જીવનના એ પડાવ ઉપર પહોંચ્યો છું જ્યાં ભૂતકાળમાં માણેલા વિવિધ પ્રકારના અનુભવો યાદ આવતા રહે છે. એ પૈકીના કેટલાક અહીં વહેંચવાનો અને એ સાથે જોડાયેલાં પાત્રોનું નિરૂપણ કરવાનો ઉપક્રમ છે. અમુક કિસ્સામાં પાત્રોનાં અને સ્થળનાં નામ ચોક્કસ કારણોસર બદલેલાં હશે.
– પીયૂષ મ. પંડ્યા
—————*—————-*——————-*——————-*——————*———
હું ધોરણ છ અને સાત ભાવનગરની એ.વી.સ્કૂલમાં ભણ્યો. ધોરણ આઠમાથી મારે ઘરશાળામાં ભણવું કે આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ભણવું એ બાબતે વિચારણા કરવાની થઈ. અમારા કુટુંબમાં સામાન્ય રીતે આવો નાનો નિર્ણય પણ લાંબી ચર્ચા દ્વારા લેવામાં આવતો. એમાં ભાગ લેનારાઓ એટલે કે મારા દાદા, મોટાકાકા, બાપુજી અને નાનાકાકા એને વિષદ ચર્ચા ગણાવતા, જ્યારે દાદી અને અન્ય સ્ત્રીવર્ગ એને ‘નકરો વિતંડાવાદ’ તરીકે ઉતારી પાડતાં. જો કે સ્ત્રીવર્ગનો આ અભિપ્રાય એમના સીમિત વર્તૂળમાં જ ફરતો રહેતો. ચર્ચામાં સમયસમયે ઉગ્રતાનાં મોજાં ઉમટતાં. બહોળા અનુભવથી મંડીત એવી સન્નારીઓ એક તબક્કે ઉગ્રતા એની ચરમસીમાએ પહોંચી ગઈ હોવાનું સમજતી અને અમારા કુટુંબની પરંપરામાં વણાયેલી ધાર્મિક વિધિના ભાગરૂપે ચા મૂકતી. પહેલાં કાને પડેલો પ્રાયમસનો ભમભમાટ અને પછી નાકે પ્રવેશેલી ઉકળતી ચાની સોડમ વડે બહારના ઓરડામાં ચર્ચાએ ચડેલા વિદ્વાનો ઉપર પ્રચ્છન્ન સંદેશો જતો કે હવે બહુ થયું, નિર્ણય ઉપર આવી જવું જોઈએ. ફળફળતી ચાના પ્યાલા ભરાય ત્યાં સુધી પાછું એકદમ સ્નેહાળ વાતાવરણ સર્જાઈ જતું. એ ચા હાથમાં આવતાં જ દાદા દ્વારા નિર્ણય જાહેર કરવામાં આવતો. એના હર્ષાવેશમાં દાદીના નેતૃત્વમાં સ્ત્રીવર્ગનાં સભ્યોએ ગળગળાં થઈ જવું અપેક્ષિત રહેતું. આમ, ચાના સબડકા અને નાકના સૂસવાટાના મિશ્ર અવાજો થકી ઘર હર્યું ભર્યું થઈ ઉઠતું.
પણ, આ કિસ્સામાં તો મારા મોટાકાકાએ એકાએક વટહૂકમ જ બહાર પાડી દીધો. સભાના આરંભે કાકાએ કહ્યું, “ઓલી વિદ્યામંદીરના હેડમાસ્તર મને કાલે જ મળ્યા ‘તા. મ્હારી પાંહે એમણે પીયૂષને માંગી લીધો ચ્છ. હવે જો આપડે છોકરાને બીજી નીશાળમાં મૂકીએ તો મ્હારે એમની હારેના સંબંધ ખાટા થઈ જાય. માટે કાલે હું એને ત્યાં દાખલ કરી આવીશ. એ હાલો, કોક ચા મૂકજો.” આટલું કહી, એમણે અનુમોદન માટે ચારેય બાજુ નજર ફેરવી. જૂના જમાનામાં દીકરીઓને વરાવવા માટે વડીલો આમ જીભ કચરી આવતા, પણ આ તો મને ભણાવવા માટેની સમજૂતી હતી ! બીજાંઓ કાંઈ કહે એ પહેલાં અસરગ્રસ્ત એવા મેં અસંમતિ દર્શાવી. મારે આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં જવું હતું. એનું નામ બહુ ઊંચું હતું. વળી મારા મોટા ભાગના મિત્રો પણ એમાં જવાના હતા. એ સમયે મોટાકાકાએ મને એટલું જ કહ્યું કે એક વરસ પછી જો હું કહીશ તો એ મને આલ્ફ્રેડમાં કે ઘરશાળામાં દાખલ કરાવી દેશે.
