લ્યો, આ ચીંધી આંગળી : આ આભ સ્પર્શ્યું ને પાંખો ખરી ગઈ, જુઓ! – એક અનન્ય નિવાસ-તરુણ સદનના જન્મની કથા – (૨)

રજનીકુમાર પંડ્યા

 ( સરકારી ચિલ્ડ્રન્સ હોમમાંથી 18 વર્ષની વયના થઇ ગયા પછી જેમને Childrenની વ્યાખ્યાની બહાર મુકી દઇને એકાએક આ અફાટ દુનિયાના અણજાણ પટમાં ફેંકી દેવામાં આવે છે તેવા અનેક નિરાધાર તરુણોની કથની અને તેમને સમ્હાલી લેવા માટે નવી મુબઇની સ્વૈચ્છિક સંસ્થા ‘વિનિમય ટ્રસ્ટ’ દ્વારા સ્થપાયેલા ‘તરુણસદન’ની કથા લખી હતી. હવે તેની આગળની યાત્રાની વાત.)

તરુણસદનની સ્થાપનાની આ આખી વાત અમને કરતા હતા અતુલ શાહ. અતુલ શાહ આડત્રીસના અને તેમનાં પત્ની-ચારુબહેન શાહ પાંત્રીસની આસપાસ. અતુલ શાહ નવી મુંબઈમાં જ રહે છે. કામકાજ તો કસ્ટમ ક્લીયરન્સનું છે, પણ નાનપણથી સેવાભાવનાના અંશો લોહીમાં વહેતા હતા. ૧૯૮૫માં આ વિનિમય ગ્રુપ જરા વધુ સભાન, વધુ સક્રિય, વધુ દિશાના સંકેતો પામતું થયું ત્યારે એમને કોઈએ આની વાત કરી. બહેરા-મૂંગા હોય તેવા ‘સ્પેશ્યલ ઑલિમ્પિક’ બાળકોના ક્ષેત્રમાં એ પતિ-પત્ની કામ તો કરતાં જ હતાં, પણ બેસહારા તરુણોના આ કામની વિશેષતા અથવા અનન્યતા એમના ધ્યાનમાં આવી અને એમણે પોતાની સેવાના વહાણનો મોરો આ તરફ ફેરવ્યો. એમનાં પત્ની ચારુબહેન આમ તો મહારાષ્ટ્રિયન છે – લવમેરેજ કર્યા છે. કુંડળી મળી કે ન મળી, પણ કર્મયોગ બરાબર મળ્યો. એક બેબી જન્મી છે,  ને એક બાબો એડોપ્ટ કર્યો છે, પણ વિનિમય પરિવારના આ તરુણ સદનનાં બાળકો – એટલે કે લબરમૂછિયાઓ અને વિનિમય પરિવારની બીજી પાંખ એવી સ્મિત વિનિમયની એવી જ સોળ વર્ષ પાર કરી ગયેલી કન્યાઓ સાથે એમને ઓતપ્રોત થવામાં જે આનંદ આવે છે તે બીજે ક્યાંયથી નથી મળતો.

એમ તો બધા ભેગાં મળીને આવાં બાળકો માટે જાતજાતના સામાજિક અને લાગણીના ત્રાપા-ટેકા ઊભા કરતા હતા. એમના સતત સંપર્કમાં રહેતા હતા. એમને જ્યારે જરૂર હોય ત્યારે રહેવા-જમવાની વચગાળાની ગોઠવણ કરી આપતા હતા.  એમને માફક આવે, એમને કરતાં ફાવે તેવી નોકરીઓ રોજગારી શોધી આપવામાં મદદ કરતા હતા. ક્યારેક કોઈને જોઈએ તો હજાર-બે હજારની લોન પણ આપતા હતા. કોઈના અધૂરા ભણતરને પૂરું કરવાનું કામ પણ કરતા હતા. સાજે – માંદે દવાદારુ અને ડૉક્ટરી મદદની પણ જોગવાઈ કરી આપતા હતા અને સૌથી વધુ તો એમના વ્યક્તિત્વનો વિકાસ થાય તેવા તમામ પ્રયત્નો પણ કરતા હતા. એને માટે સામૂહિક રમતગમતોનો સહારો લેતા હતા કે એમને કોઈ સામૂહિક પ્રવૃત્તિમાં ભેગા જોતરીને તેમનામાં આત્મવિશ્વાસ પેદા કરવાનો પ્રયત્ન પણ કરતા હતા. અમુક મામલે તો જેઓ પોતાના પરિવારથી વિખૂટા પડી ગયા હતા. ને તેઓ પોતાના પરિવારને (ભલે ગમે તેઓ આવકાર મળવાનો હોય તો પણ ) મળવાને ઝંખતા હતા. તેવાઓને તેમનો પરિવાર શોધી આપવાનું કામ પણ આ વિનિમય ગ્રુપ કરતું હતું.

