શૈલેન્દ્રનાં સલીલ ચૌધરીએ સંગીતબધ્ધ કરેલાં હિંદી ફિલ્મ ગીતો – ૧૯૫૭

સંકલન અને રજૂઆત : અશોક વૈષ્ણવ

સલીલ ચૌધરી (જન્મ: ૧૯-૧૧-૧૯૨૫ / અવસાન: ૫-૯-૧૯૯૫) નિઃશંક બહુમુખી સંગીત પ્રતિભા હતા. જોકે સંગીતકાર તરીકે જેટલા એ જાણીતા હતા તેના પ્રમાણમાં તેમનાં લેખક, સ્ક્રિપ્ટ લેખક, કર્મશીલ તરીકેની ભૂમિકાઓ બહુ વધારે જાણીતી નહોતી થઈ. તેમનાં સંગીતનાં મૂળ એક તરફ બંગાળ, આસામ અને પૂર્વ ભારતનાં લોક સંગીત તાફ તો બીજી તરફ પાશ્ચાત્ય ક્લાસિક્લ સંગીત તરફ ફેલાયેલાં જોવા મળે છે. તેમની સંગીત રચનાઓ અને વાદ્યસજ્જામાં તેમની આગવી શૈલી સ્પષ્ટપણે તરી આવતી. એમનાં ખુબ લોકપ્રિય થયેલ ગીતો સહિતની દરેક રચનાઓ ગાનાર માટે આગવો પડકાર બની રહેતી. એમની ઘણી રચનાઓ સંગીતનાં વ્યાકરણની સીધી રજૂઆત સમી જણાય, પણ તેમાં માધુર્યની છાલકો તો અચુકપણે વર્તાય.  શૈલેન્દ્ર (જન્મ: ૩૦-૯-૧૯૨૩ / અવસાન: ૧૪-૧૨-૧૯૬૬) સાથે તેમણે જુદા જુદા વિષયોને સ્પર્શતી ફિલ્મો કરી છે. શૈલેન્દ્રને પણ પરંપરાગત સાહિત્યિક વર્તુળોમાં એક કવિ તરીકે કદાચ સ્થાન ન મળે પણ હિંદી ફિલ્મોમાં જે ‘કવિ’ઓ હતા તેમની સાથેની જ હરોળમાં શૈલેન્દ્રનો પાટલો સન્માનભેર જરૂર પડતો. સાવ સરળ શબ્દોમાં લખાયેલાં તેમનાં ગીતો ગીતના ભાવને શ્રોતાને તેનાં દિલ સુધી પહોંચાડી આપતા. તક મળે ત્યારે, એવા જ સરળ શબ્દોમાં શૈલેન્દ્ર તેમના સામાજિક સમાનતાના આદર્શોના વિચારોના તાર શ્રોતાનાં દિલ સાથે બહુ જ અસરકારકપણે જોડી લેતા.

તત્ત્વતઃ બહુ સરખી સામાજિક-રાજકીય વિચારસરણી ધરાવતી આ બન્ને બાકી સાવ જ અલગ કહી શકાય એવી સાંગિતીક પ્રતિભાઓ જ્યારે સાથે મળીને ફિલ્મોનાં ગીત બનાવતી ત્યારે તેમની વચ્ચેની રાસાયણિક પ્રક્રિયાની  સંયોજન પેદાશોના પાકરૂપે આપણને જે ગીતો મળ્યાં છે તેમણે હિંદી ફિલ્મ સંગીતના ઇતિહાસમાં બહુ અલગ સ્થાન મેળવ્યું છે. શંકર જયકિશન અને એસ ડી બર્મન પછી સંખ્યામાં ત્રીજા ક્રમે ગણાતાં સલીલ ચૌધરી-શૈલેન્દ્રનાં ગીતો, આ બન્ને સાથેની શૈલેન્દ્રની સહભાગી રચનાઓમાંની અવિસ્મરણીય ગીતોની યાદીમાં એક જ હરોળમાં મુકાય છે.

સલીલ ચૌધરીની નવેમ્બર મહિનામાં યાદને તાજી કરવા આપણે ૨૦૧૭માં સલીલ ચૌધરીનાં હિંદી ફિલ્મ ગીતો : અન્ય ભાષાઓમાં યાદ કર્યાં હતાં. તે પછી, ૨૦૧૮થી દરેક નવેમ્બર મહિનામાં, શૈલેન્દ્રનાં સલીલ ચૌધરીએ સંગીતબધ્ધ કરેલાં હિંદી ફિલ્મોનાં વિસારે પડતાં ગીતોને તેમની ફિલ્મોનાં રજૂઆતનાં વર્ષના ક્રમમાં યાદ કરવાનો ઉપક્રમ શરૂ કરેલ છે. અત્યાર સુધી, આપણે

૨૦૧૮માં વર્ષ ૧૯૫૩ થી ૧૯૫૫, અને

૨૦૧૯માં વર્ષ ૧૯૫૬

નાં ગીતો સાંભળી  ચૂક્યાં છીએ.