આ વિદ્યામંદીર હાઈસ્કૂલ હું જે એ.વી.સ્કૂલમાં પ્રાથમિક ધોરણો ભણ્યો એ જ મકાનમાં સવારની પાળીમાં ચાલતી હતી. એમાંના કેટલાયે શિક્ષકોને હું જોયે ઓળખતો પણ હતો. બીજે દિવસે મોટાકાકા મને વિદ્યામંદીર તરફ લઈને જતા હતા ત્યારે એમણે એ નિશાળ માટે ના પાડવાનાં કારણો પૂછ્યાં. મેં કહ્યું કે મને વિદ્યામંદીર માટે કોઈ જ વાંધો નહોતો. હું ના પાડતો હતો એનું મુખ્ય કારણ એ હતું કે મારા મોટા ભાગના મિત્રો આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં જવાના હતા. એ સ્કૂલ ખુબ જ પ્રતિષ્ઠિત હતી. ત્યાંના અમુક શિક્ષકોની પણ મોટી નામના હતી. વળી એના મકાનની ભવ્યતા વડે પણ હું અંજાયેલો હતો. કાકાએ મને ખુબ જ પ્રેમથી સમજાવ્યો કે વિદ્યામંદીરના શિક્ષકો પણ બહુ જ સારા હતા અને એના હેડમાસ્તર મુકુંદભાઈ સાહેબ તો કાકાના સારા મિત્ર હતા. એમણે કાકાને સામેથી કહેલું કે મને એમની નીશાળમાં જ આગળ ભણવા મૂકે. છેલ્લે કાકાએ મને સચોટ સમજણ આપી….”જો બટા, નીશાળ એના મકાનથી કે એમાં આપડો કયો ભાઈબંધ જાય છે એનાથી નહીં, ત્યાં ભણાવતા માસ્તરો થકી જ મૂલવાય. આ નીશાળના માસ્તરો હાઈક્લાસ છે ઈ હું જાણું છ. અને હા, અહીં કેવા છોકરાઓ આવે છ ને, ઈ હું જાણું છ. ઈ બધામાં તું ઓલા ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન થવો છો.”
કાકા દ્વારા મારા ‘પ્રધાન’પદાનું ભવિષ્ય સાંભળી, મારી છાતીના કદમાં કોઈ વ્રુધ્ધિ થઈ હોવાનું યાદ નથી. વળી એ પછીના બે-ત્રણ દિવસો હું કોઈને ય ઉદબોધન કરતી વેળા ‘મિંત્રોં’ બોલીને શરૂઆત કરતો કે કેમ એ પણ ખ્યાલે નથી. પણ કાકાની વાત મને ગળે ઉતરી ગઈ. અને મને વિદ્યામંદીરમાં દાખલ કરી દેવામાં આવ્યો. દાખલ થયા પછી તો મને ચાર વરસમાં ક્યારેય નીશાળ બદલવાનો વિચાર સુધ્ધાં ન આવ્યો. ઉત્તમ શિક્ષકોના હાથ નીચે આ નીશાળમાં ઘડાવા મળ્યું. અનેકવિધ પ્રવૃત્તિઓમાં અને સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહન અને માર્ગદર્શન મળતાં રહ્યાં. વળી કાચી સમજણના અને કુસંગના પ્રભાવ હેઠળ ભટકી જવાય એ પહેલાં જેટલો મા-બાપે એટલો જ એ શિક્ષકોએ પણ સાચવી લીધો નહીંતર જીવન ક્યાંયે ફંટાઈ ગયું હોત. આમ તો દરેકેદરેક સાહેબ ઉમદા અને પ્રેમાળ હતા, પણ એમાંના અમુક તો આજે પાંચ દાયકા પછી પણ બરાબર યાદ છે. એ સાહેબોને યાદ કરતાં આજે પણ નતમસ્તક થઈ જવાય છે. નામ યાદ કરું તો આચાર્ય મુકુંદભાઈ પંડ્યા, જગદીશભાઈ પંડ્યા, કીરિટભાઈ ભટ્ટ, હરીહરભાઈ કાપડી, બાલકૃષ્ણ જોશી, અરવિંદભાઈ ભટ્ટ, જીવુભા સાહેબ, દિનેશભાઈ પાઠક અને વિષ્ણુભાઈ ભટ્ટ – આ સાહેબો પાસેથી ભણવા ઉપરાંત બીજું ઘણું શીખવા મળ્યું છે. એ પૈકીના કેટલાક યાદગાર પ્રસંગો વહેંચવા છે.