પણ આ બધા પ્રયત્નો જ્યારે એકને બદલે અનેક છોકરાં અને છોકરીઓ (હા, છોકરીઓનું કામ ૧૯૯૧ થી શરૂ થયું હતું) માટે કરવાનાં હોય ત્યારે બહુ જ આપદા પડતી હતી. કારણ કે આ બધા ચિલ્ડ્રન વેલ્ફેર ઈન્‍સ્ટીટ્યૂટમાંથી બહાર નીકળ્યા પછી અલગ અલગ જગ્યાઓએ વસવા ચાલ્યા ગયા હોય, અલગ અલગ કામેકાજે, ગામે, ક્ષેત્રે ફંટાઈ ગયા હોય. વિનિમયની ઑફિસ તો આ બધા મધ્યમ વર્ગના ગણાય તેવા અલગ અલગ સભ્યોને ઘેર અનિયમિત ધોરણે ચાલતી હોય, ત્યારે આ બધા છોકરાઓને માટે આવાં જરૂરી સેવાકાર્યો કરીને તેમને સપોર્ટ આપવો મુશ્કેલ હતો.

આનો શો રસ્તો કરવો ?

૧૯૮૯માં વિનિમય ટ્રસ્ટ હવે રજિસ્ટર્ડ ચેરિટેબલ ટ્રસ્ટ થઈ ગયું હતું. એમાં નાણાં આપનારાઓ હવે પૂરા વિશ્વાસથી નાણાં આપી શકે તેવી પ્રવૃત્તિઓ કરતું થઈ ગયું હતું. તેથી સૌને વિચાર આવ્યો કે હવે આવા બધા પ્રશ્નોના નિકાલ માટે એક ટ્રાન્ઝિશન હોસ્ટેલની સ્થાપના કરવી જોઈએ. ટ્રાન્ઝિશન હોસ્ટેલ એટલે જાણે કે વિમાનમાં બોર્ડ થવા (ચડવા માટેનાં) વારાની રાહ  જોતા, સિક્યુરિટીમાંથી પસાર થઈ ચૂકેલા મુસાફરોથી ભરેલી લોન્જ. આપણે અને એને લોન્ચિંગ પેડ પણ કહી શકીએ, ચિલ્ડ્રન વેલ્ફેર ઈન્સ્ટિટ્યૂટમાંથી બહાર નીકળતાં બાળકો રાતોરાત આમ આશરા વગરનાં થઈને ગમે તે દિશામાં ભટકી જાય અને બેસે, તેને બદલે એક એક જગ્યાએ વચગાળાના થોડા સમય માટે એમને રહેવા મળે તો એમને માટે એ ભારે ઉપયોગી સાબિત થાય.

પણ એને માટેનું ફંડ ? જમીન ? નાણાં વગરની ઈમારતનાં સપનાં એ પાયા વગરના મિનારા જ સાબિત થાય.

જો કે, આ સ્વૈચ્છીક સેવાસંસ્થા માટે સિડકો (સિટી ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ કૉર્પોરેશન)એ ૫૦ ટકાના રાહત દરે જમીન આપી. એ મહારાષ્ટ્ર ગવર્નમેન્ટનું અન્ડર કોર્પોરેટ બોડી છે. છ હજાર સ્કવેર ફીટ જમીન મળી – પણ ઈમારત માટે ફંડની તાતી જરૂરત હતી. કેમ કરવું ? સરકાર પાસે તો જવું જ નહોતું.

