ચેલેન્‍જ.edu : સમાજનો વિકાસ કોને આભારી – વિદ્વાનોને કે ધનવાનોને ?

રણછોડ શાહ

મને ન શોધજો કોઈ, હવે હું ક્યાંય નથી,
અને જુઓ તો તમારી જ આસપાસમાં છું.

– આદિલ મન્સુરી

ભારતીય સમાજ ધર્મપ્રેમી રહ્યો છે. દેવી દેવતાઓના પૂજકોથી દેશ ઊભરાઈ રહ્યો છે. મંદિર, મસ્જિદ, ગુરૂદ્વારા, ચર્ચમાં આસ્થા પ્રમાણે માણસ સતત ધૂમતો રહ્યો છે. સાંપ્રદાયિક હોવાની માન્યતા સેવવા બદલ ગૌરવ અનુભવતો આપણો સમાજ છે. ધાર્મિક સ્થળોએ કીડિયારું ઊભરાય છે. ભારતની ફાટફાટ થતી વસ્તીને કારણે કોઈ જગ્યાએ બેસવા કે વાતચીત કરવાનું ઠેકાણું ન મળે તો ધાર્મિક સ્થળ તૈયાર જ છે ! ધાર્મિક સ્થળોએ જવાથી ‘પાપ ધોવાય’ છે તેવી માન્યતાવાળો આ રૂઢિચુસ્ત સમાજ છે. માણસો શરૂઆતમાં મંદિરમાં જઈ પ્રભુ પાસે ધન મળે તે માટે પ્રાર્થના કરે છે. પ્રભુએ આપેલ ધનથી ધાર્મિક સ્થળો બાંધવામાં આવે છે. માણસ ત્યાં પોતાના નામની ‘તકતી’ લગાવી મંદિર બંધાવ્યાનો દેખાડો કરે છે.

જે વ્યકિત ધનવાન બની છે તે તો ‘ભગવાનની કૃપા’ને કારણે જ થઈ છે તેમ સમાજ માનતો હોવાથી તેને તો લક્ષ્મીજી સાથે ભારે લગાવ હોય તે સ્વાભાવિક છે. લક્ષ્મીની કૃપા થાય તો પછી જીવન સફળ થઈ ગયાનો વહેમ સમાજમાં સ્થપાઈ ચૂકયો છે. આજકાલ સમાજ ધનપતિઓથી ઊભરાઈ રહ્યો છે. પૈસાપાત્ર વ્યકિત મંદિરમાં જઈ દાન કરી પુણ્ય કમાવવા માટે સદાય તત્પર છે. મંદિરના કોઈપણ કાર્યમાં ફંડફાળો આપતાં તેનો અહમ્‌ સંતોષાય છે. સમાજ પણ આવા ધનકુબેરો તરફ માન–સન્માનની

નજરે જુએ છે. ગર્વથી ઊંચા મસ્તકે ફરતા આ ધનવાનો પાસે ‘ધન’ કેવી રીતે આવ્યું તે જોવા તરફ લોકો દુર્લક્ષ સેવે છે. ‘આપણે તો રોટલા સાથે કામ છે ટપ ટપ સાથે નહીં’ તેવી શાહમૃગી વૃત્તિ ધરાવતો આપણો કહેવાતો શિક્ષિત સમાજ છે. ધન પ્રાપ્ત કરવા કેવા કેવા ખોટા રસ્તાઓ અપનાવ્યા, તરકીબો અને લુચ્ચાઈ કરી તેના તરફ સામાન્ય માણસની નજર જ પડતી નથી. કદાચ જાણે તો આંખ આડા કાન કરે છે. કદાચ તેને તે બાબતે નિસ્બત પણ નથી.

ધનવાનોને અગ્રણી બનાવવામાં સમાજ એક ક્ષણ માટે પણ રોકાઈને વિચાર કરતો નથી કે આ પ્રથાના ભવિષ્યમાં કેવા પડઘા પડશે ? આજના બાળકો પણ એવું જ વિચારશે કે કોઈ પણ ભોગે ધન પ્રાપ્ત કરી લઈએ. આવા કહેવાતા આગેવાનો થોડાક રૂપિયાથી મંદિર, શાળા, દવાખાના કે તેના જેવી અન્ય સામાજિક સંસ્થાઓમાં શ્રેષ્ઠ સ્થાને બિરાજતા નજરે પડે છે. તેમને કાળક્રમે દાનવીર તરીકેની કહેવાતી પ્રતિષ્ઠા પણ પ્રાપ્ત થઈ જાય છે.

સમાજમાં બીજો પણ એક વર્ગ છે જે સરસ્વતીના ઉપાસકોનો છે. સરસ્વતીના ઉપાસકો સતત સમાજને બેઠો કરવાનું કાર્ય કરે છે. પરંત તે પોતાની કામગીરીનો ઢંઢેરો પીટાવતો નથી. શાંત રહી પોતાનું કાર્ય કરી યોગ્ય ફરજ બજાવ્યાનો સંતોષ પ્રાપ્ત કરી લે છે. સામાજિક ઉત્થાનનું કાર્ય કરવાની જવાબદારી તેણે સ્વેચ્છાપૂર્વક સ્વીકારી લીધી છે. કોઈ તેને માન આપે કે ન આપે પરંતુ તે પોતાની રીતે સમાજની સેવા કરતો જ જાય છે. તે પ્રસિદ્ધિ ભૂખ્યો નથી. સમાજને આગળ લાવવામાં કોઈક જવાબદારી તો સ્વીકારવી જ પડશે તે ભાવનાથી પોતાનું કાર્ય કરતો જાય છે. તેને કોઈ સ્ટેજ ઉપર બેસાડે કે ન બેસાડે તેનાથી કોઈ ફરક પડતો નથી. તે પડદા પાછળ (Low profile) રહીને હંમેશાં સહજ ભાવે કર્મ કરતો રહે છે.

