વારાણસી- ‘શિવ’માંથી ‘શંકર’ બનેલ મહાદેવનું ‘ઘર’ : વારાણસીની પારંપારિક ખુબીઓ

દર્શા કિકાણી

કુંભમેળો અને દ્રુપદ મહોત્સવ :

યજમાનની જ ગાડી અને જાણીતા ડ્રાઈવર સાથે સવારે વહેલાં અમે કુંભમેળામાં જવા વારાણસીથી અલ્હાબાદના રસ્તે નીકળ્યાં. યજમાને અમારા માટે સવારનો નાસ્તો પેક કરી ગાડીમાં મૂકાવી દીધો હતો. અમે થોડો કોરો નાસ્તો પણ જોડે રાખ્યો હતો જેથી રસ્તામાં ખાવા માટે સમય ઓછો બગડે.

વારાણસીથી અલ્હાબાદ (પ્રયાગરાજ) રોડથી જવાય છે. નેશનલ હાઈવેથી  ૧૨૫ કી.મિ. (NH 19) અને  સ્ટેટ હાઈવેથી  ૧૫૦ કી.મિ. (SH 150) છે. બસો, ટેક્ષી,  ખાનગી વાહનોની  ઘણી વ્યવસ્થા છે. ટ્રેન પણ જાય છે. કુંભમેળાને લીધે પ્રવાસીઓનો ધસારો ઘણો છે. રસ્તા વધુ સારા બનાવ્યા છે. સ્પેશિયલ ટ્રેનો પણ દોડે  છે. રસ્તામાં એક વાર ચા-પાણી માટે રોકાઈ અમે ત્રણેક કલાકમાં કુંભનગરી પહોંચી ગયાં.

૧૫ જાન્યુ. ૨૦૧૯ થી ૫ માર્ચ ૨૦૧૯ સુધી ચાલેલ આ કુંભમેળામાં આશરે ૧૫ કરોડ ભક્તો દર્શનાર્થે આવ્યાં હતાં. ગંગાકિનારે ૩૨૦૦ એકરમાં ૨૫૦ કી.મિ. લાંબા આંતરિક માર્ગો સાથે એક અસ્થાયી શહેર સ્થાપિત કરવામાં આવ્યું હતું. મોટી કમાનોવાળા સુંદર પ્રવેશદ્વારો, ૪૦૦૦ શાહી ટેન્ટ, દરેક ખીસાને પરવડે તેવી રહેવાની પૂરતી વ્યવસ્થા, ૫૦૦૦ વાહન પાર્કિંગ વ્યવસ્થા,૨૦,૦૦૦ કર્મચારીઓ ખડેપગે તૈયાર, ૧,૨૦,૦૦૦ પોર્ટેબલ શૌચાલયો, ઠેરઠેર ચા/કૉફી માટેના વેન્ડિંગ મશીનો, રસ્તા પર LED લાઈટો,  બગીચાઓ, પૂલો, હોડીઓ, ફુવારા, અસંખ્ય દુકાનો, વિશાળ વિજ્ઞાપન વ્યવસ્થા ….. શું અને શેનું વર્ણન કરું ? નદીને નાના-નાના ફાંટામાં વિભાજીત કરી, જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા સાથે લાખો લોકો માટે કુંભ-સ્નાનની સુંદર અને સ્વચ્છ વ્યવસ્થા! દુભાષિયા, ડ્રાઈવર, પંડિત, ગોર-મહારાજ વગેરેની સહેલાઈથી ઉપલબ્ધી ! ધારણા છે કે  લગભગ ૧.૨ લાખ કરોડ રૂપિયાનો વેપાર થયો હશે!