બાબુભાઈ શાહ મુંબઈના એક વયોવૃદ્ધ શ્રીમંત હતા. એક પારસીબાનુ કુમીબહેન સાથે એમણે લગ્ન કરેલું. સંતાન નહીં, પણ બાબુભાઈ અને એમનાં સ્વજનો એમનું એક લૉ- બુક્સનું પબ્લિશિંગ હાઉસ ચલાવતા હતા. ૧૯૯૨ની આસપાસ એમનાં વહાલસોયાં પત્ની ગુજરી ગયાં. બાબુભાઈએ ત્યારથી જ નક્કી કરેલું. કે સ્વજનો સૌ પૈસેટકે સુખી છે, એમને મારી મિલકત –મૂડીની કોઈ જરૂર નથી. દર આઠમી તારીખે, પત્નીની મૃત્યુ તારીખે એ કંઈ ને કઈ દાનનો ચેક ફાડતા હતા. એક દિવસે એ કોઈ કામે બૅન્કમાં ગયા ત્યારે એક મહિલા કર્મચારીએ એમને એક વેધક સવાલ કર્યો. કયો સવાલ ? 

‘દાદા!’ એ બહેને બાબુભાઈ શાહને બહુ સંકોચથી સવાલ કર્યો હતો.‘દર મહિનાની આઠમી તારીખનો તમારો ચેક હું જ્યારે તમારા ખાતામાં ઉધારું છું, ત્યારે હું પણ સૂરજનું એક કિરણ હોઉં તેવો ભાવ થાય છે.’

બાબુભાઈ લૉ-બુક્સના પબ્લિશર્સ હતા. સાહિત્યની ભાષા એ જાણતા નહોતા. પણ આ સાહિત્યની ગણાય તેવી ભાષા, સાહિત્યની નહોતી, હૃદયની હતી. થોડું સમજ્યા પણ છતાંય પૂછ્યું : ‘તારે શું, બેટા ? તું તો બૅન્કની એક પગારદાર કર્મચારી – ને વળી પછી જરા વિચારનો એક ખળકો મનમાં આવ્યો એટલે એકાદી ક્ષણ પછી બોલ્યા :  હુંય જાતને પૂછું છું. મારે શું ? હું હવે કેટલા વરસ ? વાણોતર જેમ શેઠનું ચીંધ્યું કામ કરે એમ હું બી અંદર બેઠેલા પ્રભુનું ચીંધ્યું કામ કરું છું.’

‘હુંય મારી ફરજનું ચીંધ્યું કામ કરું છું.’ બહેન બોલ્યાં :‘પણ કામ કરતાં કંઈક ફરજથી વધુ સંતોષ થાય છે. એથી તમે સૂરજ છો, તમારી પાસે રોશનીની મૂડી છે. તે તમે બીજાને આપો છો, વહેંચણી કરો છો ત્યારે એ વહેંચવાના મીડિયમ તરીકે મને પણ આનંદ થાય છે. તડકો પણ આખરે તો કિરણ દ્વારા જ પૃથ્વી પર આવે છે. નાચીજ પણ એક ચીજ છે. હું તમારું કિરણ છું.’

