ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭ :: પ્રકરણ ૧૯ : ગાંધીજી એકલા પડી ગયા!

દીપક ધોળકિયા

૧૯૪૦નું વર્ષ ગાંધીજી અને કોંગ્રેસ વચ્ચેના વિચારભેદનું કારણ બન્યું અને કોંગ્રેસે ગાંધીજીના અહિંસાના સિદ્ધાંતનો અમુક અંશે અસ્વીકાર કરી દેતાં ગાંધીજી અલગ થઈ ગયા. કોંગ્રેસે પણ ગાંધીજી વિના ચલાવી લેવાનું નક્કી કર્યું. જો કે, આ વિવાદ માત્ર ત્રણ મહિના ચાલ્યો અને કોંગ્રેસે ફરી ગાંધીજીના માર્ગદર્શન પ્રમાણે કામ કરવાનો નિર્ણય કર્યો.

વર્ધામાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની મીટિંગ ૧૭મીથી ૨૧મી જૂન સુધી ચાલી. એમાં ગાંધીજીએ આગ્રહ રાખ્યો કે કોંગ્રેસના બધા કાર્યક્રમો અને નીતિઓમાં અહિંસાને દીવાદાંડી માનીને ચાલવું જોઈએ. ગાંધીજી કહેતા હતા કે રાષ્ટ્રીય સંરક્ષણ અને આંતરરાષ્ટ્રીય સંબંધોમાં પણ અહિંસા કેન્દ્રસ્થાને હોવી જોઈએ અને કોંગ્રેસે જાહેર કરવું જોઈએ કે રાષ્ટ્રના સંરક્ષણ માટે પણ એ સેના નહીં રાખે.

કોંગ્રેસના બીજા નેતાઓએ કહ્યું કે સ્વતંત્રતાના આંદોલનમાં કોંગ્રેસે હંમેશાં અહિંસાનું પાલન કર્યું છે અને દેશવ્યાપી ધોરણે અહિંસક આંદોલનોને કારણે લોકો મોટી સંખ્યામાં જોડાયા છે. અહિંસાનો સિદ્ધાંત લોકો સુધી પહોંચ્યો છે અને લોકો નિર્ભય થઈને જેલોમાં જતા હોય છે અને પોલીસના જુલમો સહન કરે છે. બંધનકર્તા નીતિ કોઈ રાજકીય સંગઠન અપનાવી ન શકે.

જો કે, વર્કિંગ કમિટીએ એ પણ સ્વીકાર્યું કે મહાત્માજીને પોતાની રીતે આ મહાન ઉદ્દેશ માટે કંઈ પણ કરવાનો અધિકાર છે જ, પણ કોંગ્રેસના નિર્ણયોની જવાબદારીમાંથી અને એનાં પરિણામોમાંથી ગાંધીજીને મુક્ત કર્યા. વર્કિંગ કમિટીએ એ પણ સ્પષ્ટ કર્યું કે હજી પણ આઝાદીની લડતમાં કોંગ્રેસની મૂળભૂત નીતિ અહિંસાની જ રહેશે, માત્ર  સંરક્ષણ કે આંતરિક સલામતીની બાબતમાં અહિંસાનો સિદ્ધાંત લાગુ કરી શકાય એમ નથી. અહિંસાની બાબતમાં આટલી સૈદ્ધાંતિક બાંધછોડ પણ ગાંધીજી માટે બહુ મોટી વાત હતી.

વર્કિંગ કમિટીએ રાજકીય ઠરાવ પસાર કરીને ગાંધીજીનો રસ્તો છોડી દીધો. એનો વિરોધ તો ત્યાં જ થયો. બાદશાહ ખાન ગાંધીજી સાથે સંમત હતા અને એમણે ત્યાં જ રાજીનામું આપી દીધું હતું. એમના ઉપરાંત બાબુ રાજેન્દ્ર પ્રસાદ, આચાર્ય કૃપલાની, પ્રફુલ્લચંદ્ર ઘોષ અને શંકરરાવ દેવ પણ માનતા હતા કે કોંગ્રેસે ગાંધીજીએ સૂચવ્યા પ્રમાણે અહિંસાને બધી રીતે કેન્દ્રીય સ્થાન આપવું જોઈએ, પરંતુ એ લઘુમતીમાં હતા, અને રાજીનામાં ન આપ્યાં. તે પછી પૂનામાં AICCની બેઠકમાં પણ બાદશાહ ખાન ન આવ્યા.

