મારું વાર્તાઘર : અંધારિયા મનમાં

રજનીકુમાર પંડ્યા

થોડે દૂર પાંચ માણસો ટોળે વળ્યા હતા. કોઈ હશે ? હોવું જ જોઈએ. આમ મારી તરફ જોયા કેમ કરે છે ! જુએ છે. નજર ઢાળી જાય છે. પાછા અંદરઅંદર વાતો કરે છે. પછી વળી મરકે છે. પછી વળી મારા સામે જુએ છે.

‘છે શું ?’

લલ્લુભાઈએ આ સવાલ સાત જણાને પૂછ્યો. ત્રણ જણા એવા નીકળ્યા કે જેમણે કહ્યું કે અમે કશું જાણતા નથી. ત્રણ જણા એવા નીકળ્યા કે મારા બેટા જાણતા હોય પણ કંઈ ઓચરવા માંગતા નથી. ભેદી રીતે બંધ હોઠ રાખે છે. એક જણો એવો નીકળ્યો કે બોલ્યો કે મને ખબર છે.

‘શું ?’

‘હવે તમે ડાયા થાવ મા ને ?’ એ બોલ્યો. ‘તમને બધી ખબર છે ને મને પૂછો છો ?’

‘મારા સમ!’ લલ્લુભાઈએ ગળા પર હાથ દીધો. ‘ખબર હોય તો શું કરવા પૂછું ?’

‘તોય પૂછતા હોય છે માણસ.’ એણે કહ્યું. ‘આ વાત જ છે એવી લાપસી જેવી. ભલે ને આપણે જાતે આંધણ મૂક્યું હોય ને આપણે જાતે રાંધી હોય,પણ કોળીયા તો બીજું કોક ભરાવે તો જ આપણને માણ વળે.!’

‘પણ કઈ વાત?’

‘ખરેખર નથી જાણતા?’

‘ધરમ સોગન….’ લલ્લુભાઈ આકળા થઈને બોલ્યા.’ એક વાર કીધું નહિ ?’

‘કાનને દોષ છે. ’ એ બોલ્યો ને ગળું ખોખાર્યું. પણ બોલ્યો નહિ.

‘હવે કરી નાખ ને કરતો હોય તો!’ લલ્લુભાઈ ખરેખર મીઠું મીઠું ખારા થયા. ‘તારા કરતાં તો ‘નથી જાણતા’ એમ કહેનારા સારા.’

‘તો જવા દો, હું નહિ કહું તો ય તમે જાણવાના તો છો જ. વાજતુંગાજતું માંડવે નહિ આવે?’

‘અહાહા…..’ લલ્લુભાઈએ બે હાથે માથું પકડી લીધું. પણ શું વાજતેગાજતે માંડવે આવશે? મારું કપાળ ?’

’કપાળ જ માંડવે આવે ને?’ પેલો બોલ્યો. ‘ચાંદલો તો એની ઉપર જ થાય ને !’

લલ્લુભાઈના મગજની નસો ફાટફાટ થઈ. એ બોલ્યા. ’ગયા જનમમાં તું હડકાયું કૂતરૂં હોવો જોઈએ. એક દાઢ બેસાડે ત્યાં ચમક ઉપડે. રહેવાય નહીં એવું થાય.’

અંગત સંબંધ એટલે આવું બોલાય ને આવું બોલે તો જ એ માણસ વાત ઉચ્ચારે ને ઉચ્ચારી પણ ખરી. ‘જુઓ, કાનને દોષ છે. બાકી અમે સાંભળ્યું છે કે તમે તમારું બ્રહ્મચર્યનું વ્રત તોડવાના છો.’

લલ્લુભાઈ અંદરથી આખેઆખા હચમચી ગયા. શરીરમાં વીજળી દોડી ગઈ. થોડું ન ગમ્યું. થોડું ગમ્યું. પણ બીજી જ ક્ષણે આંખ માંયલી ચમકને એમણે ઓસરાવી દીધી. પૂછ્યું. ‘મતલબ?’

‘મતલબ સીધો છે.’ એ બોલ્યા. ‘તમને પાંત્રીસ વરસના જણને કંઈ સમજાવવું પડે.’

‘મતલબ કે હું ભ્રષ્ટ થઈશ? કોઈક એવો-તેવો સંબંધ?’