દાદાએ એ પછી એ બહેન સાથે વધુ વાત કરી, કારણ કે એની વાતમાં મામલત હતી. ધીરેધીરે ખબર પડી એ છોકરીની બહેન એક સંસ્થા નામે વિનિમય પરિવારમાં વોલન્ટીયર હતી. એ સંસ્થાનું શું કામ હતું ? રિમાન્ડ હોમમાંથી આવેલા કે સ્ટેશન, બસ સ્ટેન્ડ કે એવી જાહેર જગ્યાએથી શોધી કાઢીને ચેમ્બુરની ‘ચિલ્ડ્રન વેલ્ફેર ઈન્સ્ટિટ્યૂટ’માં માત્ર અઢાર વર્ષની ઉપર સુધી જ સંરક્ષણમાં રાખવામાં આવતા અને તે પછી સરકારી કાનૂન મુજબ દુનિયામાં એમના ભાગ્ય ઉપર છૂટા મૂકી દેવામાં આવતા છોકરાઓને હાર્દિક, માનસિક, ભાવનાત્મક માત્ર શબ્દોનો નહીં, પણ નક્કર અને જરૂર પડ્યે આર્થિક ટેકો આપીને સંભાળી લેવાનું. આવા છોકરા અને છોકરીઓ કુંભારે ઘડેલા, પણ નિભાડામાં ગયા વગરના કાચા ઘડા જેવા હોય. એમને માટે બહારની દુનિયામાં તો ગુનાખોરી, શોષણ, કઠોરતા, નિષ્ઠુરતા અને નાલાયકીઓ રાહ જોઈને જ બેઠા હોય. એમને તો આવા- આગળ ઉલાળ ને પાછળ ધરાળ ન હોય એવા છોકરા જ ખપે. એના મુખમાં એમને હોમાઈ જતાં પહેલાં ઝીલી લઈને એમને સમાજમાં પ્રસ્થાપિત કરવાનું કામ એ સંસ્થા કરતી હતી. ઘણાં વર્ષોથી ચાલતું હતું. ૧૯૮૯માં તો એ રજિસ્ટર્ડ ટ્રસ્ટ પણ થઈ ગયું હતું. એમાં ઘણા સજ્જનો કામ કરતા હતા, પણ એ બધા અહંભાવી નહીં, પણ સેવાભાવી હતા ને ધનભાવી તો બિલકુલ નહીં. ભાભા એટમિક રિસર્ચ સેન્ટરમાં હતા તો કોઈ બીજે ક્યાંક. અતુલ શાહ જેવા, જેમની સાધારણ કસ્ટમ ક્લિયરન્સના કામની ઑફિસ ફોર્ટમાં હતી એ આટલે દૂર આવીને આ કામમાં હાથ બટાવતા હતા, પણ આ બધા પ્રયત્નો મુઠ્ઠી ભરીને પાણી એકઠું કરવા જેવા હતા. મુઠ્ઠી ભીની થતી હશે, પણ જલસેવા થતી નહોતી. એમને એક એવી ટ્રાન્ઝિશન હોસ્ટેલ બનાવવી હતી જેમાં એકત્ર રીતે આવા છોકરાઓ આશરો લઈ શકે. જિંદગીના મેદાનમાં દોટમાં ઊતરતાં પહેલાં પેવિલિયન જેવી સુવિધા પામે શકે.

બાલુભાઈએ ધ્યાનથી બધી વાત સાંભળી. પછી એ બહેને એમને અતુલ શાહ સાથે ફોન પર વાત કરાવી. તો અતુલ શાહે એમને અણધારી જ વાત કરી, ‘તમારું કોઈ દાન અમારે એમને એમ જોઈતું નથી. તમે આ રવિવારે અમારા એક વહાલા છોકરાનો બર્થ ડે કાર્યક્રમ છે. એમાં આવો. જુઓ, પછી નિર્ણય કરજો.’

પ્રોગ્રામ ચેમ્બુર ચિલ્ડ્રન હોમમાં હતો. એ ડોસા આવ્યા અને માત્ર પહેલી જ પંદર મિનિટમાં એમણે એક લાખના ડોનેશનની જાહેરાત કરી. એમને સમજણ પાડવા માટે જે શબ્દો મનમાં ગોઠવીને રાખ્યા હતા તેની જરૂર જ ન પડી. એમણે જોયેલા દૃશ્યે જ એમને જે કંઈ સમજાવવાનું હતું તે સમજાવી દીધું.

બાલુભાઈનાં પારસી પત્ની કુમીબહેન ઑગસ્ટની આઠમીએ અવસાન પામ્યાં હતાં એટલે આ ડોસા દર આઠમીએ કંઈ ને કંઈ સારી રકમનું દાન કરતા હતા. એ સિલસિલો પણ જારી રહ્યો. દર મહિને કોઈ ને કોઈ નવી સંસ્થાને એ લાભાન્વિત કરતા. એમાં એક ‘અવર ચિલ્ડ્રન હોમ’ નામની સંસ્થા પણ હતી. એ સજ્જન બાબુભાઈ લક્ષ્મીચંદ શાહ પાલનપુરવાળાને બાળકોના કામ માટે વિશેષ લગાવ હતો, કારણ કે પોતે નિઃસંતાન હતા. પત્નીના અવસાન પછી હોટેલમાં રહેતા હતા. હોટેલના સ્યુટનું ભાડું જ મહિને ત્રીસ-પાંત્રીસ હજાર થતું હતું. એ પછી સેનેટોરિયમમાં રહેવા ગયા, પણ ધીરેધીરે એમણે પોતાનો ખર્ચ કમતી કર્યો. એક દિવસ એકાએક એમણે એક સામટું પાંચ લાખનું ડોનેશન હોસ્ટેલ એટલે કે તરુણ સદનના બાંધકામ માટે આપવાની દરખાસ્ત ટેલિફોનથી જ કરી અને સૌને સાનંદાશ્ચર્ય થયું. એ પછી તો જનરલ ઈલેક્ટ્રોનિક્સ કંપનીના ડાયરેક્ટર બ્રાઉન મોર્ગન આવેલા. મુંબઈમાં એકદમ ઓર્ગેનાઈઝેડ ક્રાઈમ (વ્યવસ્થિત ગુંડાગર્દી, છૂટીછવાઈ નહીં) એમણે જોઈ હતી. દારુણ ગરીબી જોઈ હતી અને દ્રવી ગયા હતા. એમણે આ સંસ્થા જોઈ અને જચી ગઈ. એ સંસ્થાના સહયોગથી પચ્ચીસ લાખ જેવું હોસ્ટેલ ફંડ થયું.

