સંગીતકાર સાથેની પહેલી ફિલ્મનું મોહમ્મદ રફીનું સૉલો ગીત : ૧૯૬૭ – ૧૯૬૯

સંકલન અને રજૂઆત:  અશોક વૈષ્ણવ

મોહમ્મદ રફીની જન્મતિથિ (૨૪ ડીસેમ્બર, ૧૯૨૪) અને અંતિમ વિદાયની તિથિ (૩૧ જુલાઈ, ૧૯૮૦)ની યાદમાં આપણે, ૨૦૧૬ નાં વર્ષથી જુદા જુદા સંગીતકારો સાથે તેમણે ગાયેલાં પહેલવહેલાં સૉલો ગીતોને, તેમની કારકિર્દીની શરૂઆતનાં વર્ષ ૧૯૪૪થી શરૂ કરીને પાંચ પાંચ વર્ષના સમયખંડના મણકાઓની શ્રેણીમાં વહેંચીને. યાદ કરવાનો ઉપક્રમ શરૂ કર્યો છે. આ શ્રેણીના લેખોમાં આપણને મોહમ્મદ રફીએ જેમને માટે ગીતો ગાયાં છે તેવા જાણીતા સંગીતકારોની સાથે કેટલાય ઓછા જાણીતા સંગીતકારોનો પણ પરિચય મળવાની તક મળી.

અત્યાર સુધીમાં આપણે

ની વિગતે ચર્ચા કરી ચૂક્યાં છીએ

જુલાઈ, ૨૦૨૦માં આપણે આ શ્રેણીનાં છેલ્લાં (હવે) છ વર્ષના સમયખંડના પૂર્વાર્ધનાં ૧૯૬૪થી ૧૯૬૬ દરમ્યાનનાં કોઈ પણ સંગીતકાર સાથેની પહેલી ફિલ્મનાં મોહમ્મદ રફીનાં સૉલો ગીતની વાત કરી ચુક્યાં છીએ.

યાદોની આ સમગ્ર  સફર દરમ્યાન આપણે હિંદી ફિલ્મ સંગીતના સંગીતજ્ઞો અને ઈતિહાસવિદો જેને મોહમ્મદ રફીની લગભગ ૫૦ વર્ષની દીર્ઘ સફરનાં ઉષઃકાળથી સુવર્ણકાળ સુધીનાં લગભગ ૨૫ વર્ષોને મુખ્ય્ત્ત્વે ત્રણ ભાગોમાં વહેંચે છે તેનાં સાક્ષી બન્યાં. ‘૪૦ના દાયકો મોહમ્મદ રફી દ્વારા પોતાનું સ્થાન પ્રસ્થાપિત કરવાના કોઈ પણ કળાકારનાં પ્રારંભનાં વર્ષ ગણાય છે. ‘૫૦ના દાયકામાં મોહમ્મદ રફીએ પોતાનું સ્થાન મજબુત કર્યું. તેમાં પણ એ દાયકાના ઉત્તરાર્ધમાં તો તેમણે ફિલ્મના નાયક માટે પાર્શ્વસ્વર તરીકે આગવું સ્થાન બનાવવાની કેડી કંડારવાનું પણ શરૂ કરી દીધેલ. દરેક અભિનેતા માટે  તેની અદાકારીને શૈલીને અનુરૂપ પોતાની ગાયકીને ઢાળવાની તેમની કળાએ તેમનું સ્થાન મજબુત કરવામાં મહત્ત્વનો ફાળો આપ્યો. તેમની કળાની ચડતીના સૂર્યમાં તલત મહમુદ જેવી પ્રતિભા ઝાંખી પડીને લગભગ અસ્ત પામી ગઈ. ‘૬૦ના દાયકામાં હવે થોડાં ‘ફાસ્ટ’ ગીતોના સમયની શરૂઆત પણ તેમનાં ‘જંગલી’નાં “યાહુ” શૈલીનાં ગીતોથી થઈ ગણાય છે. પોતાની ગાયકીની ગુણવત્તાને ઘટાડ્યા સિવાય સમયની સાથે અનુકૂલન સાધી શકવાની તેમની આ જ ખાસીયત તેમની ચડતી કળાને ટકાવીમાં કારણભૂત બની ગણાય છે.