પરંતુ સમાજે આ બે વચ્ચેનો તફાવત જાણી, સમજીને યોગ્ય નિર્ણય લેવો જોઈએ. લક્ષ્મીની રેલમછેલમાં આપણે સરસ્વતીના સાચા ઉપાસકો તરફ દુર્લક્ષ તો સેવતા નથી ને ? એકને કારણે બીજાને અન્યાય તો કરતા નથી ને ? એકને કર્ણ કહેવાની લ્હાયમાં બીજાને નબળો – ઊતરતો બતાવવાની હરીફાઈમાં તો ઊતર્યા નથી ને ? અગાઉના સમયમાં નગરશેઠનું સ્થાન હતું તેવું સ્થાન આજે રાજકીય નેતાઓનું, ખૂબ ઉચ્ચ હોદ્દો ધરાવતા સરકારી અધિકારીઓનું, અત્યંત ધનવાન નાગરિકોનું છે. પરંતુ આ બે

વચ્ચેનો તફાવત આપણે સમજીએ છીએ ખરા?

યુગોથી લક્ષ્મીપૂજકો અને સરસ્વતી ઉપાસકો વચ્ચે રહેલ ભેદ સમજવામાં સમાજ થાપ ખાઈ રહ્યો હોય તેવું નજરે પડે છે. પ્રાચીન યુગમાં પણ આજ પરિસ્થિતિ હતી. અમીચંદ અને શેઠ ભામાશા હતા. પરંતુ તે સમયના લોકો આ બે વચ્ચેનો ભેદ સમજતા હતા અને તેથી તેઓ જેવા સાથે તેવાનો વ્યવહાર કરતા. સાચાખોટા, સારાખરાબ, યોગ્ય અયોગ્ય વચ્ચેના તફાવતની તેઓને સમજ હોવાથી સમાજનું સંતુલન જળવાઈ રહેતું. સમાજની એક આગવી ઓળખ ઊભી થઈ શકતી હતી.

વર્તમાન સમયમાં આ બાબતે વિવેકબુદ્ધિનો ઉપયોગ ઓછો થતો હોય તેવું કયારેક જોવા મળે છે. લોકો મોંઘું એટલું સારું અને સસ્તું એટલે ખરાબ જેવી દૃઢ માન્યતા લઈ જીવન જીવતા હોય તેવું નજરે પડે છે. આ તફાવતને પ્રામાણિકપણે જોઈ યથાયોગ્ય નિર્ણય લેવામાં સમાજ નિષ્ફળ જશે તો ભાવિ પેઢી દિશા ચૂકી જશે અને આ ગંભીર ભૂલ માટે તેઓ વડીલોને જવાબદાર ગણાશે.

જીવનમાં પૈસાનું સ્થાન જરૂર છે. પરંતુ જરૂર કરતાં વધારે ધન સુખ નહીં, દુ:ખને આમંત્રણ આપે છે. પ્રજ્ઞાવાન વધુને વધુ વિદ્યા પ્રાપ્ત કરી સમાજોત્થાનના કાર્યમાં જોડાશે તો લાંબા ગાળે તેનો સામાજિક ફાયદો જરૂ૨ જોવા મળશે. આજનો યુવાન વિનય, નમ્રતા, પ્રામાણિકતા, સમજ, ઉપકાર કરવાની વૃત્તિ વગેરેનો વિકાસ કરી શકાશે તો જ તે સમાજને બેઠો કરી શકશે.

આજે તો ધનાઢયોની વચ્ચેથી વિદ્યા ઉપાસકો હાંસિયામાં ધકેલાઈ ગયા હોવાનો અનુભવ અનેક સામાજિક, સાંસ્કૃતિક અને વ્યાવહારિક પ્રસંગોએ નજરે પડે છે. આ પરિસ્થિતિ ખૂબ ચિંતાજનક છે. જે સમાજ સારાસારનો વિવેક જાણતો નથી, જાળવતો નથી અને સમજતો નથી તે સમાજ પશુ સમાન છે તેવું આપણા શાસ્ત્રોમાં કહેવામાં આપ્યું છે. આપણે ઈતિહાસમાંથી બોધપાઠ લેવાની જરૂર છે. આપણા આ વર્તનમાં પરિવર્તન લાવવાની તાકીદે જરૂર છે. આ કાર્યમાં શાહમૃગી વૃત્તિ ચાલશે નહીં. જો આ કાર્ય કરવામાં વડીલો બેદરકારી દાખવશે તો ભાવિ પેઢી તેમને માફ કરશે નહીં.

આચમન:

આત્મબળ જીવનસફરમાં જ્યારે રક્ષક હોય છે,
માર્ગસૂચક યાતના, સંકટ સહાયક હોય છે.
જીવવા ખાતર જગે જે જિંદગી જીવી ગયાં,
એની જીવન-વારતાનું મોત શીર્ષક હોય છે.

ગની દહીંવાળા


(તસવીરો નેટ પરથી)


(શ્રી રણછોડ શાહનું વીજાણુ સરનામું: shah_ranchhod@yahoo.com )

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.