સમયચક્ર :: INTERNET – આધુનિક જગતનું ચાલક બળ

વિજ્ઞાનીઓ જે રીતે નવી નવી શોધો જગત સમક્ષ મુકી રહ્યા છે તે જોતાં આવનારા સમયમાં જીવન મુલ્યો સમૂળગાં જ બદલાઈ જાય તો નવાઈ નહીં. આજની ટેકનીક જેના ઉપર ચાલી રહી છે તે છે INTERNET. નોકરીની અરજી કરવાથી માંડીને ઉપગ્રહોને પૃથ્વીની ભ્રમણ કક્ષામાં મૂકવો હોય. આ બધાની પાયાની જરુરીયાત INTERNET છે. તેમ છતાં આખાય વિશ્વને સાંકળી લેતી INTERNET સેવાનું સંચાલન કોઈ એક દેશ કે દેશોના જૂથ પાસે નથી, તેમજ INTERNET ઉપર કોઈની માલિકી પણ નથી. જગતમાં અંગ્રેજી ભાષાનો ફેલાવો અને મહત્વ વધારવામાં INTERNET જ ફાળો છે. જે એક ન ગમે તોય સ્વીકારવી પડે હકીકત છે.

માવજી મહેશ્વરી

    આજથી લગભગ ચાલીસ લાખ વર્ષ પહેલા પૃથ્વી ઉપર માનવ જીવન શરુ થયાનું વૈજ્ઞાનિકો કહે છે. મનુષ્ય જીવનના ઈતિહાસ તપાસતાં એક હકીકત ઉપર તરી આવે છે કે વિજ્ઞાન અને ટેક્નોલોજીએ હંમેશા પ્રગતિ કરી છે. મનુષ્યની આગળની પેઢી કરતા પાછલી પેઢીને ટેક્નોલોજીનો વિશેષ ફાયદો મળ્યો છે. જોકે એનો એક અર્થ એવો પણ થાય છે કે ચાલીસ લાખ વર્ષોથી મનુષ્યોએ ભેગું કરેલું જ્ઞાન જુદા જુદા સ્વરૂપે મળે છે. એક સમય એવો હતો જ્યારે માહિતિ કે જ્ઞાનની સાચવણીનો એક માત્ર આધાર મનુષ્યનું મગજ હતું. પરિણામે જ્યારે કોઈ વિદ્વાન મનુષ્યનું મૃત્યુ થઈ જતું તે સાથે જ એના મગજમાં સંઘરાયેલું જ્ઞાન અને માહિતિ નષ્ટ થઈ જતાં. ભાષાના ઉપયોગ પછી ખાસ્સો સમય જતાં લિપિની શોધ થઈ. લિપિની શોધ થતાં જ્ઞાનના સંગ્રહનો પ્રાથમિક ઉપાય મળી ગયો. પુસ્તકોએ આગલી પેઢીઓના ઈતિહાસને પાછલી પેઢીઓ સુધી પહોંચાડવામાં મહત્વનો ફાળો આપ્યો છે. અભણ અને ભણેલો આ બે શબ્દોની સમજુતી પુસ્તકોએ જ નક્કી કરી છે. તેમ છતાં જ્ઞાન અને માહિતિનો સંગ્રહ માત્ર ઉપાય નથી. તેનાથી અગત્યનું છે જ્ઞાનનું વિસ્તરણ !

