સત્યજિત રાયની સૃષ્ટિ: ૯ – અરણ્યેર દિન રાત્રિ

ભગવાન થાવરાણી

આપણે છેલ્લે ચર્ચી એ ૧૯૬૪ની સત્યજિત રાયની મહાન ફિલ્મ ચારૂલતા અને આજની ફિલ્મ  ‘ અરણ્યેર દિન રાત્રિ (૧૯૬૯) વચ્ચે અડધા દશકનો ગાળો. આ અંતરાલ દરમિયાન રાય એક ઉત્તમોત્તમ ટૂંકી ફિલ્મ TWO અને ચાર અન્ય વિલક્ષણ ફિલ્મો કાપુરુષ ઓ મહાપુરુષ (૧૯૬૫), નાયક (૧૯૬૬), ચિડીયાખાના (૧૯૬૭) અને ગૂપી ગાયને બાઘા બાયને (૧૯૬૮) બનાવી ચુક્યા હતા. પ્રતિ-વર્ષ એક ઉત્તમ ફિલ્મ ! આ સમયગાળા દરમિયાન એમનું સર્જકત્વ ચરમોત્કર્ષ પર હતું. દર્શક – વિવેચકે માત્ર એટલું જ નક્કી કરવાનું રહેતું કે કઈ ફિલ્મ ઓછી મહાન અને કઈ વધુ ! આપણે અગાઉ જે કલકત્તા-ત્રયીની ફિલ્મો ચર્ચી ગયા એમાંની બે પ્રતિદ્વંદી (૭૦) અને સીમાબદ્ધ (૭૧) આજની ફિલ્મ પછીના ઉત્તરોત્તર વર્ષે આવી. 

આજની ફિલ્મની વાત કરીએ એ પહેલાં આજની ફિલ્મની નાયિકા શર્મીલા ટાગોર રાય વિષે શું કહે છે એ જાણીએ. (આજની ફિલ્મ ઉપરાંત એમણે રાય સાથે અપૂર સંસાર, દેવી, નાયક અને સીમાબદ્ધમાં કામ કરેલું.). એમણે કહેલું, ‘ રાયની ફિલ્મો સમયની સરકતી રેત સાથેનો એમનો વાર્તાલાપ છે.અને  ‘ એક દર્શક તરીકે આપણે રાયના કરજદાર છીએ.કોઈકે એમ પણ લખ્યું કે  ‘આજે જો રાયની ફિલ્મો આપણા અંતરમનનો હિસ્સો હોય તો કારણ એ કે એ ફિલ્મોમાં આપણા આત્માના અંધારિયા કમરાઓને પ્રકાશિત કરવાનું કૌવત છે. એ આપણને દ્રષ્ટિ આપે છે. જીવવાની અને જીવવા દેવાની.

વિશ્વ-વિખ્યાત ફિલ્મ વિવેચક રોજર એબર્ટ કહે છે, ‘ રાયની ફિલ્મો મને ક્યારેય વિદેશી લાગી જ નથી. કબૂલ કે એ ભારતીયો વિષે છે અને હું ભારતીય નથી, પણ એમના ચરિત્રો મને હોલીવુડના નાટકીય ચરિત્રો કરતાં વધારે પ્રતિતિકર લાગે છે. ખરેખર તો હોલીવુડની ફિલ્મો મને વધારે વિદેશી લાગે છે જેમાં સિગારેટ લાઈટરમાં વિસ્ફોટ થાય, રુપકડી લલનાઓ આવજા કરે બેવકૂફીભર્યા પ્લોટમાં ! ભારતના સત્યજિત આપણને આપણા પોતાના સર્જકો કરતાં વધારે સમજે છે. ‘

આજની ફિલ્મની વાત. ફિલ્મ વિખ્યાત બંગાળી કવિ-લેખક સુનીલ ગંગોપાધ્યાયની આ જ નામની આત્મકથાત્મક પ્રવાસ-કથા પર આધારિત છે. એમની જ નવલકથા ઉપરથી રાયે પછીના વર્ષે પ્રતિદ્વંદી બનાવેલી. (કહેવાય છે કે રાયે એમની નવલકથામાં જે ફેરફારો ફિલ્મ માટે કર્યા એનાથી સુનીલ ગંગોપાધ્યાય નારાજ હતા) ફિલ્મ ઉપરછલ્લી રીતે વર્તાય છે એક પ્રવાસ – કથા પણ વાસ્તવમાં એ છે માણસ, પ્રકૃતિ અને માણસની પ્રકૃતિનો અભ્યાસ! 

ચાર શહેરી મિત્રો – અશીમ (સૌમિત્ર ચેટર્જી), સંજય (શુભેંદૂ ચેટર્જી), હરિ (સમીત ભંજ – જયા ભાદુડીની પહેલી હિંદી ફિલ્મ ગુડ્ડીમાં એનો નાયક) અને શેખર (રબી ઘોષ – રાયની અનેક ફિલ્મોમાં આવેલો ઉત્તમ કલાકાર), અશીમની કારમાં અને એની આગેવાની હેઠળ શહેરથી દૂર જંગલ – અરણ્યનો અનુભવ લેવા થોડાક દિવસ માટે નીકળે છે. ચારેયની પ્રકૃતિ એકબીજાથી સાવ ભિન્ન છે. ચારેય અપરિણિત છે. એ લોકોને પાલામાઉ (ડાલ્ટનગંજ) ના સાંથાલ આદિવાસીઓના જંગલમાં (ત્યારે બિહાર, હવે ઝારખંડ) જંગલ વચ્ચે મંગલ કરવું છે. બીજા શબ્દોમાં, એમને મોકળાશ, મસ્તી, મદિરા અને મોહિનીની તલાશ છે ! આ ચાર ઉપરાંત ત્રણ સ્ત્રી – પાત્રો અપર્ણા ઉર્ફે રિની (શર્મીલા ટાગોર), જયા (કાબેરી બોઝ – અપર્ણાની વિધવા ભાભી) અને દુલી (સિમ્મી ગરેવાલ – આદિવાસી સાંથાલ સ્ત્રી) પણ ફિલ્મમાં છે, જે આ ચાર મિત્રોને પ્રવાસ દરમિયાન મળે છે અને સૌથી અગત્યનું પાત્ર એટલે જંગલ – અરણ્ય !