આ વર્ષે, હવે સલીલ ચૌધરી-શૈલેન્દ્રની ૧૯૫૭ માં રજૂ થયેલ બે ફિલ્મો ‘એક ગાંવકી કહાની’ અને ‘મુસાફિર’નાં ગીતો યાદ કરીશું. આ ઉપરાંત સલીલ ચૌધરીએ સંગીત નિદર્શિત કરેલ ‘અપરાધી કૌન’ અને ‘લાલ બત્તી (ગીતકાર: મજરૂહ સુલ્તાનપુરી સાથે) અને ઝમાના (ગીતકાર:ઈન્દીવર અને પ્રેમધવન સાથે – જેમાં અનિલ બિશ્વાસે પણ બે ગીત રચ્યાં છે) પણ ૧૯૫૭માં જ રજૂ થઈ હતી.

એક ગાંવકી કહાની (૧૯૫૭)

દુલાલ ગુહા દિગ્દર્શિત ‘એક ગાંવકી કહાની’માં માલા સિંહા સાથે મુખ્ય ભૂમિકા તલત મહમૂદે ખુદ અદા કરી છે. તલત મહમૂદનાં  ફિલ્મનાં બે ગીતો – ઝૂમે રે…નીલા અંબર ઝૂમે રે અને રાતને ક્યા ક્યા ખ્વાબ દિખાએ – હિંદી ફિલ્મોનાં સર્વકાલીન અવિસ્મરણીય ગીતોમાં સ્થાન પામે છે. લતા મંગેશકરનું સૉલો ગીત – બોલે પીહૂ  પીહૂ પી પપિહરા – પણ એ સમયે બહુ જાણીતું થયેલું.

કાના કુબડા લંગડા લૂલા બુઢા ડૉક્ટર આયેગા – આશા ભોસલે

સલીલ ચૌધરી અને શૈલેન્દ્ર પણ આવાં મસ્તીખોર ગીત બનાવી શકે છે !

ઓ હાય કોઈ દેખ લેગા – તલત મહમૂદ, લતા મંગેશકર

રોમેન્ટીક મુડને અનુરૂપ એવા પૂર્વાલાપના ટુકડાથી શરૂ થતા મુખડા બાદ અંતરાની શરૂઆતમાં ગીત ઊંચા સુરમાં જાય છે. બીજા અંતરામાં તલત મહમૂદ પણ એ ઊંચા સુરને પૂર્ણતઃ ન્યાય આપે છે. જે રીતે ગીતની બાંધણીમાં સલીલ ચૌધરીની શૈલી દરેક તબક્કે અનુભવાય છે, તે જ રીતે ગીતના બોલમાં પણ શૈલેન્દ્રનો સ્પર્શ વર્તાય છે. એકંદરે ગીત સહેલું જરા પણ નથી, પણ વારંવાર સાંભળવું અચુક ગમે છે.

ચલે ઠુમક ઠુમક તારે, મીઠે સપનોં કે દ્વારે  – લતા મંગેશકર

આ ગીતની સીચ્યુએસન એક હાલરડાંની છે એટલે શૈલેન્દ્રના બોલ તો સ્વાભાવિકપણે એ મુજબ જ હોય, પણ સલીલ ચૌધરીએ પણ પ્રમાણમાં સરળ બાંધણીમાં ગીતની રચના કરી છે. અંતરાનાં સંગીતમાં વાયોલિન સમુહ પણ રાતની શાંતિને અનુરૂપ ‘સોફ્ટ’ સુરમાં સલીલ ચૌધરીની આગવી શૈલીમાં વાંસળીના ટુકડાઓની સંગતમાં વહે છે.

