લ્યો, આ ચીંધી આંગળી : આ આભ સ્પર્શ્યું ને પાંખો ખરી ગઈ, જુઓ! – એક અનન્ય નિવાસ-તરુણ સદનના જન્મની કથા-૧

રજનીકુમાર પંડ્યા

 “મારા પિતાજી રસ્તામાંથી રદ્દી વીણીને વેચવાનો વ્યવસાય કરતા હતા. માતા વિષે મને કંઇ ખબર નથી. વતન કયું એની જાણ નથી.”

આટલા વાક્યોમાં મળી આપણને લક્ષ્મીનાથ કુબેરનાથ શિંદે નામના એક સજ્જન વિષેની મૂળભૂત જાણકારી.

પણ હવે એનીવધુ વિગતો વાંચો: “મને અને મારી બહેનને કચરાપેટી પાસે બેસાડીને પિતાજી રદ્દી ઉપરાંત કચરો વીણવા જતા. મારી આશરે છ વર્ષની ઉંમર હતી. અને પિતાજીનું અકસ્માતમાં મૃત્યુ થયું. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો. અને અમને એક ડૉક્ટર ચેમ્બુર ચિલ્ડ્રન્સ હોમમાં લઈ ગયા. કેટલાક દિવસ પછી મારી બહેનને ત્યાંથી કોઈ અજાણી જગાએ મોકલી દેવામાં આવી. પછી મને ખબર પડી કે તેને શ્રદ્ધાનંદ મહિલાશ્રમમાં રાખવામાં આવી હતી. બસ, પછી અમે આખા વરસમાં માત્ર રક્ષાબંધનના દિવસે જ એકબીજાનું મોઢું જોવા પામતાં. એ સિવાય યાદ આવે, પણ મળાય નહિં.”

આ વિગતો અહીં કશોય રંગ ભર્યા વિના કેવળ માહિતી તરીકે જ મૂકી છે, પણ પરિસ્થિતિની ભયાનકતાનો અંદાજ એનાથી પૂરેપૂરો આવી શકે છે. પણ કાળા ધબ્બ રંગની જણાતી આ છોકરા લક્ષ્મીનાથની કથામાં હવે રૂપેરી કોર દેખા દે છે. હું એને મળ્યો ત્યારે એ મને કહેતો હતો, “વિનિમય’ના વેંકટ સર,  શ્રીધર સર, વૈદ્ય સર અમારે ત્યાં અવારનવાર આવતા અને અમારી સાથે વાતો કરતા. ઘણી બાબતોમાં અમે તેમનું માર્ગદર્શન લેતા. એ લોકો શું કરે છે એની અમને કશી ખબર ન હતી, પણ તેઓ પાછા જાય ત્યારે અમને બહુ સૂનું લાગતું. આગળ જતાં મેં એસ.એસ.સી.ની પરીક્ષા આપી અને તેમાં પાસ પણ થયો. થોડા સમય પછી ભાભા એટમિક રિસર્ચ સેન્ટરની જાહેરખબર આવી ત્યારે ‘વિનિમય’ના આ વડીલોએ મને બરાબર તૈયારી કરાવી. તેને કારણે ઈન્ટરવ્યૂમાં હું પાસ થઈ ગયો અને મને નોકરી મળી ગઈ. એ પછી તો મારાં લગ્ન થયાં અને આજે મારો દીકરો ચૌદ વર્ષનો છે. ‘વિનિમય’ દ્વારા મને મકાન ખરીદવા માટે લોનની જોગવાઈ પણ કરી આપવામાં આવી. આજે હું જે કંઈ છું એ ‘વિનિમય’ને કારણે. હવે તો હું પોતે સ્વયંસેવક તરીકે તેમને ત્યાં જાઉં છું.”

સીધીસાદી જણાતી આ કેફીયત પરથી એક ખ્યાલ આવશે કે લક્ષ્મીનાથ શિંદેને યોગ્ય સમયે માર્ગદર્શન કે હૂંફ મળ્યાં ન હોત તો તેમનું જીવન વેરવિખેર થઈ જાય એવી તમામ શક્યતાઓ હતી. તમામ નકારાત્મક પરિબળો છતાં તે સાચે માર્ગે ચડી શક્યા અને આગળ વધી શક્યા તેમાં ‘વિનિમય’ના સજ્જનોનો મોટો ફાળો છે.

બીજા એક કિસ્સામાં પાંચ વરસના સમયગાળે લખાયેલા બે પત્રો જોઈએ.