—————*—————-*——————-*——————-*——————*————
મને વિજ્ઞાનમાં ઊંડાં રસ-રુચિ કેળવાયાં એ માટે અમારા જીવુભા સાહેબ કારણભૂત છે. ધોરણ ૮-૧૧ એમ ચારેય વરસ એમણે અમને વિજ્ઞાન ભણાવ્યું. કડક શિસ્તના આગ્રહી એવા તે સાહેબ NCCના અધિકારી પણ હતા. વળી દર શનિવારે વ્યાયામના બે પીરિયડ્સ હોય, એમાં સાહેબ કેટલાયના ‘ગાભા કાઢી’ નાખતા. ગણવેશ, બૂટ અને મોજાં તો ઠીક, વાળ બરાબર ઓળેલા અને નખ કાપેલા હોય એની ચકાસણી પણ કરે અને ક્યાંય કચાશ દેખાય તો માર પડ્યો નક્કી! પણ વર્ગમાં ઉત્તમ ભણાવે અને અન્ય રીતે પણ વિદ્યાર્થીઓની ખુબ કાળજી લે. આથી અમને એમને માટે પ્રેમ અને આદરની લાગણી હતી. એમની બે વાતો યાદ કરું. એકમાં રમૂજ છે અને બીજીમાં ભારોભાર આદર.
સને ૧૯૬૭ના પ્રજાસત્તાક દિન અગાઉ અમારી નિશાળના અધિષ્ઠાતાઓએ નિર્ણય લીધો કે ૮-૧૧ ધોરણની પ્રિલીમીનરી પરીક્ષામાં સર્વાધિક ગુણ મેળવનારા વિદ્યાર્થી પાસે ધ્વજવંદન કરાવવું. સદ્દનસીબે એમ મારી સાથે બન્યું હતું. આમ તો હું જીવુભા સાહેબનો પ્રીતિપાત્ર વિદ્યાર્થી હતો પણ એમને બહુ રુચે નહીં એવી બે ઘટનાઓ એકાદ મહિના અગાઉ ઘટી હતી. એક તો NCCની ભરતી સમયે કતારમાં મારીથી આગળના છોકરાને એની નબળી શારીરિક સંપત્તિ જોઈને સાહેબે એક અડબોથ લગાવીને કાઢી મૂક્યો હતો. એ જોઈને હું પાછો વળી ગયો હતો. કારણ સાદું હતું. . . . મારો બાંધો તો એનીથીય નબળો હતો ! બીજું કારણ એ હતું કે વિદ્યાર્થીઓની અને સાહેબોની ક્રિકેટ મેચમાં પહેલી વારીમાં સાહેબ મારી બોલિંગમાં બૉલ્ડ થઈ ગયા હતા અને બીજી વારીમાં એમનો કેચ મેં ઝીલી લીધો હતો. પોણા પાંચ ફૂટનો ‘ટોંટી’ એમને આઉટ કરવામાં બે વાર નિમિત્ત બને એ સાહેબને બહુ પસંદ ન્હોતું પડ્યું.
ધ્વજવંદન કરાવવા માટેની સંપૂર્ણ જવાબદારી NCC અફસરની હોય છે એટલે જીવુભા સાહેબ આગળની સાંજે અમને વિદ્યાર્થીઓને સાથે રાખી, મેદાન સાફ કરવું, સફેદ પટ્ટા દોરવા, દીવાલો શણગારવી એ બધાથી લઈને નિયત ધારાધોરણ મુજબ ધ્વજને દોરડા વડે પૉલ ઉપર યોગ્ય રીતે લટકાવવા સુધીની તૈયારીઓ કરાવતા. આ વખતે મારીથી એમને સંતોષ થાય એવી રીતે ધ્વજને દોરી સાથે બાંધી ન શકાયો. આમ, એમનાં પ્રસ્થાપિત ધોરણોમાં મારી ધ્વજવંદન કરાવવા માટેની પાત્રતા વધુ નીચે ઉતરી આવી. પણ નિર્ણય લેવાઈ ગયો હતો. એટલે બીજે દિવસે આ ‘કુપાત્ર’ના નસીબે એ ધન્ય ઘડી લખાવાની હતી.