રાયની લાક્ષણિકતા મૂજબ ફિલ્મની શરુઆતની થોડીક મિનિટોમાં જ ચારે ય મિત્રોના ચરિત્ર, ગમા-અણગમા, ઝુકાવ, સામાજિક-આર્થિક સ્થિતિઓ અને આંતર-સંબંધોનો પરિચય દર્શકોને મળી રહે છે. અશીમ ચારેયનો અનૌપચારિક સરદાર છે. એ કારનો માલિક છે અને એક પ્રતિષ્ઠિત ફર્મમાં ઊંચા હોદે છે. પોતાના પદ પ્રત્યે સભાન અને સ્ત્રીઓનો શોખીન. સંજય લેબર વેલ્ફેર ઓફિસર છે. ગંભીરતાનો અંચળો નિરંતર ઓઢી રાખતો દંભી અને વાચનપ્રિય. હરિ એક ક્રિકેટર છે. અતડો અને  ‘તડ ને ફડ’ પ્રકૃતિનો. તાજેતરમાં એની પ્રેમિકાએ (અપર્ણા સેન થોડીક મિનિટની મહેમાન ભૂમિકામાં. એમણે બિલકુલ આવી જ ભૂમિકા રાયની જન-અરણ્યમાં પણ ભજવેલી.) એને તરછોડી દીધો છે. કારણ માત્ર એટલું કે એણે લખેલા પાંચ પાનાના પ્રેમપત્રનો જવાબ હરિએ અડધા પાનાના શુષ્ક પત્રથી આપેલો ! આખરી વાર છૂટા પડતી વખતે પ્રેમિકાએ મારેલા તમાચાનું શૂળ હરિને આખા રસ્તે ચચરતું રહે છે.  આ પ્રવાસે નીકળવાનું એક કારણ, હરિને આ હતાશામાંથી બહાર લાવવાનું પણ છે. ચોથો શેખર બેકાર છે. મિત્રોના પૈસે તાગડધિન્ના કરનારો. બટકો, બધાની રમૂજનું કેન્દ્ર. બધાની દેખરેખ રાખનારો અને સૌથી ઈમાનદાર ! 

બધા રહેવાની કોઈ આગોતરી વ્યવસ્થા કર્યા વગર નીકળ્યા છે. હરિ નિરંતર સૂતો રહે છે. અશીમ ડ્રાઈવીંગ કરે છે. સંજય, સાંથાલો વિષેના કોઈક પુસ્તકમાંથી એમની સંસ્કૃતિ વિષે વાંચી બધાને સંભળાવતો રહે છે તો શેખર જાત-જાતના બળાપા કાઢતો રહે છે. રસ્તામાં કારમાં પેટ્રોલ ભરાવતી વખતે, ત્યાંના માણસને અશીમ જે તોછડાઈથી બોલાવે છે એ પરથી એમની શહેરી અને ઉચ્ચ-ભ્રૂ માનસિકતાનો ખ્યાલ આવે છે. 

જેમ જેમ કાર જંગલમાં આગળ વધતી જાય છે તેમ તેમ પાર્શ્વ-સંગીત બદલાઈને આદિવાસી વાદ્યોમાં પરિવર્તિત થતું જાય છે. એ સંગીત આપણને મધૂમતીના સંગીતની યાદ અપાવે છે. ફિલ્મમાં સંગીત સ્વયં રાયનું છે. 

એમણે જવા ધારેલા ગામની ભાગોળે એક ઢાબામાં એ લોકો, આસપાસના કોઈક ડાક-બંગલાની પૃચ્છા કરે છે અને લાખા નામના ગરીબડા યુવાનને રસ્તો દેખાડવા સાથે લે છે. 

ફોરેસ્ટ બંગલો. બહાર બોર્ડ પર લખ્યું છે  ‘ DFO ડાલ્ટનગંજની લેખિત પરવાનગી વિના બંગલામાં પ્રવેશ નિષિદ્ધ છે.’ એ લોકો બેફિકરાઈથી અંદર હંકારી જાય છે. ચોકીદારને બોલાવી અશીમ રોફથી કહે છે, ‘ રૂમ ખોલ. અમારે રહેવાનું છે.’  ‘પરવાનગી પત્ર ?’ ‘ એની શું જરૂર છે ? બધા રૂમ ખાલી તો છે. વહેવારે સમજી લઈશું.’ ચોકીદાર વિરોધ કરે છે તો પરાણે એના હાથમાં નોટો ઠૂંસી અેનું મોઢું બંધ કરે છે. ‘VIP એટલે શું એ તને ખબર લાગતી નથી. અમે બધા મોટા – મોટા અધિકારીઓ છીએ.’ ચોકીદાર મજબૂર થઈ, રૂમ ખોલી આપે છે. (એ ને પૈસાની જરૂર પણ છે કારણ કે એની પત્ની સખત માંદી છે !) અશીમ બોલી ઊઠે છે, ‘ ભ્રષ્ટાચારનો જય હો !

ચારેય બબ્બેની જોડીમાં બે કમરાઓમાં ગોઠવાય છે. કમરાઓમાં રાજા-મહારાજાઓ વખતના કપડાંના પંખા છે જેને ચાકરો બહારથી દોરી ખેંચી સતત ઝૂલાવતાં . 

ચોકીદારની પત્ની બીમાર હોવાનું જાણતા હોવા છતાં એ લોકો એને ચા – કોફી – ભોજન બનાવવા લાચાર કરે છે. ચારેય દાઢી કરવાનું માંડી વાળે છે. અહીં વળી કોણ જોવાનું ? શેખર તો સ્ટેટ્સમેન વર્તમાનપત્ર પણ સળગાવી નાંખે છે ‘સભ્ય સમાજ સાથેનો છેલ્લો સેતુ બાળી નાંખ્યોકહીને ! 

બંગલાના પ્રાંગણમાં જ જૂના જમાનાનો કૂવો છે, લાકડાના ઉચ્ચાલનની મદદથી પાણી સીંચી શકાય તેવો. શેખર ત્યાં નહાવા જાય છે. હરિ રાબેતા મૂજબ ઘોરે છે. અશીમ અને સંજય પરસાળમાં નિરાંતે બેસી જૂના દિવસોની યાદો વાગોળે છે. 

