સાયન્સ ફેર : શું તમને ઈન્ટરનેટ યુઝ કરતી વખતે કદી આવો વિચાર આવ્યો છે?

જ્વલંત નાયક

૧૦ ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક એવા પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું જે ભારતની દક્ષિણે આવેલા અને ભારતીય ગણરાજ્યનો જ હિસ્સો ગણાતા આંદામાન-નિકોબાર ટાપુઓને ‘મેઈન લેન્ડ ઇન્ડિયા’ સાથે જોડવાનું કામ કરનાર છે. ‘સબમરીન ઓપ્ટિકલ ફાઈબર કેબલ (OFC)’ તરીકે જાણીતો આ પ્રોજેક્ટ ઈન્ટરનેટના માધ્યમથી આંદમાન-નિકોબાર અને બાકીના ભારત વચ્ચે સેતુનું કામ કરશે.

હાલમાં આ ટાપુઓ પર ઈન્ટરનેટ કનેક્ટીવિટી માર્યાદિત છે. અને આજના જમાનામાં એજયુકેશનથી માંડીને ધંધા-રોજગાર અને સંરક્ષણથી માંડીને વહીવટી કામો માટે ઈન્ટરનેટ વિના ચાલવાનું નથી. વળી આંદામાન-નિકોબાર જેવા સામરિક મહત્વ ધરાવતા સ્થાનોની સાથે બાકીના ભારતની કડી નબળી હોય એ કોઈ સંજોગોમાં ન ચાલે, ખાસ કરીને દુષ્ટ ચીનાઓ શ્રીલંકામાં મોટા પાયે પગપેસારો કરી ચૂક્યા હોય ત્યારે! રાજનીતિની વાત તડકે મૂકીને વિજ્ઞાનની દ્રષ્ટિએ મૂલવીએ તો OFC પ્રોજેક્ટ માટે આપણા ટેકનોક્રેટ્સને પૂરા માર્ક આપવા પડે.

મૂળભૂત રીતે દુનિયાના ખંડોને એકબીજા સાથે ઈન્ટરનેટ દ્વારા કનેક્ટ કરવા હોય તો દરિયાના પેટાળમાં કેબલ નેટવર્કનું જાળું પાથર્યા વિના છૂટકો નથી. દરિયાના તળિયે પથરાયેલું આ કેબલ નેટવર્ક ‘સબમરીન કોમ્યુનીકેશન કેબલ્સ’ તરીકે ઓળખાય છે. આ પ્રકારના નેટવર્કમાં બે જુદા જુદા ભૂખંડ ઉપર બંધાયેલા બે નેટવર્ક સ્ટેશન્સને ઓપ્ટિકલ ફાઈબર કેબલ વડે એકબીજા સાથે કનેક્ટ કરવામાં આવે છે. આ ઓપ્ટિકલ ફાઈબર કેબલ ખાસ પ્રકારે દરિયાના તળીયે સેટ કરાયેલા હોય છે. આ ઓપ્ટિકલ ફાઈબર કેબલને પ્રતાપે જ ટેલીકોમ્યુનીકેશન્સના સિગ્નલ્સ એક ભૂખંડથી બીજા ભૂખંડ સુધી પહોંચે છે.

હાલમાં સમગ્ર વિશ્વમાં ૪૦૬ જેટલા સબમરીન ઓપ્ટિકલ ફાઈબર કેબલ્સ પથરાયેલા છે, જે સમગ્ર દુનિયામાં ટેલીકોમ્યુનીકેશન અને ઈન્ટરનેટની સુવિધા પૂરી પાડે છે. તમે બ્રાઝિલ અને ઇટલી વચ્ચેની ફૂટબોલ મેચ તમારા મોબાઈલ ઉપર નિહાળતા હોવ ત્યારે એ વાતનો ખ્યાલ પણ નથી હોતો કે આ આખી ઘટનાના સિગ્નલ્સ દરિયાના પેટાળમાં હજારો કિલોમીટરની અંતર બહુ ઓછા સમયમાં કાપીને તમારા મોબાઈલ સુધી પહોંચ્યા છે! અત્યારે દરીયાપરથી આવતા ઈન્ટરનેટ ડેટા પૈકીનો ૯૯% ડેટા સબમરીન કેબલ્સ નેટવર્ક દ્વારા વિશ્વના ખૂણે ખૂણે પહોંચે છે. સેટેલાઇટ દ્વારા આવતા ડેટાની સ્પીડ ૧,૦૦૦ મેગાબાઇટ્સ/સેકન્ડ જેટલી હોય છે. એની સામે સબમરીન કેબલ્સ જે એક સેકંડમાં અનેક ટેરાબાઇટ્સ ડેટા ટ્રાન્સફર કરી નાખે છે. (એક ટેરાબાઈટ એટલે દસ લાખ મેગાબાઈટ!) છે ને કમાલની સ્પીડ! અને આટલો અધધ ડેટા ટ્રાન્સફર કરતા કેબલની સાઈઝ કેટલી હોય છે? આપણે બગીચામાં પાણી છાંટવા જે જાડો પાઈપ વાપરીએ છીએ ને, બસ એટલી જ!

