સાયન્સ ફેર : એક એવો ભૂતિયો પુલ, જ્યાંથી શ્વાનો આત્મહત્યા કરે છે!

જ્વલંત નાયક

શું પાલતુ પશુઓ કદી આત્મહત્યા કરે? શ્વાન માણસનો સૌથી વફાદાર મિત્ર ગણાય છે. અને તમને માનવામાં નહિ આવે, પણ દુનિયામાં એક એવુંય સ્થળ છે, જે કૂતરાઓની આત્મહત્યા માટે પ્રસિદ્ધ છે! અહીં મૂળ વાત એ છે કે કોઈ શ્વાનને આત્મહત્યાનો વિચાર આવે જ શું કામ?! આવી બાબતોમાં મોટા ભાગના લોકો પરાભૌતિક બાબતોને જવાબદાર ગણી લેતા હોય છે. કોઈક સ્થળે ભૂત-પિશાચ કે અતૃપ્ત આત્માનો વાસ હોય, તો એ સ્થળે પહોંચી જતાં પ્રાણીઓનું વર્તન બદલાઈ જતું હોય છે. આવી વાતો તમે અનેક ભૂતકથાઓ અને હોરર ફિલ્મ્સમાં જોઈ હશે. સ્વાભાવિક રીતે વિજ્ઞાન આવો તર્ક સ્વીકારે જ નહિ. જે લોકો વિજ્ઞાનમાં શ્રદ્ધા ધરાવે છે, તેમ છતાં અમુક ઘટનાઓને તાર્કિક રીતે સમજાવી નથી શકતા, એ લોકો જે-તે ઘટનાને ‘Unexplained Phenomena’ – એટલે કે સમજાવી ન શકાય એવી ઘટના ગણી લે છે. અહીં શ્વાનોની આત્મહત્યા વિષે જે વાત કરી, એને માટે વિજ્ઞાન પાસે કોઈ તર્ક છે ખરો? જરા ઊંડાણથી જોઈએ.

એ સ્થળનું નામ છે ઓવરટોન બ્રિજ. સ્કોટલેન્ડના ડમ્બરટનમાં આવેલો આ પુલ ૧૯મી સદીમાં બંધાયેલો છે. અને એ સમયની પદ્ધતિ મુજબ આ પુલ સરસ મજાના પથ્થરોની કોતરણી ધરાવે છે. સ્થાપત્યની ભાષામાં એને ગોથિક બ્રિજ કહેવાય. જો કે એ ‘ડોગ સ્યુસાઈડ બ્રિજ’ તરીકે વધુ જાણીતો છે! એક કોતર પાર કરવા માટે બાંધવામાં આવેલા પંદરેક મીટર લાંબા આ બ્રિજ ઉપરથી અનેક શ્વાને મોતની છલાંગ લગાવી છે! છેલ્લા સિત્તેર વર્ષોથી આ પ્રકારની ઘટનાઓ બનતી હોવાનું નોંધાયું છે! છેલ્લા સાતેક દાયકા દરમિયાન અનેક શ્વાનોએ ઓવરટોન બ્રિજ પરથી મોતની છલાંગ લગાવી છે! અમુક ઘટનામાં પુલ પરથી કૂદી પડેલ શ્વાનનો જીવ બચી ગયો હોવાનું પણ નોંધાયું છે. પણ એવા કેસમાં પણ શ્વાનને ગંભીર ઇજાઓ તો પહોંચી જ છે. એક કેસ તો એવોય નોંધાયેલો, જેમાં એક વખત ભૂસકો મારનાર શ્વાન મરવાથી કે ગંભીર ઇજાઓથી બચી ગયો, તો એ ફરીથી દોડતો બ્રિજ પર પહોંચ્યો અને ફરીથી છલાંગ મારીને મોતને ભેટ્યો!

પણ શ્વાનોની આવી સ્યુસાઈડલ ટેનડન્સી પાછળનું કારણ શું?

એવું કહેવાય છે કે ઓવરટોન બ્રિજ જ્યાં આવેલો છે, એ સ્કોટિશ વિસ્તારના લોકોને ભૂતિયાકથાઓમાં ભારે રસ પડે. સ્વાભાવિક છે કે આવી રસ-રુચિ ધરાવનાર લોકોને ન સમજાય એવી દરેક ઘટનામાં ભૂત-પ્રેતનો હાથ દેખાય! ઓવરટોન બ્રિજ પરથી ભૂસકા મારતા શ્વાનો પણ કોઈ પરાભૌતિક તત્વની હાજરીને કારણે કૂદી પડતા હોવાનું મનાય છે. એક લોકકથા પ્રમાણે અહીં એક ઉદાસ વિધવા સ્ત્રીનું ભૂત આંટા મારે છે. ‘વ્હાઈટ લેડી ઓફ ઓવરટોન’ તરીકે પ્રખ્યાત આ ભૂતને જોતાની સાથે જ શ્વાનો બ્રિજ પરથી કૂદી પડતા હોવાનું મનાય છે.

