બીરેન કોઠારી
‘રેબેલ સ્ટાર’ તરીકે શમ્મી કપૂરની છબિ પડદા પર ઉપસાવવામાં તેમની ફિલ્મોના લેખકો અને દિગ્દર્શકો જેટલું જ પ્રદાન એ ફિલ્મોના સંગીતકારોનું કહી શકાય. ગાયક તરીકે મોટે ભાગે મોહમ્મદરફી હતા, એ તો ખરા જ. આમાં ઓ.પી.નય્યર અને શંકર-જયકિશનને અગ્ર હરોળમાં મૂકી શકાય. જો કે, સંખ્યાત્મક રીતે જોઈએ તો ઓ.પી.નય્યરની સરખામણીએ શંકર-જયકિશનનું સંગીત શમ્મી કપૂર અભિનીત ફિલ્મોમાં વધુ હોવાનું જણાય છે.
કહેવાય છે કે શમ્મી કપૂરની આ છબિ ૧૯૬૧માં રજૂઆત પામેલી ફિલ્મ ‘જંગલી’ થકી ઊભી થઈ અને લોકપ્રિય બની.
૧૯૫૯માં રજૂઆત પામેલી ‘ઉજાલા’ એ રીતે આ ગાળા પહેલાંની ફિલ્મ ગણાવી શકાય. એફ.સી. મહેરા નિર્મિત, નરેશ સહગલ દિગ્દર્શીત આ ફિલ્મમાં શમ્મી કપૂર ઉપરાંત માલાસિંહા, રાજકુમાર, લીલા ચીટણીસ, કુમકુમ જેવા કલાકારોની મુખ્ય ભૂમિકા હતી. આ ફિલ્મનાં કુલ આઠ ગીતો શૈલેન્દ્ર અને હસરત જયપુરી વચ્ચે વહેંચાયેલાં હતાં.

ગીતના શબ્દો પરથી કયું ગીત કોણે લખ્યું એ ઓળખી શકાય એવાં આ ફિલ્મનાં ગીતો છે. ‘સૂરજ જરા પાસ આ’ (મન્નાડે અને સાથીઓ), ‘યારોં હમારી સૂરત પે મત જાઓ’ (રફી, મુકેશ), ‘અબ કહાં જાયે હમ’ (મન્નાડે અને સાથીઓ), ‘છમ છમ, લો સુનો છમ છમ’ (મન્નાડે, લતા અને સાથીઓ) તેમ જ ‘દુનિયાવાલોં સે દૂર જલનેવાલોં સે દૂર’ (લતા, મુકેશ) શૈલેન્દ્ર દ્વારા લખાયેલાં છે. ‘તેરા જલવા જિસને દેખા’ (લતા), ‘ઝૂમતા મૌસમ મસ્ત મહિના’ (લતા, મન્નાડે) અને ‘મોરા નાદાન બાલમા ન જાને દિલ કી બાત’ (લતા) હસરત જયપુરીએ લખ્યાં છે.

તમામ ગીતોમાં શંકર-જયકિશનની બ્રાન્ડ શૈલી સાંભળી શકાય છે. આ ફિલ્મના ટાઈટલ મ્યુઝીક માટે, ધારણા મુજબ જ ‘ઝૂમતા મૌસમ મસ્ત મહિના’ (યા અલ્લા, યા અલ્લા દિલ લે ગયા) ની પસંદગી કરવામાં આવી છે.

