ફિર દેખો યારોં :: અગ્નિસુરક્ષાની માર્ગદર્શિકાનો અમલ: ભસમ સહુ થઈ જાય પછીથી?

બીરેન કોઠારી

કોવિડની મહામારી દરમિયાન થતા ઔદ્યોગિક અકસ્માતો અને એ બાબતે સતત થતી રહેતી ઉપેક્ષા તેમ જ સલામતિના નિયમોના સરેઆમ ઉલ્લંઘન વિશે આ કટારમાં હજી માંડ મહિના પહેલાં વાત કરવામાં આવી હતી. એવામાં રાજકોટની એક હોસ્પિટલમાં ફાટી નીકળેલી આગ અને તેમાં ભૂંજાઈ મરવાની દુર્ઘટના બની. આ અગાઉ સુરત, અમદાવાદ, જામનગરની હોસ્પિટલમાં પણ આગ ફાટી નીકળવાના બનાવ બન્યા હતા. અંગ્રેજીમાં એક જાણીતી ઉક્તિ છે: એક વખત બને તો અકસ્માત, બીજી વખત બને તો યોગાનુયોગ અને ત્રીજી વખત પણ એની એ ઘટના બને તો એ કાર્યપદ્ધતિ (તરાહ) ગણવી.

ગુજરાતની હોસ્પિટલોના આઈ.સી.યુ.વૉર્ડમાં લાગેલી આગના બનાવોને આ અવતરણ બરાબર લાગુ પડે છે. કોઈ પણ દુર્ઘટના, એ બનતાં અગાઉની નિષ્કાળજી, એ બની ગયા પછીની કામચલાઉ દોડાદોડી, અને આકરાં પગલાં લેવાની ઘોષણાનો ક્રમ બીબાઢાળ બની રહ્યો છે. દરેક દુર્ઘટનાએ તેનું પુનરાવર્તન થતું રહે છે, અને બ્રહ્મચારીના વંશની જેમ તે આગળ ધપતો રહે છે. રાજકોટની દુર્ઘટના પછી સર્વોચ્ચ અદાલતે ગુજરાત સરકાર પાસેથી ખુલાસો માગ્યો છે.  ત્રણ ન્યાયમૂર્તિઓ અશોક ભૂષણ, આર. સુભાષ રેડ્ડી અને એમ.આર.શાહની બનેલી વિશેષ બૅન્‍ચે દેશભરની હોસ્પિટલમાં અગ્નિસુરક્ષાની માર્ગદર્શિકાઓના અમલ માટે કડક શબ્દોમાં ભલામણ કરી છે. ન્યાયમૂર્તિ એમ.આર.શાહે કહ્યું: ‘આ ન ચાલે. આવું વિવિધ હોસ્પિટલોમાં બની રહ્યું છે. ઈલેક્ટ્રિકલ લાઈનો યોગ્ય છે કે કેમ તેની ચકાસણી થવી જોઈએ. શોર્ટ સર્કિટ શી રીતે થાય છે? અગ્નિસુરક્ષા બાબતે હાઈકોર્ટને અપાયેલો અહેવાલ ચોંકાવનારો છે! તમારી પાસે ચીફ ઑફિસર સુદ્ધાં નથી.’

ગુજરાત સરકારે મૃતકો માટે વળતર જાહેર કરી દીધું અને ઉચ્ચ કક્ષાની વિશેષ સમિતિ ‘સીટ’ (સ્પેશ્યલ ઈન્‍વેસ્ટીગેશન ટીમ) નીમવાની ઘોષણા કરી દીધી એટલે કામ પત્યું. રહેણાક, વ્યાપારી સંકુલોમાં તેમ જ હોસ્પિટલોમાં અગ્નિસુરક્ષાના નિયમો બાબતે માર્ગદર્શિકા બનાવાયેલી છે. એવું તો શું કારણ છે કે તેનો અમલ કરવામાં આવતો નથી યા એ કેવળ કાગળ પર જ રહી જાય છે? અગ્નિસુરક્ષાના નિયમો અને તેની માર્ગદર્શિકા શું રૉકેટવિજ્ઞાન જેવું જટિલ છે કે તેના અમલમાં વરસો લાગે? એકલદોકલ અકસ્માતને બદલે તેની હારમાળા સર્જાતી રહે અને મોટા ભાગના અકસ્માતો થવાની પદ્ધતિ પણ એક જેવી હોય ત્યારે સમજી લેવાનું છે કે ભ્રષ્ટાચારનાં મૂળિયાં કેટલે ઊંડે સુધી પહોંચેલા છે!

