સાયન્સ ફેર : ચેતતા રહેવું, ચીન અવકાશમાં પણ પત્તા બિછાવી રહ્યું છે!

જ્વલંત નાયક

કોરોનાની વૈશ્વિક મહામારીને પગલે આજે આખું વિશ્વ ડૂબતી ઇકોનોમી સહિતની જાતજાતની સમસ્યાઓથી પરેશાન છે. એવામાં કોરોના વાઈરસના ઉદગમસ્થાન જેવું ચાઈના પોતાની જ મસ્તીમાં મસ્ત છે. ઘરઆંગણે લોખંડી શાસનને કારણે ચીનના લોકોનો અવાજ લશ્કરી બૂટ નીચે દબાઈ જાય છે, સાથે જ ચીન અડોશી-પડોશી દેશો સાથેની સરહદે ઉંબાડીયા પણ કરતું રહે છે. ભારત સહિત જાપાન, તાઈવાન, રશિયા વગેરે તમામ પડોશી દેશો ચીનની એક યા બીજા પ્રકારે થતી ઘૂસણખોરીથી તંગ આવી ગયા છે. અને હવે ખબર છે કે ચીન પડોશી દેશોના જમીન, પાણી અને આકાશની સાથે જ હવે અવકાશીય ક્ષેત્રોમાં પણ ઉત્પાત મચાવી રહ્યું છે!

વીતેલા એક વર્ષ દરમિયાન – કે જેમાં કોરોનાકાળનો પણ સમાવેશ થાય છે – ચાઇનાએ કુલ ૨૯ વખત સ્પેસ લોન્ચિંગ કર્યું છે. જેમાં ચારેક વખત નિષ્ફળતા મળી છે. કપરા સમયમાં થયેલા આટલા બધા લોન્ચિંગ એ વાતની સાબિતી છે કે ચીન અવકાશમાં પણ પોતાનો સિક્કો જમાવવા માટે આતુર છે. આ આંકડાઓ પર એક નજર નાખો. અત્યાર સુધી statista ડોટ કોમ નામની વેબસાઈટે આપેલા આંકડાઓ મુજબ ૩૧ માર્ચ ૨૦૨૦ સુધીમાં અમેરિકાના ૧૩૨૭ સેટેલાઈટ્સ પોતાની ભ્રમણકક્ષાઓમાં ફરી રહ્યા છે. વિશ્વના કોઈ પણ દેશ કરતા અમેરિકા આ બાબતે ખાસ્સું આગળ હોય એ સ્વાભાવિક છે. કેમકે નાસા પાયોનીયર હોવાની સાથે જ વર્ષોથી આ કામ કરી રહી છે. બીજા નંબરે ચીન છે, જેના ૮૦૭ સેટેલાઈટ્સ અવકાશમાં તારી રહ્યા છે! ચીન અને અમેરિકાએ છોડેલા સેટેલાઈટ્સના આંકડા સરખાવતા પહેલા જાણી લો કે અમેરિકન સ્પેસ એજન્સી નાસાની સ્થાપના છેક ઇસ ૧૯૫૮માં થયેલી, જ્યારે ચીનની સ્પેસ એજન્સી ‘ચાઈના નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશન – CNSA’ની સ્થાપના થઇ ઇસ ૧૯૯૩માં એપ્રિલમાં! ઇસ ૧૯૬૯માં સ્થપાઈ ગયેલી આપણી સ્વદેશી સંસ્થા ઇસરો રાજકીય દૂરંદેશી અને ઈચ્છાશક્તિના અભાવે હજી ૭૭ લોન્ચિસ કરી શકી છે. ખેર, અહીં વાત ચીનની ખોરી દાનત વિષે કરવાની છે.

અમેરિકાસ્થિત ચાઈના એરોસ્પેસ સ્ટડી ઇન્સ્ટિટયૂટ નામની સંસ્થાએ પોતાના ૧૪૨ પાનાના રિપોર્ટમાં જાહેર કર્યું છે કે ૨૦૧૨થી ૨૦૧૮ દરમિયાન ચાઈનાએ અનેક વખત ભારત ઉપર સાઈબર હુમલાઓ કર્યા છે. જો કે ભારતીય સંસ્થા ઇસરોના દાવા મુજબ આવો એક્કેય હુમલો સફળ થયો નથી. પેન્ટાગોન દ્વારા પબ્લિશ કરાયેલા એક રિપોર્ટમાં પણ કહેવાયું છે કે ચાઈનાનું લશ્કર હંમેશા સ્પેસ એટેક અને સાઈબર એટેક દ્વારા પોતાના દુશ્મનને ‘આંધળો’ અને ‘બહેરો’ કરી નાખવા માંગે છે! અર્થાત ચીન હંમેશા ભારતના સંદેશવ્યવહાર અને વિજીલન્સનું કનેક્શન કાપવાના મૂડમાં હોય છે. સ્ટ્રેટેજિક થિંક ટેંક ગણાતા અમેરિકાના સિનર્જિયા ફાઉન્ડેશન સાથે સંકળાયેલા ટોબી સિમોનનું કહેવું છે કે બેઝ સ્ટેશન્સ સાથે કનેક્ટેડ રહેવા માટે દરેક સેટેલાઇટે લોંગ રેન્જ ટેલીમેટ્રી (લાંબા અંતરનો સંદેશ વ્યવહાર) પર આધાર રાખવો પડે છે. આ પાસુ સૌથી જોખમી છે. અપલિંક્સ અને ડાઉનલિંક્સ ટ્રાન્સમિશન મોટે ભાગે ઓપન ટેલિકોમ સિક્યોરીટી પ્રોટોકોલ્સ પર આધારિત હોય છે, અને એને હેક કરવાનું આસાન હોય છે!

