ટાઈટલ મ્યુઝીક (૫૦) – વારિસ (૧૯૬૯)

બીરેન કોઠારી

બાવો, ગુંડો, પોલીસ જેવાં પાત્રો એવાં હોય છે કે આપણી કે આગળની પેઢીનાં લોકોએ પોતાના બાળપણમાં કોઈ ને કોઈ તબક્કે એમની ધાક અનુભવી હશે. બાવો ઉપાડી જાય, ગુંડો મારી નાખે, પોલીસ ડંડા મારે- આવી બીક આપણા વડીલોએ કોઈ ને કોઈ વખતે દેખાડી હશે. મને, જો કે, કદી યાદ નથી આવતું કે મારા મમ્મી-પપ્પાએ આવી બીક દેખાડી હોય, પણ કોઈક કારણસર ફિલ્મ જોતો હોઉં ત્યારે મને બહુ બીક લાગતી. એમાંય ફિલ્મમાં મારામારી આવે એટલે હું રીતસર મારું માથું ખુરશીમાં છુપાવવા પ્રયત્ન કરતો અને રડતો. એ અવસ્થાએ બે ફિલ્મોના ‘ગુંડા’ઓએ મારા પર પ્રબળ અસર કરી હતી. ‘ગુંડા’ માટે ‘વિલન’ શબ્દ તો જોજનો દૂર હતો. (અમારાં એક શિક્ષિકા ‘વિલેઈન’ ઉચ્ચાર કરતાં) ઘેર આવ્યા પછી પણ હું રીતસર છળેલો રહેતો. હજી આજે પણ એ દૃશ્ય મને બરાબર યાદ છે. ચળકતી ટાલ ધરાવતો એક હટ્ટોકટ્ટો ગુંડો પોતાના હાથે કશુંક લાલ રંગનું લગાવીને આવે છે. એ બન્ને હાથ ઘસે એટલે એમાંથી તણખા ઝરે. તેની સરખામણીએ પાતળા કહી શકાય એવા ‘હીરો’ પર તે હુમલો કરે છે. મને એ હીરોની એટલી દયા આવી ગઈ કે આ બિચારો કશા હથિયાર વિના, આ તણખાથી શી રીતે બચી શકશે. મને ત્યારે ફિલ્મના ‘હીરો’ની શક્તિનો જરાય અંદાજ નહોતો. (હું કેટલો અણસમજ હતો એ આની પરથી ખ્યાલ આવશે.) પણ પછી તો એ દુબળો હીરો પેલા તણખાવાળાને દાદર પરથી ગબડાવે છે. ગબડતાં ગબડતાં પણ પેલો જાડીયો તણખા કરે છે. આ દૃશ્ય મારા મનમાં છપાઈ ગયું હતું. ઓહ હા! એ ફિલ્મ હતી ‘વારિસ’.

(‘વારિસ’નું પોસ્ટર)

હમણાં મને અચાનક એ તણખાવાળા હાથ યાદ આવ્યા. મને થયું કે એ દૃશ્ય ફરી જોવા મળે તો ઠીક ‘કોમેડી’ મળશે. (આ હું સમજુ થયો હોવાની નિશાની) એ અનુસાર યુ ટ્યૂબ પર ફિલ્મ શોધી અને એ દૃશ્ય પણ બે-ત્રણ વાર જોયું. હું એક સમયે વિજ્ઞાનનો વિદ્યાર્થી રહી ચૂક્યો હોવા છતાં મને પેલા તણખાનું રહસ્ય ન સમજાયું, પણ એટલી ખબર પડી કે એ વીલન (સેમસન) પોતાના હાથમાં વિશિષ્ટ, ઈલેક્ટ્રીક મોજાં પહેરે છે, જેને ઘસવાથી વીજપ્રવાહ પેદા થાય છે અને તેનો ઉપયોગ એ પોતાની ધાક જમાવવા માટે કરે છે. ખરું કહું તો મને એ જમાનાના વીલન અને હીરો બેય પર માન થઈ આવ્યું. એ સમયે આવી એડવાન્‍સ્ડ ટેક્નોલોજીવાળાં મોજાં મગાવવા કેટલી દૃષ્ટિ માગી લેતું કામ ગણાય! અને હીરો? જીતેન્દ્ર કશા સંસાધન કે સાધન વિના, આવા વીજમોજાંને, એના પહેરનારને નાથે છે!

આ ફિલ્મની વાત કરતી વખતે મારે બે ક્લીપની વિગત આપવી પડશે.  ટાઈટલ મ્યુઝીકની તો ખરી જ, સાથે આ વીજમોજાંની પણ ખરી, જેથી આપણા દેશવાસીઓ જાણી શકે કે પ્રાચીન યુગમાં પણ આપણા લોકોનો કારોબાર કેવો વિસ્તરેલો હતો!

વાસુ ફિલ્મ્સ નિર્મિત, રામન્ના દિગ્દર્શીત ‘વારિસ’ની રજૂઆત 1969માં થઈ હતી. જિતેન્દ્ર, હેમામાલિની, પ્રેમચોપડા, મહેમૂદ (બે કે ત્રણ ભૂમિકામાં), ડેવિડ, ચમન પુરી, માસ્ટર સચિન, અરુણા ઈરાની વગેરેની ભૂમિકા તેમાં હતી. ગીત રાજેન્‍દ્ર કૃષ્ણના અને સંગીત આર.ડી.બર્મનનું હતું.