પુસ્તકોએ જ્ઞાનના સંગ્રહમાં મહત્વની ભુમિકા ભજવી છે તેની ના નહીં, પણ જ્ઞાનના વિસ્તરણમાં પુસ્તકોની એક ચોક્કસ મર્યાદા હતી અને આજે પણ રહી છે. એટલે મનુષ્યને એવી શોધની જરુરીયાત હતી જે માહિતિ અને જ્ઞાનનો સંગ્રહ કરે અને ઝડપી વિસ્તરણ કરી શકે. મનુષ્યની આ ઈચ્છા શક્તિના પ્રતાપે જ કોમ્પ્યુટર આવ્યાં. આજના સમયમાં જે રીતે કોમ્પ્યુટરનો ઉપયોગ માહિતિ અને જ્ઞાનના વિસ્તરણ માટે થઈ રહ્યો છે તે જોતાં કોમ્પ્યુટરની શોધ ન હોત તો INTERNET નો વિચાર આવ્યો હોત કે કેમ તે એકપ્રશ્ન છે. INTERNETની શોધના મૂળમાં કોમ્પ્યુટર છે તે એક વાસ્તવિકતા છે.

INTERNETને કારણે જ આજે માહિતિ અને જ્ઞાનનું વિસ્તરણ અતિ ઝડપી અને મૂળ સ્થિતિમાં શક્ય બન્યું છે. યુરોપમાં આવેલી ઔદ્યોગિક ક્રાંતિ પછી માહિતિના સંગ્રહ અને ઝડપી વિસ્તરણ બાબતની સમસ્યાઓ જણાવા લાગી હતી. વળી માહિતિના પુન:પ્રાપ્તિનો મુદ્દો પણ પેચીદો હતો. એટલે પશ્ચિમી દેશોના વૈજ્ઞાનિકોએ એ અરસામાં માહિતિના સંગ્રહ અને વિસ્તરણની ટેક્નોલોજી ઉપર વિશેષ ધ્યાન આપ્યું હતું. એ સમય આજની INTERNET સેવાની મથામણનો સમય કહી શકીએ. મનુષ્યની દરેક પાછલી પેઢીએ આગળની પેઢીઓએ ઉપયોગમાં લીધેલી વ્યવ્સ્થાઓને આધુનિક બનાવવાનો પ્રયત્ન કર્યો છે. અને તેમા સફળ પણ રહી છે. હકીકત એ પણ છે કે ટેક્નોલોજી જ સમાજ જીવનને બદલાવી શકે છે. પ્રજાઓ વચ્ચેના વૈચારિક ભેદ ભૂસવામાં કાયદા કરતા ટેક્નોલોજીનો વિશેષ ફાળો છે

જગતની મહત્વની શોધો અને ટેક્નોલોજીના વિકાસનો ઈતિહાસ તપાસતાં એવું જોવા મળે છે કે મોટાભાગના પહેલા પ્રયોગ લશ્કર માટે થયા છે. એટલે કે સેનાઓની લેબ તેનું ઉદભવ સ્થાન રહી છે. ઈન્ટરનેટનો જન્મ પણ લશ્કરી લેબમાં થયેલો છે. ૧૯૬૪ની સાલમાં અમેરીકાનાં સૈન્યના ત્રણ કોમ્પ્યુટરને એક બીજા સાથે જોડીને એક પ્રયોગ કરવામાં આવ્યો. આ પ્રયોગ કરનારા લોરેન્સ રોબર્ટ અને જે.સી.આર. લીકલાઇડર હતા. તેમનો આ પ્રયોગ સફળ રહ્યો. આ પ્રયોગની સફળતામાંથી જ દુનિયાભરના કોમ્પ્યુટરને સાંકળી શકાય તેવો એક વિચાર જનમ્યો. જોકે તે સમયે એક જ સ્થળે રહેલા કોમ્પ્યુટર્સને જોડીને તે કોમ્પ્યુટર વાપરનારા એક બીજા સાથે માહિતીની આપ લે કરતા હતા. રોબર્ટ લોરેન્સનો પ્રયોગ APARNET( અપારનેટ ) તરીકે ઓળખાયો હતો. તે વખતે અમેરીકાના લશ્કર કે રોબર્ટ લોરેન્સને કલ્પનાય નહીં હોય કે તેઓ જગતને પલટી નાખનારી ક્રાન્તિકારી શોધનો પાયો નાખી રહ્યા છે. જો દુનિયાના બધા જ કોમ્પ્યુટરને એક બીજાથી જોડી દેવામાં આવે તો દુનિયા એક્દમ નાની થઈ જાય. આ વિચાર તે વખતના ઈજનેરોને આવ્યો, પણ મોટી સમસ્યા એ હતી કે કોમ્પ્યુટરને શેનાથી જોડવા ? દુનિયાના કોમ્પ્યુટરને જોડવાનો રસ્તો ટેલીફોને આપ્યો. કારણ કે જે જગતના ટેલીફોનો તો એક બીજાથી વર્ષોથી જોડાયલા જ છે. પણ વાત જેટલી વિચારવામાં સરળ હતી તેટલી વ્યહવારમાં સરળ ન્હોતી. છતાં એક ક્રાન્તિકારી વિચાર બીજ વવાઈ ચુક્યું હતું. તે વિચારને મૂર્તીમંત કરવા પશ્ચિમના દેશોના વૈજ્ઞાનિકો રીતસર મંડી પડ્યા હતા.

