ફિર દેખો યારોં : લાગણી દુભવવી અમારો જન્મસિદ્ધ અધિકાર છે

બીરેન કોઠારી

‘આપણા માનનીય વડાપ્રધાનને તેમની દિલ્હી ખાતેની મુલાકાત દરમિયાન હું આવકારું છું.’ આ ટીપ્પણી ભારતના જ વડાપ્રધાન માટે એક સાંસદે કરેલી છે, પણ એ વર્તમાન વડાપ્રધાન માટે નથી. વડાપ્રધાનપદે રાજીવ ગાંધી હતા અને વર્તમાન વડાપ્રધાનની જેમ જ તે અવનવા દેશોના સતત પ્રવાસે રહેતા. એક વખત સંસદના સત્રમાં રાજીવ ગાંધી ઉપસ્થિત રહ્યા ત્યારે તેલુગુ દેશમ પક્ષના સાંસદ પી. ઊપેન્‍દ્રે આ વાક્યથી પોતાના વક્તવ્યનો આરંભ કરેલો.

પછીના અરસામાં, ભારતીય જનતા પક્ષની સરકાર વખતે જસવંત સિંહે અંગ્રેજીમાં લાંબું વક્તવ્ય આપ્યું. મોટા ભાગનાઓને તે માથા પરથી ગયું. વક્તવ્ય પત્યું એટલે એક સાંસદે કહ્યું, ‘હવે આનો કોઈક અંગ્રેજીમાં અનુવાદ કરી આપશે?’

મનમોહનસિંહ વડાપ્રધાનપદે હતા ત્યારે સંસદના સત્ર દરમિયાન, ભારતીય જનતા પક્ષના લાલકૃષ્ણ અડવાણીએ એક વક્તવ્યમાં તેમને માટે ‘સૌથી નબળા વડાપ્રધાન’, ‘નિકમ્મા’ જેવાં વિશેષણો વાપરેલાં. પ્રત્યુત્તરમાં મનમોહનસિંહે કહ્યું, ‘અડવાણીજીની હતાશા હું સમજી શકું છું. પોતાની મહત્ત્વાકાંક્ષા પૂર્ણ કરવા માટે તેમણે આપણી સરકારને પછાડવા ઓછામાં ઓછા ત્રણેક પ્રયાસ કર્યા છે. દરેક વખતે તેમના જ્યોતિષીઓએ તેમને ગેરમાર્ગે દોર્યા છે. હવે આટલી પાકટ વયે અડવાણીજીને પોતાના વિચાર બદલે એવી અપેક્ષા મારાથી ન રખાય, પણ તેમને પોતાને તેમ જ દેશને ખાતર પોતાના જ્યોતિષીઓ બદલી નાખવાની તેમને હું વિનંતી કરું છું.’

ભારતીય રાજકારણીઓની રમૂજ વૃત્તિને છતી કરતાં આવાં અનેક ઉદાહરણો મળી આવે. જાહેર જીવનમાંથી, અને ખાસ તો રાજકારણમાંથી હવે રમૂજ વૃત્તિ ગાયબ થવા લાગી છે. હાસ્ય, વ્યંગ્ય અને રમૂજની આપણા દેશની સમૃદ્ધ પરંપરા જાણે કે ઝડપથી ભૂંસાતી ચાલી છે. તે લુપ્ત પ્રજાતિના દરજ્જામાં આવી જાય એ દિવસો દૂર નથી લાગતા. પોતાની લાગણી દુભાય એ માટે લોકો ટાંપીને બેઠા હોય એમ લાગે. બીજી તરફ ઈન્‍ટરનેટના માધ્યમ થકી અભિવ્યક્તિ માટેનાં વિવિધ પ્લેટફોર્મ વિસ્તરતાં રહ્યાં છે, જેને લઈને કોઈ પણ વ્યક્તિ, સંસ્થા કે ઘટનાને રમૂજસભર રીતે રજૂ કરવાનું યા આડે હાથે લેવાનું પ્રમાણ દિન બ દિન વધી રહ્યું છે. લાગણી દુભાવા માટે તે ઉત્તમ ઈંધણ પૂરું પાડે છે.

હાસ્યના નામે રમૂજી ટૂચકા લોકોને પસંદ આવે છે, અને અંગત ધોરણે, ચોક્કસ વિષયની રમૂજ માણે છે, પણ જાહેર જીવનમાં રમૂજ માણવાનું લક્ષણ ઓસરી રહ્યું છે. બહુવિધ સંસ્કૃતિ ધરાવતા આપણા દેશમાં રીતરિવાજો કે રહેણીકરણીનું એટલું બધું વૈવિધ્ય છે કે કોઈ ને કોઈ બાબતે કોઈની ને કોઈની લાગણી દુભાયા વિના રહે નહીં. હવે આ રમત રાજકારણીઓ રમવા અને રમાડવા લાગ્યા છે, જેને લઈને મામલા અદાલત સુધી પહોંચવાના કિસ્સા વધી રહ્યા છે. વર્તમાન સમયમાં આપણા દેશમાં કોઈ એક બાબતે લોકોમાં જાગૃતિ વધી રહેલી જણાતી હોય તો એ છે લાગણી દુભાવાના હક અંગેની. હાલતાં ને ચાલતાં, જેની ને તેની લાગણી કોઈ પણ મુદ્દે દુભાવાનું પ્રમાણ કોઈ રોગચાળાની જેમ વકરી રહ્યું છે. હવે આ વાવર છેક સર્વોચ્ચ અદાલત સુધી પ્રસર્યો છે.

