ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭ :: પ્રકરણ ૧૬: મુસલમાનો માટે ‘મુક્તિ દિન’

દીપક ધોળકિયા

કોંગ્રેસની સરકારો લગભગ અઢી વર્ષ ચાલી. તે દરમિયાન એમણે ઘણાં સારાં કામ કર્યાં હતાં. દારુબંધી લાગુ થતાં ગરીબ વર્ગના લોકોને સાત કરોડ રૂપિયા જેટલો ફાયદો થયો. ખેડૂતોનાં ચાળીસ કરોડ રૂપિયા જેટલાં દેવાં માફ કરવામાં આવ્યાં. મજૂરો માટે પણ ઘણા કાયદા સુધારીને એમને રક્ષણ આપવામાં આવ્યું તે ઉપરાંત, જમીન સંબંધી સુધારાઓ જેવાં દૂરગામી અસરવાળાં પગલાં પણ લેવાયાં.

પ્રાંતિક ઍસેમ્બ્લીઓની ચૂંટણી પછી જિન્નામાં પરિવર્તન આવ્યું હતું. બંધારણવાદી જિન્ના હવે કોઈ પણ ભોગે પોતાના પગ નીચેથી ધરતી સરકી જાય તે માટે તૈયાર નહોતા. પરિણામોએ દેખાડ્યું હતું કે મુસ્લિમ લીગ ક્યાંય પણ સરકાર ન બનાવી શકી. પરંતુ જિન્નાને રાજકીય બોગદાના અંધારામાંથી બહાર નીકળવાનો એક જ રસ્તો દેખાતો હતો – મુસલમાનો મુસ્લિમ લીગને માને કે ન માને, મુસલમાનોને ગળે એ ઉતારવા સિવાય એમના પાસે રસ્તો નહોતો કે કોંગ્રેસ એમની દુશ્મન છે. મુસલમાનોના નામે જિન્નાએ કોંગ્રેસને નિશાન બનાવીને ઘણા નિરાધાર આક્ષેપો કર્યા કે મુસલમાનો કોંગ્રેસના શાસનવાળાં રાજ્યોમાં દમન અને શોષણનો ભોગ બનતા હતા અને એમની સાથે ભેદભાવ રખાતો હતો. એટલે યુક્ત પ્રાંતમાં ગોવિંદ વલ્લભ પંતની સરકાર બની તે સાથે જ એમણે મુસલમાનો સાથે અન્યાય થતો હોવાની કાગારોળ શરૂ કરી દીધી.

ડૉ. રાજેન્દ્ર પ્રસાદે એમના આ દાવાને પડકાર્યો અને પુરાવા માગ્યા ત્યારે જિન્નાએ જવાબ આપ્યો કે એમણે વાઇસરૉયને મેમોરેન્ડમ આપ્યું છે અને એ જ હવે એના પર કાર્યવાહી કરશે. આમ જિન્ના માત્ર આક્ષેપ કરતા હતા, ખરેખર કોઈ પુરાવા આપવા તૈયાર નહોતા.

પરંતુ જિન્ના એક ડગલું આગળ વધ્યા અને એમણે હિન્દુ-મુસ્લિમ સમસ્યા માટે રૉયલ કમિશનની માગણી કરી! કોંગ્રેસના નેતાઓએ જિન્નાની ફરિયાદોને પોકળ ગણાવી તો બીજી બાજુ, બંગાળના પ્રીમિયર ફઝલુલ હકે એને ટેકો આપતાં હિન્દુઓએ મુસલમાનો પર ગુજારેલા ત્રાસનો દસ્તાવેજ તૈયાર કરવાની ધમકી આપી. ઑલ ઇંડિયા ડિપ્રેસ્ડ ક્લાસિસના નેતા રાવ બહાદ્દુર એમ. સી. રાજાએ પણ રૉયલ કમિશનની માગણીને ટેકો આપ્યો.

