર્ણો, પડખાના પાંખ-પીંછા બદામી ને પગ હોય મટ-મેલા ધોળા ! માથાપર હોય હારબંધ ઉગેલા પીંછાની પંખા ઘાટની સુંદર કલગી ! શિયાળે ઉનાળે મોર હોય બાંડિયો- રંગબેરંગી પીંછડાં વિનાનો ! પણ ચોમાસે જૂઓ તો એની પીઠે ભપકાદાર રંગવાળો  પીંછાનો ભાળાય મોટો ભારો ! એ બધા લામ્બા-ટુંકા રંગીન પીંછા જો  પાંખ પર ઉગેલા હોય તો તો આટલા બધા પીંછા હવામાં ફફડાવી-વીંઝી ઉડી જ શેનો હકે ? ઉડવાની પાંખો તો હોય છે ભૂખરા રંગની ! અને પીંછા તો ઉગેલા હોય છે એની પીઠના છેડે !

       મોરની ‘કળા’ કોણે નહીં નિહાળી હોય ? એ બતાવવાનો શોખ મોરનેયે ઓછો નથી હો ! દૂરથી પીંછકળા આપણને લાગે સાવ નીલવર્ણી- પણ અંદર પીંછા હોય છે ત્રણ પ્રકારના ને જુદાજુદા ભાત્ય આકારના ! પીંછાના આખા ગુચ્છમાં બન્ને બાજુના પીંછા હોય છે સાવ ટુંકાને તલવાર આકારના. જેને ‘કાતર્યા’, અને સૌથી લાંબા હોય તેના છેડાની ટીલડીનો ઘાટ હોય છે અંગ્રેજી – યુ [U] આકારનો, એટલે એને ‘ડોળિયા’ અને વચ્ચે જે  બધા ક્રમસર ગોઠવાયેલા હોય છે તેના છેડે આવેલું હોય છે ગોળ ગોળ રૂપકડી ભાત્યવાળું ચકરડું ! એટલે એને ‘ટીલડી’ તરીકે લોકો ઓળખાવે છે. મોર જ્યારે કળા પૂરે ત્યારે બધા પીંછા સરખા ગોળાકારમાં મેઘધનુષ્ય રંગી દે ! પીંછાનો આ ભપકાદાર દેખાવ બસ ચોમાસા પૂરતો જ હો ! પછી તો ધીરે ધીરે એક પછી એક પીંછું ખરી પડે છે ને ફરી પાછાં ચોમાસું બેસતાં નવા ઉગે છે.       

    ‘ઢેલ’ એ મોરથી કદમાં થોડી નાની પણ મોર જેટલી રૂપકડી નહીં. માથાપર કલગી ખરી પણ સાવ નાનકડી ! ઢેલનો રંગ માટીને મળતો- માત્ર ડોક આગળનો ભાગ લીલાશ પડતો, બાકી બધું શરીર ભૂખરું. મોરની જેમ આકર્શક અવાજે  ટહુકવાનું ઢેલને ન આવડે !

આવાસ નિવાસ મોર સ્વભાવે બીકણ પંખી છે. એટલે લોક-વસવાટથી દૂર વૃક્ષોની ખૂબ બધી ઝાડી, ઘેઘૂર વનરાઇ કે પછી ધાર્મિક સ્થળો પરના વૃક્ષોનાં ઝૂંડ અને નદી-તળાવ કાંઠે વસવાનું પસંદ કરે છે. મોર સમૂહમાં રહેનારું પંખી છે. તે ક્યારેય સાવ એકલું નહીં ભળાય. એની પાંચસાતની ટુકડીમાં દિવસ આખો જમીન પર ભમે-ફરે અને ચણે. પણ રાતવાસોતો વૃક્ષોની ઉંચેરી ડાળીઓ પર જ કરે .છતાં લાગણી અને પ્રેમ ભાળે ત્યાં મોર “ પાલતુપંખી” પણ બની શકે છે

પ્રજનન પ્રાણી માત્રમાં કુદરતે પ્રજનનવૃતિ મૂકેલી છે. પંખીઓમાં સંવનનની ઋતુમાં પોતાની માદાને આકર્ષવા માટે નર પક્ષીઓ જાતજાતના ને ભાતભાતના અભિનય ને તરકીબ-નૂસ્ખા અજમાવતા હોય છે. કોઇ નર કલગી ઉંચી નીચી કરે છે તો કોઇ ગળું ફૂલાવે છે, કોઇ એકબે ડગલા આગળ-પાછળ ચાલી, માથું જૂકાવી નાચ કરી બતાવે છે. તો કોઇ પોતાની ડોકને ઉંચી નીચી કરે છે. અરે ! કોઇ પોતાની ઉડ્ડયંનકળા અને ગુંલાટ કળા રજુ કરે તો કોઇ વળી છાતી-ગળું ફૂલાવી ખાસ પ્રકારના અવાજ કાઢે છે. કોઇ કોઇ તો ચક્કર ચક્કર ફેરફુદરડી ફરી બતાવે. જ્યારે કોઇ વળી પીંછા પહોળા કરી પાંખો ધ્રુજાવે તો કોઇ સામસામી ચાંચો ભટકાડે ! આવાતો કેટકેટલીય જાતનાં પ્રેમનૃત્યો કરી નરપક્ષી માદાને રીજવવાના પેંતરા ગોઠવતા હોય છે