દર ૧૨ વર્ષે કુંભનો મેળો અલ્હાબાદ, હરદ્વાર, ઉજ્જૈન અને નાસિક એમ વારફરતી ચારમાંથી એક જગ્યાએ ભરાય. આ અર્ધકુંભમેળો છે, જે ૬ વર્ષે ભરાય. કુંભ એટલે કળશ, અમૃતનો કળશ. દેવો અને દાનવો વચ્ચે થયેલ ક્ષીરસાગર મંથનની વાતો સાંભળતાં સાંભળતાં અમે આસપાસ જોવામાં વ્યસ્ત અને મસ્ત હતાં. ડ્રાઈવરે ગાડી થોડી નાના રસ્તે વાળી. છેલ્લાં થોડા વખતમાં તેઓ દર આંતરે દિવસે મહેમાનોને લઈ અહીં આવતા એટલે તેમને ઓછી ભીડવાળી જગ્યાનો ખ્યાલ હતો. ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના ત્રિવેણી સંગમમાંથી એક ફાંટો જતો હતો ત્યાં ઝાડ નીચે ગાડી ઊભી રાખી. ભીડ ઓછી હતી પણ ગરમી તો હતી. જાહેરમાં સ્નાન કરવાનો મારો તો કોઈ ઈરાદો હતો નહીં પણ રાજેશે ત્રિવેણી સંગમમાં વ્યવસ્થિત શાહી સ્નાન કર્યું. કહેવાય છે કે ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાથી ભક્તો અમર બની જાય છે! પાણી ચોખ્ખું અને હુંફાળું હતું. આઠેક ફૂટ દૂર ટાયર અને પ્લાસ્ટિક બ્લોક નાંખી બેરીકેડ બનાવ્યું હતું. ભક્તોએ તેની અંદર રહીને જ સ્નાન કરવાનું. કપડાં બદલવા માટે સેંકડોની સંખ્યામાં હાર-બંધ ચોખ્ખા ચેન્જિંગ રૂમો હતા. આટલી વ્યવસ્થા અને આટલી ચોખ્ખાઈ કે સ્વચ્છતાની અમને અપેક્ષા હતી નહીં. સ્નાન કરી આગળનો પ્લાન કરતાં હતાં ત્યાં એક પંડિતજી સાથે ભેટો થઈ ગયો!

ગાડીમાં બેઠાં બેઠાં કુંભનગરીમાં મોટો આંટો માર્યો. અખાડા અને બગીચા બહારથી જ જોયા. એક ફૂડ જોઈન્ટ પર ઊતરી થોડી પેટપૂજા કરી.  એક લાંબા પુલ પાસે ગાડી થોભાવી પુલ પર ચાલ્યાં. કુંભમેળાનું છેલ્લું અઠવાડિયું હતું પણ લશ્કરના જવાનો અને પોલીસની હાજરીને લીધે વ્યવસ્થા બહુ સરસ રહી હતી. અમે કુંભનગરીમાં વિહાર કરી અને ત્રિવેણી સંગમમાં શાહીસ્નાન કરી ધન્ય થઈ ગયાં!

ફેબ્રુઆરી મહિનાના છેલ્લા દિવસો હતા પણ ગરમી સારી એવી લાગતી હતી. કુંભમેળાનું અમારું ધ્યેય પાર પડી ગયું હતું એટલે અમે વારાણસી પાછાં આવવા નીકળ્યાં. રસ્તામાં જબ્બર ટ્રાફિક જામ! અમે માંડ માંડ ચાર કલાકે ઘેર પહોંચ્યાં. ફરવામાં થાક્યાં ન હતાં પણ ગાડીમાં થાકી ગયાં.

હવે શું કરીશું? સાંજનો શું પ્રોગ્રામ છે ? હું રાજેશને પૂછ્યાં કરું પણ તે જવાબ આપવાને બદલે મંદ મંદ  હસ્યા કરે. થોડી થોડી વારે ફોનમાં મેસેજ જોયા કરે. મને થાય કે અહીં કોણ મેસેજ કરતું હશે? પણ મારા માટે એક સરસ સરપ્રાઈઝ હતી! રાજેશના એક મિત્ર વારાણસીમાં ઊંચી સરકારી પોસ્ટ પર કામ કરતા હતા. શહેરમાં દ્રુપદ મહોત્સવ ચાલે. અમને તો સંગીતનો ભારે શોખ. તે સંગીત પ્રોગ્રામમાં શામેલ થવા રાજેશના મિત્રએ અમારા માટે ગાડી અને સાથે આમંત્રણ કાર્ડ મોકલી આપ્યાં!