પીરપુર રિપોર્ટ

કોંગ્રેસે સરકારો બનાવી તેના આઠ જ મહિનામાં, એટલે કે ૧૯૩૮ના માર્ચમાં એમણે મુસલમાનો પરના અત્યાચારોની તપાસ માટે પીરપુરના રાજા સૈયદ મહંમદ મેહદીના વડપણ હેઠળ એક કમિટી બનાવી. એનો રિપોર્ટ નવેમ્બરમાં આવ્યો. ‘પીરપુર રિપોર્ટ’માં આક્ષેપો બધા એ જ હતાઃ કોંગ્રેસ હિન્દી ઠોકી બેસાડે છે; ઉર્દુને કચડી નાખી; વંદે માતરમ ગાવાનું ફરજિયાત છે;  વગેરે. પીરપુર રિપોર્ટે આક્ષેપ કર્યો કે  શિક્ષણ માટેની યોજનામાં ‘વિદ્યા મંદિર’ શબ્દ વપરાય છે. પણ ‘મંદિર’ શબ્દ મુર્તિપૂજાનો સૂચક છે. સરકાર ‘હનુમાન અખાડા’ વગેરેને મોટી ગ્રાંટ આપે છે. એમાં હિન્દુઓને લડવાની તાલીમ આપાય છે, વગેરે.

બીજો આક્ષેપ એ હતો કે કોઈ પણ હિન્દુ કોંગ્રેસનો અને હિન્દુ મહાસભા, બન્નેનો સભ્ય બની શકે છે પણ મુસલમાન કોંગ્રેસમાં જોડાય તો એ મુસ્લિમ લીગમાં નથી રહી શકતો. આના પછી તો વધારે તીખો રિપોર્ટ બિહારમાં મુસ્લિમોની હાલત વિશે તૈયાર કરાયો અને બંગાળના પ્રીમિયર ફઝલુલ હકે છેલ્લે જે રિપોર્ટ તૈયાર કર્યો તે તો આડો આંક હતો. એમાં આક્ષેપ હતો કે હિન્દુ અધિકારીઓ એમની નીચેના મુસલમાન કર્મચારીઓને સજાઓ કરે છે. એમનો સામાન્ય સૂર એ જ હતો કે હિન્દુઓ, હિન્દુ કોમવાદીઓ અને કોંગ્રેસ, ત્રણેય એક જ છે. પરંતુ આક્ષેપોમાં ખાસ વજૂદ નહોતું અને મધ્ય પ્રાંતના ગવર્નરે તો વાઇસરૉયને આ બાબતમાં પોતાની ટિપ્પણી મોકલી તેમાં કહ્યું કે મુસ્લિમ લીગના આક્ષેપો પાયા વિનાના છે.

મુસ્લિમ લીગને ખરો વાંધો તો એ હતો કે કોંગ્રેસે મુસ્લિમ જન સંપર્ક શરૂ કર્યો હતો. આ જનસંપર્ક મુસલમાનોને છેતરવા માટે હતો એમ આ રિપોર્ટો કહેતા હતા. કોંગ્રેસ સરકારોએ જમીનદારી નાબૂદીનાં પગલાં લીધાં તેથી ઘણા ગરીબ હિન્દુઓ અને મુસલમાનોને લાભ થતો હતો. આમ મુસલમાનોમાં આર્થિક ભાગલા પડવા લાગ્યા હતા. મુસ્લિમ લીગ માટે આ સ્થિતિ સારી નહોતી. કારણ કે આર્થિક મુદ્દા આગળ આવે તો મુસલમાનોને કોમ કે ધર્મના નામે એક ન કરી શકાય. કોમના નામનો ઉપયોગ જ આર્થિક સમસ્યાઓને દબાવવા માટે અને અમુક સ્થાપિત હિતોના રક્ષણ માટે થાય છે. કોંગ્રેસ સરકારોના નિર્ણયોથી દુઃખી થયેલા મુસલમાન જમીનદારો મુસ્લિમ લીગ તરફ વળ્યા અને હિન્દુ જમીનદારો હિન્દુ મહાસભા તરફ ગયા.

કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે વાટાઘાટ

આમ છતાં કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે કોમી સમસ્યાના ઉકેલની પણ વાતચીત ચાલુ હતી. નવેમ્બરની પહેલી તારીખે ગાંધીજી, રાજેન્દ્ર પ્રસાદ અને જિન્ના એક સાથે વાઇસરૉયને મળ્યા. તે પછી ગાંધીજી ફરીથી જિન્નાને મળ્યા. વાતો એવી સંભળાતી હતી કે કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વાઇસરૉયને સમાધાનનો સંયુક્ત પત્ર આપશે પણ રાજેન્દ્ર પ્રસાદે પત્રકારો સમક્ષ કહ્યું કે કોંગ્રેસનો જવાબ એક-બે દિવસમાં, ચોથી નવેમ્બરે મોકલી અપાશે. આનો અર્થ એ થયો કે કોઈ સમજૂતી નહોતી થઈ શકી. ગાંધીજી ચોથી તારીખે વાઇસરૉયને મળ્યા પછી રાજેન્દ્ર પ્રસાદ સાથે દિલ્હીથી રવાના થઈ ગયા. એમને એ વખતે કહ્યું કે જનાબ જિન્ના સાહેબ મુસ્લિમોનાં હિતોનું રક્ષણ કરવા માટે બ્રિટિશ સરકારના મોઢા સામે જુએ છે. કોંગ્રેસ આમાં કંઈ કરી શકે તેમ નથી.

જિન્ના કોંગ્રેસ સાથે મળીને સમાધાન કરવા નહોતા માગતા, એમણે કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે ત્રીજો પક્ષ મધ્યસ્થી કરે એવી માગણી કરી, પણ હિન્દુ મહાસભાના નેતા ડૉ. બી. એસ. મુંજેએ કહી દીધું હતું કે કોંગ્રેસ હિન્દુઓનું પ્રતિનિધિત્વ નથી કરતી એટલે હિન્દુ-મુસ્લિમ સમસ્યા  વિશે કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે સમજૂતી થાય હિન્દુ મહાસભા માન્ય નહીં રાખે.

મુક્તિ દિન

અંતે કોંગ્રેસનાં પ્રધાનમંડળોએ રાજીનામાં આપી દીધાં ત્યારે જિન્નાએ કહ્યું કે હિન્દુ રાજનો અંત આવ્યો છે એનો ઉત્સવ મુસલમાનોએ મનાવવો જોઈએ. એમણે ૨૨મી ડિસેમ્બર આ માટે નક્કી કરી. મુક્તિ દિનનું એલાન આપ્યા પછી એ નરમ પડતા ગયા અને દર વખતે જુદું અને વધારે ને વધારે નરમ અર્થઘટન કરતા ગયા. દેખીતું છે કે એમને કોમી રમખાણો ફાટી નીકળવાની શક્યતાનો શરૂઆતમાં ખ્યાલ નહોતો આવ્યો પણ દિવસો જતાં એમને મુક્તિ દિનનાં ગોઝારાં પરિણામોની બીક લાગવા માંડી હતી. જિન્નાએ મુંબઈમાં મુસલમાનોની એક સભામાં બોલતાં પોતાનું મંતવ્ય સુધાર્યું, “હું હંમેશાં મારા હિન્દુ ભાઈઓ સાથે ‘સમાનતાને ધોરણે’ સમાધાન કરવા તૈયાર છું. મારા મનમાં એમના માટે જરાય દુર્ભાવના નથી.” જિન્નાને એવી પણ સલાહ મળી કે કોંગ્રેસ સાથે એમની વાટાઘાટો ચાલે છે ત્યારે મુક્તિ દિનનું એલાન કરવાનું યોગ્ય નહોતું. એની શી અસર થઈ શકે તેના તરફ ધ્યાન દોરવામાં આવતાં જિન્નાએ ખુલાસો કર્યો કે એમણે તો માત્ર મુસ્લિમ વિરોધી સરકારોના જવા બદલ આભાર માનવાનો દિન ઊજવવા મુસલમાનોને કહ્યું છે. એમણે અંતે સ્પષ્ટતા કરી કે ૨૨મી ડિસેમ્બરે જે કાર્યક્રમો થશે તે મુસલમાનોના હિન્દુઓ વિરુદ્ધના કાર્યક્રમો નહીં હોય, એ માત્ર કોંગ્રેસ સરકારના પતનને વધાવી લેવાના કાર્યક્રમ હશે. આમ જિન્ના, હિન્દુ રાજ પરથી “હિન્દુઓ પ્રત્યે દુર્ભાવના નથી” પર આવ્યા અને છેલ્લે. માત્ર કોંગ્રેસ પર આવી ગયા.

