સમયચક્ર : ‘બાબાણીબોલી’ (પિતૃભાષા) કચ્છી હવે શાસ્ત્રીયતા ઝંખે છે

    કચ્છીભાષા ઇન્ડો-આર્યન ભાષા સમુહની જ છે, જેમાં મોટાભાગની ભારતીય ભાષાઓનો સમાવેશ થાય છે. ભારતની ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ ૧૦,૩૧,૦૦૦ લોકો કચ્છી બોલે છે. કચ્છી, પાકિસ્તાનનાં  સિંધપ્રાંતમાં પણ બોલાય છે અને  સિંધી ભાષા સાથે ઘણું સામ્ય ધરાવે છે.  કચ્છની સ્વતંત્ર એવી કચ્છી ભાષા ગુજરાતમાં બીજાક્રમની સ્વતંત્ર ભાષા છે. અત્યાર સુધી અવગણના પામેલી કચ્છીભાષા sense of humour ની ભાષા ગણાય છે.   પરંતુ  બસો વર્ષ પહેલાનું કચ્છીમાં રચાયેલું લેખિત સાહિત્ય મળતું નથી. કચ્છી હવે વિકાસ ઝંખે છે. માત્ર કચ્છીઓ જ નહીં, ગુજરાતી ભાષાના સાહિત્યકારો, અભ્યાસુઓ અને  સંશોધકો જો આ ભાષાના વિકાસમાં રસ લેશે, તો ભારતની ભાષાવાડીના પશ્ચિમ ખૂણે ખીલેલાં આ રેતપુષ્પનું સૌંદર્ય અને સુવાસ બધા સુધી પહોંચશે.

માવજી મહેશ્વરી

કચ્છીભાષાને સૌથી પહેલો અને સૌથી વધુ નિકટનો નાતો ગુજરાતી ભાષા સાથે રહ્યો છે. અહીં એવો પ્રશ્ન થાય કે કચ્છમાં પહેલા ગુજરાતી આવી કે કચ્છી ? મારું માનવું છે કે ગુજરાતીના પ્રવેશ પહેલા જ કચ્છમાં કચ્છી ભાષાનું અસ્તિત્વ હતું. કચ્છમાં માતંગદેવને બારસો જેટલાં વર્ષ થયાનું માનવામાં આવે છે. માતંગદેવ અને તેમની ચોથી પેઢીએ થઈ ગયેલ મામૈદેવે રચેલી જ્ઞાનવાણી કચ્છીભાષામાં છે. માતંગદેવે રચેલા મહેશપંથને  અનુસરનાર મહેશ્વરી જ્ઞાતિની તમામ વિધિઓ વખતે બોલાતા મંત્રાદી કચ્છીભાષામાં છે. એમ કહી શકાય કે એક આખો ધર્મ જ કચ્છીભાષામાં છે. આનો એ અર્થ થયો કે બારસો વર્ષ પહેલા કચ્છીભાષા અથવા તો એને મળતી આવતી ભાષા હોવી જોઈએ. મહેશપંથ પશ્ચિમ કચ્છમાં વિકાસ પામ્યો. આજે પણ પશ્ચિમ કચ્છમાં રહેતી મોટાભાગની જ્ઞાતિઓ પૂર્ણપણે કચ્છીભાષા બોલે છે. વીસા અને દસા ઓસવાળ, ભાનુશાળી, લોહાણા, ભાટિયા, તુંબેલ ગઢવી, મુસ્લીમ, મહેશ્વરી, મારવાડા, સંઘાર, રાજગોર અને પુષ્કર્ણા બ્રાહ્મણ  જેવી જ્ઞાતિઓ કચ્છ બહાર વસ્યા પછી પણ પોતાના આંતર વ્યવહારમાં કચ્છીભાષાનો ઉપયોગ કરે છે.