એક તરફ દુનિયામાં INTERNET તાણાંવાણાં ગુંથાઇ રહ્યાં હતા ત્યારે બીજી બાજુ સામાન્ય વ્યક્તિ પણ અત્યંત સરળતાથી કોમ્પ્યુટર વાપરી શકે તેવી ઓપરેટીંગ સિસ્ટમના વિકાસનુ કામ એક એવો યુવાન કરી રહ્યો હતો જેણે કોલેજનો અભ્યાસ અધવચ્ચે છોડી દીધેલો. આ યુવાન એટલે આજે જેને દુનિયાના સોફ્ટ ટેક્નોલોજીના માધાંતાઓ સલામ કરે છે તે બિલ ગેટ્સ ! 1981માં IBM  નામની કંપનીએ વ્યક્તિગત વપરાશના કોમ્પ્યુટરને બજારમાં મુકવાનું નક્કી કર્યું. આ માટેની ઓપરેટીંગ સીસ્ટમ ( OS  ) બનાવવાનું કામ IBH Microsoft નામની કંપનીને સોંપાયું. IBH Microsoft ના માલિક બિલ ગેટસ હતા. આમ કહીએ તો આખા જગતમાંથી માત્ર મુઠ્ઠીભર માણસોના પ્રયત્નો થકી જ આજે કોમ્પ્યુટર અને INTERNET  છે. ઈન્ટરનેટનું મૂળભૂત માળખું તૈયાર થયા પછી વ્યાપારી જૂથોએ તેને વધુ સવલતભર્યું અને સસ્તુ બનાવવાનો સતત પ્રયાસ કર્યો છે. આજની દુનિયા ઈન્ટરનેટ ઉપર જ ચાલે છે એમ કહી શકાય. ઈન્ટરનેટ બંધ કરવામાં આવે તો શું સ્થિતિ થાય તેની કલ્પના ડરામણી છે. સામાન્ય માણસ તો ઠીક, આતંકવાદી જુથો  પણ ઈન્ટરનેટ વિના વામણા છે. એટલે જ અત્યાર સુધી કોઈ આતંકવાદી જુથે ઈન્ટરનેટ સેવા ખોરવવાનો પ્રયાસ કર્યો નથી. નેટ ઉપર શું હોવું જોઈએ અને શું નહીં, તેવી ચર્ચાઓ દરેક દેશમાં થઈ ચુકી છે. તેમ છતાં આ એક એવી માયાવી દુનિયા છે જેના પર કોઈનો અંકુશ નથી. એક રોમાંચક હકીકત એ પણ છે કે મોટાભાગના દેશોએ નેટના આવ્યા પછી પોતાના કાયદાઓમાં એક નવો કાયદો ઉમેર્યો છે. તે છે Cyber Crime . જોકે છે આ કાયદાનો ઉપયોગ કરતી વખતે પોલીસ કોમ્પ્યુટર સુધી પહોંચીને અટકી જાય છે. એ કોમ્પ્યુટરનો ઉપયોગ કોણે કર્યો તે સાબિત કરવું આજની તારીખે પણ શક્ય નથી. કદાચ કોઈ ભારતીયને ન પણ ગમે. તેમ છતાં હકીકત એ છે કે INTERNET સારું અંગ્રેજી જાણનાર માટે જ પૂર્ણ રીતે ઉપયોગી રહ્યું છે. એટલું જ નહીં, દુનિયાની અંગ્રેજી સિવાયની મુખ્ય તેમજ પ્રાદેશિક ભાષાઓની ઓળખ વધારવામાં પણ INTERNET જ ખપ લાગ્યું છે એ વાસ્તવનો સ્વીકાર કરવો રહ્યો કે ટેક્નોલોજીને સૌથી વધુ અંગ્રેજી ભાષા માફક આવી છે. જાણકારો કહે છે કે, સૌથી લોકભોગ્ય ભાષા અંગ્રેજી છે. સ્થિતિ એ છે કે જગતની મુખ્ય ધારાને સમજવા કે પ્રવેશવા માટે આજે પણ અંગ્રેજીના બારણામાંથી પસાર થવું પડે છે. આ સ્થિતિ યોગ્ય કહેવાય કે નહીં તે આવનારો સમય કહેશે.


