—રક્ષા શુક્લ
હેપ્પી હેપ્પી ન્યુ યર કહીને કોણ આપતું ગીફ્ટ ?
સો ની સ્પીડે દોડ્યા કરતી સમય નામની સ્વીફ્ટ.
ઈશ્વર સૌનો ઉપર બેસી જાતજાતના મોજામાંથી ભાતભાતના પતંગિયા સરકાવે,
હોંશે સાંતાકલોઝ બનીને હરેક ચહેરા ઉપર છાંટી અત્તર જેવી ખુશીઓને મહેકાવે.
જોય ઓફ આ ગિવીંગનો ઈશ્વર પાસેથી શીખીને આ માણસ પણ જો માણે ‘ને મમળાવે,
ટોમ અને ટીંકુ પણ જોજો, ભેરુની ભેટોને મોજામાં સંતાડી હરખે ‘ને હરખાવે.
જાદુઈ ગઠરીવાળાને ચાલો, દઈએ લીફ્ટ.
હેપ્પી હેપ્પી ન્યુ યર કહીને કોણ આપતું ગીફ્ટ ?
યહોવાહનો જન્મ થયો ત્યાં ઊંચે આભમાં જાણે મંગલટાણું ભાખે ઝળહળ તેજલિસોટો,
દેવળના દરવાજે ઊભા માણસને કહી દો કે ઈશુની પાસે કોઈ નથી નાનો કે મોટો.
હોઠ ઉપર કેરોલના ગીતો, આંખોમાં કરુણા આંજી લ્યો, દૂર કરીએ દંભ, દીવાલ, મુખોટો,
બાળક ખિલખિલ હસતું જાણે મોજામાંથી ઝટ્ટ નીકળશે બંદર, તેડી ‘ને હાથી મસમોટો.
અવગણના કોરાણે કરવા ચાલ શોધીએ શિફ્ટ.
હેપ્પી હેપ્પી ન્યુ યર કહીને કોણ આપતું ગીફ્ટ ?
સુશ્રી રક્ષાબહેન શુક્લનો સંપર્ક shukla.rakshah@gmail.com વીજાણુ સરનામે કરી શકાશે