આખરે એ ક્ષણ આવી પહોંચી. ધ્વજવંદનની SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ/ટીવ પ્રોસિજર) મુજબ સંસ્થાના NCC અફસરે મુખ્ય મહેમાન પાસે જઈ, એમને સલામ કરી, ‘શ્રીમાન !’ એમ ઉદ્દબોધન કરી, એમને ધ્વજ ફરકાવવા માટે નિમંત્રવાના હોય છે. ૧૯૬૭ની ૨૬મી જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વદિને ભાવનગરની વિદ્યામંદિર હાઈસ્કૂલના પ્રાંગણમાં ત્યાંના NCC અફસર શ્રી જીવુભા ત્યાં ઉપસ્થિત ૧૩ વરસના ‘ટોંટી’ મુખ્ય મહેમાન પાસે જઈને જે બોલ્યા હતા, એ હતું, “હાલો, થાઓ આગળ !”
હવે એ જ સાહેબની બીજી વાત. અમે મેટ્રીકમાં આવ્યા ત્યારે વિષયપસંદગીમાં ફીઝીક્સ-કેમિસ્ટ્રી અને હાયર મેથ્સ/ઉચ્ચ ગણિત રાખવાનો વિકલ્પ મળતો હતો. દસમાનું પરિણામ અપાયું એ દિવસે અમને દસ વિદ્યાર્થીઓને એ વિષયજૂથ રાખવાની છૂટ મળી. એ પછી અમને દસેયને હેડમાસ્તર સાહેબની રૂમમાં બોલાવવામાં આવ્યા. ત્યાં જીવુભા સાહેબ બેઠા હતા. અમને કહેવામાં આવ્યું કે વેકેશનના દિવસો દરમિયાન સાહેબ રોજ સાંજે એક કલાક માટે અમને એ નવા વિષયો ભણાવવાના હતા. અને જે છોકરો એમાં હાજર નહીં રહે એને ખૂલતી નીશાળે ફીઝીક્સ-કેમિસ્ટ્રી રાખવાની છૂટ નહીં મળે. જીવુભા સાહેબ ઉભું વેકેશન અમને ભણાવતા રહ્યા. એમનો એકમાત્ર ઈરાદો એ વિષયો ઉપર અમારી ‘હજડબમ્મ’ પકડ કેળવાય એ જ હતો. ન તો એમને, ન તો અમને વિદ્યાર્થીઓને કે ન તો અમારામાંથી કોઈનાં મા-બાપોને આ માટે કોઈ આર્થિક લેવડદેવડનો વિચાર સુધ્ધાં આવ્યો હતો.
—————*—————-*——————-*——————-*——————*———-
ધોરણ ૧૧ની પ્રિલીમિનરી પરીક્ષાનું પરિણામ આવ્યું ત્યારે અમારા (ઉચ્ચ)ગણિત ભણાવતા દિનેશભાઈ સાહેબે મને બોલાવ્યો અને એ વિષયમાં મારા એમની અપેક્ષા પ્રમાણેના માર્ક્સ ન આવ્યા હોવાથી મને ખુબ વઢ્યા. પછી કહે, “આજે હાંજે હું તારે ઘેર આવીશ. મારે મટુભાઈ(મારા બાપુજી)ને કહેવું છે કે હવેના બે મહિના તારે માટે હાયર મેથ્સનું ટ્યૂશન રાખવું પડશે.” મારે આ બાબતે કાંઈ બોલવાનું નહોતું. અંગત રીતે મને ટ્યૂશનની જરૂર નહોતી લાગતી, પણ એ બાબત સાહેબ અને બાપુજી સાંજે નક્કી કરવાના હતા. કહ્યા મુજબ સાહેબ ઘરે આવ્યા અને એમણે કહ્યું કે એ ડૉ.નલુભાઈના નીશિથને અને હસમુખભાઈના શેખરને ઘરે જઈને ટ્યૂશન આપતા જ હતા. મારે એ બેયની સાથે જોડાવાનું હતું. સાહેબે ઉલ્લેખ કર્યો એ બેય સજ્જનો મારા બાપુજીના સારા મિત્રો હતા. આથી એમણે સરળતાથી આ દરખાસ્ત સ્વીકારી લીધી. સાહેબ એક દિવસ નીશિથને ઘરે અને એક દિવસ શેખરને ઘરે ભણાવવા જતા હતા. એ મુજબ મારે જે તે ઘરે પહોંચી જવાનું હતું. બે-ત્રણ દિવસ પછી અચાનક સાહેબે જાણ્યું કે હું તો ચાલીને આવતો જતો હતો. આ ખબર પડતાં બીજા દિવસથી એ પોતે મને મારે ઘેરથી એમની સાઇકલ ઉપર લઈ જઈ, ભણાવીને પાછો મૂકી જવા લાગ્યા.
