આપણે કેટલા પ્રાચીન ? – ૧

પ્રવાસી યુ. ધોળકિયા

વર્ષ ૨૦૦૧ની ૨૬ જાન્યુઆરીએ કચ્છ અને ગુજરાતને ધમરોળી નાખનાર ભૂકંપ પછી ભારતના ધર્મ અને સંસ્કૃતિના વિદેશી પ્રશંસક ફ્રાંસકૉય ગોઈતરે પોતાના સુંદર લેખમાં  આ પ્રમાણે લખ્યું હતું :

“અસંખ્ય લોકોનાં મૃત્યુ સર્જનાર ભયાનક ધરતીકંપ પછી આજે ભારતમાં ગમગીની છવાયેલી છે. એમ કહેવાય છે કે જ્યારે એક સાથે ઘણાં લોકોનું હિંસાત્મક મૃત્યુ થાય છે ત્યારે તેમનાં દુઃખો અને હાય વાતાવરણમાં એટલાં બધાં ઓતપ્રોત થાય છે કે હજારો કિલોમીટરો દૂરથી તમે તેને અનુભવી શકો. અત્રે એથી કંઈ વિશેષ બન્યું. એ તો ૨૬મી જાન્યુઆરી હતી – ભારતનો ગણતંત્ર દિન. ભારતને તે ઉજવવાનો પૂરેપૂરો અધિકાર છે કેમકે સદીઓનાં પતન પછી ભારત પુર્નજાગૃતિના પગથાર પર ફરીથી કદમ માંડી રહ્યું છે. પ્રાચીન ભારતની મહાન સંસ્કૃતિ એશિયા અને વિશ્વને આધ્યાત્મિક રીતે સમૃદ્ધ કરવા તત્પર બની છે. પણ ભારત શુ આમ ખરેખર કરી શકશે? આજે ભારતને એક મહાન તક સાંપડી છે, પણ ભારતીયો આ તક ગુમાવી પણ દે છે. તેના નેતાઓ વામણા ઉતરે છે અને આંતરિક વિખવાદો તેને નબળું પાડી દે છે. એટલે આ ભૂકંપ કોઈ કુકર્મોના બદલા રૂપે નથી આવ્યો. તે એવી ચેતવણી સાથે આવ્યો છે કે ભારતે તેનાં બધાં કાર્યો એકીકૃત કરવાં પડશે. ભૂકંપ પછી ઊઠેલા આર્તનાદે આપણને વિશેષ પ્રતીતિ કરાવી છે કે ભારત માટે કાંઇ પણ કરી છૂટવા માટે ‘ભારતીઓ, જાગો ! ઊઠો !’ ઈશ્વર દત્ત ધન્ય પળ આવી છે.”   

ઉપરોક્ત લાંબું અવતરણ આપવાનું કારણ એટલું જ કે આજની આપણી પેઢીને ભારતના ભવ્ય ધાર્મિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વારસાને જાણવાની કોઈ દરકાર નથી. પછી તેના પુનરુત્થાનમાં રસ તો ક્યાંથી જ હોય?  એક કાળે કેન્દ્રમાં રહીને સમગ્ર વિશ્વને સુસંસ્કૃત કરનાર આ દેશના ભવ્ય ભૂતકાળને જાણવાની તાલાવેલી કોઈને નથી. કોઈ પણ રાષ્ટ્રનાં સંસ્કૃતિ, ધર્મ, અને અધ્યાત્મ તેનો આત્મા છે, જ્યારે ઈતિહાસ તેનો સાકાર દેહ છે. આટલું ન જાણીએ તો આપણે આપણાં અસ્તિત્વને જ ખોઈ બેસીએ. વિદેશી વિદ્વાનો બાઈબલને દૃષ્ટિમાં રાખીને વિશ્વની સંસ્કૃતિઓને ફક્ત છ થી સાત હજાર વર્ષ જ જૂની ગણાવે છે. આ સંસ્કૃતિઓમાં ક્રમાંક પ્રમાણે સુમર ઈજિપ્ત અને પછી ભારતને મુકવામાં આવે છે. આર્યોને વિદેશી ચિતરી વેદને આજથી ૩૫૦૦  વર્ષ પુરાણા જ માનવામાં આવે છે.  પણ શું આ પૂર્ણ સત્ય છે ?   