ફિલ્મનાં કુલ 6 ગીતો હતાં. ‘એક બેચારા, પ્યાર કા મારા’ (રફી), ‘લહરા કે આયા હૈ ઝોંકા બહાર કા’ (રફી, લતા), ‘દિલ કી લગી કો છુપાઉં કૈસે’ (લતા), ‘કભી કભી ઐસા ભી તો હોતા હૈ જિંદગી મેં’ (લતા, રફી), ‘કૌન હૈ વો કૌન મુઝે જિસને જગાયા’ (આશા, મન્નાડે અને સાથીઓ) તેમજ ‘ચાહે કોઈ મુઝે ભૂત કહો’ (આશા, રફી). આમાંના ‘ચાહે મુઝે કોઈ ભૂત કહો’માં અલગ અલગ ગીતની પેરડી છે. ‘કૌન હૈ વો કૌન મુઝે જિસને જગાયા’ અમુક રીતે આગળ જતાં આવેલા ‘કારવાં’ના ગીત ‘દૈયા રે દૈયા, મૈં કહાં આ ફંસી’ની નજીક લાગે.

(રાજિન્‍દર કિશન)

આ ટ્રેકમાં 0.30થી તંતુવાદ્યસમૂહનું વાદન શરૂ થાય છે, જે ૦.૪૪સુધી છે. ટાઈટલનો, અને એ રીતે  ટાઈટલ મ્યુઝીકનો આરંભ 0.56થી ફૂંકવાદ્યસમૂહ વડે થાય છે, જે 1.36 સુધી છે. ત્યાર પછી તંતુવાદ્યસમૂહ અને ફૂંકવાદ્યસમૂહનું સાથે વાદન છે, અને ઝડપી તાલ ઉમેરાય છે. 1.01થી એકોર્ડિયન પ્રવેશે છે, જેની સમાંતરે તંતુવાદ્યસમૂહ પણ ચાલુ રહે છે. 1.06થી 1.10 સુધી માત્ર ડ્રમ છે, જેમાં 1.10થી ગિટાર પ્રવેશે છે. 1.13થી 1.15 તંતુવાદ્યસમૂહ વાગે છે. 1.17 થી સેક્સોફોન પ્રવેશે છે અને ‘એક બેચારા, પ્યાર કા મારા’ની ધૂન એ જ ઝડપી તાલમાં આરંભાય છે. સમાંતરે તંતુવાદ્યસમૂહ પણ ચાલુ રહે છે. 1.35થી તંતુવાદ્યસમૂહવાદન છે. 1.51થી ફરી સેક્સોફોન પર એ જ મુખડું વાગે છે. 1.54થી તંતુવાદ્યસમૂહ અને ફૂંકવાદ્યસમૂહ સાથે વાગે છે. 2.01થી ગિટાર અને ફૂંકવાદ્ય એ જ તાલમાં આગળ વધે છે. 2.14થી ફૂંકવાદ્યસમૂહ આ ટ્રેકનું સમાપન કરે છે.

(‘વારિસ’ની લૉંગ પ્લેનું કવર)

આ ફિલ્મનું  ટાઈટલ મ્યુઝીક સાંભળતાં અમુક બાબતો કાને પડી. આર.ડી.બર્મનના આરંભિક ગાળાની આ ફિલ્મ છે. એમાં શંકર-જયકિશનની શૈલીની અસર જોવા મળે છે. ખાસ તો તેનો ઝડપી તાલ અને બીટ્સ શંકર-જયકિશનનાં અત્યંત તેજ ગતિવાળાં ‘ચાહે કોઈ મુઝે જંગલી કહે’ અને ‘અજી ઐસા મૌકા ફિર કહાં મિલેગા’ના તાલની યાદ અપાવે છે. 3.54થી વાગતું તંતુવાદ્યસમૂહનું વાદન ‘અજી ઐસા મૌકા..’ના અંતરા ‘દેખો યે પરિયોં કી ટોલી’ની યાદ અપાવે છે. આગળ જતાં સેક્સોફોનવાદનની જે શૈલી આર.ડી.એ અપનાવી, તેને બદલે આમાં સાવ અલગ- શંકર-જયકિશની શૈલી જોઈ શકાય છે. ખાસ કરીને, ‘રાજકુમાર’, ‘તુમ સે અચ્છા કૌન હૈ’ના ટાઈટલ મ્યુઝીકમાં છે એવી.

અહીં આપેલી આખી ફિલ્મની લીન્‍કમાં ટાઈટલ મ્યુઝીક સાંભળી શકાશે.નોંધ ખાતર એ માહિતી જરૂરી કે આ નામની અન્ય બે ફિલ્મો 1954 અને 1988માં રજૂઆત પામી હતી.

હિંદી ફિલ્મના વિલનો દ્વારા કરાયેલો વિજ્ઞાનનો ઉપયોગ જોવામાં રસ ધરાવનારા મિત્રો ફિલ્મની વિડીયો ક્લિપમાં 2.22.23થી 2.24.04 માં પેલા વીજમોજાંનો ઉપયોગ જોઈ શકશે. એ જ વીજમોજાં, જેણે મને બાળપણમાં બહુ ડરાવી દીધેલો અને આજે એટલો જ હસાવ્યો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)


સંપાદકીય નોંધઃ
વેબ ગુર્જરીની વૈવિધ્યસભર સામગ્રી રજૂ કરવાની નીતિને અનુરૂપ, હાલ પુઅતી આ શ્રેણીને વિરામ આપીએ છીએ.
થોડા મહિનાઓ બાદ આ જ પ્રકારનાં વિષયવસ્તુ સાથેની શ્રેણી રજૂ કરવાનું આયોજન છે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.