દિનેશભાઈ સાહેબ પાસે ટ્યૂશનમાં ભણવા જવાથી મારું ગણિત તો ચોક્કસ સુધરવા લાગ્યું, સાથે સાથે નીશિથ અને શેખર સાથેની મારી ઓળખાણ ઘનિષ્ઠ મૈત્રીમાં ફેરવાઈ ગઈ. અમે સાહેબ પાસે ભણતા હોઈએ એ દરમિયાન પણ પરસ્પર વાતચીત અને મજાકો કરવા લાગ્યા. એવે વખતે અન્યથા અતિશય પ્રેમાળ એવા સાહેબ લાલ આંખ કરીને અમને ડારો દેતાં કે પછી જરૂર પડ્યે ચોંટીયો ભરી લેતાં પણ વાર ન લગાડતા. અમારી બોર્ડની પરીક્ષાના પરિણામ વખતે અમારી અને અમારાં મા-બાપ જેટલી જ ઉત્સુકતા એમને પણ હતી. આખરે અમને ત્રણેયને એવા ટકા અને ખાસ તો ગણિતમાં એટલા ગુણ મળ્યા કે સાહેબ ખુશ થઈ ગયા. એકાદ અઠવાડીયા પછી એ અમારે ઘરે આવ્યા. વાતચીતો અને ચાપાણીનો દોર પૂરો થયો એટલે મારા બાપુજીએ એમની તરફ એક કવર લંબાવ્યું. દિનેશભાઈ તો ઉભા થઈ ગયા. કહે, “મટુભાઈ, હું હરખ કરવા આવ્યો છું, પૈશા લેવા નહીં. જુઓ, આને માટે ટ્યૂશનનું કહેવા તમે ન્હોતા આવ્યા, મેં સામેથી કીધેલું. વળી ઓલ્યા બે છોકરાઓ ભેગો આ ભણ્યો છે, એને માટે મારે જુદો સમય તો કાઢવો નથી પડ્યો. પછી પૈશા શેના?” જો કે બાપુજીએ બહુ આગ્રહ કર્યો ત્યારે એમણે કવર ઉઘાડી, એમાંથી એક ચોક્કસ રકમ લઈ લીધી. પછી બોલ્યા, “ આ શુકન સાચવી લીધો. બાકી મટુભાઈ ! આજથી સાત-આઠ વરસ પહેલાં હું મારા નાનાભાઈની કૉલેજની ફી ભરવા સો રૂપીયા લઈ ગ્યો ‘તો, ઈ તમે કોઈ દિ’ યાદ કરાવ્યા છ?” આટલું કહેતાં એ ભાવુક થઈ ગયા. બસ, એ વાત ત્યાં પૂરી થઈ ગઈ. પણ સાહેબ સાથે નીશિથ, શેખર અને મારો ગાઢ સંબંધ બે વરસ પહેલાં એમણે કાયમી વિદાય લીધી ત્યાં સુધી ટકી રહ્યો.
