સત્યજિત રાયની સૃષ્ટિ – ૮ ચારૂલતા

ભગવાન થાવરાણી

સત્યજિત રાય કક્ષાના સંપૂર્ણ સર્જક ( AUTEUR ) ની ફિલ્મોનું ઘનિષ્ઠ અધ્યયન કરતા હોઈએ ત્યારે એક સમસ્યા એ નડે કે એમની કોઈ એક ફિલ્મની આભામાંથી બહાર નીકળી બીજીમાં પ્રવેશ કરીએ એ પહેલાં પૂરતો વિરામ લેવો પડે. નહીંતર એ બીજીમાં પણ પહેલીના ભણકારા વાગ્યા કરે ! એક રંગથી વિરંજીત થઈએ પછી જ બીજો રંગ ચડે એવું કંઈક !

આજે એમની દરેક રીતે સીમા ચિહ્ન ગણાય એવી મહાન ફિલ્મ ચારૂલતાની વાત. આપણે ગત હપ્તે જે મહાનગરની વાત કરી એ પછીના જ વર્ષે ૧૯૬૪માં આવી આ ફિલ્મ. રવીન્દ્રનાથ ટાગોરની લઘુ-નવલ ‘ નષ્ટ – નીડ ‘ પર આધારિત હતી આ ફિલ્મ. 

ટાગોર પરિવાર અને રાય પરિવાર વર્ષોથી એકબીજા સાથે સાહિત્યિક અને સાંસ્કૃતિક રીતે ઘનિષ્ઠપણે સંકળાયેલા હતા. ટાગોરના જીવનના અંતિમ વર્ષોમાં સત્યજિત રાય એમની સંસ્થા વિશ્વ – ભારતીમાં વિદ્યાભ્યાસ કરવા પણ જોડાયેલા. ટાગોરના સાહિત્યથી એ ભારોભાર પ્રભાવિત હતા એટલે ૧૯૫૫માં પોતાની પ્રથમ ફિલ્મ પથેર પાંચાલી ( SONG OF THE ROAD ) બનાવી તે પહેલાં જ ૧૯૪૮માં એમણે ટાગોરની નવલકથા ‘ ઘરે બાઈરે ‘ ઉપરથી એક પટકથા લખી હતી. એમના મિત્ર હરિસાધન દાસગુપ્તા એ ફિલ્મનું નિર્દેશન કરવાના હતા પરંતુ ફિલ્મના નિર્માતા પટકથામાં થોડાક પરિવર્તનો ઈચ્છતા હતા જે રાયને મંજૂર નહોતું. આખી વાત પડી ભાંગી. છેક ૧૯૮૪માં એ કથા પરથી એ જ નામની ફિલ્મ બનાવી પોતાનું અધુરું રહી ગયેલું  સપનું એમણે પૂરું કર્યું. ચારૂલતા પહેલાં પણ એ ટાગોરની ત્રણ અલગ-અલગ વાર્તાઓ ઉપરથી એક ખૂબસુરત ફિલ્મ  ‘ તીન કન્યા ‘ ૧૯૬૧ માં બનાવી ચૂક્યા હતા. (એમાંની બે ઉપરથી હિંદી ફિલ્મો ‘ડાકઘર અને ‘ઉપહાર પણ બની.) એ જ વર્ષમાં ટાગોરની જન્મ-શતાબ્દિના ઉપલક્ષ્યમાં એમના જીવન પરથી એક દસ્તાવેજી ફિલ્મ રવીન્દ્રનાથ ટાગોર પણ એમણે બનાવી. 

અનેક વિવેચકોના મતે ચારૂલતા એમનું શ્રેષ્ઠ સર્જન છે. (જો કે એવું જ વિધાન એમની બીજી છએક ફિલ્મો વિષે પણ થયું છે !) સ્વયં રાયના મતે, ચારૂલતા ‘એમની સૌથી ઓછી ક્ષતિઓ ધરાવતી ફિલ્મ‘ છે અને ‘એમણે જો ફરી એ ફિલ્મ બનાવવી હોય તો બિલકુલ એ જ રીતે બનાવે !‘. એમણે એમ પણ કહેલું કે એમની ‘ પથેર પાંચાલી ‘ માં હજુ પુન:સંપાદનની થોડીક ગુંજાઈશ છે, ચારૂલતામાં નહીં ! બીજી એક રસપ્રદ વાત ફિલ્મના કથા-રૂપાંતરણ વિષે. એક બાજુ, કેટલાક વિવેચકો એમ કહે છે કે રાયે ટાગોરની મૂળ કથામાં એટલા બધા ફેરફારો કર્યા છે કે આ ફિલ્મ ‘ ટાગોરની કથા પર આધારિત છે ‘ એવું ન લખ્યું હોત તો પણ ચાલત. બીજી બાજુ એ પણ હકીકત કે એક સાહિત્યિક કૃતિનું ફિલ્મમાં આદર્શ રીતે કઈ રીતે રૂપાંતરણ કરાય એના શ્રેષ્ઠતમ ઉદાહરણોમાં વૈશ્વિક ધોરણે આ ફિલ્મની ગણતરી થાય છે અને મોટા ભાગની ફિલ્મ – સ્કૂલોમાં આ ફિલ્મ પટકથા – વિશ્લેષણ અને કથા-રૂપાંતરણની નમૂનારૂપ ફિલ્મ તરીકે ભણાવાય છે ! 

જેમને મૂળ વાર્તા  નષ્ટ – નીડના અંગ્રેજી ભાષાંતરમાં રસ હોય તેઓ એ અહીં વાંચી શકે છે :

https://cafedissensusblog.com/ 2015/05/23/rabindranath-tagore s-the-broken-home-nastanirh-ch apter-1/

ફિલ્મની નાયિકા અને કેન્દ્રીય પાત્ર ભજવતા માધવી મુખર્જી વિષે આપણે  ‘ મહાનગર ‘ વખતે ઘણું લખી ચૂક્યા છીએ. આ ફિલ્મના અભૂતપૂર્વ અને ક્ષતિરહિત અભિનયે એમને વિશ્વની મહાન નાયિકાઓની હરોળમાં માનભેર મૂકી આપ્યા હતા. 

૧૯૦૧ માં લખાયેલી મૂળ વાર્તામાં ૧૮૭૯ ના બંગાળની વાત છે. ૧૮૫૭ નો અંગ્રેજો સામેનો બળવો વિસરાઈ ચૂક્યો હતો છતાં દેશના પ્રબુદ્ધ વર્ગમાં એ શાસન સામેના વિરોધનો ચરુ ઉકળતો હતો. ભૂપતિ દત્ત (શૈલેન મુખર્જી – એ આ પહેલાંની ફિલ્મ મહાનગરમાં એક નાનકડી ભૂમિકામાં હતા) આવા એક પત્રકાર તંત્રી અને સંપન્ન સદ્દગૃહસ્થ છે. કલકત્તાના ભવ્ય મકાનમાં એ પત્ની ચારૂલતા (માધવી) અને નોકર-ચાકરો સાથે રહે છે. વિશાળ મકાનના જ એક હિસ્સામાં એનું પ્રિંટિંગ પ્રેસ અને સેંટીનેલ સાપ્તાહિકની ઓફિસ છે. એમાં એ પૂરી નિડરતાથી પોતાના સરકાર-વિરોધી વિચારોને સ્થાન આપે છે. 

