‘શોલે’ની સૃષ્ટિ : રોફ અને ખોફનો હાસ્યાસ્પદ પર્યાય

(આ શ્રેણીમાં ‘શોલે’ ફિલ્મમાં દેખા દેતા, નાની પણ ચિરંજીવ ભૂમિકા ભજવતા વિવિધ પાત્રોની, ફિલ્મની સ્ક્રીપ્ટમાં ન હોય એવી કાલ્પનિક કથાઓ મૂકવામાં આવી છે.)

રોફ અને ખોફનો હાસ્પાસ્પદ પર્યાય

બીરેન કોઠારી

પોતાના નામનું એને મન કશું મહત્ત્વ નહોતું. મહત્ત્વ હતું ડીસીપ્લીન, મેનર્સ, એટિકેટ અને સ્ટ્રીક્ટનેસ જેવા ગુણોનું. ભારતીયોમાં તો આ ગુણ કદી હતા નહીં. એ તો ભલું થજો અંગ્રેજોનું કે તેમણે આ બધું આપણા લોકોને શીખવવાનો પ્રયત્ન કર્યો. આવું તેમને લાગતું. તેમને એ પણ લાગતું કે પોતે જ્યાં પણ જાય ત્યાં પોતાનાથી પહેલી પોતાની ધાક પહોંચી જવી જોઈએ. હા, નોકરીના આ હોદ્દા પર ધાકનું મહત્ત્વ વધુ હતું. તેમને મન અંગ્રેજો એટલે અગાઉ જણાવ્યા એ ગુણોના પર્યાય. જો કે, અંગ્રેજો હવે જતા રહેલા, અને નવાસવા આવેલા અફસરો પોતાની રીતે વર્તતા. આથી તેમણે પોતાને માટે ‘અંગ્રેજો કે જમાને કે જેલર’નું સંબોધન પ્રચલિત કર્યું. એમ કરવાથી કેદીઓમાં એક જાતની ધાક બેસી જાય. પોતાનું નામ પડતાં જ કેદીઓ થથરી ઉઠવા જોઈએ. આને માટે પોતાનો દેખાવ પણ એવો રૂઆબદાર રાખવો પડે. કડક, ઈસ્ત્રીબંધ યુનિફોર્મ તો ખરો જ, પણ પોતાને જોઈને સાક્ષાત શયતાન સામે ઊભો હોવાનું કેદીને લાગવું જોઈએ.

(જેલરના પાત્રમાં અસરાની)

અને હીટલરથી મોટો શયતાન વીસમી સદીમાં બીજો કોણ હોઈ શકે? આથી તેમણે હીટલર જેવો દેખાવ અપનાવવાનો પ્રયત્ન કર્યો. વાળ ઓળવાની એવી જ શૈલી, અને ટૂથબ્રશ જેવી મૂછો. પોતાની ધાક જમાવવામાં જેલરસાહેબ સફળ પણ થયા. તેમને લોકો સનકી માનતા, જે સાચું હતું. પોતે જ્યાં જાય ત્યાં જેલની અંદર એક સમાંતર જાસૂસીતંત્ર તે ઊભું કરી દેતા. અમુક કેદીઓને તે ખબરી બનાવતા. જેલરસાહેબને વહાલા થવાની હોડમાં અમુક કેદીઓ આ કામ હોંશથી કરતા. કેદીઓને ‘અટેન્‍શન’માં ઊભા રાખવા અને પહેલા જ દિવસે કહી દેવું, ‘અત્યાર સુધી અહીં જે ચાલતું હતું એ હવે નહીં ચાલે.’- આ તેમની ખાસિયત હતી, આથી ‘જેલર ખડૂસ છે’ એવી છાપ પહેલેથી જ પડી જતી. ‘આજકાલના’, કેદીસુધારણામાં માનતા જેલર જેવા પોતે નહોતા એમ તે ગૌરવપૂર્વક કહેતા. કેદીઓ કદી સુધરી શકે નહીં એવા દૃઢ વિશ્વાસની સાથે પોતે પણ નથી સુધરી શકવાના એવી કબૂલાત પણ તે કરી દેતા. પોતાની બદલી આ કારણસર જ થતી રહેતી હોવાનું તે કેદીઓને ખુલ્લેઆમ કહેતા.