સાંજે જંગલમાં થઈ બધા દેશી દારુના અડ્ડે જાય છે. (સ્થાનિક બોલીમાં ભાતી-ખાના) . બધા જમાવે છે. શેખર પીતો નથી. થોડેક દૂર આદિવાસી પુરુષોનું ઝુંડ કૂંડાળે બેસી અરક પીએ છે. એથી થોડેક દૂર કાળી સીસમ જેવી સાંથાલ સ્ત્રીઓ પણ ઢીંચે છે. એમાં દુલી (સિમ્મી ગરેવાલ) પણ છે. મહુડો તેજ છે. તુરંત અસર શરુ કરે છે. ત્રણેય નશામાં ધુત્ત. અશીમ બબડે છે, ‘શું જિંદગી છે !’ પેલો લાખા પાછળથી આવી યાચનાપૂર્વક દારુ માંગે છે પણ અશીમ એને હડધૂત કરી ભગાડી મૂકે છે. શેખર હરિને પાછળ બેઠેલી સ્ત્રીઓ તરફ ઈશારો કરે છે. ‘જો પાછળ મિસ ઈંડીયા બેઠી પણ બહુ જો – જો કરતો નહીં !’ ચિક્કાર પી ચુકેલા અશીમને કલકત્તાની દંભી શરાબ પાર્ટીઓ યાદ આવે છે. (ક્યાં એ નકલી લોકો અને ક્યાં આ અસલી વાતાવરણ !) એ, એના જેટલા જ ધુત્ત સંજયને એના પ્રેમ-પ્રકરણની યાદ અપાવે છે. (જેમ ચડતી જાય તેમ દિલ પરના પડળ ઉતરતા જાય !) સંજય – ‘નોકરી કરવી એ મારી મજબૂરી છે. નહીંતર પરિવારને ક્યાં નાખું ?’ ‘હું તારા માટે કોઈ સંસ્કારી છોકરી ગોતીશ.’ અશીમ કહે છે. 

દુલી નશામાં શેખર આગળ આવી થોડોક દારુ પાવા આજીજી કરે છે. હરિ એની સાથે ફ્લર્ટીંગ કરે છે. એ દુલીને પ્રલોભવા એને પૈસા આપે છે. 

ચારે મિત્રો ‘સારે જહાંસે અચ્છા’ ગાતા, ઝૂમતા, ટહેલતા રાત્રે ડાક-બંગલે પરત ફરે છે.

નશો ન કર્યો હોવાથી શેખર સૌથી વહેલો ઊઠે છે. બારીમાંથી એને બે સ્ત્રીઓ પસાર થતી દેખાય છે. એમના જેવી શહેરી અને સુસંસ્કૃત. એ અપર્ણા (શર્મીલા) અને જયા (કાબેરી) છે. 

બહાર નાસ્તો કરવા જતાં એમને ફરી દુલી દેખાય છે. એ કામ માંગે છે. શેખર કહે છે ‘બંગલે આવજે.’ એ લાખાને સિફતપૂર્વક પૂછે છે ‘ કોઈ શહેરી સ્ત્રીઓ પણ રહે છે આટલામાં ? ‘ લાખા એમની બાજુમાં આવેલો બંગલો ચીંધે છે. 

જયા-અપર્ણા પોતાના બંગલામાં બેડમિંગ્ટન રમે છે. ચારે મિત્રો ત્યાંથી (ઈરાદાપૂર્વક !) નીકળે છે. એ લોકો પરિચય કેળવવા તલપાપડ છે. માત્ર હરિને રસ નથી. (એનું મન દુલી પાછળ ભટકે છે !) બંગલાના માલિક અને અપર્ણાના પિતા સદાશિવ ત્રિપાઠી (પહાડી સાન્યાલ – વિખ્યાત બંગાળી અને હિંદી ફિલ્મોના અભિનેતા અને ગાયક) એ લોકોને માનભેર અંદર લઈ જાય છે. અપર્ણાની વિધવા ભાભી જયાને એક નાનકડો દીકરો પણ છે. સંપન્ન પરિવાર છે. પરિચયની આપલે થાય છે. 

હરિની જેમ અપર્ણાને પણ ક્રિકેટનો શોખ છે. ભાભી બેડમિંગ્ટન રમવાનો પ્રસ્તાવ મૂકે છે. અશીમ અને અપર્ણા સિવાયના ચારે રમવા જાય છે. અપર્ણા ઓછું બોલે છે પણ અર્થસભર અને અર્થગંભીર! એ દરેકની વાણી અને વર્તન હેઠળનું સત્ય સમજે છે. 

બંગલાના પરિસરની અંદર જ દૂર એક નાનકડું મકાન છે. બાલ્કની વાળું. અપર્ણા લગભગ આખો દિવસ ત્યાં ગાળે છે. અશીમને એ જોવાની (અને અપર્ણા જોડે એકાંત મેળવવાની !) ઈચ્છા છે. બન્ને ત્યાં જવા નીકળે છે. અપર્ણા પૂછે છે, ‘તમને ફોરેસ્ટ બંગલો કઈ રીતે મળ્યો ? બુકિંગ હતું ?’  ‘ના. પણ બીજા રસ્તા હોય ને !’  ‘અમે વર્ષો પહેલાં કોલેજમાં હતા ત્યારે ત્યાં રહેલા. ત્યારે ચોકીદાર પ્રમાણિક હતો.

પર નાનકડો કમરો છે. અશીમ પુસ્તકો અને LP રેકર્ડનો થપ્પો ઉથલાવી જુએ છે. ઉચ્ચ કક્ષાના સાહિત્ય અને સંગીતની શોખીન છે આ સ્ત્રી ! એ મનોમન નાનપ અનુભવે છે. ‘તમને સમજવા અઘરા છે.’ બન્ને બાલ્કનીમાં જાય છે. એ એક પ્રકારની નિરીક્ષણ – વીથિકા છે. દૂર જંગલ. અશીમ પોતાનો સાહિત્ય-શોખ પૂરવાર કરવા શેક્સપિયરની વાત કરે છે. ‘અમે વર્ષે એક વાર તો અહીં રહેવા આવીએ જ. મારી મા અને ભાઈ ગુજરી ગયા છે. બસ પપ્પા, ભાભી, મુન્નો અને હું.’  ‘આ મકાન વેચવા કાઢો તો મને પૂછજો.’ અશીમ હળવા મૂડમાં કહે છે પણ એ વિધાન પાછળનો આશય એમ કહેવાનો પણ ખરો કે પોતે પૈસે-ટકે કંઈ કમ નથી ! 