ફિલ્મના ટાઈટલ્સ દરમિયાન, લાકડાની ગોળ ફ્રેમમાં રૂમાલ ભરાવી એના પર નકશીદાર ગૂંથતી ચારૂલતાના હાથ દેખાડાયા છે. એ એના પતિના નામનો પ્રથમાક્ષર છે. ડંકા-ઘડિયાળમાં ચારના ટકોરા. ચારૂ નોકરને, નીચે પ્રેસમાં ચા પહોંચાડવાની બૂમ પાડે છે. એ પછીની દસેક મિનિટ જે દ્રષ્ય – લગભગ પૂરેપૂરું મૌન – આવે છે તે ભારતીય જ નહીં, વિશ્વના ફિલ્મ ઇતિહાસનું ચિર-સ્મરણીય દ્રષ્ય કહેવાય છે. આ દસ મિનિટ નક્કી કરે છે, હવે પછીની ૧૧૦ મિનિટમાં આપણે શું જોઈશું ! દ્રષ્ય વિગતે નીરખીએ. 

ઘરરૂપી ભવ્ય પિંજરમાં કેદ એકલી ચારૂ. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં સમૃદ્ધ ઘરોમાં જોવા મળતું રાચ-રચીલું. ચારૂ વિશાળ પલંગમાં પડી-પડી પુસ્તકના પાનાં ફેરવે છે. ત્યાંથી ઊભી થઈ એ અન્ય રુમની બુક-શેલ્ફમાંથી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયનું પુસ્તક કપાલકુંડલા કાઢે છે. ( બંકિમ એટલે વંદે માતરમ રાષ્ટ્રગીત અને આનંદમઠ, દુર્ગેશ નંદિની જેવા પુસ્તકોના લેખક અને ટાગોરના પુરોગામી અને ગુરુ ) એ દરમિયાન એ  ‘ બંકિમ, બંકિમ ‘ ગાતી રહે છે. ચારૂના એ પ્રિય લેખક છે. બહારથી મદારીની ડુગડુગીનો અવાજ સંભળાય છે. ફેરિયાઓનો પણ. એ પુસ્તકના પાના ઉથલાવતી, પતિના પુસ્તકોના થોથાંવાળા કબાટ આગળથી પસાર થઈ બારીની છાજલી ખોલે છે. દૂર મદારી અને વાંદરા. રૂમમાં પાછી ફરી એ નકશીદાર ટેબલના ખાનામાંથી ઓપેરા ગ્લાસ (બાઈનોક્યુલર) કાઢે છે. ફરી બારી. બાઈનોક્યુલરમાંથી સાવ પાસે દેખાતા મદારી અને બે વાંદરા. બીજી બારી. પાલખી ઉપાડી  ‘ હૈશા હૈશા ‘ ગાતાં નીકળતા કહારો અને છત્રી લઈને જતો એક જાડિયો ભદ્ર-પુરુષ. ચારૂને એ રમૂજી લાગે છે. ત્રીજી અને ચોથી બારી. એ જ પુરુષ અને સ્ટ્રીટ લેંપ. ચારૂ બધું નિર્લેપ ભાવે જુએ છે. 

ચારૂ કમરામાં પાછી ફરે છે. એના ચહેરા પર હવે કંટાળો સાફ દેખાય છે. એ પિયાનોનું ઢાંકણું ખોલી ચાવીઓ ઉપર હાથ ફેરવે છે. પરસાળમાંથી પતિ ભૂપતિ પસાર થાય છે. એનું માથું પુસ્તકમાં ખૂંપેલું છે અને એ થોડેક દૂર ઊભેલી ચારૂની નોંધ પણ લેતો નથી. કમરાનો ફેરો લગાવી ચારૂ ફરી દરવાજે આવે છે અને ફરી પતિ એની આગળથી, પહેલાં કરતાં પણ નજીકથી પસાર થાય છે. હવે એ પતિને ઓપેરા ગ્લાસમાંથી જૂએ છે, બહુ દૂરની વસ્તુ હોય તેમ ! એના ચહેરા પરનો વિષાદ વાંચી શકાય છે. એ અવાક્ છે ! કદાચ પતિ જાણે પણ છે કે ચારૂ હાજર છે પણ એની પાસે પત્નીને કહેવા કંઈ જ નથી. એ જાણે એના માટે ઘરના પડદાઓ, ફૂલદાની, પિયાનો, બુક-શેલ્ફ અથવા પંખીના પાંજરા જેવી કોઈક શોભાની વસ્તુ છે ! 

આખા દ્ષ્યમાં સર્જકની દ્રષ્ટિની પ્રવાહીતા અને રમણીયતા દેખાય છે. ચારૂના જીવનની એક લાક્ષણિક બપોર. કોઈ સંવાદ નહીં છતાં માતબર કથન ! ચારૂના હલનચલનની મર્યાદાઓ, એ કાલખંડનું ફર્નીચર, ગલીના અવાજો, સ્ત્રીની સામાજિક મર્યાદાઓ અને એ બધા વચ્ચે ચારૂનું વ્યક્તિત્વ . એ વિશ્વને જોવા, સ્પર્શવા, અનુભવવા માંગે છે પણ નિ:સહાય છે. વળી અહીં આપણે દર્શકો, ચારૂની એકલતા સર્જકની નજરે નહીં પરંતુ ચારૂની પોતાની નજરે જોઈએ છીએ. આપણે એ બધું જોઈએ છીએ જે ચારૂ જુએ છે. આપણે એના શરીરની ભાષા, ક્રિયા-કલાપો, ચહેરો, બહારથી આવતા અવાજો અને એનો ગણગણાટ ઉકેલીએ છીએ. એ પોતે કશું બોલતી નથી. સર્જક પોતે જાણે આપણને વણબોલાયેલું ઉકેલવાનું આવાહ્ન કરે છે ! 

સમગ્ર દ્રષ્ય (આમ તો સમગ્ર ફિલ્મ !) માં કેમેરાનો કુશળ ઉપયોગ એ વાત ફરી વાર સાબિત કરે છે કે સિનેમામાં જે  ‘ દર્શાવાય ‘ છે તે સંવાદોથી ક્યાંય વિશેષ હોય છે ! 

ફિલ્મ આગળ જોઈએ. 

ભૂપતિએ ચારૂના ભાઈ – ભાભી ઉમાપદ અને મંદા (શ્યામલ ઘોષાલ અને ગીતાલી રોય – બન્ને કલાકારો મહાનગરમાં નાનકડી ભૂમિકાઓમાં હતા)ને સાથે રહેવા બોલાવ્યા છે, પોતાને પ્રેસના કામમાં મદદ કરવા અને ચારૂને સથવારો આપવા. એકવાર ભૂપતિ ચારૂને રાજકારણની આંટીઘૂંટી શિખવાડવા માટે પેશકશ કરે છે ત્યારે ચારૂ કહે છે, ‘ તમારું કેટલું નામ છે ! આપણને પણ ક્યાં કોઈ તોટો છે ? ‘ દર્શકથી આ વાતની સપાટતા છુપી રહેતી નથી. 