‘અરે……અરે….અરે….’ એમ ખાંચાવાળી રેકોર્ડની જેમ બોલીને એણે કાને હાથ દીધા. ‘એવું ક્યાં હું બોલ્યો?’

‘ત્યારે શું ?’ લલ્લુભાઈ બોલ્યા. ‘મારા ગુરુએ મને શુદ્ધ રહેવાનું વ્રત આપ્યું છે તે તોડવાની વાત તું કરે છે. એનો મતલબ શું ?’

‘જુઓ ભાઈ.’ એ બહુ ઠાવકો થઈ ગયો. જાણે કે જિંદગીમાં એ કદી હસ્યો જ નથી. બોલ્યો. ’અમે તો એમ પાકે પાયે સાંભળ્યું છે કે તમે લગન કરવાના છો ને એ પણ કોઈ જેવી તેવી કન્યા સાથે નહિ. પાસેના ગામની સૂર્યા સાથે, કોણ ? પેલી કુંવારી સામાજિક કાર્યકર? ડોક્ટર છે – વળી છડેછડી છે. અઠ્ઠાવીસ – ત્રીસની તો ખરી જ ને !’

આટલી બધી માહિતી ઠાલવી ત્યારે લલ્લુભાઈના મનમાં જરા જેટલો ઉજાસ પ્રગટ્યો. ખ્યાલ આવ્યો, ખ્યાલ આવ્યો ! આ હમણાં કોરોના રાહતના કામમાં ભેળી હતી એ ! આટલા સુધી વિચાર આવીને અટકી ગયો. ને મગજમાં ચીડ છવાઈ ગઈ. એમણે જરી તપેલા અવાજે પૂછ્યું. ’કોણે ફેલાવી આવી વાહિયાત વાત?’

‘કાનને દોષ છે.’ કહી પેલો બોલ્યો.

“તારા તો કાન જ કાપી કાઢવા જોઇએ !’

‘કાન કાપી નાખો તો ય દિમાગમાં પડેલી વાત થોડી કપાઇ જવાની?’ એણે એક તરફ જોઇને થૂંકી દીધું. ‘મને પાકે પાયે કોઇએ બાતમી આપી એટલે તમને કીધું. ખોટું બોલવાથી મને શું હાંસલ?’

‘હાંસલ-બાંસલ તો ઠીક હવે.’ લલ્લુભાઈ બોલ્યા.‘માણસ લાભ ખાતર જ બધું કરતા હોત તો દુનિયામાં મૂર્ખાઓની વસતી ન હોત. મને તો તારી પાસેથી એ જાણવું છે કે આ કોના ગંધારા ભેજાની પેદાશ છે ?’

‘ગામ આખું બોલે છે.’ એ બોલ્યો.‘એમાં કોને ગળે દોરો બાંધવો? પણ મારે તમને પૂછવાનું કે આટલા બધા ખારા થાઓ છો તો એ કહો ને આટલા વરસ લગી કેમ કદી કોઈએ આવી વાત ન કરી ? એવું શું બન્યું કે ગામને આવી વાત કરવાનું બહાનું મળ્યું ? એવું કયું છાણું હતું કે એમાંથી આટલો ધુમાડો નીકળ્યો ? બાકી તો કાનને દોષ છે.’

‘કાનને દોષ છે’વાળો તો આટલું બોલીને રસ્તે પડ્યો. પણ લલ્લુભાઈ તરત જ અંદરના ઓરડામાં ગયા. અંધારા ખૂણામાં ગુરુનો ફોટો હતો ત્યાં દીવો પ્રગટાવ્યો. દીવાસળી ઠારી નાખી. પણ વળી સાંભર્યું કે અગરબત્તી રહી ગઈ. એટલે બીજી કાંડી સળગાવી – જોયું ! એ મનોમન બોલ્યા. આ વાતના એવડાં અમથાં ટીપાંથીય આવી દિવાસળી સળગાવવા જેવી વાતમાંય ભૂલો થવા માંડી, લોચા પડવા માંડ્યા તો પણ ખરેખર સ્ત્રી-સંસર્ગની વાત જ કેવી નુકસાનકારી હશે ? ગુરુએ જે વ્રત આપ્યું તે સમજીને આપ્યું. કે આ શિષ્ય જ ચંચળ મનનો છે કે સ્ત્રીઓ એના પ્રત્યે જરૂર આકર્ષાય. તેને બચાવવો હોય તો બ્રહ્મચર્યનું આકરું વ્રત આપો ને એટલે આપ્યું. સમજીને ભલા માટે આપ્યું. પ્રાણાંતે પણ છોડવું નહીં.’