૧૯૬૯માં રાજેશ ખન્ના માટે (મૂળ સંગીતકાર એસ ડી બર્મનની નાદુરસ્ત તબીયતને કારણે સહાયક સંગીતકાર હોવા છતાં મહદ અંશે ગીત બાંધણીના મુખ્ય સૂત્રધાર) આર ડી બર્મને  પ્રયોજેલા કિશોર કુમારના સ્વરે હિદી ફિલ્મોમાં પાર્શ્વ સંગીતના ઈતિહાસનું નવું પ્રકરણ, અચાનક જ, ખોલી કાઢ્યું. જોકે તે પછી ૧૯૭૧માં આવેલ ‘દુશ્મન’ (સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ)માં રાજેશ ખન્ના માટે પ્રયોજાયેલ કિશોર કુમારના પાર્શ્વ સ્વરને પણ એટલી જ સફળતા વરી. તે પછી મોહમ્મદ રફી પોતાના આખરી દિવસો સુધી નોંધપાત્ર ગીતો જરૂર આપતા રહ્યા, પણ તેમની કારકિર્દી હવે ટોચના એક માત્ર ગાયક તરીકે નહોતી બીરદાવાતી. રફી હજુ પણ આટલાં સારાં ગીતો ગાઈ શકે છે તેમ હવે ઉઘાડે ચોક કહેવાતું.

આ ઉપરાંત, છઠ્ઠા સમયખંડનાં પહેલાં ત્રણ વર્ષો – ૧૯૬૪થી ૧૯૬૬- દરમ્યાન આપણે જોયું તેમ એક બાજુ હવે પછીનાં વર્ષોમાં  સફળ રહ્યા હોય તેવા સંગીતકારોની આવ ઘટવા લાગી હતી. બીજી બાજુ મોહમ્મદ રફીનો જ ઉપયોગ કરવા પ્રતિબધ્ધ એવા આગલી પેઢીનાં સંગીતકારો અને અભિનેતાઓને પણ ઉમરની અસર સ્પષ્ટપણે વર્તાવા લાગી હતી. આ સંજોગોને કારણે આપણી સંગીતકાર સાથેની પહેલી ફિલ્મનાં મોહમ્મદ રફીનાં સૉલો ગીતની લેખમાળાની સફરને  ૧૯૬૯નાં વર્ષ સાથે જ પુરી કરવાનું યોગ્ય જણાયું છે.

૧૯૬૭

૧૯૬૭નાં વર્ષમાં મોહમ્મદ રફીએ ૮૮ જેટલાં સૉલો ગીતો ગાયાં. આ ગીતોમાંથી અમન, એન ઈવનિંગ ઈન પૅરિસ (બન્નેના સંગીતકાર:  શંકર જયકિશન), આમને સામને (સંગીતકાર: કલ્યાણજી આણંદજી), નઈ રોશની (સંગીતકાર રવિ), નૌનિહાલ (સંગીતકાર: મદન મોહન), પાલકી (સંગીતકાર” નૌશાદ) અને તક઼દીર (સંગીતકાર: લક્ષ્મીકાંત પ્યારેલાલ) જેવી ફિલ્મોનાં રફીએ ગાયેલાં બધાં જ ગીતો સફળતા વરેલાં  તેમનાં એ સમયનાં લોકપ્રિય થયેલાં ગીતોમાંથી તેમની ‘૫૦ની ગાયકીની યાદ અપાવે તેવાં ગીતોમાં હું હમ ઈન્તઝાર કરેંગે તેરા ક઼યામત તક (બહુ બેગમ- સંગીતકાર: રોશન, ગીતકાર: સાહિર)અને તેરે પ્યારને મુઝે ગ઼મ દિયા (છૈલા બાબુ- સંગીતકાર: લક્ષ્મીકાંત પ્યારેલાલ, ગીતકાર: અસદ ભોપાલી) પસંદ કરૂં. આ ઉપરાંત મોહમ્મદ રફીએ આ વર્ષે ઉડીયા ફિલ્મ ‘અરૂંધતી’અને ગુજરાતી ફિલ્મ ‘સ્નેહ બંધન’ – મિલનના દીપક સૌ બુઝાઈ ગયા છે – સંગીતકાર: દિલીપ ધોળકિયા, ગીતકાર: બરકત વિરાણી- પણ ગાયાં.