બીજી એક દંતકથા વધુ ભયાવહ છે. એવું કહેવાય છે કે ૩૨ વર્ષના એક પુરુષે પોતાના બાળકને ધાર્મિક કારણોસર આ બ્રિજ પરથી ફેંકી દીધેલું! નાનકડું બાળક બિચારું મૃત્યુ પામ્યું અને એના બાપને પાગલ કરાર કરાયો. એ સાથે જ રોવરટોન બ્રિજ ‘ભૂતિયા’ થઇ ગયો! જે જગ્યાએથી બાળકનો ઘા કરવામાં આવેલો, બરાબર એ જ સ્થળેથી કૂતરાઓ ભૂસકો મારતા હોવાનું લોકોનું કહેવું છે!

હવે વિજ્ઞાન શું કહે છે એ જોઈએ. ઇસ ૨૦૧૦માં પ્રાણીઓના વર્તનશાસ્ત્રના અભ્યાસુ અને નિષ્ણાંત એવા ડેવિડ સેન્ડ્સ દ્વારા રોવરટોન બ્રિજની મુલાકાત લેવામાં આવી. ડેવિડની તપાસને અંતે જણાયું કે પુલ પરથી આત્મહત્યા કરનાર કૂતરાઓ મોટા ભાગે લાંબુ નાક ધરાવતા હતા. પરિણામે એમની સુંઘવાની શક્તિ પણ તીવ્ર હતી. હવે રોવરટોન બ્રિજની નીચે અનેક નાના કદના જંગલી જીવોનો વસવાટ છે. એ પૈકી મિંક નામનો રૂંછાવાળો જીવ મુખ્ય છે. મિંક સહિતના આ જીવોના શરીરમાંથી ચોક્કસ પ્રકારની વાસ છૂટતી હોય છે, જેનાથી આકર્ષાઈને પુલ પરથી પસાર થતાં અનેક શ્વાનો તરાપ મારે છે.

અહીં એ પ્રશ્ન થાય કે શ્વાન કોઈ પણ વાસથી ગમે એટલો આકર્ષાય કે ખીજે ભરાય, તો ય આટલી ઊંચાઈથી ભૂસકો તો ન જ મારે. શ્વાન બહુ સમજદાર પ્રાણી ગણાય છે, એને ઊંચાઈનો ખ્યાલ હોય જ. તો પછી કયા કારણોસર શ્વાનો રોવરટોન બ્રિજની ઊંચાઈને ભૂલીને કૂદકો મારી બેસે છે? ડેવિડ આ માટે બ્રિજની પાળીની ડિઝાઈનને જવાબદાર ગણે છે.

ખાસ પ્રકારના ટેપર્ડ શેઈપમાં બનાવાયેલી બ્રિજની પાળીને કારણે શ્વાનની આંખોમાં એવું છલાવરણ રચાતું હશે, જેનાથી જમીન એને બહુ નજીક લાગતી હોય! આથી પુલની ઊંચાઈને ‘સેઈફ ડિસ્ટન્સ’ સમજીને શ્વાન ભૂસકો મારી દેતા હોય એમ બની શકે! ડેવિડ સેન્ડ્સ દ્વારા કેટલાક પ્રયોગો કરાયા, એમાં પણ શ્વાન રોવરટોન બ્રિજની નીચે વિચરતા મિંક નામના રૂંછાદાર પ્રાણીઓ પ્રત્યે આકર્ષાઈને ભૂસકો મારવાનો પ્રયત્ન કરતા હોવાનું નોંધાયું!

સો મોરલ ઓફ ધી સ્ટોરી ઇઝ, શ્વાનોની આત્મહત્યામિંક જેવા જનાવરો મોજૂદ છે જ, ત્યાંથી કૂતરાઓ કૂદી કેમ નથી પડતા, એ વિષે સંશોધન થવાનું બાકી છે! 🙂


શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com  પર થઇ શકે છે.


Disclaimer: The images in this post have been taken from net for non-commercial purpose. If there is any breach of copy right, and would be brought to our notice, it will be removed from here.

Author: Web Gurjari

1 thought on “સાયન્સ ફેર : એક એવો ભૂતિયો પુલ, જ્યાંથી શ્વાનો આત્મહત્યા કરે છે!

  1. ઘની બધી ઘટનાઓની જેમ આ ઘટના પણ વિજ્ઞાન માટે કોયડો કહેવાય, જે વિજ્ઞાન જ ઉકેલી શકશે

Leave a Reply

Your email address will not be published.