વારાણસી એટલે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતનું  મોટું ધામ. બનારસ ઘરાનાનું જન્મસ્થાન. અનેક પ્રસિદ્ધ સંગીતકારોની જન્મ-ભૂમિ અને કર્મ-ભૂમિ! અહીં આવીને આવો સરસ સંગીતનો પ્રોગ્રામ, અને તે પણ આટલા આદર-સત્કારથી, મહાલવા મળશે તે તો ધાર્યું જ ન હતું. પાંચ દિવસનો દ્રુપદનો ઇન્ટરનેશનલ ફેસ્ટીવલ તુલસીઘાટ પર ચાલી રહ્યો હતો. ગાડી અમને સીધાં આગલા ગેટ પર લઈ ગઈ. ભીડ તો ઘણી હતી પણ  બિલકુલ આગળની હરોળમાં બેસી અદભૂત પ્રોગ્રામ માણ્યો. દેશી અને વિદેશી કલાકારો તથા દેશી અને વિદેશી પ્રેક્ષકોની હાજરીએ તુલસીઘાટ પરનો દ્રુપદનો પ્રોગ્રામ અમારા માટે ભવ્ય બનાવી દીધો. આખા દિવસની મુસાફરીનો થાક લાગ્યો હતો. આવતીકાલનો ભરચક પ્રોગ્રામ પ્લાન કરેલો હતો એટલે રાતના અગિયાર વાગે અમે ઘર તરફ પ્રયાણ કર્યું.

વારાણસીના ઘાટ, કુંજગલીઓ અને સંધ્યા આરતી :

આજે તો વારાણસીની કુંજ ગલીઓમાં ફરવાનો પ્રોગ્રામ છે! સવારે નાસ્તાના ટેબલ પર એક વિદેશી યાત્રી શ્રી જોસેફની ઓળખાણ થઈ. તેઓ અમેરિકાની કોઈ યુનિવર્સીટીમાં ફીઝિક્સના પ્રોફેસર હતા. વાતો કરવાની મને મઝા આવી ગઈ. આજનો પ્રોગ્રામ નક્કી ન હોય તો અમારી સાથે જોડવા રાજેશે તેમને આમંત્રણ આપ્યું. તેઓ તો ખુશ થઈ ગયા. ભરપેટ નાસ્તો કરી નીચે ઊતર્યાં ત્યાં તો લોકલ ગાઈડ આવી ગયા.૨૨-૨૪ વર્ષનો યુવાન, સારું હિન્દી અને અંગ્રેજી બોલી શકે અને જરૂરી માહિતી હોય એટલે ભયો ભયો! જોકે તેમણે કહ્યું તે મુજબ લોકલ ગાઈડ બનવા માટે યુનિવર્સીટીમાં એક વર્ષનો કોર્સ કરવો જરૂરી છે! આધારભૂત માહિતી મળે, શાલીન વર્તન હોય, ભાષા ઉપર સારો કાબૂ  હોય, ઉત્સાહ અને ઉમંગ હોય… એ બધું જરૂરી છે એક સફળ લોકલ ગાઈડ બનવા માટે! અને તેને માટે તાલીમ પણ જરૂરી છે. આટઆટલા પ્રવાસીઓ આવે એટલે આ વ્યવસ્થા બહુ જરૂરી અને ઉપયોગી લાગી.