ઓપ્ટિકલ ફાઈબર કેબલની રચના ખાસ પ્રકારની હોય છે, જે કુલ આઠ સ્તરમાં વહેંચાયેલી હોય છે. સૌથી અંદર આવેલા ઓપ્ટિકલ ફાઈબર કેબલ્સ – કે જે ડેટા સિગ્નલ્સ ટ્રાન્સપોર્ટ કરે છે, એની જાડાઈ આપણા વાળ જેટલી જ હોય છે! આ ફાઈબર ઓપ્ટિક કેબલની આજુબાજુ ખાસ પ્રકારની પેટ્રોલિયમ જેલી હોય છે. આ જેલીની ફરતે કોપર અથવા એલ્યુમિનીયમની ટ્યુબ કવર સ્વરૂપે હોય છે, જે પોતે પોલીકાર્બોનેટ દ્વારા સુરક્ષિત કરાયેલી હોય છે. આ તમામ સ્તરોને પાણીથી દૂર રાખવાની ચેલેન્જ બહુ મોટી હોય છે. આ માટે પોલીકાર્બોનેટની એલ્યુમિનીયમ વોટર બેરીયર અને સ્ટીલ વાયર્સના સ્તર હોય છે. સૌથી બહારની બાજુએ હાઈ ટેન્સાઈલ સ્ટ્રેન્થ અને કેમિકલ રેઝીસ્ટન્સના ગુણો ધરાવતા પોલીઈથેલીનના બાહ્ય સ્તરો હોય છે. ટૂંકમાં, સૌથી અંદર રહેલા ઓપ્ટિકલ ફાઈબરને ગમે એવી દરિયાઈ મુસીબતોનો કે દરિયાઈ જળચરોનો (રેરેસ્ટ ઓફ ધિ રેર ગણાય એવા અપવાદરૂપ કિસ્સાને બાદ કરતા) કોઈ ભય નહિ!

અહીં ઘણાને પ્રશ્ન થશે, કે આપણે દરિયા કિનારે ફરવા જઈએ ત્યારે આ પ્રકારના કોઈ કેબલ્સ તો દરિયામાંથી પસાર થતા દેખાતા નથી! એવું એટલા માટે હોય છે, કેમકે જમીનવાળા વિસ્તારમાં અને દરિયાના જે ભાગોમાં પાણી છીછરું હોય, ત્યાં આ કેબ્લ્સને જમીનમાં દાટીને રાખવામાં આવે છે, જેથી એ સુરક્ષિત રહે. માત્ર ઊંડા સમુદ્રમાં જ એ પેટાળમાં છુટા મૂકી દેવામાં આવે છે. જો કે આ માટે દરિયાના પેટાળમાં રહેલા ફોલ્ટ ઝોન, ફીશીંગ ઝોન વગેરે વિસ્તારોનો પૂરતો સર્વે કર્યા બાદ એવો રુટ પસંદ કરવામાં આવે છે, જે સૌથી સુરક્ષિત હોય. આ બધા ફેક્ટર્સને કારણે સબમરીન કેબલ નેટવર્ક તૈયાર કરવાનું કામ ભારે જટિલ, ધીમું અને અતિશય ખર્ચાળ હોય છે. હાલની તારીખે વિશ્વભરમાં ૧.૨ મિલિયન કિલોમીટર જેટલા સબમરીન કેબલ્સ ઇન્સ્ટોલ થયેલા છે. સૌથી ટૂંકો સબમરીન કેબલ ૧૩૧ કિલોમીટરનો છે, જે ઇંગ્લેન્ડ અને આયર્લેન્ડ વચ્ચે ઇન્સ્ટોલ થયો છે. જ્યારે એશિયા અમેરિકા ગેટવે કેબલ ૨૦,૦૦૦ કિલોમીટર લાંબો છે!

શું તમે અમેરિકા કે યુરોપમાં થતી ઘટના નિહાળતી વખતે કદી વિચાર્યું છે કે ઘડીના છઠ્ઠા ભાગમાં આ ઘટનાનું લાઈવ સ્ટ્રીમિંગ તમે કઈ ટેકનોલોજીને આધારે નિહાળો છો? હવે વિચારજો. સબમરીન કેબલ એ સાયન્સ અને ટેકનોલોજીની એવી અદભુત ભેટ છે, જેને કારણે આપણે દુનિયાને આધુનિક સ્વરૂપે જોઈ રહ્યા છીએ!

આ વિષે વધુ જાણવાની ઈચ્છા હોય તો www.submarinecablemap.com નામની વેબસાઈટ પર એક ચક્કર મારી જોજો.


શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com  પર થઇ શકે છે.


Disclaimer: The images in this post have been taken from net for non-commercial purpose. If there is any breach of copy right, and would be brought to our notice, it will be removed from here.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.