આંખ બંધ કરીને હાથ જોડ્યા. ને એક દિવસના ઉપવાસ આત્મશુદ્ધિ અર્થે કરવાનું નક્કી કર્યું. ત્યારે કાંઈક શાંતિ થઈ.

        **** **** ****

પણ ચાર જ દિવસે બહારગામથી આવેલા એક મિત્રે હાથમાં ઉષ્માપૂર્વક હથેળી લઈને અભિનંદન આપ્યા.

‘પણ શેના?’ લલ્લુભાઈએ પૂછ્યું.‘પહેલાં વાત તો કરો.’

‘મીર માર્યો બાકી….’ મિત્ર બોલ્યો.‘આનું નામ કામ કર્યું કહેવાય ! દુનિયાની કોરોના રાહત કરતાં કરતાં જાતની તો દુષ્કાળરાહત કરી નાખી !….’

આ મિત્ર ઘણા વર્ષે આવ્યો હતો એટલે લલ્લુભાઈએ ખામોશી રાખી. બાકી આ જ માણસ રોજરોજ મળતો હોત તો એક ધોલ ઝીંકી દેત. માંડ માંડ જીભ પર સંયમ રાખ્યો. પૂછ્યું. ‘શેની વાત કરે છે ?’

‘ડૉ. સૂર્યા સરજવાલ જોડે ચોકઠું ગોઠવી દીધું ને !’ મિત્ર એની આંખમાં આંખ પરોવીને બોલ્યો, ‘સરસ કર્યું. બાઈ દેખાવે જરા નબળી, પણ આમ વિદ્વાન, ડૉક્ટર, વળી એકલી. કરોડપતિ બાપનો વારસો હમણાં જ મળ્યો. વળી સીધી લાઈનની. લપ્પન-છપ્પન નહિ. તારા માટે જુગતે જોડી તમે બેય પરસ્પર ખાટ્યા છો.’

‘કિશોરભાઈ…’ લલ્લુભાઈ લગભગ ગળગળા જેવા થઈને બોલ્યા, ‘તારા સમ, આમાં કંઈ સાચું નથી. કોરોના રાહતમાં અમે દસ-પંદર દિવસ ભેગા ફર્યા એટલું જ. એ મહિલા કેમ્પમાં રહી. હું પુરુષ કેમ્પમાં. બાકી મિટિંગમાં મળીએ એટલું જ. એક-બે વાર એકબીજાનાં નામ પૂછ્યાં. બાકી હરામ બરાબર જો તુંકહે છો તેવું કાંઇ હોય તો.’

મિત્ર બોલ્યો નહિ. માત્ર તાકી રહ્યો એટલે લલ્લુભાઈએ પૂછ્યું, ‘પણ તને આ વાત ક્યાંથી મળી ? તું તો અહીં રહેતો નથી ને !’

‘ભૂલી ગયો કે કોણે કહ્યું’તું.’ મિત્ર બોલ્યો. આગળ ન બોલ્યો. એમ લાગ્યું કે એ વાત ચાવી ગયો.

લલ્લુભાઇએ વિચાર કર્યો :‘કાં આ ગામ, કાં પેલે ગામ, ક્યાંકથી તો વાત આવી હશે ને!’

મિત્ર ચાલ્યા ગયા પછી લલ્લુભાઈએ બહુ લાંબો વિચાર કર્યો. દુઃખ થાય છે. પણ ગુરુના ફોટા પાસે વારંવાર શું જવું ? આ તો રોજનું થયું ! આ વાત પર હવે રોવાય નહીં,. આને ગણકારાય જ નહિંને ! ઉપવાસ પણ ના કરાય.

એ વિચારતા વિચારતા અટક્યા. ઉપવાસ ના કરાય તો શું કરાય ?

ત્યાં તો મનમાંથી જ કોઈ બોલ્યું, ‘લાડુ ખવાય, લાડુ.’પણ પછી તરત જ એમણે જીભ કચરે એમ મનને કચર્યું.