લોકલ ગાઈડ મુકેશ વારાણસીમાં જ રહેતો હતો. અહીં જ ભણી મોટો થયો હતો એટલે ગલીએગલીમાં  રખડેલો હતો. આજે આખા દિવસમાં ૧૦-૧૨ કી.મિ. પગે ચાલવા માટે તેણે અમને માનસિક રીતે તૈયાર કરી દીધાં. મુકેશે બહુ ભાવવાહી શરૂઆત કરી : જેવી રીતે મોક્ષ માટે જીવના લખ-ચોર્યાશી ભવ હોય તેવી રીતે વારાણસીમાં ૮૪ ઘાટ હતા! એક જ વાક્યમાં કેટલી ગહન માહિતી ભરી હતી!

વારાણસીના હાર્દ જેવા ભરચક વિસ્તારમાંથી અમે શરૂઆત કરી. કળા અને સાહિત્યની સાથે સાથે કુસ્તી માટે પણ વારાણસી વખણાય! શહેરમાં ઘણા અખાડા હતા. ‘અખાડો’ શબ્દ સાંભળ્યો હતો પણ ક્યારેય ‘અખાડો’ જોયો ન હતો. મુકેશ અમને સામસામે આવેલ બે અખાડામાં લઈ ગયો. અત્યારે કસરત માટે લોકો જીમ (GYM) જાય છે તેમ પહેલાં યુવાનો કુસ્તી કરવા માટે અખાડામાં જતા. કસરત તેમના જીવનના નિત્યક્રમમાં વણાઈ ગઈ હતી. રેતી પાથરેલ ચોગાનમાં પહેલવાનોને કસરત કરતા જોઈ અમે ખુશ થઈ ગયાં.

થોડું આગળ ચાલ્યાં તો નદી દેખાઈ. અરે! આ તો તુલસીઘાટ! ગઈ કાલે રાતના તો શું રૂપ ખીલ્યું હતું તુલસીઘાટનું! અત્યારે દિવસના તડકામાં તુલસીઘાટ પર ઉકળાટ હતો. અમે ઘાટના પગથિયાં ઊતરીને નીચે આવ્યાં. હાર-બંધ એક પછી એક ઘાટ આવેલાં હતાં. બધા ઘાટ આમ તો નદી કિનારે હાર-બંધ એકબીજાને અડકીને જ ઊભેલા, પણ દરેકની આગવી વિશેષતા. નામ પરથી તેમની વિશેષતાનો થોડો ખ્યાલ આવી જાય. જેમ કે તુલસીઘાટ સંત કવિ તુલસીદાસના ઘરની નજીક હતો. તેમણે રામચરિતમાનસ પણ અહીં વારાણસીમાં રહીને જ લખ્યું હતું.

એક પછી એક ઘાટ ચાલીને જોતાં ગયાં અને તેની વાર્તાઓ સાંભળતાં ગયાં. નેપાળી રાજાએ બનાવેલ લલિતા ઘાટ જોયો.  રાણી અહલ્યાબાઈની યાદમાં બનાવ્યો હતો તે અહલ્યાઘાટ જોયો. જુદી જુદી અનેક પ્રવૃત્તિઓ ઘાટ પર ચાલતી હોય. કેદાર ઘાટ, જાનકી ઘાટ, સિંધિયા ઘાટ ….. બપોર પડતાં મણિકર્ણિકા ઘાટ પહોંચ્યાં. પાર્વતી માતાના કર્ણફૂલનું મણિ અહીં નદીમાં પડી ગયું હતું. શંકર ભગવાને ગંગામાં ડૂબકી મારી તે શોધી કાઢ્યું હતું એવી દંત કથા છે ! પાર્વતી માતાના પાર્થિવ શરીરના અહીં અગ્નિસંસ્કાર ભગવાન શંકરે કર્યા હતા એમ પણ કહેવાય છે. ભારતીય સંસ્કૃતિથી લગભગ અજાણ જોસેફ શું વિચારતા હશે તે તો તેઓ જ જાણે! અમે તેમને ઘણું બધું અંગ્રેજીમાં સમજાવતા હતાં પણ સંસ્કાર અને સંસ્કૃતિ બીજી ભાષામાં સમજાવવા ભારે અઘરાં! કાશીના મરણ માટે જાણીતા અગ્નિસંસ્કાર હજી પણ અહીં કરવામાં આવે છે. રાજા હરિશ્ચંદ્રની કથા સાથે પણ આ ઘાટ જોડાયેલ છે એટલે આ ઘાટ  હરિશ્ચંદ્રઘાટ તરીકે પણ ઓળખાય છે. અગ્નિસંસ્કાર માટે જરૂરી લાકડાં અને અન્ય સાધન-સામગ્રી તથા મૃતકોનાં સગાવહાલાં વગેરે જોઈને મન ભારે થઈ ગયું. અમારી માનસિક સ્થિતિ જોઈ મુકેશ અમને ઘાટ ઉપરથી ગામમાં લઈ આવ્યો. સરસ દુકાનમાં અહીંનું પ્રખ્યાત ચાટ, કચોરી, મલાઈ-ટોસ્ટ, સમોસા વગેરે ખવડાવ્યું અને સરસ ચા પીવડાવી. એની ઉપર બનારસી પાન પણ ખાધું!

