યૂં હી ચલતે ચલે મુસ્કુરાતે હુએ… : કિશોર કુમારે ગાયેલાં રોશનનાં ગીતો

– મૌલિકા દેરાસરી

મસ્તમૌલા ગાયક કિશોરકુમારના અલગ અલગ સંગીતકારો સાથે  સંગીતબદ્ધ થયેલા ગીતોની સફર કરી રહ્યા છીએ આપણે. સફરમાં આજે સાથ આપશે એક અત્યંત પ્રતિભાશાળી હસ્તી અર્થાત્ રોશનલાલ નાગરથ, જેઓ સંગીતની દુનિયામાં જાણીતા છે- સંગીતકાર રોશનના નામે.

કિશોરકુમાર વિશે તો આપણે સફરમાં અઢળક વાતો કરી છે. આજે વાત કરીએ લખનઉની મેરિસ કોલેજ ઓફ મ્યુઝિકમાં ગ્રેજ્યુએટ થયેલા રોશનજી વિષે. સંગીતની દુનિયામાં તો તેઓ ઘણા વહેલા આવી ચૂક્યા હતા પણ ફિલ્મી દુનિયામાં આવ્યા ત્યારે ઉંમરના ૩૦ વર્ષ તો વટાવી ચૂક્યા હતા. આવનારા ૨૦ વર્ષ પછી તો મૃત્યુ તેમને આંબી જવાનું હતું.

તો શું થયું! પ્રતિભા કંઈ ઉંમરની મોહતાજ નથી હોતી, આ વાત સાબિત કરનારા ખરાં કલાકારોમાં એક નામ રોશનજીનું પણ મૂકી શકાય.

વર્ષ ૧૯૪૮ માં તેમણે ફિલ્મી દુનિયામાં કદમ રાખ્યા અને ૧૯૪૯માં તેમના સંગીત નિર્દેશનમાં પ્રથમ ફિલ્મ આવી – નેકી ઔર બદી. ફિલ્મ ભલે ફ્લોપ રહી પણ રોશનજીના સંગીતની રોશની છૂપી ના રહી.  બીજી જ ફિલ્મ- બાવરે નૈન, જેમાં તેમના સંગીતની નોંધ દુનિયાએ લેવી જ પડી!

રોશન ઘણાં વાદ્યોનું જ્ઞાન ધરાવતા એક પ્રયોગશીલ સંગીતકાર હતા. તેમના ઘણા ગીતોમાં મુખડા અને અંતરાનો લય અલગ અલગ સાંભળવા મળે છે. આ પ્રયોગ રોશને પહેલીવાર કર્યો હતો બાંવરે નૈનમાં, પણ એની નોંધ વર્ષો પછી લેવાઈ.

 હા…શરૂઆતનો ૧૯૫૦નો દાયકો રોશનજીની કારકિર્દી માટે નોંધપાત્ર ખરો પણ ખરી સફળતાનો તબક્કો હતો ૧૯૬૦નો દાયકો.

ફિલ્મ – બરસાત કી રાત રિલીઝ થઈ અને રાતોરાત રોશન નામનો સિતારો એકદમ રોશનીમાં આવી ગયો. આ વર્ષો દરમ્યાન એમના એવા ઘણાં ગીતો આવ્યા, જે અવિસ્મરણીય બની ગયા.

ખેર… બાત નીકલેગી તો બડી દૂર તલક જાયેગી….

પણ… આપણે વાત કરવાની છે રોશનજીની કિશોરકુમાર સાથેની સંગીતની સફરની.

સંગીતની દુનિયામાં કિશોરકુમાર અને રોશન સાથે આવ્યા વર્ષ ૧૯૫૩માં, માલકિન નામની ફિલ્મ લઈને. નૂતન અને સજ્જનને મુખ્ય કલાકારો તરીકે લઈને આવેલી આ ફિલ્મના રાજીંદર કૃષ્ણ રચિત ગીતો પણ મજાના હતા. ફિલ્મની બીજી એક ખાસ વાત પણ જાણવા જેવી છે. આ જ ફિલ્મમાં કિશોરકુમારે મુહમ્મદ રફી અને મુકેશ બંને સાથે પોતાનું સૌથી પ્રથમ યુગલ ગીત ગાયું હતું. આ બંને ગીતોમાં ત્રીજો સ્વર હતો રામ કમલાણીનો.

આ ગીત આવ્યું અને ખુશનસીબે આપણને મળ્યો કિશોરકુમાર સાથે મુકેશનો સ્વર –

ખુશનસીબ હોગા ના હમસા જહાં મેં..