બીજા દિવસે સવારના નાસ્તા માટે આવવાનું નિમંત્રણ સ્વીકારી એ બધા ડાક બંગલે પહોંચે છે. જંગલ ખાતાના રેંજર આવ્યા છે. ‘તમે લોકો જે રીતે બંગલામાં ઘુસી ગયા એ ગેરકાયદેસર છે.’ અશીમ એના પર રોફ છાંટવાનો પ્રયાસ કરે છે. ‘ખાલી હતું તો રહ્યા. શનિવારે જતા રહીશું.’  ‘વન-સંરક્ષક સાહેબ જાતે આવવાના છે કાલે. ચોકીદારની નોકરી તો ગઈ જ સમજો.‘  ‘અમે એમની સાથે ફોડી લઈશું.’ રેંજર જાય છે. અશીમ હજીય તોરમાં છે. ‘બંગલો વન-સંરક્ષકની અંગત મિલકત થોડી છે !’

સંજય અશીમને કહે છે ‘ભાભી વિધવા છે પણ લાગતા નથી. તારું અપર્ણા સાથે ક્યાં પૂગ્યું ?’ 

બહાર દુલી એની સખી સાથે કામ માંગવા આવી છે. શેખર મિત્રના પાકીટમાંથી પૈસા આપી, બન્નેને ‘કામ પર’ રાખી લે છે. રોજના બે રુપિયા. એમને પંખો નાંખવાનું શીખવે છે. બન્ને સ્ત્રીઓ ઘર સાફસૂફ કરે છે. પુરુષો ચોર નજરે બન્નેના શરીરોને નીરખતા અલક-મલકની વાતો કરવાનો ઉપક્રમ કરે છે. હરિ બીજા રુમમાં છે. એને દુલી આવી નોકરી કરે તે ગમ્યું નથી. 

ચોકીદાર દોડતો આવે છે અને બન્ને સ્ત્રીઓને હાંકી કાઢે છે. ‘તમને લોકોને ખબર નથી. એ ઢીલા ચરિત્રની સ્ત્રીઓ છે. મારી નોકરીનો સવાલ છે. તમે સમજો.’ 

હરિ પોતાનું પાકીટ શોધે છે પણ મળતું નથી. એને બહાર બેઠા-બેઠા બીડી પીતા લાખા પર શંકા છે. એ એવું માને છે કે આવા માણસો તો ચોર જ હોય ! એ એને ધોલ-ધપાટ કરે છે. લાખા પોતે બેકસૂર છે એવું કહે છે. અશીમ અંતે લાખાને એનું મામૂલી મહેનતાણું આપી તગેડી મૂકે છે. લાખા અપમાનથી સમસમે છે. 

હરિ સિવાયના મિત્રો ચડ્ડીભેર કૂવે નહાવા જાય છે. ‘હું ઘર બનાવીશ તો એમાં આવો કૂવો જરૂર હશે.’ અશીમ કહે છે. દૂરથી કાર આવતી દેખાય છે. ઉઘાડે ડીલે નહાતા ત્રણેય પશેમાન! કારમાં જયા અને અપર્ણા છે. ‘તમારામાથી કોઈકનું પાકીટ કાલે ગઈકાલે બેડમિંગ્ટન રમતાં પડી ગયું હતું. લો.’ સાથે વાપરવા માટે ટ્રાંઝીસ્ટર પણ આપે છે. ‘કાલે સવારે નાસ્તાનું ભૂલાય નહીં.’ કહી તુરંત હંકારી જાય છે.

ફરી દેશી દારુનો અડ્ડો. ફરી ત્રણેય ચિક્કાર. શેખર એમને યાદ આપે છે, પીવામાં ધ્યાન રાખો. કાલે સવારે નાસ્તા માટે જવાનું છે. અશીમ ગુસ્સા અને મજાકમાં એના મોઢામાં દારુ ઠૂંસે છે. હરિ થોડેક દૂર એકલો-એકલો પીએ છે. દુલી આજે નથી આવી એના ગુસ્સામાં ! 

ચારે જંગલમાં થઈ, નશામાં નાચતા-નાચતા રોડ પર થઈ પરત જતા હોય છે અને સામેથી કાર આવે છે. કારમાં જયા અને અપર્ણા છે. એમને આ લોકોનું છાકટાપણું અને મોજમસ્તી જોઈ હસવું આવે છે. એ ચારેયને કશી ખબર નથી કે ગાડીમાં કોણ છે. 

સૂતા ભેગા સીધા સવારના સાડા નવ ! બધા હાંફળા-ફાંફળા. કમરાની બહાર મોટું ટિફિન કેરિયર પડ્યું છે. અંદર નાસ્તો અને ચિઠ્ઠી. ‘તમને નાસ્તા માટે આટલા વહેલા બોલાવ્યા એ અમારી ભૂલ. આખરે તો તમે બધા અહીં મોજમસ્તી કરવા આવ્યા છો.

ચારેય ખાલી ટિફિન લઈને માફી માંગવા નીકળે છે. બંગલાની બહારથી જ સદાશિવ ભજન ગાતા હોય એ સંભળાય છે. (સંભવત: એ સદાશિવનું પાત્ર ભજવતા પહાડી સાન્યાલે જ ગાયું છે. એ અચ્છા ગાયક હતા.) એ લોકો માફી માંગે છે તો સદાશિવ કહે છે કે મારી વહુ અને દીકરી વળી ક્યાં સમયના પાબંદ છે! એ લોકો પણ રાત્રે બહુ મોડા પાછા ફરેલા. મુન્નો કહે છે કે કાલે રાતે મેં જંગલી પ્રાણીઓ જોયા તો અપર્ણા મમરો મૂકે છે કે જંગલી પ્રાણીઓ કરતાં ત્રાસદાયક એવા માણસો છે જે રસ્તામાં પીધેલ હાલતમાં કાર આડા ઊભા રહી જાય! કોઈને આ ઈશારો સમજાતો નથી. હરિ પાકીટ પરત આપવા બદલ આભાર માને છે તો અપર્ણા  ‘પૈસા ગણી લીધા ને ?’ બોલી ટીખળ કરે છે જે હરિને બહુ મોડી સમજાય છે. 

ડાક બંગલે સ્વયં DFO તપાસ માટે આવે છે. વણનોતર્યા મહેમાનો માટે કડક રુખ અખત્યાર કરે છે. ‘બે કલાકમાં ખાલી કરો.’ અશીમ વિનમ્રતા-મિશ્રિત ડહાપણથી બચાવ કરે છે. સંજય પ્રભાવ પાડવા, પોતાના ઓળખીતા એક મોટા માથાનું નામ લે છે. અશીમ  ‘તમે અત્યાર સુધી કોઈને વગર આરક્ષણે રહેવા દીધા જ નહીં હોય ?’ કહી આક્રમક વલણ અપનાવે છે. પેલો ટસથી મસ થતો નથી ત્યાં અચાનક અપર્ણા અને જયા પ્રવેશે છે. એ બન્ને DFO ને સારી રીતે ઓળખે છે. બન્ને ‘પોતાના મિત્રો’ ની ઓળખાણ આપે છે. એમની આમન્યા રાખી, અધિકારી હસતા મુખે વિદાય થાય છે. 