ત્યાં નજીકમાં જ એક મોટી વાવ અને મંદિર હતાં. વાવમાં સ્નાન કરી અહીંના દર્શન કરે તો શેર માટીની ખોટ પૂરાય તેવી માન્યતા છે. અમે હજી તો વાવ પાસે પહોંચ્યાં ને વરસાદનું જોરદાર ઝાપટું આવી ગયું. પાસેના ઊંચા ઓટલાવાળા મકાનમાં અમે ચઢી ગયાં. સરકારી ઓફિસ હશે એમ ધાર્યું હતું.   બાજુના રૂમમાંથી એક સજ્જન આવ્યા અને અમને શાંતિથી  બેસવા કહ્યું અને પ્રેમથી પાણી મંગાવ્યું. અમારા આશ્ચર્ય વચ્ચે, આ તો તિવારીભાઈનું ઘર હતું! જોતજોતામાં તો  તિવારીભાઈ અને રાજેશે રાજકારણ અને શ્રી મોદીજી વિષે કેટકેટલી બધી વાતો કરી લીધી.  બંને શ્રી મોદીના પ્રશંસક! શ્રી મોદીએ વારાણસીમાં અને દેશ આખામાં કરેલ કામની છણાવટ થતી ગઈ…. વરસાદ બંધ થઈ ગયો હતો અને અમારી પાસે સમય ઓછો હતો, પણ તિવારીભાઈ કંઈ છોડે? રાતના પાછાં આવો, અમારા ઘેરથી ચા-સમોસા વગર જવાય જ કેવી રીતે? તેવો તેમનો પ્રેમભર્યો આગ્રહ! જોકે અમે રાતના જઈ ન શક્યાં તેનો વસવસો અમને રહી ગયો!

રસ્તો બદલી અમે બીજા ઘાટ પર ઊતર્યા. સરસ સજાવેલી હોડી અમારી રાહ જોતી હતી. હોડીની વ્યવસ્થા પણ અમારા યજમાન હરીશભાઈએ જ કરી હતી. સૂર્યાસ્ત થવાને થોડી જ વાર હતી. નાવિકે હોડી થોડી આગળ લઈ અમને રત્નેશ્વર મહાદેવનું મંદિર બતાવ્યું. લગભગ ૯ ડીગ્રી નમેલું આ મંદિર યાત્રિકોમાં ખાસ્સું પ્રિય છે. પીઝાના ટાવર કરતાં પણ વધારે નમેલું મંદિર ખરેખર એક અજાયબી છે!  નાવિકે હોડી કિનારાથી દૂર રાખી જેથી સહેલાઈથી નૌકાવિહાર કરી શકાય.  હોડીમાં બેસીને ઘાટ જોવાની બહુ મઝા આવી. ઘાટ પરથી નદી જોવા કરતાં નદીમાંથી ઘાટ જોવાનું વધારે રસપ્રદ હતું. ધીમે ધીમે હોડી ગંગાનદીમાં સરકતી જતી હતી. ગંગાનદી અત્યારે તો બહુ ચોખ્ખી થઈ ગઈ છે. સૂર્ય ધીમે ધીમે નીચે આવી રહ્યો હતો. પ્રકાશ ઓછો થઈ રહ્યો હતો, મંદ મંદ પવન વાઈ રહ્યો હતો, ધીમી ધીમી લહેરો ઊછળી રહી હતી, આસપાસ નાની મોટી હોડીઓ ફરી રહી હતી…. ગંગાનદીમાં નૌકાવિહાર કરતાં કરતાં સુંદર સૂર્યાસ્ત ! કેટલું રોમાંચક! કેટલું અદભૂત! કેવું ભવ્ય !

