ફિર દેખો યારોં : આ વિસ્ફોટ સંભળાતા બંધ થશે ખરા?

બીરેન કોઠારી

આ વર્ષે દિવાળીમાં ફટાકડાના ધડાકા સંભળાયા કે નહીં તે તો દરેકનો પોતપોતાનો અનુભવ હશે, પણ કારખાનાંમાં થતા વિસ્ફોટ ઓછા થવાનું નામ લેતા નથી. તેની ધ્રુજારી આસપાસના વિસ્તારોમાં સંભળાય છે, પણ સંબંધિત સત્તાતંત્રના કાન સુધી તે પહોંચતી નથી એમ લાગે છે.

ત્રણેક અઠવાડીયા પહેલાં અમદાવાદ નજીક રસાયણોના એક કારખાનામાં પ્રચંડ વિસ્ફોટ થયો, જેમાં બાર લોકોએ જાન ગુમાવ્યા અને દસેક લોકોને જીવલેણ ઈજાઓ થઈ. જાન ગુમાવનારાઓમાં ચાર મહિલાઓ અને બે બાળકોનો પણ સમાવેશ થાય છે.

આવી કોઈ પણ દુર્ઘટના કંઈ અચાનક બનતી હોતી નથી. સલામતિ માટેની માર્ગદર્શિકાનું પાલન કરવામાં ન આવે ત્યારે અકસ્માતના સંજોગો સર્જાતા હોય છે. દુર્ઘટના થાય એ પછી જાતભાતની તપાસ કરવામાં આવે છે અને સલામતિનાં પગલાં લેવામાં ક્યાં કચાશ રહી તે શોધવાની કવાયત કરવામાં આવે છે. આ કવાયતનું પછી શું થયું એ વિશે ભાગ્યે જ જાણ થાય છે. એકાદી આવી દુર્ઘટના માંડ વિસરાવા આવે કે નવી કોઈ દુર્ઘટના થાય છે. આવી ઔદ્યોગિક દુર્ઘટનાઓ વિશે લખવાનું પુનરાવર્તન લાગે તો પણ એ લખવું જરૂરી બની રહે છે, કેમ કે, સમયાંતરે તે સતત બનતી રહી છે, અને તેના પ્રચંડ વિસ્ફોટથી કદાચ કાન બધિર થાય, પણ કોઈની આંખ ઉઘડતી નથી.

અમદાવાદવાળી દુર્ઘટનાને પગલે વળી પાછી જાણે કે ‘આકરાં પગલાં’ લેવાની મોસમ આવી ગઈ છે. રાજ્યભરનાં ગેરકાયદે, એટલે કે પરવાનગી વિના બનાવાયેલા વેરહાઉસની તપાસનો આદેશ જારી કરવામાં આવ્યો છે. કારખાનાના માલિક તથા અન્ય સંબંધિત સામે સદોષ માનવહત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અત્યંત જ્વલનશીલ રસાયણો, કોઈ પણ જાતની મંજૂરી કે જરૂરી સાવચેતી વિના રખાતાં તેમજ વપરાતાં હોવાનું જણાતા એ દિશામાં તપાસ આગળ વધી રહી છે. રાજ્ય સરકારે મૃતકોના પરિવારને ચાર લાખ રૂપિયાની સહાય આપવાની ઘોષણા કરી.

આ આખા ઘટનાક્રમમાં નવું શું છે? જે તે ફેક્ટરીઓ સંબંધિત ખાતાની વિવિધ માર્ગદર્શિકાનું પાલન કરે છે કે કેમ એ અકસ્માત થાય ત્યારે જ કેમ તપાસવામાં આવે છે? રાજ્ય સરકાર પોતે મૃતકોને ભલે આર્થિક સહાય જાહેર કરે, શું તે ફેક્ટરીના માલિકને એમ કરવા માટે ફરજ પાડે છે ખરી? અકસ્માતના આવા કિસ્સામાં મૃત્યુ પામનાર મોટે ભાગે અસંગઠિત વર્ગના મજૂરો હોય છે, જેમના વતી રજૂઆત કરનાર કોઈ ભાગ્યે જ હોય છે. મૃતદેહોનો કબજો લેવાનો મૃતકોના પરિવારજનો ઈ‍ન્કાર કરે ત્યારે જ જે તે તંત્ર પર દબાણ ઊભું થાય છે. અન્યથા તેમની વાત કોણ કાને ધરે? એમ કહી શકાય કે મોટા ભાગના અકસ્માત પછી આ પણ એક કાર્યપદ્ધતિ બની ગઈ છે.