ચારૂ પતિને ગૂંથેલો રુમાલ આપે છે. પતિ એને હેતથી પસવારી પૂછે છે, ‘તેં ગૂંથ્યો ? તને આ બધું કરવાનો સમય ક્યારે મળે છે ?’ (એ એનો પોતાનો બચાવ છે !)  ચારૂ – સમયની ક્યાં કમી છે મારે ? (એ કમી તો તમને છે, મારા માટે  ) હું તમને ચપ્પલ પર ભરત ગૂંથી આપીશ.’  ‘તૂં બહુ એકલી પડી ગઈ છો, નહીં ?’  ‘હવે ટેવાઈ ગઈ છું’ આ સંવાદ દર્શાવે છે કે પતિ-પત્નીના સંબંધો એકંદરે સુશિષ્ટ અને પ્રેમાળ છે પરંતુ બન્ને અલગ-અલગ ધરાતલ પર છે. એમના આત્માઓ જોજનો દૂર છે. દેખીતી રીતે બન્ને એકબીજાને સમર્પિત દેખાય છે, પણ બન્નેના સંબંધોમાં કશુંક આવશ્યક ખૂટે છે. કદાચ બન્ને વચ્ચે શરીર-સંબંધ નથી. બન્નેની ઉંમર વચ્ચેનો તફાવત જોતાં ચારૂના બાળ-લગ્ન થયા હશે એવું પણ અનુમાન કરી શકાય. 

ભૂપતિનો બેકાર સાળો ઉમાપદ અને ચારૂની ‘એકલતા દૂર કરવા’ સાળાની પત્ની મંદા આવી પહોંચ્યા છે. મંદા ચંચળ છે અને બોલકી. ચારૂ અને મંદા પત્તાંથી ફ્લેશ રમે છે ત્યારે પણ મંદા નિરર્થક જીતથી ફૂલાઈ જાય છે ત્યારે ચારૂ સમજે છે કે એ રમતમાં કિસ્મત સિવાય કોઈ મોથ મારવાની નથી. એ સ્થિતપ્રજ્ઞ અને અળગી-અળગી છે (જે એનો સ્થાયી સ્વભાવ છે !) અંતિમ પત્તે જ્યારે ચારૂ બધું જીતી જાય છે ત્યારે મંદા કાગારોળ મચાવી મૂકે છે પણ ચારૂ અવિચળ ! 

બહાર તોફાન ઘેરાય છે. (એ ચારૂના જીવનમાં આવી રહેલા તોફાનની પણ એંધાણી છે) નણંદ – ભોજાઈ તોફાનથી બચાવવા બધું સમેટતા હોય છે ત્યાં અમલ (સૌમિત્ર ચેટર્જી) પ્રગટે છે,  હરે મુરારી’ પોકારતો. એ તરવરિયો, ઉછળ-કૂદિયો, સાહિત્ય-કલા-સંગીત રસિક, ચારૂની ઉંમરનો અને ભૂપતિનો પિતરાઈ છે અને રમતારામની જેમ ભાઈ પાસે થોડાક દિવસ રહેવા તોફાન વચ્ચે તોફાન મચાવતો, બસ આવી ચડ્યો છે. એ પતિ -પત્નીને પહેલેથી ઓળખે છે એટલે આવતાંવેંત ચારૂને પગે લાગી પૂછે છે, ‘ આનંદમઠ વાંચો છો ને ? ‘ બંકિમબાબૂ એના અને ચારૂના પ્રિય લેખક છે. 

અમલ એ જ તરવરાટથી કૂદતો નીચે ભાઈને પ્રેસમાં મળવા જાય છે. ભૂપતિ પ્રેમથી કહે છે, ‘અહીં રહી થોડુંક કામ કર.’ અને પોતાના સાળા ઉમાપદની કાર્યદક્ષતાનું ઉદાહરણ આપે છે. એ એને ૯ એપ્રિલ ૧૮૭૯નું તાજું છપાયેલું સેંટીનેલ દેખાડે છે. તંત્રીલેખમાં પોતે લખેલ અંગ્રેજ સરકારની ટીકા પણ વંચાવે છે. 

સાળો ઉમાપદ બનેવીને સલાહ આપે છે કે છાપામાં મસાલેદાર સમાચાર નહીં છાપીએ તો નહીં ચાલે. ભૂપતિ એને પત્રકારીય ઈમાનદારીની શીખ આપે છે અને પોતે રચનાત્મક કામો માટે સમય કાઢી શકે માટે તિજોરીની ચાવીઓ સાળાને સુપરત કરે છે. 

પણે ઘરમાં અમલ ટાગોરનું ગીત ગાય છે. ચારૂને એનું ઉછાંછળાપણું અને સંગીત-પ્રેમ ગમે છે. મંદા મૂકી ગયેલી ગરમાગરમ સમોસાની તશ્તરીમાંથી અમલ  ‘હે ત્રિકોણાકાર ખાદ્યસામગ્રી !’ કહી એક સમોસું સીધું મોઢામાં મૂકે છે અને પછી બહુ ગરમ લાગતાં ધમપછાડા કરી મૂકે છે. ચારૂ અમલનો રૂમ ઠીકઠાક કરતાં એને ફાટેલો ઝભ્ભો ઉતારી આપવાનું કહે છે જેથી એ ટાંકી આપે. 

અમલ, વાજિદ અલી શાહનું  ‘જબ છોડ ચલે લખનૌ નગરી’ ગાતો ભૂપતિની ઓફિસમાં પ્રવેશે છે. ‘તમારે ત્યાં લોટસ મેગેઝીન આવે છે ?’. ભૂપતિ પુસ્તકો અને લેખકોની ટીકા કરે છે. એના માટે દેશપ્રેમ, સ્વરાજ અને રાજકારણ જ સર્વસ્વ છે. એ બંકિમબાબૂનો પણ ટીકાકાર છે. ‘ કોઈ લેખકને વાંચીને આપણને નીંદર ન આવે એનો શું અર્થ? ‘ બન્નેના ઝુકાવ ઉત્તર – દક્ષિણ છે. બન્ને રમત-રમતમાં પંજો લડાવે છે જેમાં પાંત્રીસ વર્ષનો ભૂપતિ બાવીશ વર્ષના અમલ સામે જીતી જાય છે. એ અમલને કહે છે, ‘ચારૂમાં સાહિત્યની સમજ છે. હું તો અતિવ્યસ્ત રહું છું. તું જાણકાર છો. એને મદદ કર.’ અમલ અમસ્તો વિરોધ કરે છે, ‘એને મદદ કરીશ તો હું ક્યારે લખીશ ?’

