ફિર દેખો યારોં : નૈતિકતાને બહાને નિયંત્રણ

બીરેન કોઠારી

સ્વતંત્રતા મેળવવી અઘરી છે, તેને ટકાવવી ઓર અઘરી છે, પણ સૌથી વધુ અઘરું હોય તો તેને જીરવવાનું. આ સ્વતંત્રતા ચાહે વાણીની હોય, અભિવ્યક્તિની હોય કે પછી શાસનની યા અન્ય કોઈ પણ હોય. આપણા દેશથી બહેતર અનુભવી આ બાબતે કોણ હોઈ શકે!

તાજેતરમાં સરકારે ‘ઓ.ટી.ટી.’ એટલે કે ‘ઓવર ધ ટૉપ’ના માધ્યમને પણ પોતાના નિયંત્રણ હેઠળ સમાવવાની ઘોષણા કરી છે. હજી બેએક મહિના અગાઉ આ કટારમાં ‘ગાલી હુઝૂર કી તો‘ શિર્ષક હેઠળ લખાયેલા લેખમાં આ માધ્યમ પરથી પ્રસારિત થતી સામગ્રીમાં બેફામ ગાળોનો મુદ્દો ચર્ચવામાં આવ્યો હતો. ‘ઓ.ટી.ટી.’ એટલે કે ખાસ ઈન્ટરનેટના માધ્યમ માટે જ બનાવવામાં આવતી ફિલ્મો અને વેબ સિરીઝમાં અત્યાર સુધી કોઈ પણ પ્રકારનું નિયંત્રણ ન હતું. હવે અહીં પીરસાતી અશ્લિલતા, હિંસા અને બેફામ ગાળોને પગલે સરકારે તેમાં હસ્તક્ષેપ કરવાનો નિર્ણય લીધો અને આ માધ્યમને પોતાના નિયંત્રણ હેઠળ આણી દીધું છે. કેટલીક સામગ્રી પર ‘હિન્દુવિરોધી’ હોવાનો પણ આક્ષેપ હતો.

આ માધ્યમ પર કેવળ ફિલ્મ કે વેબસિરીઝ જ નહીં, સમાચારની સાઈટ, વિડીયો સહિત અનેક સામગ્રી ઉપલબ્ધ હતી, જેની પર કોઈ પણ પ્રકારનું નિયંત્રણ હતું નહીં. આ તમામ બાબતો આઈ.ટી.ધારા હેઠળ આવતી હતી. વીજાણુ કે મુદ્રિત એવાં અન્ય માધ્યમો પરના નિયંત્રણ માટે કોઈ ને કોઈ જોગવાઈ હતી. હવે આ માધ્યમ પરની તમામ સામગ્રી માહિતી અને પ્રસારણ મંત્રાલયના અધિકારક્ષેત્રમાં આવી ગઈ છે. સરકાર કોઈ પણ હોય, એક યા બીજા ઓઠા હેઠળ નિયંત્રણ મૂકવાનું તેનું વલણ હંમેશા હોય છે. નિયંત્રણ સરકાર પોતાને હસ્તક લે એટલે હંમેશાં ‘બકરું કાઢતાં ઊંટ પેસે’ એવો ઘાટ વહેલોમોડો સર્જાતો હોય છે.

અત્યારે આ માધ્યમ પર દર્શાવાતી સામગ્રીમાં મુખ્યત્વે ગાળો અને અશ્લિલતા તેમ જ કહેવાતા હિન્‍દુવિરોધી મુદ્દાઓ મુખ્ય છે. આમાંના પહેલા બે મુદ્દા નૈતિકતા પર આધારિત છે, અને ત્રીજો મુદ્દો દૃષ્ટિકોણ આધારિત. કોઈ પણ પ્રકારની નૈતિકતાની રખેવાળ કદી સરકાર હોઈ ન શકે. શક્ય છે એક વર્ગ ‘ઓ.ટી.ટી.’ પર મૂકાયેલા નિયંત્રણથી રાજી થયો હોય અને તેને લાગ્યું હોય કે સરકારે યોગ્ય કામ કર્યું છે. આની સામે એક વાત સમજી લેવી જોઈએ કે ‘ઓ.ટી.ટી.’ યા અન્ય સ્થાને અનેકવિધ પ્રકારની સામગ્રી ઉપલબ્ધ હોય છે. તેને જોવી કે વાંચવી એ વ્યક્તિગત પસંદગી પર આધારિત છે. કોઈને કંઈ ફરજિયાત ધોરણે તેનું સેવન કરવાની ફરજ પાડવામાં આવતી નથી.