કચ્છીભાષાની વાત થતી હોય ત્યારે કચ્છની ભૂગોળ અને તે વખતના માર્ગો વિશે પણ વિચાર કરવો જોઈએ. દોઢસો-બસો વર્ષ પહેલા કચ્છમાં પ્રવેશ માટે એક માત્ર પશ્ચિમ દિશાનો જમીન માર્ગ જ ખુલ્લો હતો. કચ્છની દક્ષિણે દરિયો, ઉતરે રણ, પૂર્વમાં દરિયાની નેળ અને અર્ધ રણ જેવી જમીન હતી. કોઈ કારણોસર ગુજરાતીભાષી પ્રજાએ સ્થળાંતર કર્યું તે સંભવત વર્તમાન સૂરજબારી પુલવાળા રસ્તે કચ્છમાં પ્રવેશી અને  પૂર્વ કચ્છમાં  જ વસી ગઈ છે. કદાચ ત્યારથી  કચ્છમાં ગુજરાતી અને કચ્છીનો મેળાપ થયો છે. ઉપરાંત જાડેજા શાસન દરમિયાન કારભારીઓ મોટાભાગે ગુજરાતીભાષી નાગરો અને કાયસ્થ રહ્યા છે.  અહીં નોંધનીય હકીકત એ પણ છે કે, કચ્છના શાસક જાડેજા જ્ઞાતિનો લગ્ન વ્યવહાર મોટાભાગે ગોહિલવાડ, ઝાલાવાડ, પાંચાળ, કાઠિયાવાડ, અને હાલાર પંથક સાથે રહ્યો છે. ગુજરાતીભાષી એ પ્રદેશોમાંથી આવતી ક્ષત્રીય સ્ત્રીઓ પોતાની ભાષા જાળવી રાખે છે. જાડેજા પુરુષો ઘરની અંદર ગુજરાતી બોલે છે જ્યારે ઘરની  બહાર કચ્છી બોલે છે. એટલે જાડેજા જ્ઞાતિનું જોડાણ ગુજરાતી અને કચ્છી બેય ભાષા સાથે રહ્યો છે. એવું જ કચ્છમાં રહેતા નાગરોનું છે, એમનો  સ્ત્રીવર્ગ ગુજરાતી જ બોલે છે. જ્યારે પુરુષો ગુજરાતી અને કચ્છી બેય ભાષાઓ બોલી શકે છે.

ઉચ્ચાર ધ્વનિઓ – કચ્છીને ધ્યાનથી સાંભળીએ જુદી ભૂગોળની ભાષા જણાય છે. કચ્છીભાષામાં થડકારાવાળા મહાપ્રાણ ઉચ્ચારોનું પ્રમાણ વધારે છે. આવું થવાના કારણમાં કચ્છની ભૂગોળ જવાબદાર હોઈ શકે. રણ વિસ્તાર, પાંખી વસ્તી, પશુપાલનનો વ્યવસાય, આ બધાને કારણે જોરથી બોલવાની જરુર ઉભી થઈ હોય જે ટેવ રુપે કાયમ રહી ગઈ હોય.

ગુજરાતીમાં બોલાતા દ, શ, ષ, ળ, ક્ષ, અને જ્ઞ કચ્છીમાં બોલાતા જ નથી. કચ્છીમાં દ ના સ્થાને  ડ અથવા ધ વપરાય છે. જેમ કે, દરવાજોને કચ્છીમાં ધરવાજો કહે છે, જ્યારે દાદા ને ડાડા કહે છે, ગુજરાતીમાં બોલાતા શ, ષ અને સ ને બદલે કચ્છીમાં એક જ સ વપરાય છે. ગુજરાતીના ળ ને કચ્છીમાં ર અને ડ બોલાય છે. જેમકે હળનું હર થાય છે જ્યારે નળનું નડ થાય છે. ગુજરાતી ક્ષ કચ્છીમાં બોલાતો જ નથી.  ક્ષ ની જગ્યાએ છ બોલાય છે. પણ કચ્છીમાં આવા શબ્દો જૂજ છે. ગુજરાતી જ્ઞ માટે ગ અને ન નો જોડાક્ષર ગ્ન અને જ પણ બોલાય છે. જેમ કે, જ્ઞાતિ માટે ગ્નાતિ જ્યારે યજ્ઞ માટે જગન. હવે આનાથી ઉલટુ. કચ્છી ભાષામાં કેટલાક એવા ઉચ્ચાર છે જે ગુજરાતીમાં બોલાતા નથી. કચ્છી ભાષામાં પુષ્કળ વિવૃત ( પહોળા ઉચ્ચાર ) શબ્દો છે. વિવૃત શબ્દો કચ્છીભાષાની ઓળખ છે. ગુજરાતીમાં ગ અને ઘ એવા બે ઉચ્ચાર છે જ્યારે કચ્છીમાં ગ, ઘ અને એક ગ થી થોડો મૃદુ ગ પણ બોલાય છે. જેમ ઉર્દૂમા છે. ગુજરાતીમાં જ અને ઝ  એવા બે ઉચ્ચાર છે, જ્યારે કચ્છીમાં જ, ઝ, ઞ અને જ થી થોડો મૃદુ જ પણ  બોલાય  છે  જે  ગુજરાતીમાં બોલાતો નથી. ગુજરાતીમાં ઙ લખવામાં વપરાતો નથી. જ્યારે કચ્છીભાષામાં ઙ થી પુષ્કળ શબ્દો બને છે. જેમકે મુઙ ( મગ ) અંઙણ ( આંગણું)

લિપિ – કચ્છીભાષા પાસે પોતાની સ્વતંત્ર લિપિ નથી. કચ્છી લખવા માટે  ગુજરાતી અથવા દેવનાગરી લિપિનો ઉપયોગ કરાય છે. પણ, કચ્છીના કેટલાક ઉચ્ચારો એવા છે જે ગુજરાતી કે દેવનાગરીમાં લખી શકાતા નથી. અત્યારે કચ્છીભાષામાં રચાતું સાહિત્ય ગુજરાતી લિપિમાં છપાય છે. એ છપાયેલું સાહિત્ય અન્યભાષી ખોટા ઉચ્ચાર સાથે વાંચે છે. કચ્છીભાષામાં બે ઉચ્ચાર એવા છે જે ગુજરાતીમાં લખી શકાતા નથી. એ બે ઉચ્ચાર છે અર્ધ ઉ અને અર્ધ ઇ. કચ્છીભાષાનો ક્યારેય શૈક્ષણિક ઉપયોગ થયો નથી. પરિણામે આ ભાષાની લખવાની મર્યાદાઓ દૂર થઈ શકી નથી.