પહેલો પત્ર જાન્યુઆરી ૧૯૯૪ની સાલનો. લખનાર છે પ્રભુપ્રસાદ તાવડે. આ તરુણ સદનને એ લખે છે : ‘તમારા પ્રતાપે મને માંડમાંડ મહારાષ્ટ્ર મેરી ટાઈમ બોર્ડમાં પટાવાળાની નોકરી મળી છે, પણ મને વિચાર આવે છે કે બારસો રૂપિયાના મામૂલી પગારમાં હું બે છેડા ભેગા કેમ કરીશ ? જો કે, સ્વીકારી તો લઉં જ છું. કારણ કે તમે લોકોએ મને થાળે પાડવા બહુ દાખડો કર્યો હતો. ને બીજી વાત એ કે શા માટે આ નોકરીનેય હાથથી જવા દઉં? નોકરી વગર તો બીજું કરવુંય શું ? મને આવડેય શું ?’

(સહભોજનનો આનંદ)

બીજો પત્ર માર્ચ ૧૯૯૯ની સાલનો. લખનાર એ જ છોકરો. પત્ર મેળવનાર પણ એ જ સંસ્થા. આમ તો ન માનવાજોગ વાત, પણ એ સંસ્થાના કર્તાહર્તા અતુલ શાહ અને વ્યંકટભાઈએ મને બતાવ્યો. માનવું પડ્યું. પ્રભુપ્રસાદ લખતો હતો : ‘શિપિંગ કંપનીમાં મને માસિક રૂપિયા આડત્રીસ હજારના પગારે ડેક-હેન્ડ તરીકે નોકરી મળી છે. આને માટે મારો કોઈ પુરુષાર્થ નહીં, પણ મમતા સદનની મારા પ્રત્યેની માયા જ જવાબદાર છે. મારે સગાં મા-બાપ હોત તો મને મેરીટાઈમ બોર્ડની પટાવાળાની નોકરીમાંથી જ ઉંચો આવવા દેત કે કેમ એ શંકા છે, પણ તમે (એટલે કે અતુલભાઈ), ક્રિષ્ણન અંકલ, પદમનાભન અંકલ અને વેંકટ અંકલ ઉપરાંત બીજા સૌએ હું જ્યારે મેરીટાઈમ બોર્ડની નોકરીમાં અજંપો અનુભવતો હતો ત્યારે એમ ન વિચાર્યું કે મારામાં જ કાંઈક ખામી છે. બલકે એમ વિચાર્યું કે આ છોકરો કંઈક વધુ ઊંચું કામ કરવાને લાયક છે. એથી કરીને તમે મને માંડમાંડ અપાવેલી એ નોકરી છોડાવીને શીપ ડેક-હેન્ડની તાલીમ લેવા જવા માટે લોન આપી. તમે મને આ ઈન્જેક્શન ન આપ્યું હોત તો મને આ જંગી પગારની નોકરી મળત? બોલો,  હું તરુણ સદન માટે શું કરી શકું ? લિ. તમારો પ્રભુપ્રસાદ .”

જવાબમાં તરુણસદનના જ એક કાર્યકર વેંકટરામને એને લખ્યું : “તારા સવાલના જવાબમાં તને એટલું ચીંધું કે તારા જેવા બીજા અનેક છોકરાઓ છે, તું બીજું કાંઇ ના કર. બસ, એમનું ધ્યાન રાખવામાં તું અમને સહકાર આપ. જરૂરી નથી કે એ નાણાકીય મદદના રૂપમાં હોય. નાણાંની મદદ માટે તો અમારી નજર સમાજના એવા લોકો ભણી છે કે જે અમારા આ કામનું માનવીય મૂલ્ય સમજે છે. એમનું આના ભણી ધ્યાન દોરાય એટલે અમારે પછી કાંઈ કહેવું નહીં પડે. દરેકના દિલમાં એક એન્ટેના, એરિયલ પડ્યું જ હોય છે. માત્ર એની પાસે એ લોકો કઈ ચૅનલ, કયું બૅન્ડ, કઈ વેવલેંગ્થ પકડાવે છે એ જ સવાલ છે, માટે એ ચિંતા ન કરીશ. તું એટલું કરજે, બેટા કે એવા છોકરાઓને થાળે પાડવામાં તું મદદરૂપ થજે. એમ જ માનજે કે આ સંસ્થા કોઇ સંસ્થા નથી, તારો અસલી માળો છે, જેમાંથી ઊડીને તું આકાશની સફરે નીકળ્યો છે.”