વધુ એક ચિરસ્મરણીય દ્રષ્ય. (સુનીલ ગંગોપાધ્યાયની મૂળ નવલમાં આ દ્રષ્ય છે જ નહીં. એ રાયના સર્જકત્વની પેદાશ છે.)

જયાના અનુરોધથી બધા બહાર પ્રાંગણમાં મેમરી ગેમ રમવાનું નક્કી કરે છે. શેતરંજીઓ પથરાય છે. દૂર કોયલ નદી વહે છે. ત્યાં હારબંધ આદિવાસીઓ પસાર થાય છે. હરિની નજરો એમનામાં દુલીને શોધે છે. અપર્ણા અને અશીમ આ રમતથી સુપેરે વાકેફ છે.  

બધા કૂંડાળું વાળી બેસે છે. ફિલ્માંકન કરતો રાયનો કેમેરા વચ્ચોવચ છે. રમત આ પ્રમાણે છે. કોઈપણ એક ખેલાડી કોઈ એક જાણીતી વ્યક્તિનું નામ બોલે. એ પછીનો સદસ્ય એ નામ ઉપરાંત પોતાના વતી એક બીજું નામ બોલે. એ પછીનો, પહેલા વાળા બે નામ ઉપરાંત એક નામ ઉમેરે. જેને બધા નામ યાદ ન આવે એ આઉટ ! 

નામો બોલાય છે. એ નામોમાં અને એ બોલતી વખતની ભાવમુદ્રાઓમાં બોલનાર વિષે ઘણું બધું પ્રકટ થાય છે. ટાગોર, માર્ક્સ, કલીઓપેટ્રા, હેલન, બ્રેડમેન, કેનેડી . હરિને આ મગજમારી પસંદ નથી એટલે એ ખસી જાય છે. જયા સંજયની બાજુમાં બેઠી છે. એ બિંધાસ્ત એને સ્પર્શ પણ કરી લે છે. સંજય એને ઇશારાથી પૂછે છે, ‘ઓશીકું  ?’ એની હા સાંભળી, ઊભો થઈ, અંદરથી એક નહીં, બે ઓશીકા લઈ આવે છે. સ્ત્રી દાક્ષિણ્ય ! 

ખેલાડીઓ એક પછી એક ખડતા જાય છે. છેલ્લે અપર્ણા અને અશીમ બચે છે. એની પરિપક્વતા અને તીવ્ર સ્મૃતિ જોતાં બધાંને લાગે છે કે અપર્ણા જ જીતશે ત્યાં એ એક તબક્કે હાથ ઊંચા કરી દે છે અને અશીમ જીતે છે. એ દરમિયાન જયા સંજયને ધીમેકથી પૂછી લે છે, ‘તમને સાંથાલી ઘરેણા ગમે ?’

મેળો. ચગડોળ. બધા જોડીઓમાં બેસે છે. લાખા પસાર થાય છે. એ કડવાશથી ચગડોળમાં બેઠેલા મહાનુભાવોને જુએ છે. મેળામાં આદિવાસી સ્ત્રીઓનું નૃત્ય, સંગીત અને સમૂહગાન ચાલે છે. 

અપર્ણા કાચની બંગડીઓ ખરીદે છે. અસીમ જિદ્દ કરી પોતે પૈસા ચૂકવે છે. સંજય જયાને સાંથાલ ઘરેણા ખરીદી દે છે. શેખર અશીમ પાસેથી દસ રુપિયા ઊછીના લઈ જઈ, રસ્તામાં રમાતો જુગાર ખેલવા ચાલ્યો જાય છે. 

હરિ દુલીને શોધી, એનો હાથ પકડી દૂર જંગલમાં ખેંચી જાય છે. એને દુલીના શરીરની ભૂખ છે. નિર્જન સ્થળે એ એને પૈસા આપે છે અને શરીર-સુખ માણે છે. અજબ વાત એ કે એ ક્રિયા દરમિયાન જ હરિ દુલીને એના પતિ વિષે પૂછે છે અને કોઈ ક્ષોભ કે દંભ વિના દુલી કહે છે કે એ તો સર્પદંશથી મરી ગયો ! કોણ જાણે એ ફરી ક્યાં જન્મ્યો હશે ? કોઈ સ્ત્રી શરીર-સુખ માણતાં-માણતાં કોઈ પરપુરુષને પોતાના મૃત પતિ વિષે સાવ સ્વાભાવિક રીતે અને દુખનું કોઈ નાટક કર્યા વિના આવી વાત કરી શકે એની આપણા જેવા  ‘સંસ્કારી’ લોકોને નવાઈ લાગે ! પછી સમજાય કે એટલે જ તો એ લોકો પ્રાકૃત કહેવાય છે ! 

હરિ દુલીને કલકત્તા આવવાનું કહી નીકળી જાય છે પણ એમની કામક્રીડા દરમિયાન લાખાએ એમને જોઈ લીધા છે. એ હરિનો ગુપચુપ પીછો કરે છે. પાછળથી એના માથામાં લાકડી ફટકારી પાડીને બેશુદ્ધ કરી દે છે અને એનું પાકીટ લઈ નાસી જાય છે. (હરિએ જાહેરમાં એના પર ચોરીનો જુઠ્ઠો આક્ષેપ મૂકી માર્યો હતો એને એ ભૂલ્યો નથી !)