આ વર્ષે એક જ સંગીતકાર – ભુષણ– માટે મોહમ્મદ રફીએ પહેલ વહેલી વાર સૉલો ગીત ગાયું. હું જે માહિતી મેળવી શક્યો છું તેના સંદર્ભમાં ભુષણે આ પછી માત્ર એક ફિલ્મ  પુરાની પહેચાન (૧૯૭૧) માટે જ સંગીત આપ્યું હતું.

બૈઠે બૈઠે દિલ-એ-નાદાં યે ખયાલ આયા હૈ – મયખાના – ગીતકાર કિદાર શર્મા

સામાન્યપણે રફીનો આ સ્વર આપણે તેમનાં ગૈરફિલ્મો ગીતોમાં જ સાંભળીએ છીએ. અંતરાની શરૂઆતમાં તેઓ ઊંચા સ્વરમં જતા હોવા છતાં જરા પણ ‘લાઉડ’ નથી લાગતા.

૧૯૬૮

૧૯૬૮નાં વર્ષમાં મોહમ્મદ રફીએ ૮૨ સૉલો ગીતો ગાયાં હતાં. આ ગીતોમાંથી જે ફિલ્મોનાં લગભગ બધાંજ ગીતો એ સમયે ખુબ પ્રચલિત થયાં હતાં એ ફિલ્મો હતી  – આદમી, સંઘર્ષ (બન્નેના સંગીતકાર: નૌશાદ), બ્રહ્મચારી, ઝુક ગયા આસમાન, કન્યાદાન, મેરે હુઝૂર (બધાંના સંગીતકાર: શંકર જયકિશન), મેરે હમદમ મેરે દોસ્ત (સંગીતકાર: લક્ષ્મીકાંત પ્યારેલાલ) અને નીલકમલ (સંગીતકાર: રવિ).

જે ગીતો મને આજે પણ સાંભળવાં ગમે છે તે છે – મિલે ન ફૂલ તો કાંટો સે દોસ્તી કર લી (આખરી રાત – સંગીતકાર: રોશન, ગીતકાર: કૈફી આઝમી) અને દિલકી આવાઝ ભી સુન મેરે અફસાને પર ન જા (હમસાયા – સંગીતકાર: ઓ પી નય્યર, ગીતકાર: શેવાન રિઝ્વી).

૧૯૬૮નાં વર્ષ માટે મોહમ્મદ રફી સાથેનું પહેલ વહેલું સૉલો ગીત વેદ શેઠી, પરમાર્થી અશ્વત્થમા, રામ કદમ, એસ કિશન અને જિમ્મી/પ્રેમનાથ એમ પાંચ  સંગીતકારો દ્વારા રેકર્ડ થયું.

વેદ શેઠીની હિંદી ફિલ્મની કારકિર્દી એક જ ફિલ્મમાં સમેટાઈ ગયેલી જણાય છે.

એક નન્હી સી કલી રોયે ડાલી કે લિયે – આંચલ કે ફૂલ – ગીતકાર: નક્શ લ્યાલપુરી

હિંદી ફિલ્મોમાં અમુક ચોક્કસ સંદેશ કહેવા માટે, કે ફિલ્મની વાર્તાનો અંશ જણાવવા માટે બેકગાઉન્ડમાં ગવાતાં ગીતોનો પ્રકાર બહુ જ પ્રયોજાતો રહ્યો છે. પ્રસ્તુત ગીત પણ આ પ્રકારનું ગીત છે. અહીં ફિલ્મનાં નાની બાળકીનાં પાત્ર માટે કોઇ સહારાની જરૂરની વાત આ ગીત દ્વારા કહેવાઈ રહી છે. મોહમ્મદ રફી એ વાત કહેવા માટે પુરી સજ્જતાથી ગીતને ન્યાય આપે છે.

પરમાર્થી અશ્વત્થામ એ સંગીતકારોમાંના છે જેઓ દક્ષિણ ભારતની રીમેક તરીકે બનતી હિંદી ફિલ્મોમાં પણ સંગીતકાર રહ્યા હોય.

કાહે કો રોના ધોના – રામ ઔર રહીમ – ગીતકાર સંત કબીર

આ ફિલ્મ તેલુગુ ભષામાં પણ બની હશે, અહીં પણ મુખ્ય પાત્રોમાં નાગૈયા અને સૂર્ય કુમારી છે. ફિલ્મમાં મોહમ્મદ રફીના સ્વરમાં કબીરજીનાં સાત ભજનો લેવાયાં છે.