ભારતના પ્રાચીન વેદ અને પુરાણોની પ્રાચીન પરંપરા પાસે બ્રહ્માંડના આરંભથી અંત સુધીના વિકાસક્રમની, સૂર્યમાળા-પૃથ્વી, જીવનની ઉત્ક્રાંતિ, ઇતિહાસ-સંસ્કૃતિની ચડતીપડતી ચોક્કસ કાળગણના છે. અબજો વર્ષોની આ ગણત્રીને સરળતા ખાતર કોઠામાં જણાવ્યા પ્રમાણે દર્શાવી શકાય.

બ્રહ્માંડબ્રહ્માનાં વર્ષો
પૃથ્વીકલ્પ. અત્યારે ૩૬મો શ્વેતવરાહ કલ્પ ચાલે છે.
સજીવ સૃષ્ટિમહાયુગો
માનવ વિકાસ  ૧૪ મન્વંતરો. અત્યારે ૭મો મનુ વૈવશ્વંત મન્વંતર ચાલે છે.
ઇતિહાસ-સંસ્કૃતિ(૧) ૪ યુગ. કૃત, ત્રેતા, દ્વાપર અને કળિ. (પુરાણો પ્રમાણે) અત્યારે કળિયુગ ચાલે છે. (૨) મામૈદેવ પ્રમાણે ઈ.સ. ૧૯૭૮માં ચોથો કળિયુગ સમાપ્ત થયો છે. અત્યારે યુગસંધિ ચાલે છે. (૩) નોસ્ટ્રાડેમસની આગાહી પ્રમાણે બાઈબલ અનુસાર ઈ.સ. ૨૦૦૦માં ૭૦૦૦ વર્ષ પુરાં થઈ ગયાં છે.
વિશ્વનું ભાવિ૧. મામૈદેવની ગણત્રી પ્રમાણે કળિની યુગસંધિ સો વર્ષમાં સમાપ્ત થતાં પંચોરથ-સુવર્ણ યુગ આવશે.  ૨. નોસ્ટ્રાડેમસની ગણત્રી પ્રમાણે  ૨૦૦૫ થી ૨૦૨૭ પછી, ૧૦૦૦ વર્ષનો સુવર્ણ યુગ સ્થપાશે.

પ્રાચીન ભારતીય પરંપરા વિશ્વના ઇતિહાસને ૯૦ હજાર વર્ષ પુરાણા ઇતિહાસ તરફ દોરી જાય છે. વળી આ ગણત્રીને ડેન્ટન અને કાર્લેને સ્થાપેલી આધુનિક વિજ્ઞાનની પૃથ્વીની અમુક ચોક્કસ કક્ષાએ નમીને સૂર્યની આસપાસની ગતિને કારણે થતા હિમયુગોની કાળગણનાનું પૂર્ણ સમર્થન છે. આજથી ૯૦ હજાર વર્ષો પૂર્વે પુરાણો કહે છે સ્વયમ્ભૂ મનુ અને શતરૂપાના સમાગમથી (બાઈબલનાં આદમ અને ઈવ) માનવનું સર્જન થયું. આ પછીની વિકાસયાત્રામાં છ મનુઓ અને ૪૫ પ્રજાપતિઓએ પોતાનો અભૂતપૂર્વ ફાળો આપ્યો. શરૂઆતનો ૩૦ હજાર વર્ષનો ગાળો એટલે મનુ-પ્રજાપતિ યુગ હતો. તે યુગ આપણો સાચો પ્રાગૈતિહાસિક યુગ છે. આ મનુઓ એટલે સ્વયમ્ભૂ, સ્વારોચિષ, ઉત્તમ, તામસ, રૈવત, અને ચાક્ષુસ. પ્રજાપતિઓનાં કેટલાંક ગૌરવવંતા નામોમાં ભૃગુ, અંગિરા, મરીચિ, પુલસ્ત્ય,પુલકૃતુ, દક્ષ, અત્રિ,વશિષ્ઠ, રુચી, નીલ, લોહિત (રુદ્ર), ધર્મ અને સ્વયમ્ભૂ મનુને ગણાવી શકાય.

વળી દક્ષ પ્રજાપતિએ પોતાની ૩૩ પુત્રીઓનાં લગ્ન ઉપરોક્ત પ્રજાપતિઓ સાથે કર્યાં. આ દામ્પત્યના પરિપાક રૂપે સંતાનોમાં ઉજ્જવળ તારલા રૂપી ધાતા, વિધાતા, માર્કંડેય અને સોમ જેવા મહર્ષિઓ પાકે તેમાં શી નવાઈ ! દક્ષની અન્ય ૨૭ પુત્રીઓ સોમને પરણાવવામાં આવી. આ પ્રતાપી સમુહોનાં નામોથી આજે ચંદ્રમા અને તેનાં ૨૭ નક્ષત્રો ઓળખાય છે. 