અહીં આપેલી આખી ફિલ્મની લીન્કમાં 0.9 થી 0.21 સુધી એફ.સી.મહેરાની ‘ઈગલ ફિલ્મ્સ’નો લોગો અને તેનું સંગીત છે. ફિલ્મનું ટાઈટલ મ્યુઝીક 0.23થી તંતુવાદ્યસમૂહ પર આરંભાય છે અને તેની સાથે વારાફરતી ફૂંકવાદ્યસમૂહનું વાદન છે. એ મુજબ 0.23 થી 0.25 સુધી તંતુવાદ્યસમૂહ, 0.25 થી 0.28 સુધી ફૂંકવાદ્યસમૂહ, 0.28 થી 0.36 સુધી ફરી તંતુવાદ્યસમૂહ, 0.36 થી 0.39 સુધી ફૂંકવાદ્યસમૂહનું વાદન આવે છે, જે ક્રમબદ્ધ રીતે ગતિ પકડવાની તૈયારીમાં લાગે છે. 0.39થી તંતુવાદ્યસમૂહનું વાદન શરૂ થાય છે એ સાથે જ શંકર-જયકિશન (દત્તારામ) ની શૈલીની ઓળખ સમો ઝડપી તાલ ઉમેરાય છે. આ તાલ સાંભળતાં જ ડોલી ઉઠાય. છેક 0.59 સુધી તંતુવાદ્યસમૂહ પહેલાં ટુકડેટુકડે અને પછી સળંગ વાગે છે. અને 0.59થી ફૂંકવાદ્યસમૂહ- ખાસ કરીને ટ્રમ્પેટ- પર ‘ઝૂમતા મૌસમ મસ્ત મહિના’ની ધૂન આરંભાય છે. આમાં મઝા એ છે કે મુખડાની ચાર લીટી ‘ઝૂમતા મૌસમ મસ્ત મહિના, ચાંદ સી ગોરી એક હસીના, આંખ મેં કાજલ, મુંહ પે પસીના’ ફૂંકવાદ્યસમૂહ પર છે, અને છેલ્લી બે લીટી ‘યા અલ્લા યા અલ્લા દિલ લે ગઈ’માં ફૂંકવાદ્યસમૂહવાદનને ધીમું કરીને તંતુવાદ્યસમૂહ વડે રમત કરવામાં આવી છે. 1.09થી 1.16 સુધી આ રમત છે. પણ શંકર-જયકિશન શૈલીની કમાલ હજી પૂરી નથી થઈ. 1.16 થી તેમાં આ મુખડું મેન્ડોલીન પર વાગવાનું શરૂ થાય છે. અહીં પણ 1.26થી 1.32 સુધી ‘યા અલ્લા યા અલ્લા’ વખતે તંતુવાદ્યસમૂહ પ્રભાવક બની રહે છે. 1.32થી ઈન્ટરલ્યુડ મ્યુઝીક શરૂ થાય છે, જે ફૂંકવાદ્ય પર છે. 1.39થી ફરી તંતુવાદ્યસમૂહની ભરમાર. 1.46થી ફૂંકવાદ્યસમૂહ. 1.50થી ગીતના અંતરા (ઠંડી સડક નીમ તલે, તીર-એ-નજર ખૂબ ચલે) નું વાદન ફૂંકવાદ્યસમૂહ પર આગળ વધે છે. પાછળ તંતુવાદ્યસમૂહનું વાદન ચાલુ જ રહે છે. 1.56થી મેન્ડોલીન પર તેનું પુનરાવર્તન થાય છે. 2.04થી ફરી ફૂંકવાદ્યસમૂહ-મુખ્યત્વે ટ્રમ્પેટ- પર મુખડું આવી જાય છે. 2.13થી 2.20 સુધી ‘યા અલ્લા યા અલ્લા દિલ લે ગઈ’માં ફરી પાછી એ જ ધમાલ. હજી જાણે કે કસર ન મૂકવી હોય એમ 2.20થી મેન્ડોલીન પર આ મુખડું વાગે છે અને 2.24 પર મેન્ડોલીનવાદન પર જ તે વિલીન થાય છે.
નવાઈની વાત એ છે કે આ ટ્રેકનો ઉઘાડ ધૂમધડાકાભેર ઓરકેસ્ટ્રેશનથી થાય છે અને એ જ રીતે તે છેક સુધી આગળ વધતી રહે છે. પણ અંતે તે એકલવાદન પર વિલીન થાય છે, તેને લઈને આ ધૂન પૂરી થવા છતાં આપણા મનમાં સતત ગૂંજ્યા કરે છે.
આ લીન્કમાં 0.23થી 2.24 સુધી ‘ઉજાલા’ નું ટાઈટલ મ્યુઝીક સાંભળી શકાશે.
કેવળ માહિતી પૂરતી એટલી નોંધ જરૂરી કે આ જ નામની એક અન્ય ફિલ્મ 1942માં રજૂઆત પામી હતી, જેમાં બશીર દેહલવીનું સંગીત હતું.
(તસવીરો નેટ પરથી અને લીન્ક યૂ ટ્યૂબ પરથી સાભાર)
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)
આ મુવી માં મને લાઇટ્સ કેમેરા અને સાઉન્ડ વિક લાગેલા.
કદાચ એમ બને કે મને આજથી પંદર વર્ષ પહેલાં સીડી મળી હતી તે ઠીક ના હોય.મૂવી કરતાં તેના ગીતો મને વધારે પસંદ પડેલા.એમાં પણ …અ બ કહાં જાયે હમ ની તો લિરિકસ સાથે રાગ કનાડા દરબારી પહેલી વખત કર્ણપ્રિય ગમી ગયો.
ફિલ્મના પોસ્ટરમાં રાજશ્રી !!!
યુ ટ્યુબવાળા ઘણીવાર ગોળા ચઢાવે છે…