નવી મુંબઇના કોપરખેરાનેમાં આવેલી આ સંસ્થા ‘તરુણસદન’ની મારી મુલાકાત વેળા આ પત્ર હું વાંચતો હતો,  ત્યારે એ ૨૨મી એપ્રિલ, ૨૦૦૦ના દિવસે મને ત્યાં ખેંચી લાવનાર મુંબઈના મારા વાચક (હવે તો સ્વ.) ડી.પી. કોટકની આંખમાં ઝળઝળિયાં હતાં. તેમની મના છે,  એટલે તેમના અને તેમના વાચનરસિયાં વયોવૃદ્ધ પત્ની દમયંતીબહેનને માથે થયેલાં અંગત વજ્રાઘાતની વાત લખવા આંગળા સળવળવાં છતાં એના ઉપર લગામ નાખી દઉં છું, પણ એક પ્રચંડ આઘાતે તેમને મતિમૂઢ નથી બનાવી દીધાં. બલકે કરુણામતિ બનાવી દીધાં છે. એ પત્ર મારા હાથમાંથી લઈને તેમણે ચશ્માં ચડાવીને ફરી વાંચ્યો અને એક જબરો નિઃસાસો નાંખ્યો. સંધાનોની લીલા ઈશાન-નૈઋત્યે ચમકતી વીજરેખા જેવી હોય છે – એ તરત જ સામે ખૂણે દોડી ગઈ. આવા તો કંઈ કેટલાય નોંધારાં બાળકો એમને પોતાનાં લાગ્યાં હશે. એમણે ઝળઝળિયાં લૂછી નાખ્યાં અને સ્મિતરેખા ચમકાવી. આ આખી લીલા એક ક્ષણાર્ધમાં પૂરી થઈ.

(સંસ્થાના એક હોદ્દેદાર અતુલ શાહ સાથે લેખક રજનીકુમાર)

એ ક્ષણે મને એક વિચાર આવ્યો. આઘાતને સ્થિરબુદ્ધિ કરીને પચાવી જવો એ તો સ્થિતપ્રજ્ઞતા, એ વાત સાચી, પણ પોતાના આઘાતની ભૂમિ પર કોઈ ઠેર ઠેર ભટકીને તરસ્યાની તરસ ઠારવા વાવ ગળાવવી એ કઈ પ્રજ્ઞતા?  

‘સરકારને આપણે ટૅક્સ આપણા એકલા માટે નથી આપતા. પરંતુ સામાજિક જવાબદારી નિભાવવા પણ આપીએ છીએ. આવા સ્ટેશન પરથી મળી આવતાં, રખડતાં–ભટકતાં પરિવાર-ભંગાણના શિકાર, આડી લતે ચડેલા છોકરાઓને સાચવવાની જવાબદારી સરકારની છે.’

‘નથી?’

‘છે.‘

‘અરે એવા છોકરાઓને સાચવવા માટે સરકારે ‘ચાઈલ્ડ વેલફેર ઈન્સ્ટીટ્યૂશન’ની સ્થાપનાઓ કરી છે – મહારાષ્ટ્રમાં તો એવી કંઈ કેટલીય ઈન્સ્ટીટ્યૂશન્સ છે એને અંગ્રેજીમાં ‘સી.ડબલ્યુ.આઈ.’ના ટૂંકા નામે ઓળખવામાં આવે છે. અરે, આપણા ચેમ્બુરમાં જ એક છે તો – ખરું ? કેમ ભૂલી ગયા ? ચેમ્બુર ચિલ્ડ્રન્સ હોમ નથી ?’

‘છે.’

આવા સંવાદો ઘણી વાર સંવાદો પૂરા થઈ જાય, પણ આપણા મનનો કેડો છોડતા નથી. વાર્તાનો ‘ધ ઍન્ડ’ આવી જાય પછી જ રૂપેરી પરદા ઉપરના કાળાં  ધાબાં, જો આપણે લૂગડાં ખંખેરીને ચાલતા ન થઈ ગયા હોઈએ તો દેખાય છે. જરૂર ત્યાં કેવળ ક્ષણભર ઉભા રહેવાની હોય છે.

પ્રશ્નો કદી જંપતા નથી. જંપવા દેતા નથી. એમ ઉપલા સંવાદોનું પણ. એવા સંવાદોમાંથી જ આ વિનિમય ટ્રસ્ટની સ્થાપના થઇ.

**** **** ****

હા, છેક ૧૯૭૦ના પાછલાં વર્ષોમાં કે ૧૯૮૦ની શરૂઆતનાં વર્ષોમાં થોડા મિત્રો વચ્ચે આવા સંવાદો થયા હતા. થયા હતા જરૂર, પણ શમી નહોતા ગયા. એક તિખારો પેદા કરવા માટે એ પૂરતા હતા.

તિખારો શેનો ? એ, એ વાતનો કે સરકારી સંસ્થા, ચાઈલ્ડ વેલફેર ઈન્સ્ટીટ્યૂટસ આવા વંચિત, અનપ્રિવિલેજ્ડ કે અંડર પ્રિવિલેજ્ડ ચિલ્ડ્રનને લાવે છે તો ખરી, આશરો આપે છે, ભણતર પણ આપે છે. ખાવા-પીવાનું આપે છે. પણ ક્યાં લાગી ? ક્યાં લગી ? એમની ઉંમરના કયા તબક્કા સુધી ?