રામ કદમ મૂળતઃ મરાઠી ફિલ્મો (૧૧૩ફિલ્મો)ના સંગીતકાર હતા. તેમણે ત્રણ હિંદી અને એક તેલુગુ ફિલ્મમાં પણ સંગીત આપ્યું હતું. ૧૯૬૮ માટેની તેમની ફિલ્મ ‘રાસ્તે ઔર મંઝિલ’માં મોહમ્મદ રફીનાં બે સૉલો ગીતો છે.

જલતે જલતે હો ગયી ગમકી રાત, હો ગયી ગમકી રાત, ખતમ હુઆ દિલ જલતે જલતે – રાસ્તે ઔર મંઝિલ – ગીતકાર: ઈબ્રાહિમ ફૈઝ

જિંદગીના ખેલમાં મુશ્કેલ સંજોગો સાથે કામ લેતાં થાકી ગયેલ, હાલમાં કેદમાં જીવન વ્યતીત કરતાં પાત્રનાં મનની કરૂણાને વ્યક્ત કરતુ આ ગીત છે.

મૈં બહુત દૂર ચલા આયા હું – રાસ્તે ઔર મંઝિલ – ગીતકાર: ઈબ્રાહિમ ફૈઝ

હિંદી ફિલ્મોમાં નાયક જ્યારે બહુ જ નાસી પાસ થયેલો હોય ત્યારે પોતાનાં દુઃખોને ભૂલવા દારૂનું શરણ લે અને કમસે કમ એક ગીત વડે પોતાનાં દુઃખડાં જરૂર વ્યક્ત કરે.

એસ કિશને આ પહેલાં પણ થોડક બી/સી ગ્રેડની ફિલ્મોમાં સંગીત આપ્યું હતું, પણ એ બધી ફિલ્મો બાળમરણ શરણ જ થઈ હશે.

અબ મદદ ફરમાઈયે મેહબુબ સુબાહની મેરી – તાતારકી હસીના – ગીતકાર: એમ યુસુફ

મંગોલીઆની તાતાર જાતિના વિષયને આછે પાતળે અંશે વણી લેવાનો દાવો કરતી હોય અને મધ્ય-પૂર્વની અરબી / ફારસી સંસ્કૃતિને અનુરુપ દેખાય એવી વેશરૂપા ધારણ કરેલાં પાત્રોને અને એ સંસ્કૃતિની અસર  જણાતાં હોય એવાં ગીતોને  પરદા પર દર્શાવતી ચારેક ફિલ્મો બની છે.

જિમ્મી (જેમ્સ સિંધ) લુધિયાણામાં જન્મેલા ખ્રીસ્તી શીખ છે. તેમની હિંદી ફિલ્મની કારકિર્દીમાં તેમને તેમની પ્રતિભા અનુસાર મળવાં જોઈતાં માન કે સફળતા નથી મળ્યાં. જોકે, કિશોર કુમાર પાસે સૌ પ્રથમ વાર ‘યોડલીંગ’ કરાવવાનું માન, ‘મુકદ્દર(૧૯૫૦)નાં આશા ભોસલે સાથેનાં યુગલ ગીત એક દો તીન, બાગોંમે આયી હૈ બહાર માટે તેમને ખાતે નોંધાયેલ છે. ‘શ્રીમતીજી’ (૧૯૫૨) માટેનું તેમનું સંગીત ઠીક ઠીક વખાણાયું હતું. ૧૯૬૮માં તેમની સાથે ‘ટારઝન ઈન ફેરીલેન્ડ’ ફિલ્મમાં બીજા એક સંગીતકાર, પ્રેમનાથ, પણ છે , જેમના વિશે બહુ માહિતી નથી મળી.

હિંદી ફિલ્મ જગતે ટારઝન અને કિંગ કોંગને લઈને ભાત ભાતની ને જાત જાતની ફિલ્મો બનાવી છે, જેમા પાછા તેઓ ગીતો પણ ગાય ! ‘ટારઝન ઈન ફેરીલેન્ડ’માં, મોટા ભાગે પ્રેમનાથ દ્વારા સ્વરબધ્ધ કરાયેલ, મોહમ્મદ રફીનું એક સૉલો ગીત – હો ગાલોં પે ગુલાબ લિયે નૈનોંમેં શરાબ લિયે’ નોંધાયેલ જોવા મળે છે, મને આ ગીતની નેટ પર ડિજિટલ લિંક નથી મળી શકી.