નવેમ્બરમાં હાસ્યકલાકાર કુણાલ કામરાએ પત્રકાર અર્નબ ગોસ્વામીને જામીન આપવા અંગે સર્વોચ્ચ અદાલતની રમૂજયુક્ત ટીકા કરતાં ચાર ટ્વીટ કર્યાં હતાં, એટલું જ નહીં, તેને પાછાં ખેંચવાનો પણ ઈન્‍કાર કરીને તેનું જે પરિણામ આવે એ ભોગવવાની તૈયારી દેખાડી હતી. અદાલતની અવમાનના કરવા બદલ તેમની સામે ખટલો ચલાવવાની મંજૂરી આપવામાં આવી હતી.

હવે સર્વોચ્ચ અદાલતની લાગણી વધુ એક વખત દુભાઈ છે. આ વખતે તેના માટે એક કાર્ટૂન જવાબદાર છે. કાર્ટૂનનો એક પ્રકાર ‘સ્ટીકી ફિગર્સ’ દોરવાનો છે. તેમાં લંબગોળ ચહેરાની નીચે માનવાકૃતિને સીધી લીટીઓ (સ્ટીક) વડે, એકદમ સરળ રીતે દર્શાવવામાં આવે છે. ‘સેનિટરી પેનલ્‍સ’ શિર્ષક તળે આ પ્રકારનાં કાર્ટૂન બનાવતી ચિત્રકાર રચિતા તનેજાએ એક ચિત્ર બનાવ્યું, જેમાં ત્રણ માનવાકૃતિઓ ઉભેલી બતાવાઈ છે. વચ્ચે અર્નબ ગોસ્વામી, તેની ડાબી તરફ ભારતીય જનતા પક્ષને અને જમણી તરફ સર્વોચ્ચ અદાલતને માનવરૂપે ચીતરવામાં આવ્યા છે. સર્વોચ્ચ અદાલતે અર્નબને ખભે હાથ મૂકેલો છે, અને અર્નબ કહે છે, ‘તૂ જાનતા નહીં મેરા બાપ કૌન હૈ.’ આ ઉપરાંત પણ રચિતાએ થોડાં ટ્વીટ મૂક્યાં હતાં. આ જોઈને અદાલત વધુ એક વાર ખફા થઈ ગઈ. રચિતા સામે ખટલો ચલાવવાની મંજૂરી પણ આપી દેવામાં આવી છે.

આ ઘટનાક્રમમાં ‘સર્વોચ્ચ અદાલતની અવમાનના’ના નામે અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનું ગળું ઘોંટવાનો આ પ્રયાસ હોવાનું ઘણાને લાગી રહ્યું છે. દેશની પરિસ્થિતિ એવી વક્રતાભરી છે કે વ્યંગ્યકારો કે કાર્ટૂનિસ્ટોનો આકરામાં આકરો વ્યંગ્ય વાસ્તવિક સ્વરૂપ લઈને રોજબરોજના સમાચારોમાં ચમકી રહ્યો છે. ચૂંટણી ટાણે કોવિડની રસી પૂરી પાડવાનું વચન આપવામાં આવે, રાજ્યના મુખ્યમંત્રી અન્ય રાજ્યની મહાનગરપાલિકાના ચૂંટણીપ્રચાર માટે જાય, વૈશ્વિક મહામારીના સમયગાળામાં માળખાકીય સવલતોને મજબૂત બનાવવાને બદલે સી-પ્લેન જેવાં બાળબોધી ગતકડાં પાછળ નાણાં વેડફાય, ચૂંટણીની રેલીઓમાં ટોળેટોળાં ઉમટે, ગરબે ઘૂમે અને બીજી તરફ માસ્ક વિના ફરતા નાગરિકો પાસેથી વસૂલાતા દંડની રકમના આંકડા અખબારોમાં પ્રકાશિત થતા રહે- આવા તો અનેક વિરોધાભાસ વચ્ચે આપણે વર્તમાન યુગમાં જીવી રહ્યા છીએ. વ્યંગ્યકારની કલ્પનાસૃષ્ટિએ હવે વાસ્તવિકતા ધારણ કરી લીધી છે. આનાથી વધુ રમૂજી કે વક્ર પરિસ્થિતિની કલ્પના શી કરી શકાય? એ પણ વક્રતા છે કે આ કરુણરમૂજી પરિસ્થિતિમાં સૌથી વધુ અભાવ રમૂજવૃત્તિનો જોવા મળી રહ્યો છે.

રાજકારણીઓની કે જાહેર જીવનમાંથી ઘસાતી જતી રમૂજવૃત્તિ બાબતે આપણે કશું કરી શકીએ એમ નથી, પણ આપણી પોતાની રમૂજવૃત્તિને જીવંત રાખી શકીએ તો બહુ. આમ કરવા માટેનું પહેલું કારણ એ છે કે એ નરવાઈની નિશાની છે, અને બીજું કારણ એ કે નાગરિક તરીકે આપણી પાસે આનાથી બહેતર વિકલ્પ નથી.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૦-૧૨–૨૦૨૦ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.