સરકારના કાયદા મુજબ બસ, છોકરાની અઢાર વર્ષની ઉંમર લગી જ.–અઢાર વર્ષની ઉંમર પછી એ સંસ્થા માટે એ નિવાસી પરાયો બની જાય છે. એનો અંતેવાસી નથી રહેતો. હકીકતમાં વિચાર કરો તો અઢાર વર્ષ એ તો માનવબાળને માટે પાંખો ફૂટવાની ઉંમર ! પાંખો ફૂટ્યા પછી પક્ષીનું બચ્ચું તરત ઊડતું નથી, ઉડી નથી શક્તું.– પણ એને શિખવાડવું પડે છે. થોડાંક ઉડ્ડયન એને એની મા શિખવાડે, ચારો ચરતાં શિખવાડે, સાવધ રહેતાં શિખવાડે ને પછી આ અફાટ સંસારમાં એને એના ભરોસે છોડી દે. જ્યારે અઢાર વર્ષની ઉંમરના કોઈ બાળકનાં મા-બાપ એકસામટાં ગુજરી જાય ત્યારે આપણાં મોંમાથી ચચકારો નીકળી જાય છે : ‘અરેરે, અત્યારે જ એને મા-બાપની ખરી જરૂર હતી અને અત્યારે જ એણે એમને ખોયાં !’

મારા મિત્ર કવિ હરકિસન જોશીનો પેલો શેર-  

‘કામ આવી ન એ ઉડ્ડયનની તલપ,
આભ સ્પર્શ્યું ને પાંખો ખરી ગઈ, જુઓ.’

પણ આ વિચાર કોઇ એકલદોકલ વ્યક્તિને આવે, પણ સરકારને નહીં, કારણ કે સરકાર પાસે હાથ છે. લાંબા છે. સમર્થ અને ભાડે રાખેલી બુદ્ધિવાનોની ફોજ પણ છે.. પણ, આવા કામમાં થોડાં દ્રવતાં હૃદયનો મશવરો લેવાની કોઈ જોગવાઈ નથી. એટલે અઢાર વર્ષની ઉપરના છોકરા કે છોકરીના પછી શા હાલ થાય છે તે તપાસવાની તો ઠીક, પણ એનો વિચાર કરવાની પણ કોઈ પેરવી નથી – એટલે પછી શું થાય છે ?

એ ચાઇલ્ડ વેલ્ફેર સેન્ટરની બહાર ફેંકાઇ ગયા પછી એ ઓગણીસમા વર્ષમાં પ્રવેશની સવારે એકાએક નિરાધાર, અનાથ નોંધારા બની જાય છે.– હવે એની સામે રાતોરાત અનેક પ્રશ્નો ખડા થઇ ગયા. અધૂરો અભ્યાસ પૂરો કરવા માટે હવે શું કરવું? રોજી કોણ આપે ? રહેવું ક્યાં ? ખાવું ક્યાં ? લાગણીઓને એ સમયે ફૂટતી નવીનવી સરવાણીઓને ખોબામાં કોણ ઝીલે ? એના સંવેદનાસભર ચિત્તમાં જ ઘોષ જાગે છે, પણ એને પ્રતિઘોષ કોણ આપે ? બે હથેળીઓના સંપુટમાંથી ફેંકાઇને એ એકાએક આ દુનિયાના ગરમગરમ દઝાડતા તવા ઉપર આવી પડે છે – બાળક આ ઉંમરે સાવ અણસમજુ પણ ન હોય. સત્તરમા વર્ષની સવારથી જ એ પોતાના આવા કપરા આવનારા દિવસોના કાઉન્ટ ડાઉન શરૂ કરવા માંડે છે. એ વસ્તુ પણ એના મનમાં અસલામતીના, ભયભીતતાના અને એમાંથી માર્ગ કાઢવાની છૂપી, પ્રચ્છન્ન માનસિક કાર્રવાઈરૂપે  વિદ્રોહના, બળવાના, આક્રોશના બીજ રોપે છે – પરંતુ આ આક્રોશને બહારની દુનિયામાં ગયા પછી એને ઠારનાર જળશીકરો મળવાની તો કોઈ જ સંભાવના નથી, એને બદલે  ગુનાખોરીની દુનિયાની જામગરીઓ ચંપાવાની જ પૂરી શક્યતા! આ દેશમાં અત્યારે પવન પણ એને ભડકાવે તેવો જ ફુંકાઈ રહ્યો છે. અંજામ સાફ છે. જેમનું બચપણ ભયંકર રીતે દાઝેલું હતું, તેવાઓની કિશોરાવસ્થા તો કદાચ સચવાઈ ગઈ હશે, પણ તરુણાવસ્થા અને યુવાવસ્થા ફરી વાર આગની લપેટમાં જઈ પડે છે અને પછી એમાંથી બહાર પડે ગુન્હાખોરીની દુનિયાના જ ચટ્ટાબટ્ટા. ગુનાખોરીની દુનિયાની દરેક દરેક ઈંટોને તપાસજો, ટકોરા મારજો, એને ભાંગીને હથેળીમાં લઈ જોજો – આવી જ માટીના થર નીકળશે.