અપર્ણા પોતે પણ મેળામાં રુલેટ પર નિસ્સંકોચ જુગાર રમી ‘વધુ રમીશ તેમ વધુ હારીશ’ કહી, શેખરને રમતો છોડી અશીમ સાથે મેળા બહાર નદીના પટમાં પહોંચે છે. અશીમ પૂછે છે, ‘આજે તું મેમરી ગેમમાં જાણી જોઈને હારી ગઈ, નહીં ?’  ‘હા. મને એ બધા નામ હજી પણ યાદ છે. તમને નહીં હોય. મારી સ્મૃતિ બહુ તીવ્ર છે. બે વર્ષની હતી ત્યારની ઘટનાઓ પણ યાદ છે. હું જીતત તો તમને ગમત નહીં.’  ‘એ જ તો તકલીફ છે. હું તારી આગળ સતત શરમિંદો થતો આવ્યો છું. હાસ્યાસ્પદ બનવું મને સહેજ પણ ગમતું નથી છતાં ય.’  ‘તમે બાળક જેવા છો. ડાક બંગલામાં આમ ઘુસી જવું એ કેટલું ખરાબ કહેવાય ? તમને નિયમો તોડવા બહુ ગમે છે.’  ‘તું નોકરી કરતી હોત તો નિયમની ગૂંગળામણ ખબર પડત તને. તમે લોકો ન મળ્યા હોત તો અમે લોકો તો દાઢી કરવાનું પણ માંડી જ વાળવાના હતા !’  ‘તમને વાંધો નથી. તમે તો બસ લાંચ આપી જ છે. મને ચિંતા ચોકીદાર અને એની નોકરીની છે.’ અને પછી તુરત વિષય બદલી  ‘ કાલે તો આપણે બધા છૂટા પડી જઈશું.’  ‘સમય ઓછો છે એટલે કહી જ દઉં. તું મને ગમે છે. તું સૌથી અલગ છો.’  ‘મેં તમને પહેલવહેલા જોયા ત્યારે મને થયું કે આ માણસનો મિથ્યા આત્મ-વિશ્વાસ તોડવો જોઈએ.’  ‘એવું જ થયું છે. પણ હું તને હજી સમજી શક્યો નથી.’  ‘હું તમને એમાં મદદ કરું. ત્રણ વર્ષ પહેલાં મારા ભાઈએ આપઘાત કર્યો. બાર વર્ષની હતી ત્યારે મારી મા બળીને મરી ગઈ. તમારા જીવનમાં આવા દુખ નહીં જ આવ્યા હોય.’

બન્ને ડાક બંગલે પહોંચે છે. ‘ તમને ખબર છે ચોકીદારની પત્નીની તબિયત વિષે ? ‘  ‘હા. પણ મને એમના ઘર તરફ જવાની ઈચ્છા જ ન થઈ.’ બન્ને ચોકીદારના કમરાની બારીમાંથી એની પત્નીને પથારીમાં કણસતી જુએ છે. અપર્ણા વિચારમગ્ન છે. અચાનક એને દૂર જંગલમાં વીજળીક ઝડપે દોડી જતા બે હરણા દેખાય છે. એની આંખો ચમકી ઊઠે છે. એ અશીમનું ધ્યાન દોરે છે. (એ જીવનનું સર્વ-આયામી દર્શન છે. ચોકીદારની પત્નીની તબિયતથી ચિંતિત પણ એ જ ક્ષણે પ્રકૃતિના નર્તનથી પુલકિત !).  અશીમને એની ઉદાસીનતા બદલ મનોમન પશ્ચાત્તાપ થાય છે. ‘તારા પિતાજી DFO ને ઓળખે છે ને? ‘ 

બંગલા તરફ પાછા ફરતા શેખરને રસ્તામાં ઘાયલ અને કણસતો હરિ મળે છે. એ પોતાની આપવીતી કહે છે. શેખર એને ટેકો દઈને રહેઠાણ ભણી દોરી જાય છે. 

અંતિમ યાદગાર દ્રષ્ય. ( રાયની ફિલ્મોમાં અંતે આવા યાદગાર દ્રષ્યો હોય જ ! ) સંજય અને જયા એમના બંગલે પહોંચે છે. અંદર કોઈ નથી. બધું નિ:સ્તબ્ધ છે. ‘ અહીં સુધી આવ્યા છો તો કોફી પીતા જાઓ.

ઘરનો કમરો. અંધારું. સંજય બારી ખોલે છે. જયા નાઈટ લેમ્પ જલાવે છે. એ સંજયને બેસાડી અંદરના કમરામાં જાય છે. થોડીક વારમાં બહાર નીકળે છે. એણે મેળામાંથી ખરીદેલા આદિવાસી આભૂષણો પહેર્યા છે. એના ચહેરા પર મલકાટ છે. ‘કેવી લાગું છું ?’  ‘સરસ !’ જયા એના ચાળા પાડતાં કહે છે, ‘બોલો છો એમ જાણે મારી દયા ખાતા હો !’ એ સંજય તરફ આગળ વધે છે. ‘પતિ ગુજરી જાય ત્યારે એ એકલો મરે છે. હું જાણે ભૂત હોઉં એવું મને લાગ્યા કરે છે. મારા પતિએ આપઘાત કરેલો. વિદેશમાં.’ સંજયને પરસેવો વળ્યો છે. ‘તમે નર્વસ લાગો છો.’ જયા સંજયનો હાથ પકડી પોતાના વક્ષ ઉપર મૂકે છે. (બિનશરતી સમર્પણ ! કારણ, કાલે તો નીકળી જવાનું છે.) સંજય ગભરાટમાં મોઢું ફેરવી લે છે. બહારથી કારનો અવાજ સંભળાય છે.  ‘ ચિંતા ન કરો. એ અમારી ગાડીનો અવાજ નથી ! ‘ ( અર્થાત આપણી પાસે પૂરતો સમય છે !) સંજયને શું કરવું, શું કહેવું તે સૂઝતું નથી. પોતાના અસ્વીકારથી દુભાયેલી જયા પાછી પાની કરી, ‘કોફી પી લો.’ કહી રડતી – રડતી પાછી અંદરના કમરામાં જતી રહે છે, દરવાજો ‘ ધડામ’ કરીને વાસતી ! અસ્વીકારની પીડા બહુ આકરી હોય છે. 

બહાર રોડ પર અપર્ણા અને અશીમ. ‘તેં કોઈને પ્રેમ કર્યો છે ?’  ‘અત્યાર સુધી નહીં.અશીમ જવાબથી સંતુષ્ટ છે. ‘કલકતામાં તને ક્યાં મળું ?’ અપર્ણા પર્સમાં ફંફોસવાનો ઉપક્રમ કરી એક પાંચની નોટ કાઢે છે. એના પર પોતાનો ફોન નંબર લખી આપે છે. ‘મને કાગળ મળ્યો નહીં એટલે.ખરેખર એ અશીમે ખરીદી આપેલી બંગડીનો ભાર ઊતારે છે. એમાં એ પ્રથાને રદિયો પણ છે કે પૈસા તો પુરુષ જ આપે અથવા બિચારી સ્ત્રી પાસે પૈસા ક્યાંથી હોય ! 