(પાત્રપ્રેરણા : ‘ધ ગ્રેટ ડિક્ટેટર’માં ચાર્લી ચેપ્લિન અને ‘શોલે’માં અસરાની)

આની એક વિપરીત અસર પણ થયેલી, પણ એની જાણ જેલરસાહેબને ક્યાંથી થાય? હકીકતે પોતાના વિભાગમાં તેઓ ખાસ્સા હાસ્યાસ્પદ બની રહેલા. તેમની પીઠ પાછળ સૌ કહેતા કે હીટલર જેવો દેખાવ રાખવાથી કે પોતાની જાતને ‘અંગ્રેજો કે જમાને કે જેલર’ કહ્યા કરવાથી ધાક પેદા ન થાય. ધાક પેદા કરવા માટે પહેલાં તો પોતાનામાં જીગર જોઈએ. નવા જમાનાના, માનસશાસ્ત્રનો અભ્યાસ કરનારા નવા જમાનાના જેલરો કહેતા કે જેલર જેટલી રાડારાડી વધુ કરે એટલો એ અંદરથી બીકણ. અને કેદીઓને આની જાણ થતાં વાર ન લાગે.

પોતાની સનકી વર્તણૂંકને લઈને અનેક જગ્યાએથી બદલી પામતાં પામતાં અંગ્રેજોના જમાનાના એ જેલર અહીં નીમાયા. સમાંતર જાસૂસીતંત્ર નીમવા માટે હરિરામ નાઈને તેમણે સાધ્યો. બે રીઢા બદમાશ જય અને વીરુ પોતાની જેલમાં કેદી તરીકે આવ્યા. પહેલાં તેમણે જેલમાં સુરંગ ખોદવાની યોજના ઘડી અને જેલરને બેવકૂફ બનાવ્યા. એ પછી જેલમાં પિસ્તોલ લાવવાની અફવા ફેલાવી. પિસ્તોલની અણી તેમણે અંગ્રેજોના જમાનાના જેલરની પીઠે ધરી અને જેલના મુખ્ય દરવાજાનું તાળું ખોલાવીને, જેલમાંથી છટકી જવામાં સફળ થયા. આ બે કેદીઓ પણ ઓછી માયા નહોતા. જતાં જતાં તેમણે મુખ્ય બારણાની ડોકાબારીમાંથી લાકડાનો નાનકડો ટુકડો અંદર સરકાવ્યો ત્યારે ખબર પડી કે પિસ્તોલની નહીં, એ લાકડાના ટુકડાની અણીએ તેમણે જેલરને કદમકૂચ કરાવેલી.

બસ, પછી શું? ખાતાકીય તપાસ, પૂછપરછ, અને વધુ એક વખત બદલી. અંગ્રેજોના જમાનાના જેલરને એનો ક્યાં કશો વાંધો હતો? ડીસીપ્લીન, મેનર્સ, એટિકેટ અને સ્ટ્રીક્ટનેસ જાળવવા સરળ નથી.


પૂરક નોંધ:

જેલરનું પાત્ર ફિલ્મમાં અસરાનીએ ભજવ્યું હતું, જેમનું મૂળ નામ ગોવર્ધન અસરાની છે.

આ પાત્રનો ગેટઅપ હીટલર જેવો કરવામાં આવેલો. જો કે, તેની મૂળ પ્રેરણા ચાર્લી ચેપ્લિનની ફિલ્મ ‘ધ ગ્રેટ ડિક્ટેટર’માંનું ચાર્લીએ ભજવેલું હિટલરનું પાત્ર હતું. એ ફિલ્મમાં બતાવાયું હતું એમ, ‘શોલે’માં પણ જેલરને પૃથ્વીનો ગોળો ફેરવતા બતાવાયા હતા.


(તસવીર નેટ પરથી અને વિડીયો યુ ટ્યૂબ પરથી)


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: admin

Leave a Reply

Your email address will not be published.