   **** **** ****

આઠેક દિવસ પછી લલ્લુભાઈ એક જગ્યાએથી પસાર થતા હતા ત્યાં પાંચ-સાત જણનું ટોળું ઊભું હતું. લલ્લુભાઈને એમ લાગ્યું કે પોતે પસાર થયા એમાં એ લોકો બોલતા બંધ થઈ ગયા. નક્કી મારા અને સૂર્યા અંગે જ કશું કહેશે. શું હશે ? મનમાં પીછું ફર્યું. મારે બેટે વાત પેદા કરનારે કરી છે ને કાંઈ ! આજે વળી શું ગતકડું હશે ?

એ પાછા ફર્યા અને ટોળામાંથી એક જણને પૂછ્યું. ‘કોની વાત કરો છો? ચૂપ કેમ થઈ ગયા ?’

‘તમારી જ વાત….’ એમ બોલાશે એવી ધારણા હતી. ત્યાં એક જુવાન એમાંથી બોલ્યો. ‘અમે તો મોહલ્લામાં પડેલા મરેલા કૂતરાની વાત કરતા હતા. જુઓ ને, સુધરાઈને કંઈ પડી છે ? ત્રણ ત્રણ ફોન કર્યા તોય કોઈ આવતું નથી. બાકી…’ એ અટકીને બોલ્યો, ’અમે તો કાંઈ બોલતા અટક્યા નથી. તમને એવું લાગ્યું હશે.’

‘ઉહ…! મરેલા કૂતરાની વાત !’ લલ્લુભાઈ મનમાં બોલ્યા. આવા ચોમાસાના ઠંડા વાદળા ઘેરાયા હોય, સુગંધી હવા ફેંકાતી હોય ત્યારે મરેલા કૂતરાની વાત કરાય ? કોઈક રસિક વાત ન કરવી જોઈએ ?

પછી મનમાં થયું. ભલે ને ગમે તેમ બોલે. બાકી વાત તો નક્કી મારી અને સૂર્યાની જ કરતા હશે. આ લોકો ઓછીના નથી.

**** **** ****

તે રાતે લલ્લુભાઈ ગુરુના ફોટાવાળા નહિ, પણ બીજા ઓરડામાં સૂતા. ખૂબ વિચાર કર્યો. પાંત્રીસ વહી ગયા. ગુરુ ગુરુની રીતે સાચા હશે. પણ સ્ત્રી એ સ્ત્રી છે. સ્ત્રી ના હોત તો દુનિયામાં ગુરુ પણ ના હોત. ત્રીસ-પાંત્રીસ સુધી બરાબર છે. પછી બહુ મમત ના રાખવો જોઈએ. કોઈ સામે ચડીને આવતું હોય, જેમ કે સૂર્યા…. તો પછી શા માટે નકારવી ? અપમાન કહેવાય અને આ વાત પણ નક્કી એણે જ પેદા કરેલી હોવી જોઇએ. બાઈની આંખમાં મિટિંગ વખતે પણ સાપોલિયાં રમતાં જોયેલાં. ને આપણે પોતે કાંઈ હજુ ઓછા મોહક છીએ ? બ્રહ્મચર્યનું તેજ ચહેરા ઉપર ફૂટી નીકળ્યું હોય ને ! એ કામ કરે જ ને !

પણ હવે ? હવે એ તો બાઈમાણસ. સામે ચડીને વાત ફેલાવે એ માગું નાખવા બરોબર જ ગણાય. બાકીનું હવે પુરુષે સંભાળી લેવું ઘટે. હવે આમાં ઢીલ કરવી એ ઘાતક છે. ઘાતક નહીં, નામોશી છે. નામોશી નહીં, નાનપ છે. નાનપ જ શું કરવા? અરે, ભીરુતા છે.

  **** **** ****

લલ્લુભાઈ ગયા ત્યારે સૂર્યાબેન બહાર નીકળવાની તૈયારીમાં હતાં. અજાણ્યાને આવેલા જોઈને બે પળ ઊભાં રહ્યાં. પછી લલ્લુભાઈ એમની સામે જોઇને હસ્યા. ને તોય સૂર્યાબેનને ઝટ ઓળખાણ ના પડી એટલે લલ્લુભાઇ જરા ઓઝપાયા. પછી પેલી કોરોના રાહતની મિટિંગોની યાદ આપી ત્યારે સૂર્યાબેને તરત જ ‘હા….હા…હા….હો…. ભૂલી જ ગઈ !’  કરીને ઓળખાણ યાદ કરી. ‘શું આવવું થયું? એમ પૂછીને ઘડિયાળ સામે જોયું. ઉતાવળમાં હશે. વાત તરત જ કરવી જોઈએ એમ લલ્લુભાઈને સમજાયું. એમનામાં એક ઊછાળો આવ્યો. સૂર્યાબેનના પગથી માથા સુધી જોઈને બોલ્યા, ‘આપણા લગ્નની વાત લોકો તો હવે ખરેખર આપણા લગ્ન થઈ ગયા હોય એમ જ કરે છે. ક્યારે ગોઠવશું ?’