અમે સૂર્યાસ્ત જોવામાં મગ્ન હતાં ત્યાં તો જોર-જોરથી ઘંટારવ શરૂ થઈ ગયો. અમારી નૌકા દશાશ્વમેઘ ઘાટ સુધી પહોંચી ગઈ હતી. સાંજની આરતીનો સમય થઈ ગયો હતો. નદીમાં નાની નાની હોડીઓમાં દીવા, ફૂલ, આરતીની થાળી વગેરે વેચાવા આવી ગયું હતું. અમે પણ   દીવા, ફૂલ, આરતીની થાળી વગેરે વેચાતું લઈ લીધું. સંસ્કૃતના શ્લોકો, કર્ણપ્રિય સંગીત અને મોટા ઘંટારવ સાથે સંધ્યા આરતી શરૂ  થઈ. અઢી-ત્રણ ફૂટ મોટી, વજનદાર, ૫૦-૬૦ સખની એકએક  દીવી લઈ સાત-સાત પૂજારીજી નદી કિનારે જ આરતી કરતા હતા. આરતીમાંથી ઝળહળતી દીપશિખા જાણે આકાશને આંબતી હતી! નદીમાંની  અસંખ્ય હોડીઓમાંથી  તેમને સામો પ્રતિસાદ મળી રહ્યો હતો. ભક્તો ભાવથી હોડીઓમાં પણ ગંગા પૂજા કરતાં હતાં. અમારા નાવિકે નૌકા થોડી કિનારા નજીક લીધી અને અમને બતાવ્યું તે રીતે અમે પણ પૂજા કરી અને દીવડા નદીમાં વહેતા મૂક્યા. અસંખ્ય દીવડાઓથી ગંગામૈયા  શોભી રહ્યાં હતાં! જાણે આકાશના તારલાઓ નદીમાં રમવા આવ્યા હતા! કેટલું મન-મોહક દ્રશ્ય હતું! સ્વર્ગમાંથી દેવી-દેવતાઓ પણ દશાશ્વમેઘ ઘાટ પરની સંધ્યા આરતીના દર્શન કરવાનો લાહવો ચોક્કસ લેતાં હશે !

અમારા અનુભવી નાવિકે હોડી હવે કિનારાથી દૂર લીધી. અરે વાહ! હવે તો આરતીની સુંદરતા ઔર નીખરી ગઈ. થોડે દૂરથી તો મંદિર, આખો ઘાટ, મોટી જ્યોતવાળી દીવીઓ લઈ આરતી ઊતારતા બધા પૂજારીઓ, હજારોની સંખ્યામાં  હાજર રહેલ ભક્તો, આ બધાંનું નદીમાં પડતું પ્રતિબિંબ અને પછી શરૂ  થતી નદીમાંની હોડીઓ, તેમાંની નાની-નાની આરતીઓ…. તેજ અને તિમિર વચ્ચેની અલૌકિક મિત્રતા! દિવ્યતા અને ભવ્યતાનું સાક્ષાત રૂપ! વર્ણન કરવા શબ્દો બિલકુલ પાંગળા લાગે! વશીભૂત થઈ અમે ઘણી વાર સુધી શાંતિથી હોડીમાં બેસી દિવ્ય આનંદ માણતાં રહ્યાં. અચાનક ખ્યાલ આવ્યો કે આપણી સંસ્કૃતિથી બિલકુલ અજાણ એવા શ્રી જોસેફને કેવી લાગણી થતી હશે? અમે તેમને આરતી-દર્શન માટે રોક્યા હતા. પણ તેઓ તો આ માહોલથી એકદમ અંજાઈ ગયા હતા. એમેને માટે તો આજનો આ અનુભવ કોઈ પણ જાતની કલ્પનાથી ઉપર હતો! ભાવવિભોર બની તેઓ તો ગદ્-ગદ્  થઈ ગયા હતા. અમારો આભાર માની રહ્યા હતા કે અમે તેમને આ દર્શન માટે ખાસ આગ્રહ કરી રોકી રાખ્યા.