અમલ વિદુષકની શંકુ આકાર ટોપી પહેરી કૂદતો ઘરમાં પ્રવેશે છે. ચારૂ ભરતકામ કરી રહી છે. અમલ ગાતાં-ગાતાં ભૂપતિના નસીબની ઈર્ષ્યા કરે છે અને ચારૂ એ જ રમતિયાળ લહેજામાં જવાબ આપે છે, ‘તારા નસીબ પણ ચમકશે‘ એ પૂછે છે, ‘શીદ ગયાતા, ઠાકુરપો ?’ (બંગાળીમાં દિયર માટેનું સંબોધન). ‘નોટબુક લેવા.’ અને એ ચારૂને  ‘જીવન એક કવિતા છે. જીવન-મૃત્યુ, દિવસ-રાત, સુખ-દુખ, મિલન-વિરહ’ ની વાત કરે છે. ચારૂ મુગ્ધ છે. ‘આ બધું નોટબુકમાં લખીશ તું ?’ મંદા વચ્ચે ટપકી પડે છે, ‘ચાલો પત્તે રમીએ.’

ચારૂ ગાય છે, ‘કશુંક બોલ. તારી મોહક દંતપંક્તિ મારી ઉદાસી હરી લેશે.‘  અમલ સહસા પૂછે છે, ‘તેં મન્મથ દત્તની કવિતા ગયા મહિનાના લોટસમાં વાંચી ? ‘ ‘ હા, વાંચી પણ ખાસ ગમી નહીં.‘  ‘તો તને કોણ ગમે ?’  ‘બંકિમ બાબૂ. જો કે મને થોડા અઘરા પડે છે. શું એમના વર્ણનો ! એમના સ્ત્રી-પાત્રો તો બસ અદ્ભુત !‘ બન્ને બંકિમની નાયિકાઓની ચર્ચા કરે છે. એવું લાગે છે, ચારૂ અમલ કરતાં વધુ જાણકાર, વધુ રસિક છે. વધુ પારદર્શક પણ ! 

બીજું એક મહાન દ્રષ્ય. આ પણ લગભગ દસ મિનિટનું અને મહદંશે સંવાદ વિહીન. વિશ્વ-સિનેમામાં ચિરસ્મરણીય અનુભવ તરીકે પંકાતું. 

દિયર-ભોજાઈ શેતરંજી લઈને ઘરની બહાર આવેલા બગીચામાં જાય છે. પંખીઓનો કલરવ. અમલ આદર્શ બગીચાની પોતાની કલ્પના ચારૂને કહે છે. એ શેતરંજી પર બેસે છે. ચારૂ થોડેક દૂર, ઝાડમાં ટાંગેલા હીંચકા પર. ‘ ઠાકુરપો ! મને એક હીંચકો નાંખી દો. પછી હું સંભાળી લઈશ.’

ઝૂલતાં-ઝૂલતાં ચારૂ ટાગોરનું ગીત ગાય છે, ‘ ફૂલે ફૂલે ધોલે ધોલે ‘. એ પ્રેમના ઉન્માદમાં છે, સાવ અજાણપણે ! કેમેરા ચારૂના ચહેરા પર મંડાયેલો રહી ચારૂ સાથે ઝૂલે છે. એ ગીતમાં રત્ત છે. (પ્રેમ પણ એક ગીત જ છે ને !) એની નજર અમલ પર છે. ‘ઠાકુરપો ! શું વિચારો છો ?’  ‘કંઈક લખવું છે.’  ‘લખો. પણ હું તમને આપું એ નોટબુકમાં.’ ચારૂ અમલને પોતે સજાવેલી નોટ આપે છે. અમલ ચારૂ સાથે હાથ મિલાવે છે. એ નાટકીય અદાથી નોટબુકને સંબોધે છે, ‘હે મારી કોરી નોટબુક !’ ચારૂ – ‘ઓહો ! મારી નોટબુકની આટલી પ્રેરણા  ‘ બોલી એક અદ્ભૂત વાત ઉચ્ચારે છે. ‘મને એક વચન આપ. આમાં જે લખે એ આમાં જ રહેવા દેવાનું. પ્રકાશિત નહીં કરવાનું.’ અમલને નવાઈ લાગે છે છતાં કહે છે, ‘ ભલે. એમ. ‘

એ લખે છે. ચારૂ નીરવ વાતાવરણમાં કાન સરવા કરી, અમલની લેખનીના ઝીણેરા રવને ઝીલે છે. એના હાથમાં બાઈનોક્યુલર છે. અમલની પેન અટકે છે અને ચારૂને ખબર પડે છે. અચાનક એનું બાઈનોક્યુલર દૂરની બાલ્કનીમાં પોતાના શિશુને તેડીને ઊભેલી એક સ્ત્રી પર કેન્દ્રિત થાય છે. એ કશુંક વિચારી, દ્રષ્ટિ હટાવી લે છે અને તુરંત એની નોટબુકમાં લખતા અમલને જુએ છે. એને એ બહુ નિકટ લાગે છે. એ વિચારમાં છે. (કદાચ એવું વિચારતી હશે કે બાળક નથી, અમલ તો છે ને !) એ પ્રસન્ન છે. નોટ પૂરી થયે અમલ એને વાંચી સંભળાવે છે. ‘હવે તું કંઇક લખ.’ દૂર ઘરની બારીમાંથી મંદા બન્નેને જુએ છે. અમલ એના લેખન વિષે ચારૂનો અભિપ્રાય માંગે છે. ‘ખરાબ તો નથી પણ ઘણા બધા પાત્રો છે. નદી, આકાશ, વાદળ, ચંદ્ર‘ ( જાણે કહેતી હોય, માત્ર મારા વિષે લખ !) . ‘ચારૂ, તું લખ. તારા બચપણ વિષે, તહેવારો વિષે, મેળાઓ વિષે.’ અને પછી, ‘તું નહીં લખે તો ભાઈ મને ખુલાસો પૂછશે કે મેં તને કશું શીખવ્યું જ નહીં.’ ચારૂને આઘાત લાગે છે. ‘તો એમના કહેવાથી..!‘ એ ઊભી થઈ ચાલવા લાગે છે. અમલ બેવકૂફીથી બીજો આઘાત પહોંચાડે છે. ‘હું મારું લખાણ પ્રકાશન માટે મોકલી આપું છું.’ ‘તને ઠીક લાગે તેમ કર.‘ એ આટલા ત્વરિત વચનભંગથી આહત છે. 

આ યાદગાર દ્રષ્યમાં કથા અને કેમેરા પહેલી વાર ઘરની દીવાલોથી બહાર નીકળે છે. પ્રેમ વિષે એક પણ શબ્દ બોલાતો ન હોવા છતાં અહીં પ્રેમ સઘનરૂપે અવતરણ પામે છે. પશ્ચાદભૂમાં સિતાર અને શહનાઈ જાણે પ્રેમને હિંચોળે છે. ચારૂ એના ઓપેરા ગ્લાસમાંથી અમલને નીરખે છે ખરી પણ જેવો અમલ એની તરફ જૂએ એટલે એ  ‘ ફૂલે ફૂલે ‘ ગાવા લાગે છે. એના ચહેરા પરના ઉતાર-ચડાવ દર્શાવે છે કે એના ઠાકુરપો માટે એના મનમાં કેવી ઉથલપાથલ છે ! એ ક્ષણો મનોમન પ્રેમના સ્વીકારની ક્ષણો છે અને એક રીતે, મુક્તિની પણ! 