અંતે આ સાડા છ હજાર સ્કવેર ફીટ જમીન ઉપર નવી મુંબઈમાં (વાશીમાં) આવેલા કોપરખૈરાને ગામમાં ૧૯૯૯ની મેની ૨૩મીએ ત્રીસ લાખના ખર્ચે બાંધવામાં આવેલી એ અનોખી, અનન્ય હોસ્ટેલ નામે તરુણ સદનનું ઉદ્‍ઘાટન બાબુભાઈ શાહના હાથે જ થયું. એ પોતે તો નામના બહુ યારી નહોતા, પણ એમણે આ યજ્ઞમાં સૌથી પહેલી આહુતિ આપી હતી. એટલે એમનાં પત્ની કુમીબહેનના નામ પરથી એને ‘શ્રીમતી કુમીબહેન બાબુભાઈ શાહ  તરુણ સદન’ એવું નામ આપવામાં આવ્યું. એ વખતે વિખ્યાત પ્રો. એમ.એસ. ગોરે અને નિર્મળા નિકેતન સોશ્યલ સર્વિસીસ કૉલેજના રિટાયર્ડ વાઈસ પ્રિન્સિપલ શ્રીમતી કાલિન્દી મઝમુદાર પણ હાજર રહ્યાં હતાં.

પત્નીને એના સદ્‍ગત થયા પછી આવી રીતે પરોક્ષ રીતે અનેક સંતાનોની એમણે જાણે કે ભેટ ધરી એવા બાબુભાઈ ઉદ્‍ઘાટનના દિવસે જ વધુ બીમાર થયા. એમને જૈન ક્લિનિક્માં એડમિટ થયા. મૃત્યુ ભાળી ગયા હોય એમ એમણે દેહદાનની વસિયત પણ કરી. બ્યાંસી-ત્યાંસી વર્ષના થયા હતા, એટલે પત્ની-તર્પણ કર્યાનો સંતોષ લઈને આ હોસ્ટેલના ઉદ્‍ઘાટનના આઠમા જ દિવસે એમણે પણ શ્વાસ મૂક્યો. તરુણ સદનને જોઈને કોઈને પણ એ પતિપત્ની બન્નેના શ્વાસોચ્છવાસ બહુ નજીકથી અનુભવાતા હોવાની પ્રતીતિ થાય.

(તરુણસદનમાં ઉજવણીનો માહોલ)

હા, શરૂઆતના સમયથી આ વિનિમય ટ્રસ્ટમાં જોડનારા આજીવન અપરિણીત વેંકટરામન આમ તો ભાભા રિસર્ચ સેન્ટરમાં સાયન્ટીસ્ટ તરીકે નોકરી કરતા હતા. એમણે આ કામમાં પોતાનો પૂર્ણ સમય સમર્પિત કરી શકાય એ ઈરાદાથી ૧૯૯૪થી નોકરીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લીધી. પદ્મનાભન શિપિંગ કંપનીમાં મેનેજર છે. એમનો સતત આવરોજાવરો અને સંપૂર્ણ ઓતપ્રોતતા. થોડા સમય પહેલાં ટ્રસ્ટી તરીકે નિમાયેલા પી. ત્યાગરાજન પણ એટલા જ સમર્પિત છે, જ્યારે ટ્રસ્ટીઓમાંના એક ડૉ. અશોક દાસ અગાઉ ભાભા રિસર્ચ સેન્ટરમાંથી નિવૃત્ત થયા પછી ભુવનેશ્વરની ઉત્કલ યુનિવર્સિટીમાં વાઈસ ચાન્સેલર તરીકે નિમાયા છે.