૨૨મીએ આખા દેશમાં મુસલમાનોએ મુક્તિ દિન મનાવ્યો. જો કે એમાં માત્ર મીટિંગો મળી. કાનપુરમાં ખાસ જોર રહ્યું અને ક્યાંક મસ્જિદો પર રોશની કરવામાં આવી.

જમિયતુલ-ઉલેમા-એ-હિન્દ અને શિયા કૉન્ફરન્સે મુસ્લિમ લીગને સાથ ન આપ્યો, પરંતુ, ડૉ, આંબેડકરની ઇંડીપેન્ડન્ટ લેબર પાર્ટી અને પેરિયાર ઈ. વી. રામસ્વામી નાઇકરની જસ્ટિસ પાર્ટી એમાં સામેલ થઈ.

ત્રીજા પક્ષની નજરે મુસ્લિમ લીગના આક્ષેપો

ડિસેમ્બરમાં નાગપુરમાં ઑલ ઇંડિયા ક્રિશ્ચિયન કૉન્ફરન્સ મળી. પ્રમુખપદેથી બોલતાં હરેન્દ્ર ચન્દ્ર મુખરજીએ મુસ્લિમ લીગના આક્ષેપોની પણ ચર્ચા કરી. એમણે કહ્યું કે બ્રિટિશ સરકારે કોમી સમસ્યાના ઉકેલ માટે જે રસ્તો લીધો છે તે સમસ્યાને વણસાડવા માટે વધારે જવાબદાર છેઆપણા મુસલમાન ભાઈઓ અને મુસ્લિમ લીગ ગેરવાજબી અને તર્કહીન માગણીઓ કરે છે તેના માટે બીજા કોઈ સંજોગો કરતાં બ્રિટિશ હકુમત તરફથી એને પ્રોત્સાહન આપવામાં આવે છે, તે વધારે જવાબદાર છે….મારે પણ કહેવું પડશે કે કોંગ્રેસી સરકારો મુસલમાનોની અસાધારણ ચિંતા કરે છે પણ તેની ધારી અસર નથી થઈ. હું માનું છું કે મુસલમાનો લઘુમતીમાં હોવાને કારણે કોઈ રીતે વંચિત નથી રહ્યા અને ખરેખર તો હિન્દુઓની બહુમતી હોવા છતાં સરકાર મુસલમાનો પ્રત્યે પક્ષપાત કરે છે!

૦૦૦

સંદર્ભઃ

The Indian Annual Register June-Dec 1939 Vol. II

shodhganga.flibnet.ac.in (જુદા જુદા અભ્યાસલેખો)


શ્રી દીપક ધોળકિયાનાં સંપર્કસૂત્રો
ઈમેલઃ dipak.dholakia@gamil.com
બ્લૉગઃ મારી બારી

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.