હેંમંત કુમાર – ‘અન્ય’ સંગીતકારો માટે, માઈક્રોફોનની સામે, ગાયકની ભૂમિકામાં : યુગલ ગીતો
એન. વેન્કટરામન
અનુવાદ / સંવર્ધિત સંકલન – અશોક વૈષ્ણવ
કોઈ પણ ગાયકની વાત તેનાં યુગલ ગીતો વગર અધુરી જ રહે. સૉલો ગીત અને યુગલ ગીતો ફિલ્મોમાં જે પરિસ્થિતિ માટે મુકાયાં હોય તે સામાન્યપણે અલગ જ હોય, એટલે ગીતના ભાવ અલગ જ હોય એ તો સ્વાભાવિક જ છે. તે ઉપરાંત યુગલ ગીતમાં ગાયકે તેમના સાથી ગાયકના સુર અને શૈલી સાથે પણ તાલમેલ મેળવવો જરૂરી બની જાય છે. આ બધાં પરિબળો ઉપરાંત અમુક સંગીતકારોની સૉલો ગીતો પર તો અમુક સંગીતકારોની યુગલ ગીતોની બાંધણી વધારે ખાસ હોય એમ પણ બનતું જોવા મળે છે. આમ, અનેક કારણોસર યુગલ ગીતોનું ક્ષેત્ર બધાં ગાયકો માટે જેટલો મોટો પડકાર છે તેટલી જ મોટી અને આગવી તક પણ બની રહે છે.

હેમંત કુમારના કિસ્સામાં અન્ય સંગીતકારો માટે તેમણે ગાયેલાં ગીતોમાંથી લગભગ અર્ધોઅર્ધ ગીતો યુગલ ગીતો રહ્યાં છે. એ દૃષ્ટિએ હેમંત કુમારનાં અન્ય સંગીતકારોએ રચેલાં યુગલ ગીતોનું સ્થાન તેમની કારકિર્દીમાં વિશેષ મહત્ત્વનું હોય એ વિષે કોઈ અલગ અલગ મત નહીં હોય. એટલે પછી કયાં ગાયક સાથે તેમનાં વધારે યુગલ ગીતો થયાં અને એવું કેમ થયું, કે પછી આ ગાયક સાથેનાં તેમનાં યુગલ ગીતો વધારે સારાં કે પેલાં ગાયક સાથે તેમનાં યુગલ ગીતો વધારે સારાં એવી ચર્ચાઓ ફિલ્મ સંગીતના ચાહકોની બેઠકોમાં રંગ જમાવતી જોવા મળતી રહેવાની.
અહીં આપણે એ બધી ચર્ચાઓથી થોડાં દુર રહીશું. હેમંત કુમારે ગાયેલં અન્ય સંગીતકારોમાટેનાં સૉલો ગીતો માટે આપણે જુદા જુદા સંગીતકારોનાં એક એક ગીતને લેવાનો જે નિયમ બનાવ્યો હતો તે નિયમ આપણે અહીં પણ અનુસરીશું. તે ઉપરાંત એક સંગીતકાર માટે હેમંત કુમારે ગાયેલાં એકથી વધારે યુગલ ગીતોમાંથી ઓછાં સાંભળવાં મળતાં યુગલ ગીતોને પસંદ કરવાની સાથે સાથે સહકલાકારો બાબતે વધારેમાં વધારે વૈવિધ્ય રહે તે વિશે પણ અહીં ધ્યાન અપાયું છે.
અન્ય સંગીતકારો માટે હેમંત કુમારે ગાયેલાં યુગલ ગીતોને આપણે તેમની કારકિર્દીના ત્રણ મહત્ત્વના તબક્કાની સાથે સુસંગત રહે તે મુજબ ત્રણ ભાગમાં વહેંચી કાઢેલ છે.
[૧] ૧૯૪૨થી ૧૯૫૨નો પહેલો દાયકો
હિંદી ફિલ્મો – અને તેમાં પણ ૧૯૩૧થી ૧૯૪૯/૫૦ના સમયની ફિલ્મો દરમ્યાન કોઈ પણ ગાયકે ગાયેલાં ગીતોની સંખ્યાના આંકડાઓ વિશે, પુરતાં અને વિશ્વાસપાત્ર દસ્તાવેજીકરણના અભાવે, કંઈને કંઈ માત્રામાં સંદિગ્ધતા રહેતી આવી છે એ ચોખવટ સાથે હેમંત કુમારનાં ૧૯૪૨થી ૧૯૫૨ના દશકામાં કુલ ૨૯ ગીતોમાંથી ૧૯ યુગલ ગીતો ગણી શકાય.