ગાંધીજીની અહિંસા

કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં ૨૧મીએ ઠરાવ થયો તેનાથી પહેલાં જ ગાંધીજીએ ૧૮મીએ How to combat Hitlerism શીર્ષક હેઠળ ‘હરિજન’ માટે લખી મોકલ્યો હતો જે ૨૨મીએ છપાયો. એમાં એમણે પોતાનું દૃષ્ટિબિંદુ સ્પષ્ટ કરતાં લખ્યું:

“હિટલરશાહી એટલે નગ્ન, નિર્દય તાકાત, જેને લગભગ વિજ્ઞાન જેવી સચોટ બનાવી દેવાઈ છે અને હવે એ લગભગ મુકાબલો ન કરી શકાય એવી બની ગઈ છે…હિટલરશાહીને જવાબી હિટલરશાહીથી હરાવી નહીં શકાય. એમાંથી તો અનેકગણી શક્તિશાળી હિટલરશાહી પ્રગટશે. આજે આપણે હિટલરશાહીની અને હિંસાની નિરર્થકતા નજરે જોઈ શકીએ છીએ…મને શંકા છે કે જર્મનોની ભવિષ્યની પેઢીઓ હિટલરશાહી જેના માટે જવાબદાર હોય તેવાં કૃત્યો માટે નિર્ભેળ ગર્વ નહી લઈ શકે…પણ મારે આશા રાખવી જોઈએ કે ભવિષ્યમાં તેઓ પોતાના અધિનાયકો વિશે તટસ્થતાથી વિચારવાની કલાનો વિકાસ કરશે… મેં આ લખ્યું તો યુરોપિયન સત્તાઓ માટે છે, પણ આપણને પોતાને પણ એ લાગુ પડે છે. મારી દલીલ ગળે ઊતરે તો, શું એ સમય હજી નથી આવ્યો કે સબળની અહિંસામાં આપણી અડગ શ્રદ્ધા આપણે જાહેર કરીએ અને કહીએ કે અમે શસ્ત્રોના જોરે અમારી મુક્તિને બચાવવા નથી માગતા પણ અમે અહિંસાની તાકાતથી એનું જતન કરશું?”

વર્કિંગ કમિટીની બેઠક પછી, અને આ લેખ છપાયા પછી મૌલાના આઝાદ ગાંધીજીને મળ્યા. એમણે બન્ને વચ્ચે થયેલી વાતચીત વિશે અખબારનવેશો સમક્ષ કહ્યું કે ગાંધીજી અહિંસા બાબતમાં ‘હરિજન’માં નિયમિત રીતે લખતા રહે છે અને આ લેખમાં એમણે કોઈ નવી વાત નથી કરી. વર્કિંગ કમિટીને જ્યારે પણ જરૂર પડશે ત્યારે મહાત્મા ગાંધી માર્ગદર્શન અને દોરવણી આપશે જ.

તે પછી જવાહરલાલ નહેરુએ પણ ૨૩મીએ મુંબઈમાં એક નિવેદન દ્વારા કોંગ્રેસે મહાત્મા ગાંધીના વિચારોની વિરુદ્ધ વર્કિંગ કમિટીએ કરેલા ઠરાવ વિશે ખુલાસો આપ્યોઃ વર્કિંગ કમિટીએ લોકોને એમને સતાવતા મૂળભૂત સવાલો વિશે યોગ્ય રીતે જ વિશ્વાસમાં લીધા છે. કેટલાય સવાલો બહુ દૂરના લાગતા હતા પણ હવે તદ્દન નજીક આવી ગયા છે…ગાંધીજી અને વર્કિંગ કમિટીનાં વલણ જુદાં પડે છે, પણ તેથી લોકોએ એમ ન માનવું કે કોંગ્રેસ અને એમના વચ્ચે ફૂટ પડી છે. છેલ્લાં વીસ વર્ષની કોંગ્રેસ એમણે બનાવી તેવી છે, એમનું સંતાન છે.. મને ખાતરી છે કે એમનું માર્ગદર્શન અને શાણી સલાહ કોંગ્રેસને મળ્યા કરશે.