**** **** ****

જે મિત્રો  ઉપર લખી તેવી ચર્ચા કરતા હતા તેમના મનમાં આવી વાતોથી એક તિખારો પેદા થઈ ગયો. એ થોડા મિત્રોમાં એક વેંકટરામન હતા. જે ભાભા ઍટમિક રિસર્ચ સેન્ટરમાં સાયન્ટિસ્ટ હતા. એક પદ્મનાભન હતા, ડૉ. ડી. ક્રિષ્ણન, પરેશ ર. વૈદ્ય હતા, એલ. શ્રીધર હતા, એમ સુંદરેસન અને એક એડ્વોકેટ મોહન ઠક્કર હતા. ભાઈ કિરણ માંકડ પણ ખરા. આ બધા જ મોટા ભાગે ભાભા ઍટમિક રિસર્ચ સેન્ટર સાથે સંકળાયેલા હતા. વૈજ્ઞનિકો હતા. તેમના મનમાં સમાજને બીજા બહેતર સ્વરૂપમાં પરત કરવાની વાત રમતી હતી. એ લોકોએ ભેગા થઈને ૧૯૮૦ની સાલમાં દાંડીકૂચની ગોલ્ડન જ્યુબિલી ઊજવવા માટે દાંડીયાત્રાની ભજવણી કરી.(એને એક શૉના રુપમાં રી-કન્સ્ટ્રક્ટ કરી ). મતલબ કે એવી રીતે એક સ્થળેથી બીજા સ્થળ સુધીની દાંડીયાત્રા ભજવી. પી. આર. વૈદ્યે ગ્રુપનું નામકરણ ‘વિનિમય’ પણ કરી રાખ્યું હતું. સમાજ પાસેથી કંઈક શીખીને સમાજને કંઈક જ્ઞાન, સલાહ, સેવાના રૂપમાં આપવાની વાત હતી.

પણ દાંડીકૂચની ભજવણી પછી સૌ ફરી પોતપોતાનાં નોકરી-ધંધામાં ગોઠવાઈ ગયા. કારણ કે એમની પાસે એ વખતે તો કોઇ દિશા નહોતી. સેવાભાવના તો  હતી, પણ એની સરવાણી કઈ તરફ વાળવી એ સૂઝતું ન હતું. એમ તો સેવા માટે રક્ત્તપિત્ત, મંદબુદ્ધિ, અનાથો, ભિખારીઓ એવાં અનેક મેદાનો હતાં, પણ એ બધામાં કંઈ ને કંઈ કામ થતું જ હતું. પરંતુ આ દોસ્તોની ટોળીને તો એવું કોઈ ક્ષેત્ર જોઈતું હતું, જે વણખેડાયેલું હોય.

એ જ અરસામાં ચેમ્બુરના ડો. કે. વી. નારાયણે એ બધાને ચેમ્બુર ચિલ્ડ્રન્સ હોમનો પરિચય કરાવ્યો. કહ્યું કે બીજું કંઈ તો નહીં, પણ તમે આ અહીં આશરો લેતાં બાળકોને ભણાવવાનું કામ કરો. એમાંનાં ઘણાં બાળકો રખડતાં, ભટકતાં હતાં કે મા કે બાપમાંથી એકના ત્રાસને કારણે ભાંગેલા પરિવારમાંથી આવતાં હતાં. એ બધાં શાપિત બાળકો હતાં, જેમના કપાળે વ્યવસ્થિત પરિવારજીવન લખાયેલું નહોતું. ચિલ્ડ્રન હોમ કે જે મહારાષ્ટ્ર સરકાર ચલાવે છે તેમાં ભણતર અને ગણતરની પાંખી સુવિધા હોય. તમે એની ક્ષતિપૂર્તિ કરો. તેમને પદ્ધતિસર ટ્યૂશન આપી તેમની શક્તિઓ, જિજ્ઞાસા અને સભાનતાને સંકોરો. આ વાત આ મંડળીને જચી. તેમણે એ શરૂ પણ કર્યું, પણ એમ કરવા જતાં તેમને પોતાને એ સપાટી નીચે જે ભયાનકતા જોવા મળી તે શી હતી ?

**** **** ****

સપાટી પરનાં દૃશ્યો એવા હતા કે બસ, આ સમાજથી, પરિવારથી અને નોર્મલ વાતાવરણથી વિછોડાયેલા છોકરાં છે. તેમને ભણાવવાથી કામ સરી જશે. હા, ભણવું એ જ દુનિયામાં એક માત્ર તારી નાખનારી વસ્તુ છે. વાત તો સાચી.