સૂર્યાબેને જોરથી થપ્પડ ઝીંકી. લલ્લુભાઈના મગજમાં અંધારું છવાઈ ગયું. પણ એ અંધારિયા મનમાંય એકાએક ગુરુ પ્રગટ્યા ને ખડખડ હસ્યા. ટોળુંય પ્રગટ્યું ને વિખેરાઈ ગયું.


આ વાર્તાની સર્જનપ્રક્રિયા

વાર્તાકારની કલમમાંથી દર વખતે કોઇ ગંભીર ગોરંભાવાળી વાર્તા ઉતરે એવું નથી બનતું. હળવી પણ ઉતરે. મારું ધ્યાન હંમેશા મનુષ્યના મનના આંતરપ્રવાહો પર હોય છે, મારામાં એ નિરીક્ષણની નિરંકુશ વૃત્તિ કુદરતી (By Default) છે. એને આટે ડાટો દેવો મારા માટે અશક્ય છે. (એણે તો મને વાર્તાકાર બનાવ્યો છે.) આના કારણે આવા પ્રવાહો (UnderCurrents)ના એકબીજા સાથેના ટકરાવ ઝીણી નજરે જોતાં જોતાં ક્યારેક મને માત્ર એક જોણું જોયાનો આનંદ મળે છે. તો એમાંથી ક્યારેક હૃદયવિદારક વાસ્તવિકતાનું પણ દર્શન થઇ જાય છે. ક્યારેક રમૂજ પણ થાય છે. ક્યારેક એ રમૂજ પછવાડે એક છૂપી કારુણીનો આછેરો પુટ પણ સ્પર્શી જાય છે. મનની લીલા અગાધ છે. અને મારી સમજ કહે છે કે એ લીલા જ મેઇક અપ વગરના જીવનનો અસલી ચહેરો છે. પંગતમાં જમવા બેઠા હોઇએ ત્યારે આપણી નજર બીજાના ભાણાં પર પડ્યા વગર અને એનો આપણા ભાણાં સાથેનો તફાવત નોંધ્યા વગર રહેતી નથી. કોઇ વાનગી આપણા સુધી પહોંચ્યા પહેલા ખૂટી જાય તો આપણે શું એની રજમાત્ર પણ નોંધ લીધા વગર રહી શકીએ છીએ ? આપણા કરતાં કતારમાં આગળ ઉભેલાની સાવ રજ જેટલી નગણ્ય તો નગણ્ય પણ, ઇર્ષા કર્યા વગર આપણે રહી શકતા નથી.

જો કે, આમાં વધુ ઊંડા ઊતરવા જેવું નથી. એ તો સદા સળવળતા રહેતા કરોડો માઇક્રો સાપોલિયાંની ભોમ-ભીતરની જીવતી સૃષ્ટિ છે. એનો સર્વે કરવા જેવો નથી. થઇ પણ શકે નહિં. કરવો હોય તો પહેલા જાતમાં જ ઝાંકવું પડે જેની આડે તો જડબેસલાક બખ્તર આપણે ચડાવેલું હોય છે. પ્રસ્તુત વાર્તા ‘અંધારીયા મનમાં’ પણ  કોઇના મનના, એક સળવળાટની ગતિવિધી ચિતરવા પ્રયત્ન કરે છે.


લેખક સંપર્ક –

રજનીકુમાર પંડ્યા
બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો. +91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +91 79-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com

Author: Web Gurjari

2 thoughts on “મારું વાર્તાઘર : અંધારિયા મનમાં

  1. સરસ રજૂઆત કરી છે સાહેબ. માણસ ના મનનો તાગ મેળવવો અઘરો છે

Leave a Reply

Your email address will not be published.