            બસ એમ જ ! વર્ષાઋતુ એ મોરપંખી માટેનો સંવનન કાળ છે. આ સમયે એના શરીરમાં ઉત્સાહની હેલી ચડે છે. મોરલાના રૂપ અને લાવણ્યમાં ઉમેરાય છે ઠસ્સાભરી સંવનનની છોળો ! પક્ષીવિદ ખોડીદાસ પરમારના શબ્દોમાં “મોરના ઉપાડ-મૂક કરતા પગના ઠેકા, ડોક ડોલન અને આંખના અણસારા સાથે બે પહોળી પાંખોનો રવરવાટ અને પીંછકળાના કંપનની આછી આછી પંખવાયરા જેવી કંપન-થથરાટી ને પીંછાના ખર..ર..ર..ર ..થતા ખખડાટ સાથેનું સંવનન એ જાણે કાન-ગોપીનો રમાતો રાસ હોય તેમ ફરતી પાંચસાત ઢેલડીઓની  વચ્ચે મોરને નાચતો જોવો તે એક  અવિસ્મરણિય દ્રશ્ય બની રહે છે!” .

          લોક પરંપરામાં  એક એવી માન્યતા પ્રવર્તે છે કે ‘ મોર-ઢેલ એકબીજા સાથે અન્ય પંખીઓની જેમ શરીર સંબંધ બાંધતા નથી. પણ મોર જ્યારે કળા કરી નાચતો હોય ત્યારે તેની આંખમાંથી ઉભરાતો પ્રણય અશ્રૂનો રસ ઢેલડી જીલી લે છે અને ગર્ભ ધારણ કરે છે.’ આ એક સુંદર અને કલાત્મક માન્યતા છે પણ સાચી નથી. બીજા પંખીઓની માફક જ મોર-ઢેલનો શરીર સંબંધ બંધાય છે પણ કાગ કપલની જેમ સાવ એકાંત સ્થળે. જેથી કોઇની નજરે આ દ્રશ્ય ચડતું નથી.

ઇંડા બચ્ચાં-વાડીઓમાં ગોઠવાયેલા ઘાસ-નીરણના ઓઘા-ગંજીની  આડશે તો ક્યારેક જમીનમાં ખાડો કરીને ઢેલ ઝાંખા પીળા રંગનાં, મોટા ઇંગોરિયા જેવડાં ઇંડા મૂકે છે. ઇંડાના સેવન અને બચ્ચાના ઉછેરની બધી જવાબદારી ઢેલ જ નિભાવે છે. બચડાં નાનાં હોય ત્યારે નર-માદા એટલેકે મોર છે કે ઢેલ તે ઓળખી શકાતું નથી.

મોરનો  ખોરાક ખેતીને  યોગદાન- = મોર છે સબભરખી પંખીડું ! બધું જ ખાય. પણ પ્રથમ પસંદગી જમીનમાંથી  વીણવા મળતાં જીવજંતુની. સવાર અને સાંજના ટાઢા પહોરે પાંચ-છ મોર અને અઢાર-વીસ ઢેલનું મોટું જબરું વૃન્દ નિયમિતરીતે પંચવટીબાગમાં હળવે હળવે હાલતું ને જમીન-મોલાતમાંથી જે મળ્યાતે જીવડાને પકડતું-આરોગતું જાણે મોલ-સફાઇ માટે મજૂરોની ટુકડીને જ કામે વળગાડી ન હોય ! એમ ચક્કર મારતું ભળાય છે. જમીનપરનાં ઢાલિયા જીવડાં, કાનખજૂરા, વીંછી, પડકાં સાપોલિયાં, ઉંદરડા, ગરોળી, કાંચિડા અને મોલાતમાંથી તીડ-ખપેડી જેવા ઝપટે ચડ્યા તે જીવડાઓનો લાગઠ સફાયો બોલાવતા ભળાતા હોય છે. એક ખરું હો ! મોલાતમાં ફરતાં ફરતાં શાકભાજીના પ્લોટનો વારો આવે ત્યારે કૂણાં કૂણાં ચીભડાં-કાકડીના કણકા, દૂધીના બચડાં, ભીંડાની કૂણી કૂણી શીંગો, ડોડાના દૂધફૂલિયા દાણા, કાચા-પાકા ટમેટા, લાલ મરચા જેવામાં પણ ચાંચતો અજમાવી જ જૂએ ! વાસણ-વાટકામાં અનાજ આપીએ તો એ પણ બહુ મજેથી સ્વીકારી લેતા હોયછે.