વ્યાકરણ –  કચ્છીભાષા પાસે પોતાનું વ્યાકરણ નથી. એ દિશામાં એકાદ બે પ્રયત્નો સિવાય વિશેષ કાર્ય પણ નથી થયું. કચ્છીમાં મોટાભાગે કાળ બદલાવતી વખતે અનેક મુશ્કેલીઓ  પડે છે. પરિણામે કોઈ સામાન્ય નિયમ બનાવી શકાતો નથી. દરેક વખતે અપવાદ આવે છે. કચ્છીના પ્રશ્નવાચક સર્વનામ માત્ર ક થી શરુ થાય છે. કચ્છી દ્વિલિંગી ભાષા છે. ગુજરાતીમાં જે નાન્યતર જાતિના શબ્દો છે તે બધા કચ્છીમાં પુલ્લિંગ રૂપમાં બોલાય છે.

શબ્દ ભંડોળ અને શબ્દ લાલિત્ય –  વર્ષોથી કચ્છી કચ્છી કૃષિકારો અને પશુપાલકોની  ભાષા રહી છે. પરિણામે એનું શબ્દ ભંડોળ, રૂઢિપ્રયોગો, કહેવતો વગેરેમાં કૃષિ અને પશુપાલક જગતની અસર  દેખાય છે. કચ્છ અત્યંત વિશાળ પ્રદેશ છે. વળી એક કેન્દ્રવર્તી સત્તા હેઠળ રહ્યો નથી. કચ્છના રાજાઓ કે રાજસત્તાએ કદી કચ્છીભાષાના વિકાસમાં રસ લીધો નથી. કચ્છમાં નગર સંસ્કૃતિનો વિકાસ પણ ઘણો મોડો થયો છે. પરિણામે કચ્છીને એક ભાષા તરીકે સ્થિર થવામાં અને વિકસવામાં બાધા ઉભી થઈ છે.

કચ્છી સાહિત્ય અકાદમીની રચના થઈ ગયાને દોઢ દાયકો થઈ ગયો છે ત્યારે કેટલાક મુદ્દા ચર્ચવા જરુરી બને છે. કચ્છી પાસે લિપિ અને વ્યાકરણ ન હોવાને કારણે અન્ય ભાષાઓની કૃતિઓનું કચ્છીમાં ભાષાંતર કરતી વખતે મુશ્કેલી પડે છે. એટલે મૂળ કચ્છીભાષાનો આગ્રહ રાખનારાએ વિચારવાનો સમય આવ્યો છે કે, કચ્છી સાહિત્યને ઉત્તમ કૃતિ તો જ મળશે જો નવી કચ્છી વ્યવહારમાં આવશે. જે મોટાભાગે ગુજરાતી મિશ્રિત જ હશે.

કચ્છી પાસે વિકાસની અનેક તકો છે. કચ્છીને એક સુધારેલી કચ્છી તરીકે પણ મૂકી શકાય એટલી શક્યતાઓ છે. આ બધી શક્યતાઓ વચ્ચે આ ભાષા સંવર્ધન ઈચ્છે છે. આ કાર્ય શાસ્ત્રીય રીતે થાય  એ જરુરી છે. કચ્છીનો જ્યાં સુધી શૈક્ષણિક ઉપયોગ નહીં થાય ત્યાં સુધી એનો વિકાસ ધૂંધળો જ હશે.


શ્રી માવજી મહેશ્વરીનાં સંપર્ક સૂત્રોઃ ફોન નં. +૯૧ ૯૮૨૫૭૨૫૫૯૬ Email mavji018@gmail.com

Author: Web Gurjari

1 thought on “સમયચક્ર : ‘બાબાણીબોલી’ (પિતૃભાષા) કચ્છી હવે શાસ્ત્રીયતા ઝંખે છે

  1. બહુ જ સરસ લેખ . સાઠ વર્ષ ગુજરાતમાં રહ્યા છતાં, આપણી જ આ ભાષા વિશે આ બધી ખબર જ ન હતી. માવજીભાઈનો ખુબ ખુબ આભાર કે, આ બધી રોચક માહિતીની જાણ કરી.

Leave a Reply

Your email address will not be published.