—————*—————-*——————-*——————-*——————*———
અમારે આઠમા ધોરણથી અંગ્રેજી ભણવાનું આવતું. શરૂઆતના દિવસોમાં “ઈ તો બહુ અઘરું હોય. કોઈ દિ’ આવડે જ નઈ. એમાં તો આપડે નપાસ જ પડવી. મરી જવાના છીએ.” જેવાં બીહામણાં વાક્યો અમારા વર્ગમાં ગૂંજવા માંડેલાં. પણ અમને અંગ્રેજી ભણાવવા અરવીંદભાઈ ભટ્ટ નામના યુવાન, દેખાવડા અને હસમુખા સાહેબ આવ્યા અને મહિનામાં તો અમે બધા એમની ઉપર ફીદા થઈ ગયા. ઉભું વરસ એમણે અમને અંગ્રેજી ભણાવી, પાયો એકદમ મજબૂત કરી દીધો. પણ અમે નવમા ધોરણમાં આવ્યા ત્યાં એમને કૉલેજમાં નોકરી મળી જતાં અમે બહુ જ હતાશ થઈ ગયા. અમે સાંભળ્યું કે એમની જગ્યાએ એમના ભાઈ અમારી નીશાળમાં જોડાવાના હતા. એક દિવસ અમારા વર્ગમાં અમારા આચાર્ય સાહેબ બેઠી દડીના, જાડા કાચનાં ચશ્માં પહેરેલા અને દેખાવમાં પણ સામાન્ય એવા એક આધેડને લઈને પ્રવેશ્યા. એમનો પરિચય આપતાં જણાવ્યું કે એ વિષ્ણુપ્રસાદ ભટ્ટ હતા, જે અમને સંસ્કૃત અને અંગ્રેજી ભણાવવાના હતા. વધારામાં કહ્યું કે એ સાહેબ વિદ્વાનની કક્ષાના હતા. જતાં જતાં એ જણાવતા ગયા કે આ સાહેબ અમને છોડી ગયા એ અરવીંદભાઈના મોટાભાઈ હતા. અમે તો ડઘાઈ ગયા કે ક્યાં અરવીંદભાઈ અને ક્યાં આ એમના મોટાભાઈ ! બસ, પછી તો એ સાહેબ બોલવાનું શરૂ કરે એ પહેલાં વર્ગમાં તોફાન ચાલુ થઈ ગયું. ભટ્ટસાહેબે અમને શાંત પાડવા માટે ઘણા પ્રયત્નો કર્યા, પણ કોઈ જ અસર નહીં. પછી તો આ નિત્યક્રમ થઈ ગયો. સાહેબ આવે અને વર્ગમાં ધમાલ ચાલુ થઈ જતી. વચ્ચે થોડી શાંતિ સ્થપાય અને સાહેબ જે ભણાવે એ મને સમજાતું અને ગમતું પણ ખરું. પણ એવામાં તો તોફાનોનો નવો દોર ચાલુ થઈ જતો. પરિસ્થિતિ બેકાબુ અને એમને માટે અસહ્ય બની જાય ત્યારે સાહેબ ખુરશી ઉપર બેસી જતા અને હતાશાના માર્યા સતત નીચું જોઈ રહેતા. આજુબાજુના વર્ગમાંથી એકાદ સાહેબ આવી, અમને કાબુમાં લેતા અને ભટ્ટસાહેબ જાણે કાંઈ બન્યું જ ન હોય એમ પાછા ભણાવવાનું ચાલુ કરી દેતા. આવાં તોફાનોમાં મારો પણ યથાશક્તિ ફાળો રહેતો. મને એ બાબતે ક્ષોભ થવાનું તો દૂર, મજા આવવા લાગી હતી.