હોડીમાંથી ઊતરી, ભીડમાંથી નીકળી, યજમાને મોકલેલી ગાડીમાં બેસી ઘેર આવ્યાં ત્યાં સુધી બધાં હજી આરતીની ભવ્યતામાં જ ડૂબેલાં અને ખોવાયેલાં હતાં! આજે તો યજમાનને ઘેર જ જમ્યાં. ઘરનું સ્વાદિષ્ટ અને સાત્વિક ભોજન આજે તો પ્રસાદ જેવું પ્રિય અને અનેરું લાગ્યું. 


સંપર્ક : દર્શા કિકાણી : ઈ –મેલ – darsha.rajesh@gmail.com

Author: Web Gurjari

13 thoughts on “વારાણસી- ‘શિવ’માંથી ‘શંકર’ બનેલ મહાદેવનું ‘ઘર’ : વારાણસીની પારંપારિક ખુબીઓ

 1. Amazing trip Darshaben , My yearning to visit Varanasi gets manifold ! You have painted the perfect picture with words .😊

  1. Thanks, Ami! We too, waited for a long time, unnecessarily ! It’s such an amazing place! You should plan immediately after Corona!

 2. Live and vivid description not only of the externals of the place, but also of the feelings attached with it. Lovely narration.

 3. ખૂબજ સરસ લખાણ છે. તેમાં પણ ગંગા આરતી નું વણઁન અદભુત છે.

  1. આભાર, નલિની! ગંગા આરતી ખરેખર અદભૂત છે! આંખોમાં જડાઈ ગયું છે એ દ્રશ્ય!

 4. અંતરમનમાં વારાણસી તાદ્રશ્ય થઈ જાય તેવી લેખન શૈલી…..
  પ્રયાગરાજ અર્ધકુભ મેળાનું વર્ણન થોડું સંક્ષિપ્ત લાગ્યું પણ સુંદર અને રસપ્રદ રહ્યું.
  નાના નાના પરંતુ લાગણીસભર અનુભવોનું અવલોકન પ્રવાસ વર્ણનને ગંગા નદીના પ્રવાહ સરીખું બનાવી દે છે.

  1. આભાર, કેતન! કુંભ મેળામાં સમય ઓછો પડ્યો! પણ રાત થોડી અને વેશ ઝાઝા…! તમને સૌને બહુ યાદ કર્યાં અને મીસ પણ કર્યાં!

   1. કુંભમેળાનું વર્ણન એટલી સુંદર રીતે કરવામાં આવ્યું કે અમે પણ ત્યાં પ્રત્યક્ષ હાજર હોઈએ એવી અનુભૂતિ થઈ. વારાણસી વિશે સવિસ્તર માહિતી આપવા બદલ આભાર.

 5. Darsha & Rajesh,
  We are very happy that you guys got opportunity to visit and enjoy the “Kumbmela” and Varanasi during this trip. You said right that it’s beautiful, religious and cultural place. 🙏🏻👍👌
  Mala & Jayendra

Leave a Reply

Your email address will not be published.