કિશોરકુમાર સાથે મુહમ્મદ રફી અને રામ કમલાણીએ એક અનોખી લડાઈ સૂરોમાં અભિવ્યક્ત કરી.

ભાઈ ધોતી ઔર પટલૂન મેં એક દિન હુઈ લડાઈ..

કિશોરકુમાર સાથે મુહમ્મદ રફીનું એક ઓર ગીત શીખવે છે, જિંદગીમાં સંભાળીને ચાલવાનું –

કહીં સે ઊંચી કહીં સે નીચી સડક ઝમાને કી…

આ બધા ગીતો સાંભળશો ત્યારે એની બીજી એક ખાસિયત પણ તમને જાણવા મળશે. તમામ ગીતો હળવા અને રમૂજી મૂડમાં ગવાયેલા ગીત છે, જે રોશનના સંગીત નિર્દેશનમાં બહુ ભાગ્યે જ સાંભળવા મળે છે.

કિશોરકુમાર અને આશા ભોંસલેના યુગલ સ્વરમાં એવા પ્રેમની વાત, જે એક પળમાં જિંદગી બદલી શકે છે.

ઓ પિયા મેરા ભોલા જીયા, કાહે તુને લિયા…

વર્ષ ૧૯૫૩ની જ બીજી ફિલ્મ હતી, માશૂકા. શૈલેન્દ્ર રચિત ગીત હતા આ ફિલ્મમાં.

કિશોરકુમાર સાથે મીના કપૂરનું પ્રેમની ગલીઓમાં ખોવાઈ જઈને ગવાયેલું એક દિલકશ ગીત, જેમાં કિશોરદાનું પેટન્ટ સમાન યોડલિંગ પણ સાંભળવા મળે છે

યે સમા, હમ તુમ જવાં..

કહ દો તો દિલ તડપ જાયે.

એ પછી ૧૯૫૨માં આવી ફિલ્મ શીશમ.

કિશોરકુમારના અવાજમાં એક અવળચંડું ગીત જેના ગીતકાર હતા નઝીમ પાનીપતી. અંગ્રેજી શબ્દોને અત્યંત રમૂજી રીતે વણી લઈને રચાયેલું આ ગીત સાંભળવાની પણ એક ઓર મજા છે. રોશને સંગીતમાં પણ કમાલ કર્યો છે.

ઇસ પાંચ મન કે જીસ્મ સે ક્યા ફાયદા…

આગોશ- આ ફિલ્મ રિલીઝ થઈ હતી ૧૯૫૩માં.

નૂતન અને નાઝિરને મુખ્ય કલાકારો તરીકે લઈને આવેલી આ ફિલ્મમાં ઇન્દીવર રચિત ગીતો હતા.

કિશોરકુમાર અને લતા મંગેશકરના સ્વરમાં ગવાયેલું એક ખૂબસૂરત પ્રેમગીત –

તું હૈ ચંદા તો મૈં હૂં ચકોર…

આમ રોશનજી એવા સંગીતકારોમાંના એક હતા, જેઓ સંગીત પીરસતી વખતે શબ્દો પર પણ એટલું જ ધ્યાન લગાવે છે. જેનાથી સંગીત શ્રોતાઓના કાન સુધી શબ્દોના ભાવ સાથે પહોંચે છે.

તો આ હતી કહાણી અસાધારણ પ્રતિભા ધરાવતા બે દિગ્ગજોની.

બંને ઓછી ઉંમરમાં દુનિયા છોડીને જતા રહ્યા પણ પાછળ મૂકતા ગયા અવિસ્મરણીય સૂરાવલિઓ.

તો, રોશનજીના સંગીત અને કિશોરદાના અવાજે મળીને આપણી આસપાસ જે લય ફેલાવ્યો છે એમાં ડૂબી જઈએ અને સફરમાં ગાતા જઈએ – યૂં હી ચલતે ચલે મુસ્કુરાતે હુએ, રાઝ ઉલ્ફત કે દિલ મેં છૂપાતે હુએ…


મૌલિકા દેરાસરીનાં વીજાણુ સંપર્કસૂત્ર

· ઇ-પત્રવ્યવહારઃ maulika7@gmail.com
· નેટ જગતઃ મનરંગી

Author: Web Gurjari

1 thought on “યૂં હી ચલતે ચલે મુસ્કુરાતે હુએ… : કિશોર કુમારે ગાયેલાં રોશનનાં ગીતો

Leave a Reply

Your email address will not be published.