દિવાળી આવી, આવી ….. અને ગઈ!

દર્શા કિકાણી

૨૦૭૬ની દિવાળી તો આંધીની જેમ આવી અને નવાવર્ષમાં કર્ફ્યુ થઈ સમાઈ ગઈ!  દિવાળી પહેલાંની ખરીદી કરવા લોકો કોરોનાનો મલાજો રાખ્યા વગર બેકાબૂ થઈ બજારમાં ઊમટી પડ્યાં. મહિનાઓથી પોતાના મિત્રો અને સગાં-વહાલાંઓથી દૂર રહેલાં ગુજરાતીઓ એકબીજાને મળવાં અને ભેટવાં આતુર બની ગયાં. ૧૫૦૦-૧૬૦૦ લગ્નોના સમારંભોની યોજનાઓ થઈ ગઈ. કેટલાંય સામાજિક પ્રસંગો, પ્રદર્શનો અને કાર્યક્રમો પ્લાન થઈ ગયાં. ઓફિસો વ્યવસ્થિત કામ કરવા લાગી. શાળા-કોલેજો ખોલવાની તારીખો આવવા લાગી. લોકોએ જાતે જ ‘ન્યુ-નોર્મલ’ બનાવી પણ લીધો અને અપનાવી પણ લીધો! લોકોને લાગ્યું કે દિવાળી માણી લો ….. કોરોનાની ઐસી કી તૈસી!  બજારોમાં ઊમટેલી ભીડ અને તહેવારોમાં જામેલી કૌટુંબિક અને સામાજિક ભીડ એટલું તો ચોક્કસ કહે છે કે આ મહામારીમાંથી આપણે હજુ સુધી કંઈ શીખ્યાં નથી. આપણે હજું ઘણું શીખવાનું બાકી છે! અને કદાચ એ શીખીશું નહીં ત્યાં સુધી કુદરત આપણને છોડશે નહીં! જેટલું જલદી શીખીશું તે આપણા જ ફાયદામાં છે!

આ વર્ષે આપણને નવું કામકાજ, પ્રગતિ કે સમૃદ્ધિ ભલે ન આપ્યાં  હોય પણ અનેક નવા જોરદાર અને ચોટદાર અનુભવો તો ચોક્કસ આપ્યા અને અનુભવની સાથે અવનવા પાઠ પણ ભણાવ્યા. આપણે આ દિવાળીમાંથી શું શું શીખ્યાં ? 

અનિશ્ચિતતા નિશ્ચિત છે!
કોરોના છે કે ગયો? ખબર નથી!
કર્ફ્યુ આવશે કે નહીં? ખબર નથી!
લોકડાઉન થશે કે નહીં? ખબર નથી!
શેરબજાર ચાલશે કે નહીં? ખબર નથી!
પણ અનિશ્ચિતતા નિશ્ચિત છે!

આજના સંજોગોમાં તો લાગે છે કે  મોટાભાગની વસ્તુઓ અનિશ્ચિત, ક્ષણભંગુર છે (સંબંધો ખાસ)! કોરોનામાંથી મળેલી મુક્તિની જેમ!  હજુ તો આપણે ખરીદી કરી-ન-કરી  અને મિત્રોને મળ્યાં-ન-મળ્યાં, ત્યાં તો કોરોના અને કર્ફ્યુ પાછાં હાજર! જો કે કોરોના ગયો જ ન હતો. એની પકડ ઢીલી પડી છે એવો આપણો વહેમ હતો. હવે તો તે છેક આપણા ઘર સુધી આવી ગયો છે અને ઘણાં લોકો તેના સકંજામાં આવવાં લાગ્યાં છે. આપણે જ માસ્ક અને દો-ગજ-કી-દૂરી ભૂલી જઈ તેને આમંત્રણ આપવાની ભૂલ કરી છે. હવે ભોગવવું પણ આપણે જ પડશે!

અમે કોલેજમાં ‘પ્લાનિંગ કેમ કરવું’ તે ભણતાં ત્યારે ‘વોલેટીલીટી ઇન્ડેક્સ’ માત્ર એક નંબર છે તેવું લાગતું, પણ અત્યારે તેનું મહત્વ સમજાય છે! અત્યારે તો વોલેટીલીટી, અનિશ્ચિતતા, એક માત્ર નિશ્ચિત ફેક્ટર જણાય છે!

કોરોનાએ સ્પષ્ટ રીતે સમજાવી દીધું છે કે  પહેલું સુખ તે જાતે નર્યા! તબિયત સારી હોય તો ગમે તેવી મુશ્કેલીને પહોંચી વળાય. અને નાદુરસ્ત તબિયત મોટી તકલીફ ઊભી કરે.  માનસિક અને શારીરિક તંદુરસ્તી કેટલી અગત્યની છે તે તો તકલીફના સમયમાં જ ખબર પડે! ઘરનાં અને બહારનાં બધાં કામ ઘરનું દરેક માણસ એકલે હાથે સંભાળી શકે તેટલી તૈયારી કરી લેજો. અમે તો ઘરમાં બે દિવસની આઇસોલેશનની મોક ટ્રાયલ પણ કરી લીધી!