પણ ના, એની નીચેનાં દૃશ્યો બહુ બિહામણાં હતાં. અઢાર વર્ષ થયા પછી આ ચિલ્ડ્રન વેલ્ફેર ઈન્સ્ટીટ્યૂટમાંથી રાતોરાત બેઆશરા, નિરાધાર થઈને બહાર પડનારા મનદીપને એક જગ્યાએ એના મામૂલી ભણતરને આધારે નોકરી તો મળી, પણ એ જલદી હાથમાંથી સરી ગઈ ? કારણ શું ? એણે કાંઈ ગરબડ કરી હતી?  એને કોઈ ટેવ-કુટેવ હતી ? ના, ના, ના. કારણ સાદું હતું. એને ટેલિફોન – સંદેશા જે ઑફિસમાં રોજના સેંકડો આવતા હતા તે રિસિવ કરતાં, એટલે કે સાંભળીને એના યોગ્ય જવાબો આપતાં, કે એ સંદેશો નોંધતા નહોતું આવડતું. એ આ બહારની દુનિયા જોઈને ડઘાઈ ગયો હતો. બીજો એક અબ્બાસ આવો જ છોકરો હતો. એના બાપે એની માને તલ્લાક આપ્યા હતા અને જિદ્દાહ ચાલ્યો ગયો હતો. માએ પણ નવો ખાવિંદ કર્યો, જે અબ્બાસને સખત મારઝૂડ કરતો હતો – અબ્બાસને સ્ટેશન પર રખડતી, ભટકતી હાલતમાં પોલીસવાળા લઈ આવ્યા હતા. એને ઘેર પહોંચાડવાની વાત કરી, ત્યારે એ એનો ભયંકર રીતે, ટાંટિયા પછાડી પછાડીને એનો વિરોધ કરતો હતો. કારણ કે ઘરે જઇને પાછો એને સાવકા બાપના હાથનો માર ખાવો નહોતો. એ કરતાં તો એને મન તો રેલ્વે સ્ટેશનવાળી રખડતી-ભટકતી જિંદગી જ બહેતર હતી. આ થઈ એના તાજા ભૂતકાળની વાત.

એ પછી શું થયું ?

અબ્બાસને પછી આ ચિલ્ડ્રન્સ હોમમાં પહોંચાડવામાં આવ્યો ત્યારે એની ઉંમર અગિયાર વર્ષની હતી. અઢાર વર્ષની ઉપર લગીમાં એના મનમાં પડેલા ઘુંઘવાટ ઉપર શાળાકીય શિક્ષણનો ‘વરખ’ ચોટાડવામાં આવ્યો. કમ-સે-કમ ચપરાશીની નોકરી મળે એવી શૈક્ષણિક લાયકાત એને મળી. ત્યાં અચાનક જ અઢાર વર્ષનું ફાટક, એની એ દિશાની દોટની આડે આવ્યું. એને કાયદા મુજબ આ ‘હોમ’ની બહાર જવાનું આવ્યું. એને એક જગ્યાએ નોકરી મળી પણ ખરી, પહેલે દિવસે એણે માંડ માંડ કામ કર્યું, પણ બીજે, ત્રીજે દિવસે એને ઓફિસના કાચના ભવ્ય પ્રવેશદ્વારમાં પ્રવેશતાં કોઈ અજાણ ભય ઘેરી વળ્યો અને એમાં પ્રવેશ કરતાં જ ન આવડ્યું અને એ પાછો વળી જઈને સ્ટેશનને બાંકડે જઈને સૂઈ ગયો –પણ ચિલ્ડ્રન્સ હોમમાં તો હવે એને માટે પ્રવેશ નહોતો. હવે સરકારી વ્યાખ્યા મુજબ ચાઇલ્ડની વ્યાખ્યામાં આવતો નહોતો. એટલે ચિલ્ડ્રન્સ હોમમાંથી સામાન લઇ જવા પાછો આવ્યો ત્યારે વેંકટરામન અને એમના મિત્રો, કે જે અહીં ભણાવવા આવતા હતા તેમણે એને રડી રડીને સૂઝી ગયેલી આંખોવાળો જોયો. પરિસ્થિતિ જાણી ત્યારે એ લોકોને સમજાયું કે લાગણીની, હિંમતની, હૂંફ અને વડીલાઈની કોઈ છત્રીની જરૂર તો સાચોસાચ ‘હવે જ’ આવા છોકરાઓને છે.