શ્રી માવજી મહેશ્વરીનાં સંપર્ક સૂત્રોઃ ફોન નં. +૯૧ ૯૮૨૫૭૨૫૫૯૬ Email mavji018@gmail.com


સંપાદકીય નોંધ – અહીં દર્શાવેલ સાંદર્ભિક ચિત્ર નેટ પરથી સાભાર લીધેલ છે. ચિત્રના પ્રકાશાનધિકાર મૂળ રચયિતાના અબાધિત છે.

Author: Web Gurjari

1 thought on “સમયચક્ર :: INTERNET – આધુનિક જગતનું ચાલક બળ

  1. નમસ્તે માવજીભાઇ.આપ્રગતિની દોડ જે કહો તેએણેઆખી દુનિયાને મુઠ્ઠીમાં સમાવી દીધી છે. એક સમયે નાના સરખા કામમાં હાડભાંગી નાખતી મહેનતની જગ્યાએ મશીનોએ કામને સરળ બનાવી નાખ્યું છે. માણસ માણસ વચ્ચેનુ ભૌતિક અંતર ઘટી ગયુ છે. પણ કોઇપણ વસ્તુના અતિરેકની આડઅસર તો થવાની જ ભલેએ અમૃત હોય. આજે મશીનોએ માણસનો શ્રમ સાવ નહિવત કરી નાખ્યો છે. માનવવિકાસના ઇતિહાસમાં જુઓ કે શરીરના જે અવયવોનો ઉપયોગ ન થાય કે કાળક્રમે નહિવત થાય કે નાશ પામે. દા.ત. આપણી પુંછડી. હવે માણસ જો હાથપગ ચલાવવાનુ બંધ કરશે તો એ ખરી પડશે. ઘરમાં રોબોટ કામ કરશે. આંખ,કાન વગેરે અવયવ ક્ષીણ થઇ જશે. માત્ર એક આંગળી જેનાથી એ કોમપ્યુટરની સ્વીચ દબાવી રોબોટને જરુરી સુચના આપે છે એ લાંબી થતી જશે. પછી એના કાન ખરી પડશે. આંખો મંગળના માનવી જેવી મોટી ગોળા જેવી હશે. ભાષા નહિ હોય. બોલવાનું જ નથી તો. ખાવામાં માત્ર વિટામીનની ગોળીઓ. ક્યાય ખેતર કે ખેતીવાડી નહિ હોય. ઉદ્યોગો માત્ર આ વિટામીનના કારખાના જ હશે. શાકમાર્કેટ કે અનાજની દુકાનો,ઘરમાં રસોડાનહિ હોય. !!!!!!!

Leave a Reply

Your email address will not be published.