બીજી રીતે જોઈએ તો, ‘ઓ.ટી.ટી.’નું પ્લેટફોર્મ હજી નવુંસવું છે. નિયંત્રણ વિનાની, નવીસવી મળેલી આઝાદીના ગાળામાં અશ્લિલતા કે ગાળો હોય, અને એ જ બાબતને તેના મુખ્ય આકર્ષણ તરીકે આગળ કરવામાં આવે એમ બને. પણ આ આરંભિક તબક્કો કાયમ માટે ચાલુ રહેશે એમ માની શકાય નહીં, કેમ કે, કોઈ પણ માધ્યમને પુખ્ત થવામાં અમુક સમય લાગવા દેવો પડે.

આવા મામલામાં સરકારનો હસ્તક્ષેપ થાય એટલે શક્ય છે કે આ બધું બંધ થઈ જાય. પણ ‘નૈતિકતા’ના ઓઠા હેઠળ સરકાર પોતાની મનમાની કરવા લાગે એ ભયસ્થાન મોટું હોય છે.

નૈતિકતાની યા સંસ્કારિતાની વ્યાખ્યા સરકાર યા અન્ય કોઈ પણ સરકારી યા બિનસરકારી સંસ્થા કરે એ વાત જ કેટલી હાસ્યાસ્પદ છે! આ વ્યાખ્યા હંમેશાં સત્તાસ્થાને બેઠેલાના મગજની ધૂન મુજબ જ રહેવાની. સામાન્ય રીતે સાજોનરવો જણાતો માણસ એક વાર સત્તા હાંસલ કરે એટલે તેના મગજ પર જાતભાતની ધૂનો સવાર થઈ જતી હોય છે.

આપણે ત્યાં સત્તાસ્થાને, જાહેર માધ્યમો પરથી જૂઠાણું પ્રસારિત કરવું અનૈતિક નથી. સરકારવિરોધી લાગે એવાને કોઈ પણ ભોગે એક યા બીજા કારણોસર હેરાનપરેશાન કરી મૂકવામાં અનૈતિકતા નથી. ઉદ્યોગપતિઓની ખુલ્લેઆમ તરફેણ કરવામાં અનૈતિકતા આડે નથી આવતી. સંસદસભ્યોની ખરીદી જાતવાન પ્રાણીઓના સોદા થતા હોય એ રીતે ગૌરવ સાથે કરવામાં આવે છે. ધર્મના નામે ધર્માંધતાને સીધો ટેકો પૂરો પાડવામાં અને એ રીતે કટ્ટરવાદને પ્રોત્સાહન આપવામાં કોઈ છોછ નથી જણાતો. આવી તો અનેક બાબતો ગણાવી શકાય. સવાલ એ છે કે આ બધી બાબતો સ્વીકૃત છે, તેની કોઈ શરમ નથી, બલ્કે અમુક કિસ્સામાં એ ગૌરવ અને ઓળખ સમાન બની રહે છે. તો પછી કઈ નૈતિકતાની વાત સરકાર કરે છે? યા કરી શકે?

આ બાબત કોઈ પણ સમયની સરકારને લાગુ પડે છે. મુખ્ય મુદ્દો એ છે કે સરકાર કદી નૈતિકતાનાં ધોરણો, કોઈ પણ ઓઠા હેઠળ વ્યાખ્યાયિત કરી શકે નહીં. પ્રસાર માધ્યમો બાબતે તો હરગીઝ નહીં. અહીં જૂઠાણાંને સમાચાર તરીકે પ્રસરાવવાનો અને પ્રસ્થાપિત કરવાનો આખેઆખો સુઆયોજિત ઉદ્યોગ ચાલે છે. સત્તાપક્ષ અને વિરોધ પક્ષ પોતપોતાની ક્ષમતા અનુસાર આ ઉદ્યોગ ચલાવી રહ્યા છે. તેનાથી થતું નુકસાન પેલી ‘અનૈતિક’ કહેવાતી સામગ્રીની સરખામણીએ અનેકગણું છે, કેમ કે, તેનો મુખ્ય હેતુ જ સામેવાળાને કોઈ પણ ભોગે ‘પાડી દેવા’નો છે. 

 ‘ઓ.ટી.ટી.’ માધ્યમને નિયંત્રણ હેઠળ લાવવાનો દેખીતો દાવો ગમે તે હોય, એ હકીકત છે કે સ્વાતંત્ર્યની અભિવ્યક્તિવાળું આ ક્ષેત્ર હવે સરકારી નિયંત્રણ હેઠળ આવી ગયું છે. પોતે સંસ્કારિતા જાળવવાનું શિખવાને બદલે તેને લોકો પર લાદવા માટે સરકારો એટલી ઉત્સાહી હોય છે કે તેના ઈરાદા છતા થવામાં ખાસ વાર લાગતી નથી. નાગરિકોની જેમ માધ્યમોને પણ પુખ્ત અને પરિપકવ થવામાં સમય લાગતો હોય છે. આ બાબત સમજવાની પુખ્તતા ભાગ્યે જ કોઈ સરકારમાં હોય છે.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૦-૧૧-૨૦૨૦ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.