રિપોર્ટ મુજબ ઇસ ૨૦૧૨માં ચીને આપણી જેટ પ્રોપલ્ઝન લેબોરેટરી – JPL પર સાઈબર એટેક કરેલો. એનો મૂળ હેતુ JPL નેટવર્ક પર ચીનનો સંપૂર્ણ કંટ્રોલ સ્થાપિત કરવાનો હતો! જો આ એટેક સફળ થયો હોત તો?! રિપોર્ટ્સ મુજબ ચીને અનેક કાઉન્ટર સ્પેસ ટેકનોલોજીઝ વિકસાવી છે, જેમાં કાઈનેટિક કિલ વિહીક્લ્સ (એન્ટી સેટેલાઈટ મિસાઈલ્સ), કો-ઓર્બિટલ સેટેલાઈટ્સ, ડાયરેક્ટેડ એનર્જી વેપન્સ, જામર્સ વગેરેનો સમાવેશ થાય છે.

ભારતે પણ ૨૦૧૯માં એન્ટી સેટેલાઈટ (એ-સેટ) મિસાઈલ્સનું પરીક્ષણ કરી લીધું છે. જેને પરિણામે હવે ભારત પાસે પણ હવે ચીનના હુમલાનો જડબાતોડ જવાબ આપવા માટે ‘કાઈનેટિક કિલ’ ઓપ્શન છે.

ચીન વર્ષોથી પોતાના સ્પેસ પ્રોગ્રામને મોટું ફંડિંગ આપી રહ્યું છે. હંમેશા એતેકીંગ એપ્રોચ અને વિસ્તારવાદી નીતિનો અમલ કરતું ચીન પોતાનો સ્પેસ પ્રોગ્રામ વિકસાવવા સહિત બીજા દેશોના સ્પેસ પ્રોગ્રામ્સને હાઈજેક કરવા માટે પણ ટેકનોલોજી વિકસાવતું રહે છે. ચીને છેલ્લા દાયકાઓ દરમિયાન આ ક્ષેત્રે ઘણી સિદ્ધિ હાંસલ કરી છે, એનો ઇનકાર થઇ શકે એમ નથી. અને એનો સૌથી મહત્વનો દુશ્મન પડોશી દેશ ભારત છે. આ બધા વચ્ચે એવું કહેવાઈ રહ્યું છે કે બાહ્ય આક્રમણો સામે ટકવા અને સામો જવાબ આપવામાં ઇસરો હજી જોઈએ એટલું સુસજ્જ નથી. જ્યારે પણ સાઈબર એટેક થાય છે ત્યારે આપણે એને સફળ નથી થવા દેતા, પણ એ એટેક કોણે કરેલો, એ પણ ખાત્રીપૂર્વક નથી શોધી શકતા! ઇસરોના ચેરમેન કે સીવાને કહ્યું છે કે “ભારત ઉપર કોઈ સફળ હુમલો થયો નથી. ભારત માટે આ પ્રકારના હુમલાઓ કોઈ નવી બાબત નથી, અને ભારત આ હુમલાઓનો મુકાબલો કરવા માટેની પૂરેપૂરી સજ્જતા ધરાવે છે.” આશા રાખીએ કે સીવાન સરની વાત સો ટકા સાચી સાબિત થાય.

આ બધા વચ્ચે ૧૨ ઓક્ટોબરે ચીને પોતાના ‘હાઈરિઝોલ્યુશન અર્થ ઓબ્ઝર્વેશન સિસ્ટમ’ (CHEOS) પ્રોગ્રામના ભાગ રૂપે Gaofen-13 satellite સેટેલાઈટ તરતો મૂકી દીધો છે. આ પ્રોગ્રામ હેઠળ ચીન કયા પ્રકારનું ‘ઓબ્ઝર્વેશન’ કરવા માંગે છે એ સ્વયંસ્પષ્ટ છે. જો કે આ બધા વચ્ચે આપણા કેટલાક ભારતીય ભાઈબહેનોને હજીય ચીનનો મોહ છૂટતો નથી, એ નવાઈ પમાડે એવી વાત છે!


શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com  પર થઇ શકે છે.


Disclaimer: The images in this post have been taken from net for non-commercial purpose. If there is any breach of copy right, and would be brought to our notice, it will be removed from here.

Author: Web Gurjari

1 thought on “સાયન્સ ફેર : ચેતતા રહેવું, ચીન અવકાશમાં પણ પત્તા બિછાવી રહ્યું છે!

 1. …..

  ૩ – ૪ સો વરસ પહેલાં નકશા જોવા જોઈએ અને હવે ગુગલ મેપ ઉપર એ જ નકશો જોઈએ તો સમજણ પડે.

  ચીનમાં જે પણ થાય છે એની આસ્તે આસ્તે વીગતો આપણનેં મોબાઈલથી થાય છે.

  એવી જ રીતે નેટ, સ્કેન કે ચીનના મોબાઈલથી બાબત સમજવું.

  આમ તો જીઓ મોબાઈલ કે ડોંગલથી દુનીયા આખી મુઠીમાં આવી જાય છે પણ એમાં સર સામાન કે અન્ય માહીતીથી ખબર પડે છે એ ચીનનું જ છે.

  …..

Leave a Reply

Your email address will not be published.