હેમંત કુમારની હિંદી ફિલ્મ જગતની કારકિર્દી ગાયક તરીકે પંકજ મલ્લિકે સંગીતબ્ધ્ધ કરેલ ફિલ્મ મીનાક્ષી(૧૯૪૨)થી થઈ. આ ફિલ્મમાં તેમનૂં એક સૉલો ગીત ‘આંખો કી ઓટ જો રહતા હૈ’ તેમનું પહેલું હિંદી ફિલ્મ ગીત ગણાય છે. ફિલ્મનું બીજું એક યુગલ અબ પ્રીતકી જીત મનાયે સાજન (સુપ્રોવા સરકાર સાથે – ગીતકાર પંડિત ભુષણ) કેટલીક સાઈટ્સ પર હેમંત કુમારનાં યુગલ ગીત તરીકે દર્શાવાય છે તો અન્ય કેટલીક સાઈટ્સ પર રાધા રાનીની અને કમલદાસનાં યુગલ ગીત પર દર્શાવાય છે. આ કારણે અહીં તેનીમાત્ર નોંધ લેવાનું જ ઉચિત ગણ્યું છે.
નિત નિતકે રૂઠનેવાલે સાજન તુમ દીપ બનો મૈં પતંગ બનું – ઈરાદા (૧૯૪૪) – રાધા રાની સાથે – સંગીતકાર: પંડિત અમરનાથ – ગીતકાર: અઝિઝ કશ્મીરી
હિંદી ફિલ્મ ગીત કોષ પર હેમંત કુમારનાં નામે સૌ પહેલ વહેલાં નોંધાયેલાં ગીતો ઈરાદા’નાં છે. પ્રસ્તુત ગીતની શરૂઆત રાધા રાની કરે છે, તે પછી હેમંત કુમાર એક પતિ ગાય છે અને પછી બન્ને એક સાથે એ પંક્તિ ગાય છે અને મુખડાની પંક્તિની પાદ પૂર્તિ ‘ફિર દોનોં મિલ કર જલ જાયેં’ થી કરે છે. એ જ રીતે અંતરાની પણ બાંધણી કરાઈ છે.
મધુ ગંધે ભરા મ્રૂદુ સ્નિગ્ધો છાયા – હમરાહી (૧૯૪૫) – બિનોતા (રોય) બોઝ સાથે – ગીતની મૂળ રચના અને લેખન: રવિન્દ્રનાથ ઠાકુર – ફિલ્મ માટે સંગીતકાર: આર સી બોરાલ
બંગાળી ભાષામાં આ ગીત અનેક ગાયકોએ રજૂ કરીને પોતપોતાની રવિન્દ્ર સંગીત પ્રત્યેની નિષ્ઠા વ્યકત કરી છે.
આડવાત
હેમંત કુમારે આ જ ગીતની રચના ફરીથી ૧૯૫૩માં લતા મંગેશકર સાથેનાં યુગલ ગીત તરીકે પણ કરી છે.
ફરી એક આડવાત :
‘હમરાહી’ ફિલ્મની બીજી કેટલીક વિશેષતાઓની પણ નોંધ લઈએ-
૧. બિમલ રોયની દિગ્દર્શીત આ સૌ પ્રથમ ફિલ્મ છે. ફિલ્મનું મૂળ બંગાળી સંસ્કરણ ‘ઉદયારે પાથે (૧૯૪૪) પણ તેમણે જ દિગ્દર્શિત કરેલ.
૨. ફિલ્મોમાં સૌ પ્રથમ વાર હવે જે આપણું રાષ્ટ્ર ગીત છે તે ‘જન ગણ મન’નું મૂળ સંસ્કરણ ફિલ્માવાયું છે.
અનિરુધ્ધ ભટ્ટાચાર્જી અને બાલાજી વિટ્ટલનાં પુસ્તક ‘ એસ ડી બર્મન – ધ પ્રિન્સ મ્યુઝિશિયન’ (પ્રકાશન વર્ષ: ૨૦૧૮)માં એસ ડી બર્મનના જ કથનમાં નોંધવામાં આવ્યું છે કે ‘જાને વો કૈસે લોગથી જિનકો પ્યાર પ્યાર મિલા‘ પછીની પંક્તિ ‘હમને તો જબ કલિયાં માંગીથી કાંટો કા હાર મિલા’ની પ્રેરણા ‘જન ગણ મન’ની પંક્તિ પંજાબ સિંધુ મરાઠા…’ રચના પરથી થઈ છે.
૩. ‘હમરાહી’ શીર્ષક ઉપર પછી ૧૯૬૪ (સંગીત: શંકર જયકિશન) અને ૧૯૭૪ (સંગીત: કલ્યાણજી આણંદજી) ફિલ્મો પણ બની છે.
