લુત્ફ-એ-શેર : મણકો #૨૮

ભગવાન થાવરાણી

ચાલો, ફરીથી પાછા ફરીએ મોટા શાયરો ભણી. 

દાગ દેહલવી ઉર્દૂ અદબમાં પૂરી ઈજ્જત અને સમ્માન સાથે લેવાતું નામ છે. તેઓ ગાલિબ પછી આવ્યા અને ગયા. એમને ઈશ્ક, આશિકી અને રોમાંસના શાયર માનવામાં આવતા હતા. 

એમની એક ખૂબસૂરત ગઝલ, જે ગુલામ અલી સાહેબે ઉત્તમ રીતે ગાઈ છે એનો મત્લો છે :

ખાતિર સે યા લિહાઝ સે મૈં માન તો ગયા
જૂઠી કસમ સે આપ કા ઈમાન તો ગયા ..

આ જ ગઝલનો જે શેર મને ગમે છે તે આ :

હોશ – ઓ – હવાસ તાબ – ઓ – તવાં ‘દાગ’ જા ચુકે
અબ હમ ભી જાને વાલે હૈં – સામાન તો ગયા …

જેને આપણે મૃત્યુ કહીએ છીએ એ ક્યારેક સાવ અચાનક આવે છે પણ એની શરુઆત બહુ પહેલેથી થઈ જાય છે. દાગ આ વાતને એવી રીતે કહે છે કે પહેલાં મુસાફરનો સામાન ધીરે – ધીરે જાય અને પછી ખુદ મુસાફર ! આપણે બહુધા જોઈએ છીએ કે ઉંમરની સાથે ધીરે-ધીરે ઈન્દ્રિયો ક્ષીણ થવાની શરુઆત થાય. શ્રવણ જાય, ક્વચિત દ્રષ્ટિ જાય, પછી શરીરના વિવિધ અંગોપાંગોની ક્ષમતા વગેરે અને પછી સ્વયં બાકી રહેલો મુસાફર ! 

અંત આકસ્મિક દેખાય છે, અંતની શરુઆત બહુ વહેલી થઈ જાય છે ..


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

Author: Web Gurjari

2 thoughts on “લુત્ફ-એ-શેર : મણકો #૨૮

  1. બિલકુલ સાચી વાત.. શેર માં જેટલો “દમ “હોય છે તેનાથી વધુ “દમ ” શેર ની મિમાંશા માં હોય છે.. સલામ સાહેબ..

Leave a Reply

Your email address will not be published.