એવામાં એક દિવસ અમારા વર્ગના તોફાનીઓનો અઘોષિત સરદાર એવો મહાવીરીયો મોટી સંખ્યામાં ચણીબોરના ઠળીયા લઈને આવ્યો. ભટ્ટસાહેબના વર્ગ અગાઉ એણે અમારામાંના કેટલાકોને એ ઠળીયા સરખે ભાગે વહેંચ્યા. એ લાભાર્થીઓમાં મારો સમાવેશ નહતો. કોઈ જ શાબ્દિક સૂચના વગર એ સૌ સમજી ગયા કે શું કરવાનું હતું. ભટ્ટસાહેબે આવીને ભણાવવાનું શરૂ કર્યું . થોડી વાર સુધી તો અનપેક્ષિત શાંતિ પ્રવર્તી રહી. પછી જેવા સાહેબ બોર્ડ તરફ વળ્યા કે એક ઠળીયો એમને વાગ્યો. એને અવગણીને ભટ્ટસાહેબે ભણાવવાનું ચાલુ રાખ્યું. એવામાં તો થોડી થોડી વારે ઠળીયા એમની ઉપર ફેંકાવા લાગ્યા. પછી તો મને થયું કે કાશ, આવી આહલાદક પ્રવૃત્તિમાં જોડાવા મળ્યું હોત! પણ પહેલી જ હરોળમાં બેઠો હોવાથી એ શક્ય નહતું. એક ક્ષણે મેં ઉત્સુકતાથી પાછળ જોયુ અને ત્રીજી હરોળમાં બેઠેલા બહાદૂરીયાએ મારા હાથમાં બેત્રણ ઠળીયા પકડાવી દીધા. હું એ ફેંકું એ પહેલાં અચાનક જ બોર્ડ ઉપર લખી રહેલા સાહેબ અમારી સામે ફર્યા. એ જ વખતે એક ઠળીયો એમનાં ચશ્માંના કાચને એટલા જોરથી ભટકાયો કે એ જાડો અને મજબૂત કાચ તૂટી ગયો! આમ થતાં એકદમ હતાશાના માર્યા ભટ્ટસાહેબ ‘હે ભગવાન !’ ઉદગાર સાથે ખુરશી ઉપર નીચું માથું કરીને બેસી ગયા. થોડી વાર પછી એમણે કહ્યું કે એમનાં ચશ્માંના કાચ ભાવનગરમાં નહોતા બનતા. એ અમદાવાદથી બનીને આવે એમાં અઠવાડીયું વિતી જવાનું હતું. આમ કહેતાં એમણે ઉપર જોયું અને પહેલી હરોળમાં બેઠેલો હોવાથી મને એમની આંખમાંથી ટપકતું આંસુનું ટીપું દેખાયું.
અમારા બધા માટે આ પરિવર્તનની ક્ષણ હતી. સૌ પહેલાં મેં ઉભા થઈને મને આવડ્યા એવા શબ્દોમાં આખ્ખા વર્ગ વતી સાહેબની માફી માંગી. હવે પછી આવું ક્યારેય નહીં કરીએ એવી સૌ તરફથી બાંહેધરી પણ આપી. એવામાં તો એ દિવસના તોફાનનો સૂત્રધાર મહાવીર ઉભો થયો. એણે કબૂલ્યું કે ઠળીયા પોતે લાવ્યો હતો. એ માટે માફી માંગતાં વધારામાં એણે કહ્યું કે બીજે જ દિવસે એના કાકા અમદાવાદ જવાના હતા. એ સાહેબનાં ચશ્માંનો કાચ શક્ય ઝડપથી નખાવતા લાવશે. બીજા છોકરાઓએ પણ ઉભા થઈ થઈને સાહેબને પગે લાગીને માફી માંગી લીધી. આમ થતાં ભટ્ટસાહેબની આંખમાં ઝળુંબી રહેલાં આંસુ એકસાથે વહેવા લાગ્યાં. એમણે કલ્પના પણ નહીં કરી હોય કે એક ઘટના ખેપાનીઓના ટોળાને આ રીતે સુધારી શકે. વળી આ સુધારો ચેપી હતો. અન્ય વર્ગોમાં પણ ભટ્ટસાહેબના વર્ગમાં તોફાનો થવાનું બંધ થઈ ગયું.
એ પછી એમણે અમને જે રીતે અંગ્રેજીનું વ્યાકરણ અને સંસ્કૃતનાં રૂપો શીખવ્યાં એ હજી પણ યાદ આવે છે. મેં તો મેટ્રીકમાં પણ સંસ્કૃત વિષય રાખ્યો અને એમાં બહુ ખરાબ ગુણ નહોતા આવ્યા. મને અંગત ફાયદો એ થાયો કે એ પછી નીશાળનાં અને કૉલેજનાં વર્ષો દરમિયાન મેં ક્યારેય કોઈ પણ સાહેબના વર્ગમાં હદથી વધુ તોફાનો ન કર્યાં. અમારા વિદાય સમારંભમાં ભટ્ટસાહેબ બોલેલા, “તે દિ’ મારાં ચશ્માંનો એક કાચ તૂટ્યો એમાં એક હારે તમે કેટલા બધા કાયમ હાટુ સુધરી ગયા! હવે એવા જ રહેજો અને ખુબ ભણજો.”