હેમંત કુમારનાં હાલ ચર્ચા હેઠળના ૧૯૪૨થી ૧૯૫૨ના સમયગાળામાં
આ ગીતોમાંથી આપણે વિગતે વાત તુમ ચોર હો ચોર હોની કરીશું.પપીહા તુ પીયુ કો પુકાર અને સુનો સુનો કી બહુત દુખ ભરા ફસાના હૈ એમ બે યુગલ ગીત ‘ઝમીંન આસમાન; (૧૯૪૬. ગીતકાર: ફૈયાઝ હાસમી))માં,
તુમ ચોર હો ચોર હો, નઝર નીચી કિયે હમ આ રહેં હૈ અને યે અખિયાં બડી મતવાલી એમ ત્રણ યુગલ ગીત ‘ગીરીબાલા’ (૧૯૪૭, ગીતકાર: પંડિત ‘મધુર’)માં અને
ધીરે સે તુ આ ઈસ નદી મેં અને બેઈમાન તોરી બતિયાં જાદુ ભરી એમ બે યુગલ ગીત ‘મનમાની’ (૧૯૪૭)
એમ બધું મળીને કલ્યાણી દાસ સાથે ૭ યુગલ ગીતો છે. આ બધાં જ ગીતો કમલ દાસગુપ્તાએ સંગીતબધ્ધ કરેલ હતાં.
તુમ ચોર હો હાં હાં ચોર હો હાં હાં ચોર હો – ‘ગીરીબાલા’ (૧૯૪૭) – કલ્યાણી દાસ સાથે – સંગીતકાર: કમલ દાસગુપ્તા – ગીતકાર: પંડિત ‘મધુર’
ઉપર બધાં જે ગીતોનો ઉલ્લેખ છે તે એ સમયનાં ગીતોની જેમ રોમેન્ટીક ગીતો હોવા છતાં એ સમયના સમાજની લાજશરમનાં ધોરણો અનુસાર ‘ગંભીર’ ભાવમાં ગવાતાં ગીતો છે. એ પ્રમાણમાં કલ્યાણી દાસના સ્વરમાં ગવાઈ રહેલા પ્રસ્તુત ગીતના બોલમાં પોતાના પ્રેમી સાથે મીઠી નોકઝોક કરી રહેલ યૌવનનાની, એ મર્યાદાની અંદર રહીને જેટલી દર્શાવી શકાય એટલી, મુગ્ધ અલ્લડતા અનુભવાય છે.
હળવાશ સાથેની યાદની એક આડવાત:
૧૯૬૬ થી ૧૯૭૦ના અમારા કૉલેજ કાળમાં અમદાવાદની ‘સેન્ટ્રલ ટૉકિઝ’માં સાયગલ, દિલીપ કુમાર, રાજ કપુર, દેવ આનંદ વગેરેની ‘જુની’ ફિલ્મો રજુ થતી. એ સમયના યુવાનોની જેમ અમે પણ એ બધા કલાકારોના નવા નવા ચાહક વર્ગમાં હતા. એટલે જે કળાકારનું ચાહક જૂથ હોય એ મુજબ આ ફિલ્મો જોવા જતા. એક વર્ષે બડી બહન (૧૯૪૯) પણ ત્યાં રજુ થઈ હતી. રેડીયો સિલોન પર સાંભળેલાં એનાં ગીતો અમને બધાંને ‘ગમતાં’ પણ રહેમાન, સુરૈયા અને ગીતાબાલી જેવી સ્ટાર કાસ્ટની ફિલ્મ જોવાની અમારી કોઈની હિંમત નહોતી બંધાતી. એક મિત્રએ તો બીડું ઝડપી જ લીધું. શૉ ચાલુ થયાના પોણા કલાકે તો એ પાછો બળાપા કાઢતો અમને આવીને મળ્યો. તેની એક ફરિયાદ તો ઉપર કહી એ ‘લાજશરમની’ એ સમયની ‘મર્યાદા’ની હતી. એનું કહેવું હતું કે ‘હીરો અને હીરોઈન ઉત્કટ પ્રેમભાવથી ‘પહેલી મુલાકાત’ માટે મળતાં હોય, બહેનપણીઓના પણ એકબીજાંને ભેટી પડવાના આડકતરા ઈશારાઓ કરતી હોય તો પણ બન્ને વચ્ચે (આજે જેને ‘દો ગજકી દૂરી’ કહીએ છીએ તેવું) બે ફૂટનું અંતર રાખીને મલકાયા કરે એ તો કેમનું પોસાય !’
