બીરેન કોઠારી
દેશના વિભાજન પછી અનેક કલાકારો પાકિસ્તાન ચાલ્યા ગયા. કેટલાક કાયમ માટે ત્યાં જઈને વસ્યા. કેટલાક આવનજાવન કરતા રહ્યા. આવા એક સંગીતકાર હતા ખુર્શીદ અનવર. ૨૧ માર્ચ, ૧૯૧૨ના રોજ જન્મેલા આ સંગીતકારે થોડાં ગીતો ગાયેલાં, ફિલ્મની પટકથા પણ લખેલી.
૧૯૪૧માં રજૂઆત પામેલી પંજાબી ફિલ્મ ‘કુડમાઈ’થી તેમણે સંગીતકાર તરીકે પ્રવેશ કર્યો. તેમની પહેલવહેલી હિન્દી ફિલ્મ ‘ઈશારા’ હતી. બધું મળીને તેમણે દસ ફિલ્મોમાં સંગીત આપ્યું. સાયગલની અંતિમ ફિલ્મ ‘પરવાના’ માં સાયગલના સ્વરનાં ચાર ગીતો આજે પણ એટલાં જ તરોતાજા લાગે છે.
વિભાજન પછી તેઓ પાકિસ્તાન ગયા. ત્યાં તેમણે ૧૯ ઉર્દૂ/પંજાબી ફિલ્મોમાં સંગીત પીરસ્યું. પાકિસ્તાન ગયા પછી 1951 સુધી તેમની ભારતમાં આવનજાવન ચાલુ રહી હતી. તેમણે ‘સિંગાર’ (1949) અને ‘નીલમપરી’ (1951) માં સંગીત આપ્યું, જેમાંની ‘નીલમપરી’ તેમની આખરી ભારતીય ફિલ્મ કહી શકાય.

પાકિસ્તાની ફિલ્મોમાં પણ તેમનું સંગીત કામયાબ નીવડ્યું હતું. ખ્યાતનામ શાયર ફૈઝ અહમદ ફૈઝે તેમને ‘મ્યુઝીકલ સ્પોક્સમેન ઑફ પાકિસ્તાન’ તરીકે નવાજેલા, જ્યારે પાકિસ્તાન સરકારે તેમને ‘સિતારા-એ-ઈમ્તિયાઝ’નો ખિતાબ અર્પણ કરેલો. ૩૦ ઑક્ટોબર, ૧૯૮૪ના રોજ તેમનું નિધન થયું.

૧૯૪૯માં રજૂઆત પામેલી, હલ્દિયા નન્દા પ્રોડક્શન્સ નિર્મિત, જે.કે.નંદા દિગ્દર્શીત સુરૈયા, જયરાજ અને મધુબાલાના અભિનયવાળી ફિલ્મ ‘સિંગાર’માં દસ ગીતો હતાં. આ ગીતો શકીલ, દીનાનાથ મધોક અને જે.નક્શબ દ્વારા લખાયેલાં હતાં. ‘ધરક ધરક તેરે બિન મેરા જિયરા’ (સુરૈયા), ‘અરી હો મોહે છેડ ગયા’ (રાજકુમારી), ‘નયા નૈનોં મેં રંગ’ (સુરૈયા), ‘ચંદા રે, મૈં તેરી ગવાહી લેને આઈ’ (સુરિન્દર કૌર), અને ‘ઓ બેદર્દી, મુઝકો સતા ના’ (સુરિન્દર કૌર) દીનાનાથ મધોકે લખ્યાં હતાં. ‘આઈ આઈ સુહાગ કી રાત’ (શમશાદ), ‘વો દિન કિધર ગયે’ (સુરૈયા), અને ‘એ દર્દે મુહબ્બત તૂને મુઝે..’ (સુરૈયા, સુરિન્દર કૌર) શકીલ બદાયૂંનીએ લખેલાં. ‘કૌન સમઝેગા દિલ આને કે ઢંગ નિરાલે હૈ’ (સુરિન્દર કૌર) તેમ જ ‘એ ભૂલનેવાલે તુઝે કૌન બતાયે’ ગીતો જે.નક્શબે લખ્યાં હતાં.
આ ફિલ્મના ટાઈટલ મ્યુઝીકમાં અસલ પંજાબી શૈલી સાંભળી શકાય છે. ગુલામ હૈદર, શ્યામસુંદર, હુસ્નલાલ-ભગતરામ જેવા સંગીતકારોના સંગીતમાં જે પંજાબી શૈલી છે, એવી જ તંતુવાદ્યસમૂહ, ફૂંકવાદ્ય અને તાલવાળી શૈલી ખુર્શીદ અનવરના ‘સિંગાર’ના સંગીતમાં જોવા મળે છે.
અહીં આપેલી આખી ફિલ્મની લીન્કમાં 1.11 સુધી ટાઈટલ મ્યુઝીક છે. સમાપનમાં બે વખત ડીશ વાગે છે એ બહુ વિશિષ્ટ અસર નીપજાવે છે.
(તસવીરો નેટ પરથી અને લીન્ક યૂ ટ્યૂબ પરથી સાભાર)
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)
‘૭૦ના દાયકામાં’ખુર્શીદ અન્વર’ નામનો પરિચય કે એલ સાયગલ અને સુરૈયાનાં ‘પરવાના’નાં ગીતો સાંભળ્યાં ત્યારે હતો. તેમનાં વધારે ગીતો હવે જ્યારે ઇન્ટરનેટ પરથી જુનાં હિંદી ફિલ્મોનાં ગીતો વિશે ખાંખાંખોળાં કરવાનો મળ્યો. ત્યારે સુરીન્દર કૌરનાં, ‘સિંગાર’સહિતનાં, ગીતો પણ સાંભળ્યાં. \
આજે ‘સિંગાર’નાં ક્રેડીટ ટાઈટલ્સ સંગીત માટે ફિલ્મની ક્લિપ જોતાં જોતાં જાણવા મળ્યું કે સંગીતકાર રોશન તેમના સહાયક હતા.
બીરેનભાઈએ એકના ભાવમાં બે અમુલ્ય ચીજો સાથે પરિચય કરાવ્યો છે. ખુબ ખુબ આભાર.
ઘણું નવું જાણવા મળ્યું. એવું લાગે કે ભારતનું વિભાજન ના થયું હોત તો કેટલી શાંતિ અખંડભારતમાં હોત.