જો કે, આ તો રજિસ્ટર્ડ ચેરિટેબલ ટ્રસ્ટનું સરનામું છે. અલબત આ ચોપન છોકરાઓનો સમાવેશ થઈ શકે તેવી વિશાળ, પૂરી સગવડભરી ટ્રાન્ઝિશન હોસ્ટેલ છે. ટ્રાન્ઝિશનનું ગુજરાતી શું થઈ શકે ? હશે. કોઈક સરસ પારિભાષિક છતાં અભદ્રંભદ્રીય શબ્દ હોવો જોઈએ યા ખોળવો જોઈએ – હું તો એને ‘સ્થળબદલ આવાસ’ કહું યા પેવિલિયન કહું. ખેલાડી કંઈ ઘરમાંથી સીધો જ મેદાનમાં નથી જતો, એને પેવિલિયનની આવશ્યકતા હોય છે. જ્યાં એ શારીરિક, માનસિક, માનસિક અને સજ્જતાની રીતે કપરામાં કપરી કસોડીને માટે જાતને તૈયાર કરી શકે.

સમાજના મુખ્ય પ્રવાહ સાથે આવા છોકરાઓને ભળી જવામાં ભારે આપદા તેમના પોતાના તરફથી જ નહીં,પણ સમાજ તરફથી પણ પડતી હોય છે. કારણકે સમાજ હજુ આવા ‘અસામાન્ય’  સંજોગોથી બહાર પડીને નજર સામે આવનારા તરુણો – તરુણીઓને એક અલગાવની નજરે જુએ છે.

આના ઉકેલ માટે આ તરુણ સદન દ્વારા વિનિમય પરિવાર જાતજાતના નુસખા અજમાવે છે. આ છોકરાઓને પોતે સામાન્ય જ નહીં,પણ સર્વમાન્ય હોવાનું કામ એ કરે છે. એને માટે અવારનવાર ગેટ-ટુ-ગેધર જેવાં સ્નેહમિલનો યોજે છે. રમતગમત સ્પર્ધાઓ કે બૌદ્ધિક અથવા સામાન્ય જ્ઞાનની કસોટીઓ યોજે છે. એમના મનમાં આત્મવિશ્વાસ ઉપરાંત આત્મગૌરવ પ્રગટાવવામાં આ વસ્તુ બહુ મહત્ત્વનું યોગદાન આપે છે. તેમને હતાશા, ડિપ્રેશન, માનસિક સંઘર્ષમાંથી ઉગારવા માટે આવા પ્રયોગો અત્યંત ઉપયોગી સાબિત થાય છે.

(વિવિધ રમતોમાં મશગૂલ તરુણો)

એના અનેક દાખલાઓમાંથી એકાદ બે જ દાખલા લેવા હોય તો શંકર પૂજારી નામના તરવરિયા છોકરાનો છે. ભિવંડીમાં ફાટી નીકળેલાં કોમી રમખાણો પછી એ અને એનો ભાઈ સાવ નાના ચાર-પાંચ વર્ષના હતા ત્યારે મુંબઈના પરાના કોઈ રેલવે પ્લૅટફૉર્મ પરથી મળી આવ્યા હતા. પોલીસ પહેલાં રિમાન્ડ હોમ અને પછી એને ચેમ્બુરના ચિલ્ડ્રન વેલ્ફેર ઈન્સ્ટિટ્યૂટમાં મૂકી ગઈ હતી. જ્યાં અઢાર વર્ષ પૂરા કરવા દરમિયાન એણે થોડું શિક્ષણ હાંસલ કર્યું, જે હોડીને બેને બદલે મળેલા એક હલેસા જેવું હતું. અહીં તરુણ સદનમાં એ આવ્યો તે પહેલાથી વિનિમય પરિવાર એના ઘડતરમાં ફાળો આપતો હતો અને પછી એ તરુણ સદનમાં આવ્યો. એણે આઈટીઆઈનો કોર્સ કર્યો અને હવે આજે એ સમાજમાં પગભર છે. લગ્ન પણ કર્યા છે.