દિન હોલી કા આ ગયા રંગ ડાલો હોજી હો – મન્ના ડે, લતા મંગેશકર, સાથીઓ

હિંદો ફિલ્મમાં જો કોઈ તહેવારને અનુરૂપ સીચ્યુએશનનો મેળ પડે તો તેની રજૂઆત અવશપણે ગીતનાં સ્વરૂપમાં જ થતી જોવા મળશે. તેમાં પણ હોળી તો છે જે આંનંદ મસ્તીની રજૂઆતને નાચગાન વડે કરવાનો ઉસ્તવ, તે સમયે તો ખુબ મસ્તીભર્યું સમુહ ગીત જ મુકવાનું ચલણ છે. ગીતની સીચ્યુએશને ફિલ્મની વાર્તાપ્રવાહ સાથે સીધો સંબંધ ન હોય તો ગીતકારે  ‘સરરર’, કે ‘ન મારો પીચકારી’, કે ‘રંગ દો ઉનરીયાં’  જેવા અમુક ચોક્કસ બોલના ફરજિયાત પ્રયોગ કરવા છતાં સંગીતકારને ગીતની બાંધણીમાં અનેરૂં વૈવિધ્ય લાવવાની સગવડ મળે તે બાબતનું ખાસ ધ્યાન રાખવું પડતુ હશે !  ગીતની મસ્તીમાં ઉમેરો કરે એવા અવનવા બોલના પ્રયોગ સલીલ ચૌધરીએ ગીતની બાંધણીમાં સ-રસપણે વણી લીધા છે.

મુસાફિર (૧૯૫૭)

ઋત્વિક ઘટકનાં કથાવસ્તુને હૃષિકેશ મુખર્જીએ સૌ પ્રથમવાર  દિગ્દર્શિત કર્યું છે. એક ઘરમાં આવીને રહેતાં અને સમય થતાં જતાં રહેતાં ત્રણ સાવ જ ભિન્ન ભિન્ન પ્રકારનાં કુટુંબોના પ્રવાસની આ ક્થા દ્વારા ત્રણ અલગ અલગ કથાઓને એક ઘરનું અસ્તિત્ત્વ ફિલ્મનાં એક સુત્રમાં સાંકળી લે છે. જેમ મુસાફર પોતાને ગમી ગયેલ જગ્યા છોડતી વખતે કહે તેમ દરેક કુટુંબ ઘર છોડતી વખતે કહે છે કે ‘યે ઘરકી બહુત યાદ આયેગી’. ફિલ્મને વર્ષ ૧૯૫૭ માટે શ્રેષ્ઠ ફીચર ફિલ્મમાં ત્રીજા ક્રમાંકનું સર્ટિફિકેટ ઑફ મેરિટ પણ એનાયત થયેલ.

મન રે હરિ ગુણ ગા, ઉન સંગ પ્રીત લગા – લતા મંગેશકર

સુચિત્રા સેન પર ફિલ્માવાયેલ એક સીધાં સાદાં ભજનને શૈલેનદ્રએ કથા વસ્તુને અનુરૂપ ખુબ ભાવવાહી ક્લાગણીઓના બોલમાં રજૂ કર્યું છે. 

મુન્ના બડા પ્યારા અમ્મીકા દુલારા, કોઈ કહે ચાંદ કોઈ આંખકા તારા – કિશોર કુમાર

આ ગીત ફિલ્મનાં બીજા કુટુંબની વાત સાથે સંકળાયેલ છે. શૈલેન્દ્રનો ક્લ્પનાવિહાર પહેલી પંક્તિથી જ ગીતને અલગ ઊંચાઈએ લઈ જાય છે. કિશોર કુમારની મસ્તીખોર હરકતો એ કલ્પનાઓને ધરતી પર જીવતા એક સામાન્ય માણસની ખુશીઓમાં રજૂ કરી દે છે.

ટેઢી ટેઢી ફિરે સારી દુનિયા…. હર કોઈ નજ઼ર બચા ચલા જાયે દેખો… જાને કાહે હમસે કાટે સારી દુનિયા – મન્ના ડે, શમશાદ બેગમ અને સાથીઓ

શેરીમાં નૃત્ય-ગીત ગાઈને પેટીયું રળતાં લોકોનાં ગીતોનો પ્રકાર હિંદી ફિલ્મોમાં એ સમયે બહુ પ્રચલિત હતો. અહીં એ તકનો લાભ લઈને શૈલેન્દ્ર પોતાની વિચરસરણી પણ તેમના મોંએ કહી લે છે. આ ઉપરાંત ગીતમાં ત્રણ અન્ય ખાસ વિશેષતાઓ છે.