તનની અને મનની તંદુરસ્તી માટે શું કરી શકાય? એક જ વસ્તુ કરી શકાય : ચિંતા છોડો અને  ખુશ રહો! કહેવું સહેલું છે અને કરવું મુશ્કેલ છે. સાચી વાત છે! પણ છૂટકો નથી, એ પણ એટલું જ સાચું છે! ઘેર બેઠાં જ કસરત, પ્રાણાયામ, યોગાસન કરો, શરીરની તંદુરસ્તી માટે. હોબીમાં  મશગૂલ રહો, મનની તંદુરસ્તી માટે. હોબી ના હોય, તો વિકસાવો. વાંચન, કવિતા, સંગીત, ચિત્રકામ, રસોઈ…. અનેક વિકલ્પો છે અને યુટ્યુબ પર માર્ગદર્શન હાજરાહજૂર છે! ‘જાત મહેનત ઝિંદાબાદ’ સમજી ઘરના કામમાં મદદ એ તન, મન અને ધન ત્રણે તંદુરસ્તી માટેનો અકસીર ઈલાજ છે. અપનાવી જોશો તો આનંદ જ આનંદ છે!

સાથે સાથે એ પણ યાદ રાખજો કે સુખી થવું હોય તો થોડા મૂર્ખ રહેજો અને  સહનશીલ બનજો.  તમારી આસપાસ ઘણી વાર ઘણું બધું તમારી ઈચ્છા વિરુદ્ધ બનતું હશે, ખોટું બનતું હશે. આંખો બંધ રાખી, મોં બંધ રાખી,  જે થાય તે થવા દેજો. બહુ હોશિયારી બતાવી ચર્ચામાં  ઊતરશો નહીં અને કોઈને પણ સુધારવાનો પ્રયત્ન કરશો નહીં. લોકોને પોતાની ભૂલમાંથી જ શીખવા દેશો. જાતે પછડાટ ખાઈ શીખેલા પાઠ લાંબો સમય યાદ રહેશે.  

કોરોનામાંથી પસાર થઈ રહેલ તમારાં મિત્રો, સગાં કે પાડોશીઓને બને તેટલી મદદ કરશો. જીવન-જરૂરિયાતની વસ્તુઓ, દવાઓ, શાકભાજી અને ફળફળાદી, પુસ્તકો… જે જોઈએ તે લાવી આપશો. કાલે કદાચ તમે પણ એમની જગ્યાએ હોવ? અત્યારે આપણે કોરોનાના એ સ્ટેજ પર છીએ કે જયારે મોટાભાગના લોકો થોડેવત્તે અંશે કોરોનાની અસરમાંથી પસાર થશે જ.  યાદ રાખજો : મુજ વીતી તુજ વીતશે, ધીરી બાપુડિયા!

જેવી રીતે કર્ફ્યુ અને લોકડાઉન કાયમ નથી રહેવાનાં, તે રીતે કોરોના પણ લાંબો નથી રહેવાનો. જરૂર છે કોરોનાને વિધિસર વિદાય કરવાની! કોરોનામારણની  વેક્સીનેશન અને અન્ય દવાઓ શોધાતાં કોરોના પણ જશે જ. પરંતુ, ત્યાં સુધી આપણે માસ્ક, દો-ગજ-કી-દૂરી, આઇસોલેશન, ક્વોરેનટાઈન, કર્ફ્યુ, લોકડાઉન… વગેરેને અપનાવવાં જ રહ્યાં!  હમણાં એક સરસ વાક્ય વાંચ્યું : વાત સાવ નાની  છે, સમજી લો… માસ્ક કફનથી નાનું છે, પહેરી લો!

ભારત માટે કદાચ ‘અચ્છે દિન’ આવતાં બહુ વાર નહીં લાગે. ભારત હજુ પણ કૃષિ-પ્રધાન દેશ છે, એટલે કૃષિક્ષેત્રની આબાદી દેશને ટકાવી રાખવામાં સફળ થશે.  અને આજે તો કોરોનાની મહામારી છતાં કૃષિક્ષેત્રે આબાદી દેખાઈ રહી છે. ગુજરાતમાં સરકારી આંકડાઓ  રવિપાકોનું વાવેતર ડબલ થયેલું જણાવે છે. જો દેશભરમાં આ ટ્રેન્ડ રહેશે તો આ એક સિઝનમાં જ આપણી ગાડી પાટા પર ચડી જશે. ઔદ્યોગિક ક્ષેત્રની આબાદીનું ઝાંખું પ્રતિબિંબ આપણને શેરબજારના ઇન્ડેક્સ પરથી મળી રહે. જો છેલ્લા થોડા સમયથી ચાલતી શેરબજારની તેજી સાચી દિશામાં અંગુલીનિર્દેશ કરતી હોય તો કૃષિક્ષેત્રની મદદથી પાટે ચડેલી ભારતની ગાડી દોડવા લાગશે તે નક્કી ! મેરા ભારત મહાન !!


સંપર્ક : દર્શા કિકાણી : ઈ –મેલ – darsha.rajesh@gmail.com

Author: Web Gurjari

8 thoughts on “દિવાળી આવી, આવી ….. અને ગઈ!

  1. So true! Only constant is change. We are yet to learn our lesson from the pandemic 😷 Uncertainty is all we know, yet we become so certain that nothing is going to happen to ME😟

  2. Very True. Only self discipline will help us survive through this Pandemic. Govt and other machineries can set guidelines for us. We and only we can follow the stipulated guidelines and no one else can help. It is not the time to work out profits and gains. It is time to ensure survival. Profits and gains can be recovered in coming years, only if we survive through this Pandemic. May God bless us all 🙏

    1. Absolutely right, Bharatbhai! Individuals may understand all this logic but mobs will not! May God bless us!🙏

Leave a Reply

Your email address will not be published.