સમગ્ર દ્રશ્યની સૌથી નાજુક વાત એ કે ચારૂ અમલને, નોટમાં લખ્યું તે પ્રકાશિત કરવાની ના કહે છે. કારણ ? એની એવી ઇચ્છા છે કે આ અંતરંગ ક્ષણોમાં જે રચાયું તે એમના બે વચ્ચે જ રહે ! એ સામાન્ય વિનંતી નથી. એમના બે વચ્ચે જે થયું એ અન્યત્ર ચર્ચાય તો એમાંનું કશુંક વ્યક્તિગત છીનવાઈ જાય છે એવું એ માને છે ! ચારૂની ઉપસ્થિતિમાં અમલે રચેલા શબ્દો એના પોતાના પણ છે અને એ એવી નોટબુકમાં લખાયા છે જે એણે ખાસ અમલ માટે બનાવી હતી ! અને આ જ કારણસર એનું હૈયું બે વાર દુભાય છે. અમલ એના પતિના કહેવાથી એને પ્રોત્સાહિત કરતો હતો એ જાણી અને એની સંમતિ વિના એ રચના પ્રકાશન માટે મોકલવાનો છે એ જાણી ! 

મંદા કંઈક સમજી ચુકી છે. આખરે સ્ત્રી છે ને ! એ અમલને કહે છે, ‘તમારો લેખ લોટસમાં જરૂર છપાશે. કુલફી ખવડાવવી પડશે ‘ ચારૂ હજી નારાજ છે. એ મંદા પર અમથો-અમથો ગુસ્સો કરે છે. 

ભૂપતિ કહે છે, અમલ માટે બર્દવાનથી એક માગું આવ્યું છે. સુંદર, સંસ્કારી છોકરી. સંપન્ન પરિવાર. એ લોકો જમાઈને વિલાયત ભણવા મોકલવા માંગે છે. અમલ વાત ટાળી, પોતે લખેલું મોટા ભાઈને વાંચી સંભળાવે છે. ચારૂને ફરી ખોટું લાગે છે. એને અમલ આ ઘરમાંથી જતો રહે એ કોઈ પણ સંજોગોમાં મંજૂર નથી. (અમલના વિશ્વાસઘાત છતાં !) ચારૂ ઉપર-ઉપરથી પતિને કહે છે, ‘ એને લગ્નમાં રસ છે. બસ થોડા નખરા કરશે. ‘ 

ઉમાપદ – ભૂપતિનો સાળો કોઈક ષડયંત્ર ઘડે છે. એ મંદા -એની પત્ની-ને મોઘમ કહે છે, ‘એક મહિનામાં આપણા નસીબ આડેનું પાંદડું ખસી જશે.’

અમલ પિયાનો પર ( કિશોર કુમારના અવાજમાં ) ટાગોરનું ગીત ગાય છે  ‘આમી ચીનીગો ચીની તોમારે, ઓગો બિદેશિની‘ (હું તને પિછાણું છું, હે વિદેશિની !) ચારૂ એને પાન ધરે છે. એ ચારૂને ચીડવવા ના પાડે છે પણ પછી ગાતાં-ગાતાં ઊભો થઈ એની પાસે જાય છે અને પાન લઈ લે છે. એ ચારૂનો હાથ પકડીને ગાતાં-ગાતાં નાચે છે. ચારૂ ખુરશી પર બેસી એને હેતથી નીરખી રહે છે. એ, અમલે હજી સૂધી હાથમાં પકડી રાખેલું પાન છીનવીને ખાઈ જાય છે !

ચારૂની નજર અમલના જૂના ચપ્પલ પર છે. એ જૂના ચપ્પલ લઈ જઈ, પતિ માટે ભરત ભરેલા નવા ચપ્પલ કાઢે છે ત્યાં અમલ મંદાને સંબોધી બૂમ પાડે છે ‘લોટસ વાળા મારો લેખ છાપવાના છે. કાગળ આવ્યો છે.‘ ચારૂનો ચહેરો તંગ ! મને નહીંને મંદાને કહે છે ? ચારૂ અમલના જૂના ચપ્પલનો એના કમરામાં ઘા કરી પોતાના કમરામાં પૂરાઈ જાય છે. 

અમલ લેખ છપાવાની ખુશીમાં બહારથી કુલફી લાવે છે. ચારૂ મોઢું ફેરવીને ના પાડે છે તો મંદા, દાંતમાં દુખાવાનું બહાનું ધરીને. અમલ ગુસ્સામાં કુલફી ફેંકી દે છે. 

અમલ ચારૂ આગળ, પોતે લેખ છપાવ્યો એનું વ્યાજબીપણું સાબિત કરવા દલીલ કરે છે. ચારૂ  ‘હા એ હા‘ કરે છે પણ પોતાની પીડા એને સમજાવી શકતી નથી. 

જાણે પ્રતિશોધ માટે કટિબદ્ધ હોય તેમ ચારૂ પોતે લખવાનો પ્રયત્ન કરે છે પણ અજંપો એને ધ્યાન કેન્દ્રિત કરવા દેતો નથી. એ પહેલાં મથાળું બાંધે છે  ‘કોયલનો નાદ’. પછી એ છેકીને લખે છે   કોયલનો આર્તનાદ’. એ બહારના બગીચામાં એકલી જઈ, શેતરંજી પાથરી બેસે છે. હીંચકા ઉપર પણ. એનું મન ઉદ્વિગ્ન છે. એ અંતે લખે છે  ‘ મારું ગામ’.

લોટસ કરતાં પણ પ્રતિષ્ઠિત મેગેઝીન ફિલાંથ્રોપમાં ચારૂની રચના છપાય છે. એ દોડતી જઈ, મૂંગી-મૂંગી એ મેગેઝીન અમલના માથામાં મારે છે (અદ્ભૂત ! સંવાદ વિના પણ કેટલું બધું કહેવાઈ શકે !) અને એટલું જ કહે છે, ‘જો. જો તું !‘ અમલ હેબતાઈ જાય છે. ચારૂનો લેખ જોઈ આનંદ વ્યક્ત કરે છે. ચારૂ પાનની ડબ્બીમાંથી પાન કાઢી, એને ધરીને તરત બહાર ફેંકી દે છે ! (અમલે કુલફી ફેંકી હતી એ રીતે !) 

એ બહાર મંદા પાસે જાય છે. ‘હવેથી અમલ માટે પાન હું બનાવીશ. તું ચૂનો વધારે નાંખે છે.’ પાનપેટી ઉપાડી, નવું પાન બનાવી, પતિ માટે ગૂંથેલા ચપ્પલ લઈ અમલ પાસે જાય છે. એના મોઢામાં પાન મૂકે છે. એના હાથમાંથી ફિલાંથ્રોપ મેગેઝીન લઈ દૂર ફેંકી દે છે. અમલ કિંકર્તવ્યવિમૂઢ છે. ‘તું કેટલું સરસ લખે છે, ચારૂ. તારે લખતા રહેવું જોઈએ. ‘મારે કંઈ લખવું નથી. ક્યારેય લખવું નથી.’ કહી ચારૂ એને વળગી પડે છે અને ધ્રુસ્કે – ધ્રુસ્કે રડે છે. 

ભૂપતિએ ઈંગ્લેંડમાં લિબરલ પાર્ટીના વિજયના માનમાં મિત્રોની મિજલસ રાખી છે. સંગીતની મહેફિલ પણ. પાર્ટીના શોર-શરાબા દરમિયાન સાળો ઉમાપદ ભૂપતિની તિજોરી સાફ કરી નાંખે છે. 