સ્વયમ્ભૂ મનુના વંશજોએ પણ વિશ્વભરમાં રાજકીય અને સામાજિક વ્યવસ્થા પ્રથમ વખત કરવાનું ભગીરથ કાર્ય કર્યું. તેના બે પુત્રો પ્રિયવ્રત અને ઉત્તનપાદના વંશજોએ  વિશ્વભરના રાષ્ટ્રોના પાયા નાખ્યા. પ્રિયવ્રતની ૩૫ પેઢીઓ થઈ. તેના ૭ પુત્રો, આગ્નિધ, મેધાતિથિ, વપુષ્યમાન, જ્યોતિષમાન દ્યુતિમાન, ભવ્ય અને સવનને પૃથ્વીને સાત દ્વિપો – જમ્બુ,પ્લક્ષ, શાલ્મલી, કુશ,કૌંચ, શાક અને પુષ્કર-માં વહેંચી. 

ઉપરોક્ત ૩૦ હજાર વર્ષના મનુ-પ્રજાપતિ યુગની બધી ઘટનાઓનું વર્ણવવી શક્ય નથી, પરંતુ નીચેની બે ત્રણ ઘટનાઓ વાચકોને તેનું મહત્ત્વ છતું કરી શકશે.

૧.દક્ષની દીકરી સતી સાથે પ્રજાપતિ રૂદ્રનાં લગ્ન થયેલાં. દક્ષે યોજેલા યજ્ઞમાં રૂદ્રનું અપમાન થયેલું તે સહન ન થવાથી સતીએ આત્મહત્યા કરેલી. રૂદ્રે આથી ક્રોધિત થઈ દક્ષના યજ્ઞનો નાશ કર્યો. આ રૂદ્રના પુત્રો એટલે કાર્તિકેય, સનત કુમાર, સનાતન, સનન્દન અને શાખ.

૨. પ્રિયવ્રત શાખાની ચોથી પેઢી નાભિ થયા. નાભિ અને મેરૂદેવીનું સંતાન એટલે જૈનોના આદી તીર્થંકર ઋષભદેવ. ઋષભદેવે શ્રમણ ધર્મ સ્થાપ્યો. તેઓએ વિશ્વને બ્રાહ્મિલિપિ, ગણિત, વેપાર અને શિલ્પની ભેટ આપી. ઋષભના પ્રતાપી પુત્ર ભરતનું કાયમી સ્મરણ આપણે આપણા દેશનું નામ ભારતવર્ષ રાખીને અને બીજા પુત્ર બાહુબલિની ગોમટેશ્વર ખાતે ભવ્ય મૂર્તિ સ્થાપીને કર્યું.

૩.પ્રિયવ્રત શાખાની અઢારમી પેઢીએ પૃથુ વૈન્ય થયા. પૃથુ એટલે વિશ્વના પ્રથમ રાજવી. તે પહેલાં વિશ્વમાં ક્યાંય રાજાશાહી ન હતી. તેના રાજ્યાભિષેક પ્રસંગે પવિત્ર નદીઓનાં જળ અને  રત્નો લાવવામાં આવ્યાં. આંગિરસોએ આ વિધિ સંપન્ન કરી. પૃથુ એ ધનુષની શોધ કરી પૃથ્વી દોહન કર્યું. પર્વતો, નદીઓ અને સમુદ્રોને પ્રજાના ઉપયોગને યોગ્ય બનાવ્યા. વિષમ જમીનને સમતળ બનાવી, ભવન નિર્માણ, ખેતી, પશુપાલન, ખાણોમાંથી ખનિજનું ઉત્પાદન અને વાણિજ્યને વ્યવસ્થિત કરી આધુનિક સંસ્કૃતિના શ્રીગણેશ કર્યા. વિશ્વની પ્રજાએ આ ઉપકારોનો બદલો વાળવા આપણી ભૂમિને પૃથ્વી નામ આપી આ મહાપુરુષનું સન્માન કર્યું.

૪૫મા, અને અંતિમ, પ્રજાપતિ  દક્ષ પ્રાચેતસ્ થયા.

એ પછી નવો યુગ શરૂ થયો, જેના વિષે આપણે હવે પછી ૩૦-૧૨-૨૦૨૦-ના અંકમાં વાત કરીશું.

ક્રમશઃ….ભાગ ૨માં       


શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com.વીજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.