રમેશ ચૌહાણ કેન્દ્ર સરકારના કસ્ટમ્સ ખાતામાં કાર્યરત છે. તેમના ત્રણકાવ્ય સંગ્રહો પ્રકાશિત થઇ ચુક્યા છે. અનુભૂતિ, અહેસાસ અને ત્રીજો સંગ્રહ પીળો પડછાયો જેનું વિમોચન પૂજ્ય મોરારી બાપુના હસ્તે થયું હતું. નવલિકા : “ દેવકી “ આર. આર. શેઠ પબ્લિકેશન દ્વારા નામાંકિત લેખકો સાથે છપાઈ છે
તેમની ગીત ,ગઝલ, ગરબા , ભજનની બે ઓડિયો સીડી છે પ્રેમ ભીનાં સંબંઘમાં( ટાઈમ્સ મ્યુઝીક દ્વારા) અને મારા હીસ્સાનો સૂરજ (શ્યામલ સૌમિલ દ્વારા) લોન્ચ થઇ ચુકી છે. જેમા ઐશ્વર્યા મજમુદાર , ઓસમાન મીર, પાર્થિવ ગોહીલ, પાર્થ ઓઝા વગેરેએ સ્વર આપેલો છે. આ ઉપરાંત કીર્તિદાન ગઢવી દ્વારા ગવાયેલ રાસ ગરબા આલ્બમ ‘રાધા ભીંજાય શ્યામથી’,
ભજનનું આલ્બમ ‘નાથોના નાથ શ્રીનાથ જી’ (સૂરમંદિર દ્વારા લોન્ચ) અને આલ્બમ: ગણપતિ બાપા મોરિયા, જે માંગે એ આપે બાપ્પા’. હાલમાં ગુજરાતી ફીલ્મમાં પણ કામ કરી રહ્યાં છે. તેમને રોહિત ગૌરવ પુરસ્કાર, ગુજરાત રોહિત ટ્રષ્ટ-ગુજરાત દ્વારા અને સુગત સાહિત્ય એવોર્ડ, સુગત નાગરિક સંઘ, ગુજરાત મળેલા છે.
—-ર ક્ષા શુક્લ /દેવિકા ધ્રુવ – પદ્ય સાહિત્ય વિભાગ
(૧) કઇ રીતે ઉતરે ગળે ?
સ્મિત,આંસુ,ક્રોધ મમતા બહુ મજા કરતા રહયા.
મોર માફક મારી અંદર એ કળા કરતા રહ્યા
સૂર્યને ગળવાની વાતો કઇ રીતે ઉતરે ગળે ?
પૂછ્યું તો મુંગુ હસી તેઓ કથા કરતા રહ્યા
એક મોટા આદમીએ સારુ કે ખોટુ કશુ
જે કર્યુ એની નકલ બીજા બધા કરતા રહયા
પુણ્યતિથિએ પ્રથમ ભૂલી ગયુ એને જગત
જીવતે જીવ જે જગતભરની તમા કરતા રહ્યા
ગત ગતાગમ સૂઝ કે સમજણ વિના મહેફિલમાં
એકને જોઇ બીજા પણ વાહ વા! કરતા રહયા
(૨) ચિતરેલી નાવ છે
ચિતરેલી નાવ છે પણ ફોટો ઝક્કાસ પાડો
ખાલી જ વાવ છે પણ ફોટો ઝક્કાસ પાડો
રાજાનો કાફલો ને ખૂરશી પડી છે ખાલી
ગગડેલા ભાવ છે પણ ફોટો ઝક્કાસ પાડો
સુક્કા છે સાવ ખેતર ખેડૂત ચઢે છે ફાંસી
ચૂલે તણાવ છે પણ ફોટો ઝક્કાસ પાડો
લુચ્ચાઈ આંખમાં છે,છે સ્મિત ખંધુ હોઠે
કપટી સ્વભાવ છે પણ ફોટો ઝક્કાસ પાડો
ઉભો છું ચાર રસ્તા વચ્ચે ભૂલીને રસ્તો
નાજુક પડાવ છે પણ ફોટો ઝક્કાસ પાડો
(૩) તો માનું
ગુમાની લે હવાને હાથમાં કર કેદ તો માનું
ને પથ્થરથી ગગનમાં જો કરે તું છેદ તો માનું
વગર હથિયાર લીધા પ્રાણ નિયમ યુદ્ધના ફગાવીને
અમાનુષ એ જ ઘટનાનો કરે જો ખેદ તો માનું
અલગ છે તું જો મારાથી તો લે સાબિત કરી દે ને
બતાવી દે આ દુનિયાને જો નીરક્ષીર ભેદ તો માનું
ગઝલ છાંદસ અછાંદસ નાટકો તે બહુ લખ્યા વાંચ્યા
છતાં પંડિત તું સર્જે પાંચમો જો વેદ તો માનું
કરે અપમાન કોઈ
ત્યારે ટુકડા થાય એ પ્હેલાં
કરે તારા અહંનો જાતે તું વિચ્છેદ તો માનું
શ્રી રમેશ ચૌહાણ ઃ સંપર્ક – મોબા: + ૯૧ ૯૮૨૫૮૦૦૭૬૮