ચંગાપ્પા ગુનપ્પા નામનો માબાપવિહોણો છોકરો મુંબઈના ચેમ્બુર ચિલ્ડ્રન્‍સ હોમમાં રહેતો હતો. પોતાના પરિવારની તેને જાણ ન હતી. કોઈક તેને ડોંગરીના રિમાન્ડ હોમમાં મૂકી ગયેલું, જ્યાંથી તેને ચેમ્બુરની સંસ્થામાં ખસેડાયો હતો. પણ દસમા ધોરણ પછી તે રસ્તા પર આવી ગયો. ‘તરુણ સદન’માં તે આવ્યો અને આગળ ભણ્યો. આઈ.ટી.આઈ.ના વાયરમેન ટ્રેડની ડીગ્રી લીધી. સાથે સાથે તેને બાગકામની તાલિમ પણ આપવામાં આવી. ભાભા રિસર્ચ સેન્ટરમાં માળીની જગા ખાલી પડતાં તેણે એ માટે અરજી કરી. તે પસંદ પણ થઈ ગયો. આટલી સારી નોકરી મળ્યા પછી તેનાં લગ્ન થયાં. હવે તો તે બે સંતાનોનો પિતા છે. પણ પોતાના ભૂતકાળને તે ભૂલ્યો નથી. દર શનિ-રવિ તે ‘તરુણ વિનિમય’માં સ્વયંસેવક તરીકે કામગીરી બજાવવા જાય છે અને પોતાનાં જેવાં અનેક બાળકોને માર્ગદર્શન આપે છે.

આવી તો પુષ્કળ કહાણીઓ છે. બધાની અલગ અલગ જીવનરંગ અને અલગ અલગ સમસ્યાઓના સકંજાવાળી છે. હજુ સ્મિત વિનિમય, એટલે છોકરીઓ માટેના એમના પ્રયત્નોની કહાણી એક આખું જુદું પ્રકરણ માગી લે તેવી છે. તેમના પ્રશ્નો વિશિષ્ટ અને ઉકેલ દોહ્યલા હોય છે. એમની હોસ્ટેલ બાંધવાની હજુ બાકી જ છે.

આમ તો વિનિમય ટ્રસ્ટને અપાતું દાન ૮૦જી મુજબ ઈન્કમટૅક્સ મુક્ત છે, પણ આ સંકુલ, ભયંકર રીતે ગતિશીલ, સ્વકેન્દ્રી યુગમાં, બીજાને તો ઠીક, પણ ખુદ નવી મુંબઈના વાસીઓમાંથી ભાગ્યે જ કોઈને ખબર હશે કે એમની પાડોશમાં જ આવો ‘માનવ વૃક્ષઉછેર’નો કાર્યક્રમ ચાલે છે. એના ટ્રસ્ટીઓ શ્રીમંતો નથી – પણ એક છોકરાને એક માસ માટે પણ સાચવવાનો ખર્ચ, ભોજન બીજી જરૂરતો, ક્પડાં, મેડિકલ વગેરેનો મળીને રૂપિયા પાંત્રીસસો આવે છે, જેની સામે ફક્ત રૂપિયા છસો જ છોકરાઓ પાસેથી લેવામાં આવે છે. અલબત્ત, તેને ન ચૂકવી શકે એવા માટે આ ખર્ચ પણ માફ છે. આવા કુલ ૩૮ છોકરાઓનો સમાવેશ આ હોસ્ટેલમાં કરવામાં આવ્યો છે. તેનો ખર્ચ કેટલો તે તો કલ્પી શકાય એવું છે આ હોસ્ટેલની જ પૂરી ક્ષમતા તો 54 છોકરાઓને સમાવવાની છે અને તેથી આ નિવાસી છોકરાઓનો આંકડો વખતો વખત બદલાતો રહે છે.

આ ખર્ચને પહોંચી વળવા માટેનો ઉપાય માત્ર કોર્પસ ફંડ ઉભું કરવાનો છે. એને માટે કોઈ દાતાઓ સહયોગ આપે તો તેના વ્યાજની આવકમાંથી આ ખર્ચનો કાયમી ધોરણે ઉકેલ આવી શકે.