કોઈ દરદના ઈલાજ માટે હોસ્પિટલમાં દાખલ થયેલો દરદી દરદથી નહીં, પણ હોસ્પિટલમાં લાગેલી આગથી મૃત્યુ પામે એના જેવી કરુણ બાબત બીજી એકે નથી. અને આવું વારંવાર બનતું રહે તો આ પ્રકારનું મૃત્યુ અકસ્માત નહીં, પણ હત્યા કહી શકાય. આવા બનાવોને અટકાવવા માટે ચુસ્ત નીતિનિયમો કે માર્ગદર્શિકા ઘડી કાઢવાં પૂરતા નથી. તેના અમલ માટેની ઈચ્છાશક્તિ સૌથી અગત્યની છે. અને આવી દુર્ઘટનાઓ બને ત્યારે ઈચ્છાશક્તિનો અભાવ ઊડીને આંખે વળગે છે. માત્ર ઔપચારિકતા ખાતર સંબંધિત અધિકારીઓ કે તંત્રના જવાબદાર લોકો પર પગલાં લેવાય, પણ એ લોકો આખા વિશાળ યંત્રના નાના પૂરજા સમાન હોય છે. સાવ સામાન્ય બુદ્ધિથી વિચારીએ તો પણ સમજી શકાય કે શું કોઈ એકલદોકલ જવાબદાર અધિકારીની સ્વતંત્રપણે એટલી હિંમત હોય ખરી કે તે નિયત કરેલા સુરક્ષાનિયમો કે માર્ગદર્શિકાની ઉપરવટ જઈને ભ્રષ્ટાચાર આચરે અને ગેરકાયદે મંજૂરી આપે? તે આમ કરી શકે એ માટે તેની પાછળ કેવડું મોટું પીઠબળ હોવું જોઈએ!

અદાલત દ્વારા થતી ટીકાટીપ્પણી કે અપાતા ઠપકાને ઘોળીને પી જવામાં સરકાર ઉસ્તાદ હોય છે. આ એક ઉઘાડું સત્ય છે અને એમાં કોઈ સંશોધનની જરૂર નથી. એથી પણ મહત્ત્વની વાત એ છે કે અદાલત દખલઅંદાજી કરે ત્યાં લગી શું સરકારે રાહ જોવાની હોય? પોતાના રાજ્યમાં પોતે જ ઘડેલી માર્ગદર્શિકાનું પાલન ન થાય અને એ બાબત જ્યારે અપવાદ નહીં, પણ નિયમ બની જાય ત્યારે એમ થવા દેવા માટે ખુદ સરકાર જ જવાબદાર હોય છે. માર્ગદર્શિકાનું પાલન ન કરવાની કે તેનો ભંગ કરવાની હિંમત લોકોમાં ક્યારે આવે એ વિચારવા જેવું છે. શા માટે સરકાર નિયમપાલન બાબતે પોતાની ધાક ઊભી ન કરી શકે?

રાજકોટની હોસ્પિટલની આગ પછી સરકારે ‘સીટ’ નીમવાની ઘોષણા કરી. અગાઉ અમદાવાદની હોસ્પિટલમાં લાગેલી આગની તપાસનું કામ કેટલે આવ્યું? એ બાબતે સરકારે શાં પગલાં લીધાં? અમદાવાદની હોસ્પિટલની આગમાં બળી મરેલા દુર્ભાગીઓનાં સગાંએ આ મામલે સી.બી.આઈ. તપાસની માગણી કરી છે. જો કે, સી.બી.આઈ. બિચારી અત્યારે સરકારવિરોધીઓની પાછળ લાગેલી છે.

વિકાસવાદનું રાજકારણ રમવું એક વાત છે, મસમોટા આંકડાઓ થકી રાજ્યને વિકાસશીલ બતાવીને ફુલાવું બીજી વાત છે, અને વિકાસ બાબતે વાસ્તવિક રીતે કામ કરવું સાવ અલગ બાબત છે. કોવિડની વિપરીત પરિસ્થિતિ એવી વિશિષ્ટ છે કે કામ કરવાની અનિચ્છા હોય તો સઘળો દોષ આ મહામારીને માથે ઢોળી દેવો સહેલો છે, અને ખરેખરું કામ કરવાની ઉત્કટતા હોય તો કૌવત પુરવાર કરવાની પૂરેપૂરી તક છે. આમ પણ સરકારોને લાંબા અને વ્યવહારુ ઉપાય ઓછા ફાવતા હોય છે. તે હંમેશાં ટૂંકા ગાળાના, લોકરંજક માર્ગો શોધતી હોય છે.

લોકોની યાદદાસ્ત પણ ટૂંકી હોય છે. કેમ કે, ચૂંટણી આવે ત્યારે લોકરંજક મુદ્દાઓને ઉછાળવામાં આવે છે અને તેના આધારે મતદાન થાય છે. અકસ્માતો થતા રહેશે, તપાસના આદેશ અપાતા રહેશે, કસૂરવારોને નહીં છોડવાની ઘોષણાઓ થતી રહેશે અને મૃતકોના વળતર પેટે રાજ્ય સરકાર ખેરાત કરતી રહેશે. આ બધું સહેલું છે. અઘરું છે પોતે જ બનાવેલા કાયદાના વાસ્તવિક અમલનું કામ.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૩-૧૨-૨૦૨૦ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)


પ્રકાશકીય નોંધ – તસવીરો સાંકેતિક – નેટ પરથી સાભાર.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.