દે દે પેટકો રોટી તનકો કપડા રહેને કો મકાન – માલદાર (૧૯૫૧) – બેલા મુખર્જી સાથે – સંગીતકાર: સતીશ ભાટીયા – ગીતકાર: પ્રાણ
ગરીબ વર્ગની રોટી કપડા મકાનની પ્રાથમિક જરૂરિયાતો ત્યારે પણ આટલું જ મહત્ત્વ ધરાવતી જેટલું મહદ અંશે આજે પણ ધરાવે છે.
ગીતની યુટ્યુબ લિંક નથી મળી શકી, પરંતુ ગીતના બોલ પરની હાયપર લિંક પર ક્લિક કરવાથી ગીત સાભળી શકાય છે.
આ ગુપચુપ પ્યાર કરે – સઝા (૧૯૫૧) – સંધ્યા મુખર્જી સાથે – સંગીતકાર: એસ ડી બર્મન – ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ
હવે પહેલી જ વાર હેમંત કુમાર હિંદી ફિલ્મોના ગીતોના મુખ્ય પ્રવાહમાં નોંધ લેવાતા થયા. આ ગીતની અઢળક લોકપ્રિયતાએ ચાહકોએ તેમને દેવ આનંદના પાર્શ્વસ્વર તરીકે ‘વિના તાજ’ નિયુક્ત પણ કરી દીધા.
પછીનાં વર્ષે આવેલ ‘જાલ’માં તેમનું લતા મંગેશકર સાથેનું યુગલ ગીત ‘ચાંદની રાતેં પ્યારકી બાતેં, ખો ગઈ જને કહાં‘ પણ એટલું જ ચિરકાળ યાદ મેળવી ગયું હતું.
વો ચાંદ નહીં દિલ હૈ કિસી દિવાને કા – આંધિયાં (૧૯૫૨) – આશા ભોસલે સાથે – સંગીતકાર: અલી અકબર ખાં – ગીતકાર: નરેન્દ્ર શર્મા
‘આંધિયાં’ નવકેતન બૅનરની અફસાના (૧૯૪૯) અને બાઝી (૧૯૫૧) પછીની ત્રીજી ફિલ્મ હતી. ચેતન આનંદે ‘નીચા નગર’ (૯૧૪૬) પછી ફરી એક વાર આદર્શવાદને લઈને બનાવેલી ‘આંધિયાં’ પણ ટિકિટબારી પર નિષ્ફ્ળ રહી.ફિલ્મનું સંગીત જાણીતા સરોદવાદક ઉસ્તાદ અલી અકબર ખાં સાહેબે આપ્યું હતું જે તકનીકી રૂપે ઉત્કૃષ્ટ હતું , પણ સામાન્ય ફિલ્મચાહકના હોઠે ચડે એવું નહોતું. તેમની પાસેથી સરોદ શીખતા જયદેવ આ ફિલ્મમાં તેમના સહાયક હતા.
પ્રસ્તુત ગીતમાં હેમંત કુમારનો સ્વર દેવ આનંદ માટે પ્રયોજાયો છે. હેમંતકુમારના ખરજ સ્વરને હજૂ વધારે ઘુંટવામાં આવ્યો છે. આશા ભોસલે છેક બીજા અંતરામાં જોડાય છે
દો નૈના તુમ્હારે.ગગનકે યે તારે, કરેં યે ઈશારે,દિલ દિલ સે મિલાયેંગે – શ્રીમતીજી (૧૯૫૨) – ગીતા દત્ત સાથે – સંગીતકાર: એસ મોહિન્દર – ગીતકાર: રાજા મહેંદી અલી ખાન
પ્રસ્તુત ફિલ્મમાં એસ મોહિન્દરે આ એક જ ગીત સંગીતબધ્ધ કર્યું હતું જે પરદા પર નાસીર ખાન (દિલીપ કુમારના ના ભાઈ) અને શ્યામા પર ફિલ્માવાયું છે.
આ પછી એસ મોહિન્દરે સંગીતબધ્ધ કરેલ શિરીન ફરહાદ (૧૯૫૬)માં પણ પ્રદીપ કુમાર માટે હેમંત કુમારના સ્વરમાં ગીતો હતાં.
આજના આ મણકાનું અહીં સમાપન કરતાં નોંધ લઈએ કે માલા (૧૯૫૧, સંગીતકાર ગૌડ ગોસ્વામી / સૌરેન પાલ))નું ઉત્પલા સેન સાથેનાં યુગલ ગીત ‘કૌન મુસાફિર લે કે આયા’ની ડીજીટલ લિંક નથી મળી શકી. હવે પછી હેમંત કુમારે અન્ય સંગીતકારો માટે ગાયેલાં ૧૯૫૩થી ૧૯૬૧ સુધીનાં યુગલ ગીતો સાંભળીશું.