મહેન્દ્ર શાહનાં કળાસર્જનોનો સંપુટ : નૃત્ય

મહેન્દ્ર શાહનાં કળાસર્જનોનો સંપુટશ્રેણીના પ્રારંભે

વેબ ગુર્જરી પર શ્રી મહેન્દ્ર શાહનો ઔપચારિક પરિચય આવશ્યક ન હોય. વેબ ગુર્જરીની શરૂઆતથી જ તેમનં કાર્ટુન્સને આપણે માણતાં રહ્યાં છીએ. આજે જ્યારે તેમની એક નવી શ્રેણી – મહેન્દ્ર શાહનાં કળાસર્જનોનો સંપુટ‘ પ્રારંભ કરી રહ્યાં છીએ ત્યારે તે સંદર્ભમાં તેમની કળાયાત્રાની કેટલીક વાતો ફરીથી તાજી કરીએ.

‘૬૦ના દાયકાની શરૂઆતમાં જ્યારે મહેન્દ્રભાઈ વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં સ્નાતક કક્ષાના અભ્યાસ માટે દાખલ થયા ત્યારે એ સમયના દરેક વિદ્યાર્થીની જેમ તેમને પણ ડોક્ટર થવું હતું. પરંતુ ડિસેક્શન પ્રયોગના પહેલે જ દિવસે દેડકો કાપતાં તેઓ બેભાન થઈ ગયા એટલે તેમણે પોતાનું સુકાન બાલ્યકાળની પ્રીત, ચિત્રકળા,સાથે નજીકનો નાતો ધરાવતી આર્કિટેક્ચર વિદ્યાશાખા તરફ વાળ્યું. આર્કિટેક્ચરમાં સ્નાતક થયા બાદ થોડાં વર્ષો પછી તેઓ અમેરિકા આવીને વસ્યા. સમય અને સંજોગોનાં વહેણો અનુસાર વિવિધ વ્યવસાયોનાં મોજાંઓ પર પોતાની જીવન નિર્વાહની નાવને સફળતાપૂર્વક ચલાવતાં રહેવાની સાથે સાથે તેમની અંદર ચિત્રકારની દૃષ્ટિ હંમેશં જીવંત અને સક્રિય રહી. તેમની નજરે જે કંઇ ચડતું તેને રેખાચિત્રમાં તે ઢાળી દેતા. તેમનાં જેવાં જ અમેરિકામાં સ્થાયી થયેલ ભારતીયોની અવનવી ખાસિયતોને તેઓ કાર્ટુન રેખાચિત્રોમાં ઉતારી લેતા રહ્યા. અત્યાર સુધીમાં તેમણે આ પ્રકારનાં ૧૫૦૦થી વધુ કાર્ટુન્સ રચ્યાં છે. તેમનાં કાર્ટુન્સનાં બે પુસ્તકો – ‘અમે અમેરિકન અમદાવાદી’ (હાલ અપ્રાપ્ય) અને ‘આઈ સેઈડ ઈટ ટુ”- પણ પ્રકાશિત થયાં છે. વેબ ગુર્જરી પર આપણે તેમનાં કાર્ટુન્સ નિયમિતપણે માણતાં આવ્યાં છીએ.

આ ઉપરાંત સામાજિક માધ્યમો પર લોકો દ્વારા પ્રકાશિત થતાં કાવ્યો, ગ઼ઝલો પર પણ તેઓ  કટાક્ષકંડિકાઓ રચે છે. તેમની આ ‘ગઝલાક્ષરી’ પણ વેબ ગુર્જરી પર આપણે માણી છે.

આટલું જ નહીં, પણ આર્કિટેકરલ રેખાચિત્રો, જૈન ધર્મને તેમજ અન્ય ધર્મોને લગતાં કળાચિત્રો તેમજ અન્ય અનેક વિષયો પરનાં રેખા ચિત્રો અને પેઇન્ટીંગ્સ પણ તેઓ સર્જતા રહ્યા છે. તેમની આ સર્જનકળા વિવિધ માધ્યમો દ્વારા સાકાર થતી રહી છે.

શ્રી મહેન્દ્રભાઈની આ નવી શ્રેણી – મહેન્દ્ર શાહનાં કળાસર્જનોનો સંપુટ- આપણી સમક્ષ તેમના આ પ્રકારનાં વિધવિધ કળાસર્જનોનો પરિચય, દર મહિનાના બીજા સોમવારે, કરાવશે.

શ્રી મહેન્દ્રભાઈ શાહની સર્જન યાત્રાની સફરની આ નવી શ્રેણી – મહેન્દ્ર શાહનાં કળાસર્જનોનો સંપુટ  -નો આજથી શુભારંભ કરવાની આ પળે વેબ ગુર્જરી પ્રત્યેની તેમની આ આત્મીય પ્રીતિને આપણે સહૃદય બીરદાવીએ છીએ.

સંપાદક મંડળ, વેબ ગુર્જરીમહેન્દ્ર શાહ : mahendraaruna1@gmail.com

Author: Web Gurjari

6 thoughts on “મહેન્દ્ર શાહનાં કળાસર્જનોનો સંપુટ : નૃત્ય

  1. અદભૂત!! અલગ અલગ નૃત્ય કળાની મુદ્રાઓ અને હાવભાવને ઘણી જ સુંદર રીતે આ રેખા ચિત્રોમાં વણી લીધી છે.

Leave a Reply

Your email address will not be published.