આવા તો અનેક કિસ્સા હતા. કોઈ છોકરો સામાન્ય સમાજમાં ભળવાને લાયક નહોતો બનતો, સરકારી ચિલ્ડ્રન્સ હોમમાંથી બધાને જાણે કે સુંદર મેકઅપ સાથે સ્ટેજ પર ધકેલી દેવામાં આવતા હતા. પણ એમને પાત્ર ભજવવાની જીગર આપવામાં આવતી નહોતી. અરે, સામે પણ બીજાં ડારી નાખનારાં પાત્રો આવશે ને ધડાધડ ડાયલોગ્સ ફેંકશે ત્યારે તમારે શું કરવાનું, કેમ વર્તવાનું, કેમ પેશ આવવાનું એવી તો કોઈ સમજણ જ એમને મળતી નહોતી, રસોઈની પરિભાષામાં કહીએ તો જાણે હજુ ચડી નહોતી ત્યાં જ ખીચડીને ચૂલા પરથી ઉતારી મૂકવામાં આવી અને સમાજની થાળીમાં પીરસવામાં આવી હતી. એનું સ્થાન પછી ઉકરડા સિવાય ક્યાંય નહોતું.

ત્યારે એ નવા સ્થપાયેલા વિનિમય ગ્રુપને સમજાયું કે ખરેખરું કરવાનું કામ એ ટ્યૂશન આપવાનું નથી – એ તો કોઈ પણ ધંધાદારી શિક્ષક કરી શકે, પણ ખરેખરું કરવાનું કામ તો બચ્ચું માળામાંથી બહાર પડે, ને નબળી પાંખોને કારણે ભૂમિ પર પટકાય તે પહેલાં એને ઝીલી લેવાનું, થોડો વખત માટે પણ નવો માળો, નવી હિંમત, નવી સમજણ, નવી તાલીમ આપવાનું હતું. નોર્મલ કુટુંબમાં ઉછરતાં બાળકો માટે પણ આ વય ભારે નિર્ણાયક હોય છે કટોકટીભરી, લપસણી અને લાગણીઓના આક્રમણવાળી હોય છે ત્યારે આવા તીવ્ર રીતે આંદોલિત, ભૂકંપિત, સંજોગોમાંથી પસાર થયેલા અને લાગણીઓના જગતમાંથી એકાએક બહાર ફેંકાઈ જતા છોકરા (છોકરીઓ માટે પણ) તો એવી હૂંફ, આશરો,  ટેકો લાઈફ-સેવિંગ ડ્રગ જેવી ટ્રીટમેન્ટ જ ગણાય. અનિવાર્ય અને અનિવાર્ય જ.

એ લોકોની આ રીતે જ્યારે આંખ ખૂલી ત્યાં સુધીમાં થોડા બીજા મિત્રો પણ એમની સંગે જોડાયા હતા. થોડા વધ્યા એટલે એમાંથી સંઘ બનતો ગયો. આ બધાં ભેગાં મળીને અત્યાર લગી ટ્યૂશન ઉપરાંત સ્લાઈડ શૉ, નાનાં મોટાં પ્રદર્શનો ઈત્યાદિ જેવી પ્રવૃત્તિઓ બાળકોને કરાવતા હતા, પણ પેલા બે-ત્રણ કિસ્સાઓ જોયા પછી એમને સમજાયું કે આ બધી મોજમજા કરાવવાની અને સાથે થોડું જ્ઞાન પીરસવાની વાતો હતી એ સાચું, પણ આ છોકરાઓને વધુ જરૂર તો હતી સામાજિકતાની, સામાજિક ઈન્ટર – એક્શનની અને વિશાળ દુનિયામાં એ બંધબેસતા આવે એવા ઘડતરની.

(ગાંધી મેમોરિયલની મુલાકાતે તરુણસદનના સભ્યો)

એટલે પછી એમણે ‘ગપ્પાંગોષ્ઠી’ નામનો કાર્યક્રમ ઘડી કાઢ્યો. આ બધાં છોકરાઓને નિયમિત સમયે એકઠા કરીને એમની સાથે ફિલ્મ, ટી.વી. ક્રિકેટ, રાજકારણથી માંડીને એટમબૉમ્બ અને એથી નીચે ઊતરીને એમના અંગત પ્રશ્નોની છૂટથી ચર્ચા કરવાનો કાર્યક્રમ રાખ્યો. અત્યંત નવાઈ વચ્ચે એને જબરી લોકપ્રિયતા સાંપડી. ‘ચિલ્ડ્રન વેલ્ફેર ઈન્સ્ટીટ્યૂટ’નું વાતાવરણ યાંત્રિક, સૂક્કું હતું. તેના બદલે અહીં એકદમ રસાળ, પાકું નામ મળ્યું વિનિમય ગ્રુપ. એ વિનિમય ગ્રુપના સભ્યોની પછવાડે આ છોકરાઓ એવી રીતે ઘુમરાતા હતા જાણે કે મરઘી પછવાડે એનાં બચ્ચાં ! અને આમાંથી જન્મ થયો એક એવા ઘટાદાર વૃક્ષનો, જે ગપ્પાં-ગોષ્ઠિમાંથી જન્મ્યું હતું, પણ ગપ્પાં કરતાં એક ગ્રામ જેવું વિશેષ હતું.-‘છોટા સા ઘર હોગા બાદલો કી છાંવમેં, આશા દીવાની મનમેં બાંસુરી બજાય’ જુની ફિલ્મ ‘નૌકરી’ના એ મીઠા ગીતની યાદ અપાવે તેવું. એમાં અઢારથી બાવીસ વર્ષની વય સુધીના તરુણોને પૂરું અવલંબન એટલે કે સપોર્ટ મળે એવા કોઇ નિવાસની એ પરિકલ્પના હતી.