મહેફિલમાં ભૂપતિનો મિત્ર અચાનક જાહેરાત કરે છે કે એક મોટી ખુશખબરી છે અને ભૂપતિએ તો આપણને કહ્યું પણ નથી ! એમના પત્નીની રચના એક પ્રતિષ્ઠિત મેગેઝીનમાં છપાઈ છે. ભૂપતિને એ સાંભળી આશ્ચર્ય અને ચારૂએ પોતાને ન કહ્યાનો આઘાત લાગે છે. 

અમલ અને ચારૂ બેઠા છે એ કમરામાં ઉમાપદ પ્રવેશે છે અને જાહેરાત કરે છે કે અમે બન્ને કાલે જઈએ છીએ. બન્નેને આ અચાનક પગલાથી આશ્ચર્ય થાય છે. અમલ કહે છે, ‘ભાઈને હવે કામ ચલાવવું આકરું પડશે.’ અને ચારૂ એને પકડીને પલંગ પર બેસાડે છે. ‘હવે તું કાયમ આ ઘરમાં કેદ !‘ એ ખુશ છે. 

ઉમાપદના પલાયન પછી ભૂપતિને ઠેકઠેકાણેથી ખબર પડે છે કે એનો સાળો એના નામે ઉધાર અને લોનો લઈ આવ્યો છે. કેટલાય વેપારીઓના ચડત પૈસા પણ એણે ચૂકવ્યા નથી. 

ઘર. રાત્રિના દસ વાગ્યા છતાં ભૂપતિ હજૂ આવ્યો નથી. અમલ ચિંતિત છે. ચારૂ એને કહે છે, ‘ગમે તે થાય, તું મને છોડીને જતો નહીં.‘ ‘તને શેની બીક છે, ચારૂ ?’  ‘તું મને વચન આપ. તું જઈશ નહીં.‘ એ એક જ રટ લગાવી ચારૂ કરગરે છે. 

ભૂપતિ ભાંગી પડ્યો છે એના સાળાના દ્રોહથી. ‘આપણું પોતાનું જ કોઈ આપણને આમ દગો દઈ જાય એ તો કેવું ? એણે પૈસાની ઉચાપત કરી એ તો ઠીક, પણ એક માણસ બીજા સાથે આવો વ્યવહાર કરે તો બચ્યું શું ? આપણે જીવી જ કેમ શકીએ, અમલ ?’ એના શબ્દોમાં ગુસ્સો નથી, નરી સચ્ચાઈ છે. 

ભૂપતિના શબ્દો સાંભળતી વખતે અમલને, આંગળી એના તરફ ચીંધાતી હોય તેવું લાગે છે. ભૂપતિ  ‘વિશ્વાસ, ભરોસો એ કેવળ શબ્દો જ ? નજીકના માણસ પર પણ આપણે ભરોસો ન મૂકીએ ? ‘ બહાર ચારૂ બધું સાંભળે છે. ‘પણ તું જેવો છે એવો જ રહેજે ‘ ભૂપતિ કહે છે. ‘ચારૂને તો આ બધું કહી શકાય નહીં.’ ચારૂ એ પણ સાંભળે છે. અમલ મનમાં કંઈક નક્કી કરી રહ્યો છે. 

ભૂપતિ, ચારૂના ભાઈના દગાનો ઉલ્લેખ પણ કર્યા વિના ચારૂને કહે છે કે તારું લખાણ ફિલાંથ્રોપમાં પ્રગટ થયું એ સરસ પણ મને મિત્રો પાસેથી જાણવા મળે એનું દુખ છે મને. ચારૂ  ‘ હું તમને ક્યારે કહું ? તમારી પાસે સમય જ ક્યાં હોય છે ? ‘ ભૂપતિ ‘ હવે પ્રેસ બંધ. હવે સમય જ સમય છે. ‘

અમલ, પોતે જઈ રહ્યો છે એવો ટૂંકો પત્ર છોડીને રાતોરાત નીકળી જાય છે. 

સવારે પતિ-પત્નીને ખબર પડે છે. ચારૂ પતિ આગળ સ્વસ્થતાનો મુખવટો પહેરી રાખે છે. ભૂપતિ અમલના વખાણ કરે છે કે મારા પર બોજ ન બનવા ખાતર એ જતો રહ્યો. કેવો જવાબદાર માણસ! ચારૂ બરાબર સમજે છે, અમલ કેટલો જવાબદાર છે ! મનમાં વિચારે છે, જ્યારે એની સૌથી વધારે જરૂર હતી ત્યારે એ મને, તમને છોડી ગયો ! પલાયનવાદી. પણ ઉપર-ઉપરથી એ સમગ્ર ઘટનાને હસી કાઢવાનું ચાલૂ રાખે છે. 

ભૂપતિ અને ચારૂ થોડાક દિવસ દરિયાકાંઠે વીતાવવા જાય છે. ચારૂ દૂર દરિયામાં ઉછળતી એકલવાયી નૌકાને બાઈનોક્યુલરમાંથી જૂએ છે. ભૂપતિનો રંજ ધોવાઈ ગયો છે. એ કહે છે, ‘ચારૂ, તું લખવાનું ચાલૂ રાખ.’ અને ચારૂ એની આગળ એક વિચાર મૂકે છે. ‘આપણે પેપર ફરીથી ચાલૂ કરીએ. રાજકારણવાળો વિભાગ તમે અંગ્રેજીમાં સંભાળો અને સાહિત્ય-કલાની વાતો હું બંગાળીમાં.’ ભૂપતિને એ વિચાર ગમે છે. 

બન્ને ઘરે પરત. અમલનો પત્ર આવ્યો છે. એ મદ્રાસ પહોંચ્યો છે. ભૂપતિ પત્ર ચારૂને વાંચવા આપે છે. ચારૂ ઉપરછલ્લી ઉદાસીનતા દાખવી પત્ર લે છે. ભૂપતિ કોઇક કામે બહાર જતાં એ પત્રને હૈયાસરસો ચાંપી વાંચ્યા વિના વિલાપ કરે છે, ‘અમલ, તું કેમ જતો રહ્યો ? તું એક પણ શબ્દ બોલ્યા વિના કેમ મને છોડી ગયો ?’

યોગાનુયોગ, બહાર વરસાદ પડતો હોવાના કારણે પાછો ફરેલો ભૂપતિ ચારૂના શબ્દો અને વિલાપ સાંભળે છે. એના માટે આ કારી ઘા છે. એ સ્તબ્ધ છે. પરિસ્થિતિ સમજાતાં એ સફાળો પાછો વળીને જતો રહે છે, ઘર છોડીને. ચારૂને પણ પદચાપથી અણસાર આવે છે કે એ એનો પતિ હતો અને એણે બધું સાંભળ્યું. પણ એ અવિચલિત છે. એણે કોઈ ગુનો કર્યો નથી. એણે નવી પરિસ્થિતિને પણ પચાવી-સ્વીકારી લીધી છે. 

ચારૂ હવે પત્ર વાંચે છે. ફાડીને ફેંકી દે છે. 