એવું નથી કે આવી દુર્ઘટનાઓ ફક્ત ગુજરાત રાજ્યમાં જ બને છે. અન્ય અનેક બાબતોમાં વિવિધતા ધરાવતા આપણા રાષ્ટ્રમાં આવી દુર્ઘટના, તેનાં કારણ, તેને પગલે થતી તપાસ અને તેના આધારે લેવાતાં પગલાંમાં ગજબની ‘એકતા’ જોવા મળે છે. દુર્ઘટના ભલે ને ગમે એ રાજ્યમાં થઈ હોય, આ બાબતો લગભગ સમાન બની રહે છે. કાગળ પર ભલભલા કડક કાયદા બનાવવામાં આવે, તેના અમલની દાનત ન હોય તો તેનો કશો અર્થ રહેતો નથી. કાયદા જેમ વધુ ચુસ્ત એમ તેમાંથી છટકબારીઓ શોધવા માટે આચરવામાં આવતા ભ્રષ્ટાચારનું પ્રમાણ વધુ હોય એ ઉઘાડું સત્ય બની રહ્યું છે.

કાનૂન કડક હોય અને તેનો અમલ ચુસ્ત હોય તો તેનો ભંગ કરવાની હિંમત ભાગ્યે જ કોઈ કરે. જેમ કે, અમદાવાદવાળી દુર્ઘટના પછી બહાર આવ્યું કે એ કારખાનાના ગોડાઉનમાં અત્યંત જ્વલનશીલ રસાયણોનો સંગ્રહ કરવામાં આવતો હતો અને એ માટે કોઈ પણ જાતની સલામતિનાં પગલાંની જોગવાઈ રાખવામાં આવી ન હતી. આવી માનસિકતા ક્યારે જન્મી શકે એ વિચારવા જેવું છે. ‘એમ કંઈ અકસ્માત થવાનો નથી’ની માનસિકતા બેપરવાઈ બતાવે છે, જ્યારે ‘અકસ્માત થાય તો પણ આપણને કશું થવાનું નથી’નો અભિગમ એ સૂચવે છે કે ભ્રષ્ટાચારનાં મૂળિયાં કેટલે ઊંડે સુધી પહોંચેલાં છે! રાજ્ય વિકસીત હોય કે અવિકસીત, કારખાનેદારોનો અભિગમ મોટે ભાગે આ પ્રકારનો જોવા મળે એ સૂચવે છે કે ગમે તે રાજ્યની સરકાર હોય, આ મામલે તેની ‘કાર્યપદ્ધતિ’માં ખાસ કશો ભેદ હોતો નથી.

‘ઉચ્ચ કક્ષાની તપાસ સમિતિ’ નીમવાનું નાટક પણ આ કવાયતનો ભાગ હોય છે. આ સમિતિ એટલી ‘ઉચ્ચ’ કક્ષાની હોય છે કે પોતાના નાક નીચે રહેલું સત્ય તેને દેખાતું નથી. સરવાળે મૃતક એ જાન ગુમાવે છે, તેના પરિવાર એક પરિવારજન અને આવકના સ્રોતને ગુમાવે છે, કારખાનેદાર થોડા નાણાં ગુમાવે છે, અને પરિસ્થિતિમાં ખાસ કશો સુધારો થતો નથી.

આ વરસે લૉકડાઉન અને તેને લઈને બંધ પડેલાં ઘણાં કારખાનાં ફરી શરૂ કરવાનાં આવ્યાં ત્યારે વિવિધ રાજ્યોમાં અનેક અકસ્માતો નોંધાયા, જેમાં જાનહાનિ પણ થઈ. આ અકસ્માતો કદાચ પરિસ્થિતિવશ ગણીએ અને એમ માનીએ કે એટલા પૂરતા સલામતિના નિયમોને અવગણવામાં આવ્યા હોવાથી એ થયા હશે. આ હકીકત જરાય ક્ષમ્ય ન ગણાય. પણ સલામતિના નિયમોનું કાયમી ધોરણે ધરાર ઉલ્લંઘન કરતા રહેવાને કારણે થતા અકસ્માતો જુદા પ્રકારના હોય છે. એ કોઈ પણ સમયે થવાનું જોખમ તોળાતું રહેતું હોય છે. તેને અવગણવા જોખમી છે. તપાસ સમિતિઓ નિમાય, અકસ્માતની તપાસ થાય અને અકસ્માતનાં કારણો દર્શાવતો તેનો અહેવાલ તૈયાર થાય એ ચક્ર ત્યારે જ પૂર્ણ થયેલું ગણાય કે જ્યારે એ અહેવાલમાંની ભલામણો કે સૂચનોનો યોગ્ય રીતે, એક વારની દુર્ઘટનાનું ભવિષ્યમાં પુનરાવર્તન ન થાય એ માટે અમલ કરવામાં આવે. સાવચેતી અને સલામતિનાં પગલાં લેવામાં આવે. એ અહેવાલને દાબી દેવામાં આવે કે તેને અભેરાઈ પર ચડાવી દેવામાં આવે તો એ તપાસ થાય કે ન થાય, સરખું જ છે.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૨-૧૧-૨૦૨૦ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.