—————*—————-*——————-*——————-*——————*————-
વિનોદ ભટ્ટે નિરંજન ભગતનું ચરિત્રચિત્ર આલેખતાં ઉપસંહારમાં કહ્યું છે કે એ એવા શિક્ષક હતા, જેને જોતાં જ હાથ ઉંચકાઈને સલામમાં ફેરવાઈ જતો. મારે પણ આવું જ કાંઈક કહેવું છે. આજે જેમની વાત કરી, જેમનો ઉલ્લેખ કર્યો એ ઉપરાંત પણ કેટલા બધા સાહેબો યાદ આવે તો આજે પણ મનોમન પ્રણામ થઈ જાય છે. એ સૌ સાહેબોને આ માધ્યમથી કહું છું, સાહેબ, સલામ !
શ્રી પિયૂષ પંડ્યાનું વીજાણુ સંપર્ક સરનામું: piyushmp30@yahoo.com
ઘણા લાંબા સમય પછી એવું લાગે છે કે એવા સમયમાં સરી ગઈ કે સમય ત્યાંજ થંભી જાય અને આગળ ના વધે .નાની બહેન છું તેથી હંમેશા તારીપર થોડી દાદાગીરી !! કરતી આવી છું અને હક્ક પણ છે મને .
પિયુષ , મને એ વાત નો ગર્વ છે કે હજી પણ આપણે કુટુંબ સાથે એજ લાગણીભર્યા સબન્ધો અને હૂંફથી જોડાયેલા છીએ .નાનાભાઈ અને કાકીની હંમેશા લાડકી દીકરી રહી છું .તેથી દિવાળીના કપડાં પીનો ,ચમ્પલ વગેરે મને પહેલું મળતું નાનાભાઈ અને કાકીનો હાથ પકડી દીવાન પરા માં ફરતી અને થેલી ભરી બધી વસ્તુઓ મને નાનાભાઈ અપાવતા . તે હજુ યાદ આવે છે. ઘણા પ્રસંગો થયા ,સાથે ,એક વાત કહું મારા લગ્ન ની કંકોત્રી ૪૭ વર્ષ થી સાચવી છે તેમાં શરૂઆત હતીકે અમારી સુપુત્રી ના લગ્નના પ્રસન્ગે …ધન્ય સમજુ છું મને !!
તરૂ ભટ્ટ
પિયુષ બહુ સરળ, પ્રવાહી અને રસભરપુર આલેખન. વિગતો જોઈ નાનપણમાં કરેલ ઘણા તોફાનો યાદ આવી ગયા. દિનેશભાઇ, કે જે ઉચ્ચ ગણિત અને વિજ્ઞાન ટ્યુશનમાં ભણાવતા તેઓ આપણાં ભણતર સાથે એટલા ઇન્વોલ્વ થઇ ગયેલા કે મોટી પરીક્ષાના દસેક દિવસ પહેલા થી રોજ મોડી રાત્રે 1 કે 2 વાગે સાયકલ પર આપણા ઘર બહાર આવી, અંદર ભણીયે છીએ કે આદત મુજબ ઊંઘી ગયા તેની ખાતરી કરવા ઘરમાં પથ્થર / કાંકરી નાખતા. બારી ખોલીયે તો ઠીક નહિતર ઘરના વડીલોને જગાડવાની પેરવી કરતા !!
ખૂબજ મઝા આવી ,રસાળ શૈલી મોજ કરાવે છે
વાહ પીયૂષ! મોજ આવી ગઈ. આ એપિસોડમાં એક પાત્ર બનવાનું ગૌરવ અનુભવ્યું.
મજા પડી ગઈ પિયુષ! એક નવાઈની વાત કહું. ધ્વજવંદન માં તારી મુખ્ય અતિથિ બનવાની વાત મારી સાથે પણ બની! હું અમદાવાદ રચના હાઈસ્કુલ (શાહીબાગ) નો વિદ્યાર્થી અને 1966 ની 15 ઓગસ્ટે (હું ધોરણ 7 માં હતો), મને પણ આવું સન્માન મળ્યું હતું. શિક્ષકો તરફથી માત્ર જ્ઞાન નહીં પણ ખૂબ અનુશાસન અને લાગણી મળી. તારું આલેખન વાંચી તે સર્વે પ્રત્યે હું પણ આજે નતમસ્તક થઈ ગયો… ખૂબ ખૂબ આભાર.