નિવાસના આ સ્વપ્નને સાકાર કરવાના વિચારમાંથી જન્મ થયો આજના વિનિમય ટ્રસ્ટનો અને તરુણસદન નામે અનોખા નિવાસનો. એ જન્મની યાત્રા પણ ભારે રસપ્રદ છે, જે હવે આવતા સપ્તાહે, આગલા હપ્તામાં, એના સરનામા સાથે.


(વધુ આવતા સપ્તાહે)


લેખકસંપર્ક-

રજનીકુમાર પંડ્યા.,
બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો. +91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +91 79-25323711/ ઇ મેલ: rajnikumarp@gmail.com

Author: Web Gurjari

9 thoughts on “લ્યો, આ ચીંધી આંગળી : આ આભ સ્પર્શ્યું ને પાંખો ખરી ગઈ, જુઓ! – એક અનન્ય નિવાસ-તરુણ સદનના જન્મની કથા-૧

 1. આદરણીય શ્રી રજનીકુમાર પંડ્યા, દુર્ગેશ ઓઝાના પ્રણામ. ‘તરુણસદન’ની સેવાપરાયણતા અંગેનો, અનેક બાળકોની વિષમ પરિસ્થિતિમાંથી મુક્તિ અને પ્રગતિ વિશેનો તમારો આ લેખ પ્રેરક. આવાં સારાં લેખો ને કાર્યો સમાજને નવો રાહ ચીંધે છે ને સેવાની ચાનક ચડાવે છે. રજનીકુમારજી, સંસ્થા અને આવા પગભર થયેલા બાળકોને અભિનંદન.

 2. વાડ વિના વેલો ના ચડી શકે એ કહેવત મુજબ નબળી પરિસ્થતિ વાળા કુમળા વેલા ને યોગ્ય માવજત થકી કેડી કંડારી રાહબર બની પગભર કરવા નું ઉમદા કાર્ય તરુણ સદન દ્વારા થાય છે સુંદર સમાજ સેવા.
  આદરણીય રજનીભાઇ સાહેબ દ્વારા પણ આવુજ ઉમદા કાર્ય દુનિયા ના મેળા માંથી આવી સત્ય હકીકત શોધી ગોતી તેને વાર્તા માં વણી સમાજ સમક્ષ મૂકી આંગળી ચીંધવા નું અમૂલ્ય કાર્ય.

 3. તમારી વાત પાયાની છે, મુદ્દો બહુ સંવેદનશીલ છે. અચાનક આમ બહાર ધકેલાઈ જતા બાળકો ગુનાખોરીમાં ન પ્રવેશે તો જ નવાઈ. આની ઉપર બધાએ વિચારવું જોઈએ .

 4. “આ આભ સ્પર્શ્યું ને પાંખો ખરી ગઈ'” સરસ મથાળા સાથે આ લેખ એક ઉમદા કાર્યની જાણકારી આપે છે.
  આભાર. સરયૂ પરીખ

 5. ખૂબ સચોટ વાત લખી..
  ઉડાન સમયે પાંખો ને પેરાલીસીસ થાય તો કેવી વરવી વાસ્તવિકતા ઉભી થાય.. આવું ન થાય તે માટે ના “તરૂણ સદન” ના પ્રયત્નો સરાહનીય છે.. તે ના ઉમદા પ્રયત્નો માં આપનુ આકાર્ય બ્રુસ્ટાર ની ગરજ પુરી પાડે છે.. ગમ્યું

 6. કદાચ આને જ પાયાનું કામ કહેવાતું હશે.ખૂબ જ અઘરું કામ.દરેક વ્યક્તિની જો ફરજ સમજે તો જ આ મુશ્કેલી ઓછી થાય.આ સંસ્થાઓના બધા સભ્યો ને વંદન.

 7. એક બીજાને મદદ કરવાથી જ સમાજનું સ્થર ઊંચું આવે છે.

Leave a Reply

Your email address will not be published.