૧૯૬૯

૧૯૬૯નાં વર્ષમાં મોહમ્મદ રફીનાં ૧૧૪ સૉલો ગીતો છે. આ પૈકી આયા સાવન ઝૂમકે (સંગીત: લક્ષ્મીકાંત પ્યારેલાલ), ચિરાગ (સંગીત: મદન મોહન), પગલા કહીં કા (સંગીત: શંકર જયકિશન) અને પ્યારકા મૌસમ(સંગીત: આર ડી બર્મન) જેવી ફિલ્મોનાં બધાં જ ગીતો એ સમયે મશહૂર થયાં હતાં.

જે સંગીતકારે (તકનીકી રૂપે ભલે સહાયક સંગીતકાર તરીકે) આ વર્ષની ફિલ્મ ‘આરાધના’માં કિશોર કુમારને લઈને ઈતિહાસનું નવું પ્રકરણ લખવાનું કર્યું તે જ આર ડી બર્મન, અહીં, ‘પ્યારકા મૌસમ’માં  (ગીતકાર મજરૂહ સુલ્તાનપુરી) ફિલ્મના નાયક પર ફિલ્માવાયેલાં, ત્રણે ત્રણ ત્રણ સૉલો અને એક યુગલ ગીત મોહમ્મદ રફીને આપે છે. ત્રણ સૉલો પૈકી બે ગીતો ફિલ્મમાં ચાર વાર જોવા મળતાં એક ગીત તુમ બીન જાઉં કહાંનાં બે વર્ઝન છે. અન્ય બે વર્ઝન કિશોર કુમારના સ્વરમાં છે. કિશોર કુમાર અને મોહમ્મદી રફીના તે સમયના, અને આજના પણ, ચાહકો પોતપોતાને ગમતા ગાયકની તરફેણમાં અડીખમ ઊભા છે. ત્રીજું સૉલો, ચે ખુશ નજ઼ારે …કે ખુદ પુકારે હૈ પ્યારકી મંઝિલ, નાયકની યૌવનસહજ મસ્તીને ઉજાગર કરે છે. યુગલ ગીત ની સુલ્તાના રે પ્યરકા મૌસમ આયા સૌથી વધારે લોકપ્રિય થયું હતું. 

આ વર્ષે મોહમ્મદ રફી સાથે પહેલ વહેલી વાર, ફિલ્મ ‘પુજારીન’ માટે, સૉલો ગીત રેકોર્ડ કરનાર સંગીતકાર નારાયણ દત્ત વિશે પણ બહુ માહિતી નથી મળતી. ‘પુજારીન’ની એક માત્ર વિશેષતા ગણવી હોય તો એમ કહી શકાય કે આ કદાચ એક માત્ર ફિલ્મ હશે જેમાં રેહાના સુલ્તાને (તથાકથિત) ‘બૉલ્ડ” ભૂમિકા નથી ભજવી.

પિયાકી નગરીયા તજ કે ગોરી જાયે રે – પુજારીન – ગીતકાર: મદન

કન્યા વિદાયનાં એક સમયના બહુ પ્રચલિત પ્રકારનું આ એક બેકગ્રાઉન્ડમાં ગવાતું ગીત છે.

તે સાથે આપણે પણ ‘સંગીતકાર સાથેની પહેલી ફિલ્મનું મોહમ્મદ રફીનું સૉલો ગીત’ લેખમાળાને અહીં વિદાય પાઠવીશું.…. ફરી ‘સંગીતકાર સાથે મોહમ્મદ રફીનું સૌ પ્રથમ યુગલ ગીત’ શ્રેણી માટે ફરી ટુંક સમયમાં મળીશું.


પાંચમા છ-વર્ષીય સમયખંડના બન્ને ભાગ એક સાથે વાંચવા / ડાઉનલોડ કરવા માટે ‘સંગીતકાર સાથેની પહેલી ફિલ્મનું મોહમ્મદ રફીનું સૉલો ગીત : ૧૯૬૪-૧૯૬૯’ પર ક્લિક કરો.


સંગીતકાર સાથેની પહેલી ફિલ્મનું મોહમ્મદ રફીનું સૉલો ગીત‘ની ૧૯૪૪થી ૧૯૬૯ સૂધી આવરી લેતી સમગ્ર લેખમાળાને એકસાથે વાંચવા / ડાઉનલોડ કરવા હાયપર લિંક પર ક્લિક કરો


Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.