૨૪મીએ ગાંધીજીએ કોંગ્રેસ વર્કિંગ કમિટીના નિર્ણય પર ટિપ્પણી કરતાં Both Happy and Unhappy શીર્ષકનો લેખ લખ્યો જે ફરી ૨૯મીના ‘હરિજન’માં પ્રકાશિત થયો. ગાંધીજીએ લખ્યું કે,

“કોંગ્રેસ માટે અહિંસા એક નીતિ હતી. અહિંસાથી રાજકીય અને આર્થિક સ્વતંત્રતા ન આવે તો એ એને છોડી દેવા તૈયાર હતી. મારા માટે અહિંસા ધર્મ છે એટલે મારે એનો અમલ કરવો જ જોઈએ, ભલે ને હું એકલો હોઉં કે મારા કોઈ સાથી હોય. મારે તો એ માર્ગે કોઈ પણ પરિસ્થિતિમાં ચાલવાનું છે… એમના અને મારા વચ્ચે મૂળભૂત મતભેદ છતા થયા તે પછી હું (કોંગ્રેસને દોરવણી) ન આપી શકું… પરિણામથી મને આનંદ પણ છે અને દુઃખ પણ છે. આનંદ એ વાતનો કે, હું આ વિચ્છેદનું કષ્ટ સહન કરી શક્યો અને મને એકલા ઊભા રહેવાની શક્તિ મળી છે. દુઃખી એટલા માટે છું કે જેમને હું આટલાં વર્ષો સુધી, જે હજી ગઈકાલની વાત લાગે છે, મારી સાથે રાખી શક્યો હવે એમને સાથે રાખવાની મારા શબ્દોની શક્તિ નથી રહી એમ લાગે છે. હવે ભગવાન મને અહિંસાની તાકાત દેખાડવાનો રસ્તો સુઝાડશે તો અમારો વિચ્છેદ ટૂંકજીવી રહેશે, નહીંતર એ લોકો મને એકલો છોડી દેવા પાછળનું એમનું શાણપણ સાબિત કરી શકશે. મને આજ સુધી જે નમ્રતાએ ટકાવી રાખ્યો છે તે જ મને દેખાડી આપશે કે હું અહિંસાની મશાલ ઉઠાવીને ચાલવા માટે યોગ્ય માધ્યમ નહોતો રહ્યો.”

પૂનામાં AICCની મીટિંગ

કોંગ્રેસ પણ ગાંધીજી વિના આગળ વધવા કમર કસવા લાગી હતી. જુલાઈના પહેલા અઠવાડિયામાં દિલ્હીમાં કોંગ્રેસની તાકીદની બેઠક મળી તેમાં વર્ધામાં લેવાયેલા નિર્ણયને બહાલી આપીને બધા પૂના પહોંચ્યા. ત્યાં ૨૭મી-૨૮મી જુલાઈએ AICCની મીટિંગમાં પણ વર્ધાનો ઠરાવ મંજુરી માટે રજૂ કરાયો.

કોંગ્રેસ પ્રમુખ મૌલાના આઝાદે પોતાના ભાષણમાં કહ્યું કે રામગઢના અધિવેશન પછી સાડાચાર મહિનામાં દુનિયા ન ઓળખાય તે રીતે બદલી ગઈ છે. મહાત્મા ગાંધીએ વર્ધામાં કોંગ્રેસની નીતિ વિશે મુદ્દો રજૂ કર્યો તેના વિશે તેઓ બે વર્ષથી કહેતા રહ્યા છે. એમની ઇચ્છા હતી કે સ્વાધીન ભારતમાં હિંસાનાં બધાં રૂપોને જાકારો અપાશે અને સેના પણ નહીં રાખવામાં આવે એવું કોંગ્રેસ હમણાં જ જાહેર કરે. કોંગ્રેસ આંતરિક અશાંતિ કે વિદેશી આક્રમણ સામે પણ હિંસાનો આશરો નહીં લે. આપણે જાણીએ છીએ કે હિંસા અને શસ્ત્રોથી કોઈ સમસ્યાનો ઉકેલ નથી આવ્યો, પણ આપણામાં એટલી હિંમત નથી કે જાહેર કરીએ કે સેના પણ નહીં હોય. ગાંધીજી વિશ્વને અહિંસાનો સંદેશ આપવા માગે છે પણ ઇંડિયન નૅશનલ કોંગ્રેસ દેશની સ્વતંત્રતા માટે રચાયેલું રાજકીય સંગઠન છે, આપણે વિશ્વ શાંતિ માટે એકઠા નથી થયા. ગાંધીજી ઇચ્છે છે એટલી હદે આપણે જઈ શકીએ તેમ નથી. આપણે મહાત્માજી સાથે છેક સુધી જઈ ન શકીએ, તેમ એમને પણ ન રોકી શકીએ. આમ છતાં એમની આગેવાનીનો અભાવ પણ અનુભવાશે. એ પહેલાં કહેતા ત્યારે એમને ત્રણ વાર રોકવામાં હું સફળ થયો પણ આ વખતે એમણે કહ્યું કે આજની સ્થિતિમાં જ તેઓ અહિંસાને સ્થાપિત ન કરે તો ખોટું થશે એટલે બન્ને પક્ષોએ પોતપોતાના રસ્તા નક્કી કરી લેવા જોઈએ.