૧) ગળેથી હાર્મોનિયમ પેટીને ભેરવીને ગીત ગાતા મુખિયાની ભૂમિકા ખુદ શૈલેન્દ્રએ ભજવી છે. આ જ રીતે આટલાં જ બીજાં એક ભાવવાહી ગીત – ચલી કૌન સે દેશ ગુજરીયા તુ સજ઼ ધજ઼ કે (બુટપોલિશ , ૧૯૫૪) -માં પણ તેમણે પરદા પર ગીત ગાયું હતું.

૨) કેશ્ટો મુખર્ર્જીની પણ આ પહેલવહેલી હિંદી ફિલ્મ છે.અહીં તેમણે ઑટીસ્ટીક અષ્ટાવક્રની ભૂમિકા જીવંત કરી છે.  ગીતના અંતમાં તેઓ કિશોર કુમાર પાસે નિશાનીઓની ભાષા વડે ભીખની માગણી કરે છે એ દૃશ્ય જોઈશું તો એ કળાકારની પ્રતિભાની ઊંચાઈ સમજી શકાશે. કેટલી કમનસીબીની વાત છે કે આટલો પ્રતિભાવાન કળાકાર હિંદી ફિલ્મોમાં એક દારૂડીયાનાં હાસ્યાસ્પદ પાત્રની ભૂમિકામાં જ કેદ કરાઈ ગયો !

૩) શમશાદ બેગમનો ગાયિકા તરીકે કરેલો સલીલ ચૌધરીનો પ્રયોગ પણ એક બહુ  જવલ્લે જ બનતી ઘટના છે. પરદા પર એ પંક્તિઓ હીરા સાવંતે ભજવી છે.

લાગી નહીં છૂટે રામ ચાહે જિયા જાયે = દિલીપ કુમાર, લતા મંગેશકર

સલીલ ચૌધરીએ ઠીક ઠીક અઘરી કહી શકાય એવી ગીત રચના માટે દિલીપ કુમાર પાસે જ ગીત ગવડાવ્યુ  છે. દિલીપ કુમાર પણ જાણે પોતાના ભાવવાહી સંવાદો બોલતા હોય એટલી જ સ્વાભાવિકતાથી ગીતને ગાય પણ છે.

લતા મંગેશકરવાળી પંક્તિઓ ઉષા કિરણ પોતાનાં મનમાં ગાય છે – આપણને બેકગ્રાઉન્ડમાં સંભળાય છે. થોડું ધ્યાન દઈને જોઈશું તો એ ગીત ઉષા કિરણ મનમાં ગણગણતાં હોય એવા ભાવો એમના ચહેરા પર કેટલા માર્મિકપણે કળાય છે !

એક આયે એક જાયે મુસાફિર – શ્યામલ મિત્ર

શ્યામલ મિત્ર બંગાળી ફિલ્મ સંગીતમાં સંગીતકાર અને ગાયક તરીકે બહુ સન્માનનીય નામ છે. અહીં તેઓ શૈલેન્દ્રની વિચારસરણીના ખળખળ પ્રવાહને ફિલ્મનાં થીમ સોંગનાં સ્વરૂપે રજૂ કરે છે. પરદા પર ગીત મોહન ચોટી (મૂળ નામ: મોહન ગોરસકર) રજૂ કરે છે.

ફિલ્મમાં ગીત બીજી એક વાર પણ મુકાયું છે. અહીં રજૂ કરેલી ક્લિપમાં બન્ને વર્ઝન સામેલ છે.

પરંપરાગત રીતે આપણે આપણે દરેક અંકનો અંત વિષય સંબંધી મોહમ્મદ રફીનાં ગીતથી કરીએ છીએ. આજે આ બે ફિલ્મોમાં તો સલીલ ચૌધરી રચિત મોહમ્મદ રફીનું કોઈ ગીત નથી. ખૂબીની વાત તો એ છે કે તેમની ૧૯૫૭ની અન્ય બે ફિલ્મો – અપરાધી કૌન અને લાલ બત્તી – માં પણ મોહમ્મદ રફીનું એક પણ ગીત નથી. એટલે આ એક માત્ર  ગીતને અહીં આયાત કરેલ છે.

નૈયા કા મેરા તૂ હી ખેવૈયા – જ઼માના (૧૯૫૭) – ગીતકાર ઈન્દીવર

નાવિકનાં લોકગીતોની શૈલીનાં ગીતમાં સલીલ ચૌધરીએ સમુહ ગાનનો ઉપયોગ ગાયકવૃંદ તરીકે તેમજ કાઉન્ટર મેલૉડી રૂપે પણ કર્યો છે ! 

સલીલ ચૌધરી અને શૈલેન્દ્રનાં ગીતોની સફર હજૂ પણ ચાલુ જ રહે છે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.