બહારના વિશ્વ સાથે આ તરુણો જોડાયેલા રહી શકે એ માટે કમ્યુટર સેન્ટર પણ ઉભું કરાઈ રહ્યું છે.

આપણી તિજોરી કે બૅન્કમાં પડેલા ધનનો એક નાનકડો અંશ પણ આ મશાલમાં તેલ પૂરી શકે છે. જ્યારે કોઈ આખી મશાલ જ બક્ષવાની વાત કરે તો તો…

જો કે, ભયાનક રીતે દુરાચારના માર્ગે આગળ ધપી રહેલ દેશની વસતિમાં પણ આવી મશાલો છે,  છે, તેવી શ્રધ્ધા છે.

આ અપીલનો પણ યોગ્ય પ્રતિસાદ મળશે તેવી પૂરી શ્રદ્ધા છે.


Contacts:

વિનિમય ટ્રસ્ટ એક રજિસ્ટર્ડ ટ્રસ્ટ છે. (નં. E-12286 Mumbai) ટ્રસ્ટને આર્થિક ટેકો આપવા ઇચ્છતા વાંચકો ઓન લાઈન ટ્રાન્સફર અથવા ચેક દ્વારા રકમ મોકલે તેવી સુવિધા છે. 

ટ્રસ્ટને આપેલ મદદ ઇન્કમ ટેક્ષની ધારા 80 G હેઠળ આવકમાંથી 50% કપાતને પાત્ર છે. વિનિમયનો PAN નંબર AAATV 0451 A . વર્તમાનમાં વિદેશી ચલણમાં દાન નથી સ્વીકારતા તેની નોધ લેવા વીનંતિ

ઓનલાઈન ટ્રાન્સફર અને  NEFT / RTGS માટે વિગત આ મુજબ છે:

Punjab National Bank

A/c No. 1207000100256662

Koparkherana Branch

IFSC Code: PUNB0662700

ચેક Vinimay Trust ના નામે લખવો જરૂરી અને ટ્રસ્ટી શ્રી અતુલ શાહને આ સરનામે મોકલવા વિનંતી.


Atul Shah

Cell : +91. 98207 37479
Avro International,
203-B, Harman Atrium, Plot No 57,
Sector 11, CBD Belapur, NAVI MUMBAI-400 614 (MAHARASHTRA)


Address of Tarun Sadan:

‘Tarun Sadan’, Vinimay Trust.
Plot 21, Sector 23. Near Maheshwarisamajwadi
KOPARKHERANA ( NAVI MUMBAI)-400 709 Maharashtra
Ph: +91 22 27540070 / 9320037479

website : http://vinimaytrust.org/


લેખકસંપર્ક-

રજનીકુમાર પંડ્યા.,
બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો. +91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +91 79-25323711/ ઇ મેલ: rajnikumarp@gmail.com

Author: Web Gurjari

2 thoughts on “લ્યો, આ ચીંધી આંગળી : આ આભ સ્પર્શ્યું ને પાંખો ખરી ગઈ, જુઓ! – એક અનન્ય નિવાસ-તરુણ સદનના જન્મની કથા – (૨)

  1. અમારી સંસ્થા દ્વારા ચલાવવામાં આવતી ટ્રાન્ઝીશન હૉસ્ટૅલ વિશે માહિતી આપતા શ્રી રજનીકુમાર પંડ્યા ના લેખો પ્રકાશિત થયા તે માટે લેખકશ્રી તેમ જ વૅ. ગુ.નો વિનીમય ટ્રસ્ટ તરફથી આભાર. તેઓએ ડૉનેશન માટે પણ ટહેલ નાખી છે. જે વાચક નૅટ બૅન્કીગ દ્વારા ઑનલાઇન ડોનેશન મોકલવાના હોય તેમને વિનંતી કે પૈસા ટ્રાન્સફર કર્યા પછી તુરંત અમને ઈ મેઈલ અથવા વૉટ્સએપ થી જાણ કરે, જેમાં પોતાનુ નામ અને સરનામું, PAN નંબર અને મોકલવાની તારીખ તેમ જ રકમ જણાવે, જેથી અમને રશીદ મોકલવામાં સરળતા રહે.

    વોટ્સઅપ : 9820737479 અથવા 9892076955

    ઇ મેઈલ : info@vinimaytrust.org અથવા prvaidya@gmail.com

Leave a Reply

Your email address will not be published.