ખરું  કહીએ  તો બધી બાબતોને કંઇ રૂપિયા-આના-પાઇમાં ન મૂલવાય ભાઇ ! મોરના મનમોહક રૂપ-રંગ-આકાર અને ટહુકાર બધું જ અવર્ણનિય, શોભાયમાન અને આલ્હાદક ! આળસુનેય ઉત્સાહ આવી જાય એની બોલી સૂણીને અને ફૂવડનેય ઉજમ ચડી જાય એનું સુંદર રૂપ જોઇને !  અરે ! “મેહ……આવ…..મેહ…..આવ.” ના ચોમાસે થતા રહેતા ગહેકાટ સંભળાવી સંભળાવી “એ આવ્યો…….એ આવ્યો. ! આવ…..મારાજ…..આવ ! ” કહી મેઘને સત્કારતી હરખની હેલી  ખેડૂતના હૈયે ચડાવી દે છે, એ શું ઓછું છે ?

        ગડગુમડ કે હાથપગની ભાંગતુટ વખતે મોરપીંછનું વીંટલું હાથ-પગમાં પહેરાવી રાખવાથી ધનુરવા નથી થતો અને રૂઝ જલ્દી આવી જાય છે એવો દ્રઢ વિશ્વાસ લોકોમાં પ્રવર્તે છે. મુસ્લિમ ભાઇઓમાં પણ સુન્નત કરાવ્યા પછી મોરપીંછ બાંધવાનો રિવાજ પ્રચલિત છે. અરે ! દેવસ્થાનોમાં મૂર્તિઓની સાફસફાઇ માટેની સાવરણી પણ મોરપીંછની, કારણકે વાતાવરણને જંતુગ્ન, ચોખ્ખું અને પવિત્ર એના દ્વારા બનાવી શકાય છે. બહેન-દીકરીના વિંધાયેલ કાનના કાણાં ઠોળિયાં પહેરાય તેવા મોટાં કરવા પણ મોરપીંછના મલોખાં જ ઉપયોગમાં લેવાતા હતાં. આજે પણ લેવાય છે.

         મોરની વિશિષ્ઠ રંગછટા, શરીરનો સુંદર કલાત્મક આકાર અને તેનો કંઠ કહોને કોઇ બાબતની કમી નહીં ! એટલે તો સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાત અરે ! સમગ્ર ભારતદેશના આ રૂપકડા-મનમોહક પંખીને “રાષ્ટ્રિયપંખી” તરીકેનું માન આપી  ભારતદેશે બિરદાવ્યું છે. મોરનો શિકાર એ ગૂનો બને છે. છતાં કેટલાક નિર્દય લોકો ગુપ્તરીતે આવા કાળાં કામા કરતા હોય છે એવા છાપામાં અવાર-નવાર  સમાચારો વાંચવા મળે છે ત્યારે આપણાં દિલ બહુ દુ:ખાય છે.

આપણી  જવાબદારી – મૂક્તરીતે ઉડતું-વિહરતું આ પંખીજગત પણ જીવસૃષ્ટિનું એક મહત્વનું પરિબળ છે. આ સૃષ્ટિના સુચારુ સંચાલનમાં તેનું પણ અમૂલુ યોગદાન છે. પંખી જગતના વિવિધ પ્રકારના બસેરા અને આવાસો માટે વન-ઉપવન-વાડીઓ અને વીડીઓ, ગોચરો, વૃક્ષો ને સાચવવા પડશે-નવા ઉછેરવા પડશે. પંખીઓ અને એના ખોરાકના વૈવિધ્યોને ધ્યાને લઇ કણભક્ષી, કીટભક્ષી, અને વનસ્પતિઆહારી પંખીઓની જરૂરિયાતો માટે ઉદાર બનવું પડશે. પંખી સમાજને ખેતી સાથે સીધો સંબંધ હોઇ આ બધું કરવા અન્યોની સરખામણીએ ખેડૂતોની જવાબદારી શું અધિક નથી ? વિચારીએ ! થઇ શકે તેટલો તેનો અમલ કરી કુદરતના સૌથી સમજણા સંતાન હોવાનું પુરવાર કરીએ !


સંપર્ક : હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ :krushidampati@gmail.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.