સામેથી જયા પાસે હારીને નીકળેલો સંજય મળે છે. જતાં-જતાં અપર્ણા કહે છે, ‘હું પિતાજીને કહી દઈશ. પેલા કામ (ચોકીદારની નોકરી બચાવવાનું) ની ચિંતા ન કરતા.અપર્ણા પોતાના ઘર તરફ અને બન્ને મિત્રો ડાક બંગલા તરફ. 

સવાર. ચારેયનો સામાન કાર પર લદાઈ ગયો છે. પાટાપિંડી વાળો હરિ. એ લોકો કલકત્તા જવા નીકળવા તૈયાર છે, અરણ્યમાં થોડાક દિન રાત્રિ વિતાવ્યા બાદ. દરેક અંદરખાને જાણે છે કે એના પર શું વીત્યું છે ! એક વાત નક્કી કે ચારમાંથી ત્રણ, પહેલા હતા તેવા નથી રહ્યા. શેખર મજાક છોડતો નથી. એ હરિને કહે છે, ‘તને કોઈ પૂછે તો કહેજે કે જંગલી ભેંસ સાથે અથડામણ થઈ ગઈ !’ ચોકીદાર આવે છે. ‘ તારી નોકરીની ચિંતા કરતો નહીં’ ચોકીદારને ત્રિપાઠીનો ડ્રાઈવર એક બોક્સ આપતો ગયો છે જેમાં ચારેય માટે રસ્તાનો નાસ્તો છે. કાર નીકળે છે. ચોકીદાર ( મનમાં ને મનમાં હાશકારો અનુભવતો ) ડાક બંગલાનો ગેટ બંધ કરે છે. જંગલનું સંગીત. સમાપન ! 

                    -:-:-:-:-:-:-:-:-:-:-:

આશ્ચર્યની વાત એ કે કેટલાક વિવેચકો આ ફિલ્મને  ‘ અપ્પુ ત્રયી સિવાયની રાયની શ્રેષ્ઠ ફિલ્મ ગણે છે ! એમની કેટલીક ફિલ્મોને આ કક્ષામાં ગણવી એની મીઠી મૂંઝવણ થાય ! આ નિર્વિવાદપણે એક ઉત્કૃષ્ટ ફિલ્મ તો છે જ. 

ફિલ્મનો અભિનય પક્ષ અત્યંત સબળ છે. ચાર નાયકો અને ત્રણ નાયિકાઓ ! સૌમિત્ર અને રબી, રાયના કેમ્પના કાયમી કલાકારો હતા જ અને અહીં પણ એમની ભૂમિકાને પૂર્ણ ન્યાય આપે છે.  શુભેંદૂ ચેટર્જી આ ઉપરાંત રાયની ચિડીયાખાના અને ગણશત્રુમાં પણ હતા. સમીત ભંજ રાયની આ ફિલ્મ ઉપરાંત કેટલીક હિંદી ફિલ્મોમાં ચમક્યા છે. હરિના બિંધાસ્ત પાત્ર માટે તેઓ બિલકુલ ઉપયુક્ત હતા. કાબેરી બોઝ માત્ર ૪૦ ની ઉંમરે વિદાય થયા. (સમીત અને શુભેંદૂ પણ હયાત નથી). શર્મીલા રાબેતા મુજબ લાજવાબ. સિમ્મી ગરેવાલ પોતાના પાત્રમાં એટલા ઓતપ્રોત છે કે ઓળખવા મુશ્કેલ છે. 

ફિલ્મની એક ઉત્તરકથા (SEQUEL) ગૌતમ ઘોષ નામના ઉત્તમ સર્જકે ૨૦૦૩ મા આબાર અરણ્યે (ફરી જંગલમાં) નામથી બનાવેલી. એ જ પાત્રો ચાર દાયકા પછી ફરી જંગલમાં જાય છે તેની વાત. ફિલ્મમાં શર્મીલા ટાગોર, સૌમિત્ર ચેટર્જી, શુભેંદૂ ચેટર્જી અને સમીત ભંજે અસલ ફિલ્મવાળા પાત્રો ભજવેલા. 

અરણ્યેર દિન રાત્રિ પ્રથમ દ્રષ્ટિએ હળવી કોમેડી ફિલ્મ લાગે પરંતુ એવું હરગીઝ નથી. જંગલ અને ત્યાંના લોકો ચાર નાયકોમાંથી ત્રણને ધરમૂળમાંથી બદલી નાંખે છે. બધા જીવન અને પ્રેમ વિષે કંઈક નવું અને અગત્યનું શીખીને પાછા ફરે છે. કોઈ કોઈને કહેતું નથી પણ એ બધા શીખ્યા છે અનુકંપા, અન્યનો આદર, માણસને માણસ તરીકે જોવાની દ્રષ્ટિ. જંગલ એક રીતે એમને અરીસો દેખાડે છે, સ્વયંની અસલિયતનું પ્રતિબિંબ ધરીને ! હંમેશ મૂજબ, રાયના પાત્રો પોતાની બધી ઊણપો સાથે લઈને ફરે છે. દરેકમાં ખામીઓ છે કારણ કે બધા હાડ-ચામના મનુષ્યો છે, દેવી-દેવતા નહીં ! હંમેશની જેમ, રાયના ત્રણેય સ્ત્રી પાત્રો (અરે ! ચોથું નાનકડું હરિની પ્રેમિકાવાળું અપર્ણા સેનનું પાત્ર પણ !) મજબૂત છે. એ બધા પોતાની જરુરિયાતો અને ઈચ્છાઓ બાબતે જાગૃત છે અને એ વ્યક્ત કરતાં ક્ષોભ અનુભવતા નથી. આજથી અડધા દાયકા પહેલાં આવા સ્ત્રી-પાત્રો દેખાડવા એ બહાદુરીની વાત હતી.  

મેમરી ગેમ વાળા દ્રષ્યમાં રાયનો કેમેરા જે રીતે દરેક પાત્રના ચહેરા અને એમના શરીરની ભાષાને ઉકેલે છે, વર્તુળની વચ્ચોવચ રહીને, એ સલામને પાત્ર છે. ફિલ્મ સ્કૂલોમાં આ દ્રષ્ય સાદગી અને ટાંચા સાધનોના મહત્તમ ઉપયોગના દ્રષ્ટાંત તરીકે ભણાવવામાં આવે છે. ફિલ્મના કેમેરામેન જોકે સૌમેન્દુ રોય છે. 

