ચિરાગ પટેલ
उ.८.१.१२ (११२७) अभि प्रियं दिवस्पदमध्वर्युभिर्गुहा हितम्। सूरः पश्यति चक्षसा॥ (असित काश्यप/देवल)
બળવાન ઇન્દ્ર પોતાની આંખોથી દિવ્યલોકમાં પ્રિય અને અધ્વર્યુઓ દ્વારા હૃદયસ્થ સોમને જુએ છે.
આ શ્લોકમાં ઋષિ સોમના બે ભિન્ન સ્વરૂપો રજૂ કરે છે. યજ્ઞ માટે અધ્વર્યુઓ સોમવલ્લીને કુટીને એનો રસ કાઢે છે. પરંતુ, એ રસ હ્રદયસ્થ કેવી રીતે થાય? એટલે, હ્રદયમાં સ્થિત સોમ પ્રાણ છે એમ કહી શકાય. તો પછી, દિવ્ય લોકમાં સોમ છે એ શું? એ સોમને ઇન્દ્ર જોઈ શકે છે. અર્થાત, ઇન્દ્રને મન ગણીએ તો એ પ્રાણ શક્તિને અનુભવી શકે છે. એક સાદું ઉદાહરણ જોઈએ તો, શરીરથી સ્વસ્થ મનુષ્ય અને રોગિષ્ટ મનુષ્ય બંનેની માનસિક સ્થિતિની કલ્પના કરીએ તો જણાશે કે, મનુષ્યનું મન પ્રાણશક્તિથી પોષણ મેળવે છે. એટલે કે, સોમરસ દેવોને પ્રિય છે એ કથન પ્રાણ, મન અને શરીરની વિવિધ ઇન્દ્રિયો કેવી રીતે સંકળાય એ સમજી શકાય છે.
उ.८.३.१ (११४०) मूर्धानं दिवो अरतिं पृथिव्या वैश्वानरमृत आ जातमग्निम्। कविंसम्राजमतिथिं जनानामासन्नः पात्रं जनयन्त देवाः॥ (भरद्वाज बार्हस्पत्य)
દિવ્યલોકના શ્રેષ્ઠ સ્થાને રહેલ, પૃથ્વી પર વિચરણશીલ, સંસાર નાયક, યજ્ઞ માટે પ્રગટ થનાર, જ્ઞાનશીલ અને સામ્રાજયાધિપતિ, દેવોનું મુખ, અમારા સંરક્ષક પૂજનીય અગ્નિદેવને યાજકગણ યજ્ઞસ્થળમાં સમિધાઓના ઘર્ષણ દ્વારા ઉત્પન્ન કરે છે.
આ શ્લોકમાં યજ્ઞ માટે અગ્નિ ઉત્પન્ન કરવા માટેની એક પધ્ધતિનો ઉલ્લેખ છે. યજ્ઞમાં આહુતિ તરીકે ઉપયોગમાં લેવાતી સમિધાના ઘર્ષણથી અગ્નિ પ્રગટાવવામાં આવતો. વળી, અહી ઋષિ અગ્નિને દિવ્યલોકમાં રહેલ ગણાવ્યો છે. દિવ્યલોક એટલે દેવોનું સ્થાન અર્થાત સમગ્ર વિશ્વ અથવા શરીરમાં રહેલ સર્વે ઇન્દ્રિયોનું મૂળ સ્થાન મન કે જ્યાં અગ્નિ દ્વારા માહિતીની આપ-લે થતી હોય.
उ.८.५.७ (११६३) ये सोमासः परावति ये अर्वावति सुन्विरे। ये वादः शर्यणावति॥ (भृगु वारुणि/जमदग्नि भार्गव)
જે સોમ દૂર દેશમાં કે નજીક દેશમાં શર્યણાવત પાસે સંસ્કારિત થાય છે.
उ.८.५.८ (११६४) य आर्जीकेषु कृवत्सु ये मध्ये पस्त्यानाम्। ये वा जनेषु पञ्चसु॥ (भृगु वारुणि/जमदग्नि भार्गव)
જે સોમ આર્જીક દેશમાં, કર્મ પ્રધાન દેશમાં, નદીઓ કિનારે અથવા પંચજન્યની વચ્ચે ઉત્પન્ન થાય છે અને સંસ્કારિત કરવામાં આવે છે તે અમારા માટે સુખદાયી નિવડો.
उ.८.५.९ (११६५) ते नो वृष्टिं दिवस्परि पवन्तामा सुवीर्यम्। स्वाना देवास इन्दवः॥ (भृगु वारुणि/जमदग्नि भार्गव)
નિચોવીને ગાળેલ દીપ્તિમાન દિવ્ય સોમ અમને દ્યુલોકથી વૃષ્ટિ અને ઉત્તમ બળયુક્ત પોષક અન્ન આપે.
શર્યણાવત પ્રદેશ કયો એ અંગે વિભિન્ન અભિપ્રાયો છે. અમુક વિદ્વાનો એને કુરુક્ષેત્રમાં આવેલું એક સરોવર ગણે છે. તો અમુક વિદ્વાનોના માટે એ કાશ્મીરમાં આવેલું વુલર સરોવર છે. વળી, અમુક વિદ્વાનો એને સરસ્વતી નદી તરીકે ઓળખાવે છે તો અમુક વિદ્વાનો કળશ પાત્ર ગણે છે. અમુક વિદ્વાનો એને દિવ્ય સ્થળ ગણે છે. આ દિવ્ય સ્થળ એટલે મન જ્યાં બધી ઇંદ્રિયોનું સમાગમ સ્થાન છે. આર્જીકનો એક અર્થ છે ઋજુ કે સરળ સ્થાન. આવું સ્થાન સોમ અર્થાત પ્રાણ માટે અણુ-પરમાણુ હોઇ શકે, જે ઉર્જાનો મૂળ સ્ત્રોત છે. કૃવત્સ અથવા કર્મ પ્રધાન પ્રદેશ એટલે મનની પ્રવૃત્તિઓ આપણે ગણી શકી. પંચજન્ય એટલે પંચજન્ય પ્રદેશ અથવા પાંચ પ્રકારના વર્ણ આપણે ગણી શકીએ – બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર અને ચંડાળ.
અંતિમ શ્લોકમાં સોમનું સ્થાન પ્રકાશિત દિવ્ય લોક છે જે વરસાદ આપે છે અને અન્ન ઉત્પત્તિ માટે પણ કારણભૂત છે.
શ્રી ચિરાગ પટેલનાં સપર્કસૂત્રઃ
· નેટજગતનું સરનામું: ઋતમંડળ
· ઈ-પત્રવ્યવહારનું સરનામું: chipmap@gmail.com