ભૂપતિ પોતાની બગીમાં બારોબાર રઝળપાટ માટે નીકળી જાય છે. એ ચારૂએ એને આપેલા B ગૂંથેલા રૂમાલથી આંખો લૂંછે છે. જે બન્યું એ એના માટે અસહ્ય છે. 

હવે અંત. અગાઉ વિગતે વર્ણવ્યા તે બે દ્રષ્યોની જેમ આ પણ વિશ્વ-સિનેમાના યાદગાર અંતોમાંનું એક છે. 

ચારૂ અરીસામાં જોઈ ચાંદલો, સિંદૂર લગાડે છે. એને પહેલાં બગીનો અવાજ અને પછી ભૂપતિનો પદરવ સંભળાય છે. એ અમલના કમરામાં પડેલા  ‘પેલા’ ચપ્પલ લઈને પતિના કમરામાં મૂકે છે. નોકરને દીવો કરવાનું કહે છે. ડંકા-ઘડિયાળમાં એ જ ચારના ટકોરા. એ દરવાજો ખોલે છે. ભૂપતિ ઊભો છે બહાર. ચારૂ પ્રથમ વાર સપાટ ચહેરે ‘આવો’ કહે છે અને પછી ભૂપતિને ખચકાતો જોઈ સસ્મિત  ‘આવો’ કહે છે. ભૂપતિ હાથ લંબાવે છે. ચારૂ પણ હાથ ધરે છે અને બન્નેની આંગળીઓ એકબીજાને સ્પર્શે એ પહેલાં શોટ ફ્રીઝ થઈ જાય છે ! 

પછી પાંચ સ્થિર દ્રષ્યો. નોકર દીવો લઈને ઊભો છે. અજવાળું. ચારૂ અને ભૂપતિ પરસાળમાં ઊભા છે. ભૂપતિને વહાલું એવું છાપું જમીન પર પડ્યું છે અને પરદા પર શબ્દો  ‘ नष्ट नीड़ ‘ BROKEN NEST. 

આપણે આ અગાઉ ચર્ચી એ મહાનગર અને આજની ફિલ્મ ચારૂલતામાં નાયિકા તરીકે માધવી મુખર્જી અને એમની અદ્ભૂત અદાકારી તો છે જ, બીજી પણ કેટલીક સમાનતાઓ છે. એમાંની એક એ કે, બન્ને ફિલ્મો અલગ-અલગ સમય અને સામાજિક-આર્થિક સંદર્ભોની વાત કરતી હોવા છતાં બન્નેમાં નાયિકાની જાગૃતિ અને બાહ્ય ઘટનાઓથી એમના લગ્ન-જીવન પર પડતા ઓછાયાની વાત છે. 

કહેવાય છે કે પડદા પાછળ ફિલ્મની સમગ્ર અદ્ભૂત સિનેમાટોગ્રાફી, પડદા પર જેમનું નામ છે તે સુબ્રત મિત્રાએ નહીં, સ્વયં સત્યજીત રાયે સંભાળી હતી. કદાચ એટલે જ, એ પછી રાય સાથે માત્ર એક ફિલ્મ નાયક કરીને મિત્રા રાયનો કેમ્પ છોડી ગયેલા. ફિલ્મમાં સંગીત તો રાયનું હોય જ. ૧૮૮૦ ના સમયખંડના બંગલાને આબેહૂબ દર્શાવતા સેટ સહિત ઉત્તમોત્તમ કલા-નિર્દેશન બંસી ચંદ્રગુપ્તનું. 

નાયક સૌમિત્ર ચેટર્જીએ રાયની ચૌદ ફિલ્મો સહિત ત્રણ સોથી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. ૧૫ નવેમ્બર, ૨૦૨૦ના રોજ તેમનું દેહાવસાન થયું. 

કહેવાય છે કે જે નવલ પરથી આ ફિલ્મ બની તે ‘ નષ્ટ નીડ ‘ ટાગોરે પોતાના ખુદના જીવન પરથી લખી હતી. એમના મોટા ભાઈ જ્યોતિરીંદ્રનાથના પત્ની એટલે કે એમના ભાભી કાદંબરી દેવી સાથેના એમના સંબંધો પર આધારિત. એ એમની ઉંમરના જ હતા. ટાગોર ૨૩ વર્ષની વયે ૧૮૮૪ માં પરણ્યા એ પછીના ચાર મહીને કાદંબરી દેવીએ આત્મ-હત્યા કરેલી.

મહાન ફ્રેંચ ફિલ્મ સર્જક જયાં લુક ગોડાર્ડની ચારૂલતા સૌથી પ્રિય ફિલ્મ છે. 

ફિલ્મમાં લાગણીઓની એવી તીવ્ર ઉથલપાથલ છે કે કેટલીક લાગણીઓ સ્વયં પાત્રો પણ અડધી-પડધી જ અનૂભવે છે. ચારૂ અને અમલનું એવું છે. એ બન્ને લગભગ અર્ધજાગૃત રીતે સીમાઓ વળોટી જાય છે. મજાની વાત એ કે બન્નેના સંબંધો સામાજિક દ્રષ્ટિએ અવૈધ હોવા છતાં દર્શકને એ એટલા માટે ખૂંચતા નથી કે બન્નેને સભાનપણે એ ખ્યાલ જ નથી કે એમની સાથે શું બની રહ્યું છે ! ભૂપતિ, મંદા અને ઉમાપદ સુદ્ધાંનું એવું જ છે. બધા સંજોગોની જાળમાં ફસાયા છે અને આ જાળ એમના પોતાના ચરિત્રો કરતાં પ્રબળ છે. એમની જાગૃતિમાં જ એમની કરુણતા નિહિત છે. જે કંઈ બની રહ્યું છે એની અભાનતા એમના વ્યક્તિત્વોને એક ઊંચાઈ બક્ષે છે. 

ફિલ્મમાં એકથી વધુ વાર બંકિમ બાબૂનો ઉલ્લેખ થાય છે. ચારૂ અને અમલને જોડનારી કડી પણ એ છે તો ભૂપતિ અને મંદાને એમનાથી અલગ પાડનાર પરિબળ પણ એ ! એ બંગાળી સાહિત્યના પુનરુત્થાનનાં પિતામહ હતા. ચારૂ અને અમલ વચ્ચેના છેલ્લા સંવાદમાં પણ બંકિમ પરોક્ષ રીતે હાજર છે. અમલની વિદાયની રમતિયાળ ચર્ચા થાય છે અને અમલ અને ચારૂ ब ની જાણે અંતકડી રમતા હોય એમ કહે છે, ‘ પહેલાં બર્દવાનપછી બિયે (લગ્ન), પછી બ્રિટન, બેરિસ્ટર, બંગાળ, બ્લેક નેટીવ,  બાપ બાપ બોલે (બે પગ વચ્ચે પૂંછડી), બંકિમ, બાબૂ બંકિમચંદ્ર અને એમની નવલ બિશ-બૃક્ષ !. આમ, બંકિમ બાબૂ ફિલ્મમાં એક પ્રતીક (motif) છે. એવા જ બીજા પ્રતીકો એટલે ડંકા ઘડિયાળ, B વાળો રૂમાલ અને ઓપેરા – ગ્લાસ ! 