વાઇસરૉયનો પત્ર અને ગાંધીજી પાછા કોંગ્રેસમાં

જો કે આ સ્થિતિ તરત બદલી ગઈ. ચોથી ઑગસ્ટે વાઇસરૉયે કોંગ્રેસ પ્રમુખને પત્ર લખીને કોંગ્રેસને  ઈક્ઝિક્યૂટિવ કાઉંસિલમાં અને વૉર કાઉંસિલમાં જોડાવાનું આમંત્રણ આપ્યું. વાઇસરૉયે એ પણ કહ્યું કે તમે મને કોંગ્રેસ તરફથી સત્તાવાર જવાબ આપો તે પહેલાં અનૌપચારિક વાતચીત કરવા માગું છું. એમણે પોતે શિમલા જતાં કયા દિવસોએ ક્યાં રોકાશે તેની તારીખો પણ આપી દીધી. પરંતુ મૌલાના આઝાદે એમને લખ્યું કે વાઇસરૉયે પોતે શું કરવાના છે તે નક્કી કરી જ લીધું છે, તો મળવાનો કંઈ અર્થ છે?

આના જવાબમાં વાઇસરૉયે સંદેશ મોક્લાવીને આશા દર્શાવી કે કે મેં જે પત્ર લખ્યો છે તેની મર્યાદામાં રહીને કોંગ્રેસ એક્ઝિક્યૂટિવ કાઉંસિલ અને વૉર કાઉંસિલમાં જોડાશે. આનો અર્થ એ હતો કે અનૌપચારિક વાતચીતનો એજન્ડા પણ વાઇસરૉયે નક્કી કરી લીધો હતો. કોંગ્રેસે મળવાની ના પાડી દેતાં ધ્યાન દોર્યું કે વાઇસરૉય રાષ્ટ્રીય સરકાર બનાવવાની માગણીનો ઉલ્લેખ પણ નથી કરતા તો એમની સાથે વાત કરવાનો કંઈ અર્થ નહોતો.

આઠમી ઑગસ્ટે વાઇસરૉયે બ્રિટિશ સરકાર તરફથી નિવેદન બહાર પાડ્યું એમાં ભારતને સ્વતંત્રતા આપવાની માગણી નકારી કાઢી અને બ્ર્રિટન વતી ભારતનો આત્મનિર્ણયનો અધિકાર માન્યા વિના ભારતને યુદ્ધમાં જોતરી દીધું. કોંગ્રેસ માટે વાઇસરૉયે હવે દરવાજા બંધ કરી દીધા હતા. ૧૮મી-૨૨મી ઑગસ્ટે વર્ધામાં વર્કિંગ કમિટીની બેઠકમાં કોંગ્રેસે આ બાબતમાં પોતાની નિરાશા જાહેર કરી.  ૧૫મી સપ્ટેમ્બરે મુંબઈમાં AICCની મીટિંગ રાખવાનો નિર્ણય લેવાયો.

AICCમાં જવાહરલાલ નહેરુએ નવો ઠરાવ તૈયાર કર્યો એમાં સ્વીકાર્યું કે યુદ્ધ અને હિંસાને કારણે સ્થિતિ બગડી છે. ખાસ કરીને ગરીબ અને નાના દેશોની સ્થિતિ ગંભીર છે. કોંગ્રેસ યુદ્ધનો વિરોધ કરે છે અને સ્વાધીન ભારતમાં એ વિશ્વ સ્તરે નિઃશસ્ત્રીકરણ અને મંત્રણાઓ દ્વારા સમસ્યાઓ ઉકેલવા માટે ઝુંબેશ ચલાવશે. આંતરરાષ્ટ્રીય સ્તરે હિંસાને જાકારો આપવાનો ગાંધીજીનો આગ્રહ આ રીતે કોંગ્રેસે સ્વીકારી લીધો અને ગાંધીજી ફરી કોંગ્રેસના ટોચના નેતા અને મુખ્ય રણનીતિકાર તરીકે પાછા આવ્યા.

૦૦૦

સંદર્ભઃ


શ્રી દીપક ધોળકિયાનાં સંપર્કસૂત્રો
ઈમેલઃ dipak.dholakia@gmail.com
બ્લૉગઃ મારી બારી

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.