ફિલ્મમાં રાયના ગુરુ જ્યાં રેન્વારની ૧૯૩૬ ની ફિલ્મ  A DAY IN THE COUNTRY ની છાયા છે. વેસ એંડરસને ૨૦૦૭ માં બનાવેલી દાર્જિલિંગ લિમિટેડ અને ઝોયા અખ્તરે ૨૦૧૧ માં બનાવેલી  ‘ઝિંદગી ના મિલેગી દોબારાપર સ્પષ્ટત: આ ફિલ્મની અસર છે. ૨૦૧૭ ની રાજકુમાર રાવ અભિનીત ન્યૂટન ફિલ્મ ઉપર પણ. 

બંસી ચંદ્રગુપ્તનું કલા-નિર્દેશન ફોરેસ્ટ બંગલાની આંતરિક બનાવટ, દેસી દારુના અડ્ડા અને આદિવાસી મેળાના દ્રષ્યોમાં ઝળકી ઊઠે છે. 

અંતમાં, ન્યૂયોર્ક ટાઈમ્સ માં આ ફિલ્મ માટે જે લખાયેલું એનાથી પૂર્ણાહુતિ કરીએ  ‘ એક એવી વીરલ અને તૃપ્તિદાયક ફિલ્મ જે આપણને જીવતા હોવાનો આનંદ બક્ષે છે.

સાચ્ચે જ. 

ફિલ્મ આપ અહીં જોઈ શકશો.


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

Author: Web Gurjari

14 thoughts on “સત્યજિત રાયની સૃષ્ટિ: ૯ – અરણ્યેર દિન રાત્રિ

 1. ઓહો!!!!! અદ્ભૂત અદ્ભૂત!!! ફિલ્મ ની આટલી ઊંડી બારીકીઓ તો કોઈ સિદ્ધ હસ્ત વિવેચક પણ લખી નાં લખી શક્યો /શકી હોત…..
  આટલી જ ચીવટ રાયે ફિલ્મ બનાવતી વખતે રાખી હશે…ફિલ્મ તો શ્રેષ્ઠ જ છે એમ કહેવામાં પણ નાની પડું….. આટલા મોટા ગજા નાં ફિલ્મ સર્જક ને હું ભલા શબ્દો માં શે બાંધી શકું… બસ નમન કરી શકું….. રાય ને અને રાય ની ફિલ્મ ને કેમ જોવાય એ આંગળી પકડી ને બતાવનાર આપને….
  ધન્યવાદ આપનો જે ધરોહર ને ધારી ને જોતાં શીખવે છે..

  1. ખૂબ ખૂબ આભાર ઊર્મિલાબહેન !

   સત્યજિત રાયની ફિલ્મો ઝીણવટપૂર્વક અને એકથી વધુ વાર જોવાની શરૂ કરી એ પછી મને એવું લાગ્યું છે જાણે જીવનમાં કશુંક અમૂલ્ય ઉમેરાયું હોય…

   1. ફિલ્મ “ચારુલતા” અને “અરણ્યે દિન રાત્રી” મહાન સર્જક રે ની ફિલ્મો વિશે આજે લેખો સંજોગવશાત વાંચી શક્યો, પહેલા મેં આ લેખમાળામાં લખ્યું તેમ સત્યજિત રે ની ફિલ્મો હવે જ જોવાનું શરૂ કર્યું, અને તે પણ આ લેખો વાંચીને.. પ્રસ્તુત ફિલ્મો ના વિષયો અલગ હોવા, જીવનની વાસ્તવિકતાઓ અને દંભી મુખવટોથી પાર દરેક ચરિત્રો જીવંત લાગે અને અમુક દ્રશ્યો માં આપણી હાજરી નો આભાસ થાય !!! શ્રી થાવરાણી જી ની સુપેરે મહેનત અને કથાવસ્તુ વિશેની વાતો ગોતવાની ઉત્કંઠા દાદ ને પાત્ર છે… આ લેખો ન હોત તો શ્રી રે સાહેબ વિશે આટલું જાણી ન શક્યા હોત.. ખૂબ ખૂબ અભિનંદન, સાહેબ

 2. ખુબજ સરસ ફિલ્મ નું રસદર્શન કરાવ્યું. એટલું સુંદર શબ્દાંકન કે લેખ વાંચતા વાંચતા ફિલ્મ ના દૃશ્ય નજર સામે આવી જાય. સુપર્બ. ખુબ ખુબ અભિનંદન તથા આભાર સર 🙏🙏🙏

 3. every thing narrated in details…many new gujarati words i came to read for the first time .one thing which is unanswered is you write this was not in the original book but SR added own.

  Did you read the novel also? One Hindi movie ..name i have forgotten but actor was mithun and actress
  rati agnihotri..with legendary actors ashokkumar, ak hangal etc.linked with some part of the movie.

  thanks,regards

  md thaker from Malaysia

  1. Sometimes I read the original. At other, i depend on details given by others.
   The movie that you mention is SHAUQEEN, an altogether different genre !
   Thanks !

 4. Wonderful details about movie👍👏👏. You are doing an exceptional job in writing these series. Thoroughly enjoying it. I have seen many of these movies years ago and now I will see them again with new insights.
  Thank you.

 5. ફિલ્મ “ચારુલતા” અને “અરણ્યે દિન રાત્રી” મહાન સર્જક રે ની ફિલ્મો વિશે આજે લેખો સંજોગવશાત વાંચી શક્યો, પહેલા મેં આ લેખમાળામાં લખ્યું તેમ સત્યજિત રે ની ફિલ્મો હવે જ જોવાનું શરૂ કર્યું, અને તે પણ આ લેખો વાંચીને.. પ્રસ્તુત ફિલ્મો ના વિષયો અલગ હોવા, જીવનની વાસ્તવિકતાઓ અને દંભી મુખવટોથી પાર દરેક ચરિત્રો જીવંત લાગે અને અમુક દ્રશ્યો માં આપણી હાજરી નો આભાસ થાય !!! શ્રી થાવરાણી જી ની સુપેરે મહેનત અને કથાવસ્તુ વિશેની વાતો ગોતવાની ઉત્કંઠા દાદ ને પાત્ર છે… આ લેખો ન હોત તો શ્રી રે સાહેબ વિશે આટલું જાણી ન શક્યા હોત.. ખૂબ ખૂબ અભિનંદન, સાહેબ

 6. ફિલ્મ જોયા જેવો આનંદ અને અદ્ભૂત રસાસ્વાદ પણ. અભિનંદન સાથે આભાર.

Leave a Reply

Your email address will not be published.