નાયિકા ચારૂલતાના ચરિત્રનું એક પરિમાણ એ કે એ એક એવી સ્ત્રી છે જે સતત ઇચ્છે છે કે કોઈ એની પાસે કશુંક માંગે ! એના માટે વિશ્વમાં અમલ પહેલી એવી વ્યક્તિ છે જેણે એની પાસેથી કશુંક માગ્યું અને માટે, એની ઈચ્છાઓ અપૂર્ણ રહે એ ચારૂ માટે અસહ્ય છે ! વળી પ્રણય-ત્રિકોણમાંથી એ એક જ એવી વ્યક્તિ છે જેને કોઈ અંત:કરણની કટોકટી નથી. એ એક જ છે જે પોતાની લાગણીઓથી પીઠ ફેરવતી નથી. એના માટે એના બન્ને પાત્રો માટેના પ્રેમમાં ઝાઝો ફરક નથી. અંતિમ દ્રષ્યમાં એના સમાધાન માટે લંબાયેલા હાથમાં પણ કોઈ ગુનાહિત ભાવનાની સ્વીકૃતિ નથી. માત્ર હકીકતોનો સ્વીકાર છે. એ એમ માને છે કે એની રચનાઓ વિષે લોકો ગમે તે કહે, એની તુલના અમલની સાથે ન થઈ શકે, કારણ કે એ (ભલે અજાણપણે પણ) પ્રેમમાં છે ! 

મિંટના લેખક સંદીપન દેબ તો ત્યાં સૂધી કહે છે કે કોઈ ફિલ્મમાં કોઈ કેમેરાએ સ્ત્રીના ચહેરાનું આટલી બારીકાઈથી નિરીક્ષણ કર્યું હોય, એની કીકીના ઝીણેરા પરિવર્તનને પણ નીરખ્યું હોય એવું સાંભરણમાં નથી. કોઈ અભિનેત્રી કે એના ચરિત્રના ઊંડા પ્રેમમાં પડ્યા વિના અને એના દરેક મૂડને નિકટથી જાણ્યા વિના કોઈ સર્જક આ કરી જ ન શકે ! 

અને અંતમાં, ફરી એક વાર અંતની વાત. 

ટાગોરની મૂળ નવલમાં પતિ-પત્ની બન્ને મનથી એકબીજાથી દૂર સરી જાય છે. રાયે પણ જે મૂળ અંત (ટાગોરવાળી વાતથી વિરુદ્ધ)  લખેલો એમાં પતિ- પત્ની હાથોમાં હાથ પરોવી શયનખંડ ભણી જતા હોય એવું દેખાડવાનું હતું. છેક ફિલ્માંકન વખતે એમણે ગમે તે કારણસર અંત બદલ્યો. લંબાયેલા હાથ એકબીજાને સ્પર્શતા નથી. અદ્ધર જ રહે છે. સમાધાનના બીજ વવાયાનો સંકેત માત્ર !  એ શોટ મહાન સર્જક ફ્રાંસવા ત્રૂફોની ફિલ્મ ‘ 400 BLOWS ‘ ના અંતથી પ્રેરિત છે. 

છેલ્લે પરદા પર આવતા શબ્દો  નષ્ટ નીડ દર્શાવે છે કે બન્ને વચ્ચે સમાધાન કદાચ થાય કે ન થાય, કશુંક એવું છે જે કાયમ માટે વિખેરાઈ ગયું છે. 

(સબટાઈટલ વિનાની) ફિલ્મ આપ અહીં જોઈ શકશો.


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

Author: Web Gurjari

12 thoughts on “સત્યજિત રાયની સૃષ્ટિ – ૮ ચારૂલતા

 1. શ્રી ભગવાનભાઇ, “ચારૂલતા” નું આવું સરસ અવલોકન અને આપે લખેલી ઊંડી સમજ વાંચ્યા પછી ફિલ્મ ફરી જોવી પડશે. તેના સર્જક ની દ્રુષ્ટી થી…

 2. અનુરાગ બસુએ પણ એપિક ચેનલ પર પોણા કલાકની ટેલિફિલ્મનાં ફોર્મેટ પ્ર રવિન્દ્રનાથ ઠાકુરની વાર્તાઓને રજુ કરવાનો એક પ્રયોગ કર્યો હતો.
  તેમાં તેમણે ‘નષ્ટ નીડ’ પરથી ‘ઢાઈ અક્ષર પ્રેમ કે’ નામક ફિલ્મ બનાવી હતી. આટલા ટુંકા સમયમાં પુરા સમયની ફિલ્મમાં જેટલી ભાવનાઓને ઘુંટી શકાય તે શક્ય ન જ હોય, તેમ છતાં એકંદરે આ ફિલ્મ પણ સ-રસ બની હતી.

  https://youtu.be/7Q0M6yuMPEU

  ચારૂ હીંચકા પર અમોલ સાથે જે આનંદની પળોનો આસ્વાદ માણે છે તે આ ફિલ્મમાં આ રીતે રજૂ કરાયું હતું.

  https://youtu.be/sQMrj_3yhao

 3. આભાર અશોકભાઈ !
  સામાન્ય રીતે રાયની ફિલ્મો વિષે લખતી વખતે એ ફિલ્મ જ નહીં, ફિલ્મ સાથે સંકળાયેલી અન્ય બાબતો વિષે પણ વિપુલ માત્રામાં વાંચતો હોઉં છું. કોણ જાણે કેમ, ટાગોરની વાર્તાઓ પરથી બનેલી આ શ્રેણી ધ્યાનમાં જ ન આવી. અનુરાગ બસુ છે એટલે સરસ જ હશે. આજકાલમાં જ એ આખી ફિલ્મ જોઇશ.
  આભાર !

 4. વાહ ખુબ સરસ થાવરાણી સાહેબ.જાણે ચારુલતા ફિલ્મ હુબહુ જોઇ રહ્યા હોઇએ તેવી અનુભૂતિ થાય છે. લેખ વાંચતા ફિલ્મ જોવા ની લાલચ રોકી શકાતી નથી. ખુબ ખુબ અભિનંદન.🙏🙏🙏

 5. ખૂબ સુંદર લેખાંકન અને છણાવટ વાંચીને ફરીથી ફિલ્મને માણી. તમારો ખૂબ ખૂબ આભાર.

 6. It is many a times difficult to see a film thru’ director’s eye, more so when director chair is occupied by Satyajit Ray. you made it for all of us.
  And this one from Wikipedia as to how this(swing) scene inspired others.
  The film contains a famous scene in which Charu (Madhabi Mukherjee) sings Rabindranath Tagore’s song “Fule Fule Dhole Dhole” on a swing, while looking at Amal (Soumitra Chatterjee). The scene is referenced in the Bollywood film Parineeta during the song sequence, Soona Man Ka Aangan. Indeed, Parineeta ‘s Lalita (Vidya Balan) is dressed to resemble Nastanirh/Charulata ‘s Charu. Furthermore, Parineeta is based upon the novel Parineeta by Sarat Chandra Chattopadhyay who was a noted contemporary of Tagore (and who also wrote novels concerned with social reform).
  Compliments and thanks.

Leave a Reply

Your email address will not be published.