ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭ :: પ્રકરણ ૧૨: સુભાષબાબુનું રાજીનામું

દીપક ધોળકિયા

કલકત્તામાં ૨૯મી ઍપ્રિલથી ૧લી મે, ત્રણ દિવસ માટે AICCની બેઠક મળી. સુભાષ ચન્દ્ર બોઝે પ્રમુખપદ સંભાળ્યું. આ બેઠકમાં ગોવિંદ વલ્લભ પંતના ઠરાવ પર ચર્ચા થવાની હતી. આપણે જોયું કે ઠરાવ પ્રમાણે કોંગ્રેસ પ્રમુખે ગાંધીજીની ઇચ્છા મુજબ વર્કિંગ કમિટીની નીમણૂક કરવાની હતી. સુભાષબાબુએ આ બાબતમાં પોતાનું નિવેદન રજૂ કર્યું કે એમણે ગાંધીજી સાથે વાત કરી તે પછી પણ વર્કિંગ કમિટી નીમવા વિશે કોઈ નિર્ણય ન થઈ શક્યો.

એમણે ગાંધીજીનો પત્ર રજૂ કર્યો-

“ મારા વહાલા સુભાષ,

તમે મને પંડિત પંતના ઠરાવ મુજબ વર્કિંગ કમિટીનાં નામો આપવા કહ્યું હતું. મેં મારા પત્રો અને તારોમાં કહ્યું છે તેમ હું માનું છું કે એમ કરવા માટે હું તદ્દન અયોગ્ય છું. ત્રિપુરી પછી ઘણું બની ગયું છે.

હું તમારા વિચારો જાણું છું અને એ પણ જાણું છું કે તમારા અને મોટા ભાગના સભ્યો વચ્ચે કેટલા મોટા મતભેદ છે. એ જોતાં હું નામો આપું તે તમારા પર ઠોકી બેસાડવા જેવું થશે મેં તમને પત્ર લખીને આ સ્થિતિ વિશે વિસ્તારથી લખ્યું છે. આપણ આવચ્ચેની ત્રણ દિવસની ગાઢ મંત્રણાઓમાં એવું કંઈ નથી બન્યું કે જેથી મારા વિચારો બદલાયા હોય. આ સ્થિતિમાં તમે પોતાની રીતે વર્કિંગ કમિટી રચવા સ્વતંત્ર છો.

મેં તમને કહ્યું છે કે તમે ભૂતપૂર્વ સભ્યો સાથે સર્વસ્વીકૃત વલણ માટે વાતચીત કરી શકો છો અને તમે લોકો નજીક આવશો તો મારા માટે એના કરતાં વધારે આનંદની વાત કંઈ નહીં હોય. તે પછી શું થયું છે તેની ચર્ચા કરવાનું મને જરૂરી નથી લાગતું. માત્ર એટલું જ કે, એ મારા માટે બહુ દુઃખની વાત છે કે પરસ્પર સમાધાન થઈ શક્યું નથી. મને આશા છે કે જે કંઈ થશે તે પરસ્પર સદ્‍ભાવપૂર્વક થશે.”

તે પછી સુભાષ બાબુએ પોતાના નિવેદનમાં  પોતાનું રાજીનામું જાહેર કર્યું અને એના માટે જવાબદાર સંજોગોનું નિરૂપણ કર્યું કે ઠરાવમાં કોંગ્રેસે મહાત્મા ગાંધીની દોરવની હેઠળ અપનાવેલી નીતિઓમાં ફેરફાર ન કરવાની શરત નક્ક્કી કરી છે અને વર્કિંગ કમિટી પણ ગાંધીજીની ઇચ્છા પ્રમાણે રચવાનો આદેશ આપ્યો છે પણ ત્રિપુરી કોંગ્રેસ પછી હું નવી કમિટી બનાવી શક્યો નથી. એક તો મારી બીમારીને કારણે હું મહાત્માજીને મળવા ન જઈ શક્યો, અમારા વચ્ચે પત્ર વ્યવહાર થયો પણ મને લાગ્યું કે સામસામે મળ્યા વિના કોકડું ઉકેલાશે નહીં એટલે મેં એમને દિલ્હીમાં મળવાની કોશિશ કરી પણ એ નિષ્ફળ રહી.  તે પછી એ કલકત્તા આવ્યા ત્યારે અમારા વચ્ચે ઊંડાણથી ચર્ચા થઈ> માહ્ત્માજીની સલાહ છે કે હું પોતે જ, જેમણે રાજીનામાં આપ્યાં છે તેમને છોડી દઈને મારી વર્કિંગ કમિટી બનાવી લઉં પણ આ સલાહ હું ઘણાં કારણોસર લાગુ કરી શકું એમ નથી. પંતજીના ઠરાવ પ્રમાણે મારે ગાંધીજીની ઇચ્છા પ્રમાને કમિટી બનાવવાની છે અને મારી મેળે કમિટી બનાવી લઉં તો હું અહીં એમ ન કહી શકું કે કમિટીની રચના સાથે ગાંધીજી સંમત છે.

મને લાગે છે કે મારું પ્રમુખ હોવું તે જ કમિટીની રચનામાં આડે આવે છે. આથી મને લાગે છે કે મારી જગ્યાએ કોઈ બીજાને પ્રમુખ બનાવીએ તો આનો ઉકેલ આવી જાય. અને હું માત્ર મદદ કરવાના ઉદ્દેશથી રાજીનામું આપું છું.

તે પછી એમણે સૌથી સીનિયર માજી પ્રમુખ શ્રીમતી સરોજિની નાયડુને પ્રમુખસ્થાન સંભાળીને આગળ કામ કરવા વિનંતિ કરી.

શ્રીમતી નાયડુએ પ્રમુખસ્થાન સંભાળ્યું તે પછી જવાહરલાલ નહેરુએ દરખાસ્ત મૂકી કે સુભાષ ચન્દ્ર બોઝ પોતાનું રાજીનામું પાછું ખેંચી લે. તે ઉપરાંત જમનાલાલ બજાજ અને જયરામદાસ દોલતરામ નાદુરસ્ત તબીયતને કારણે તરતમાં વર્કિંગ કમિટીમાંથી રાજીનામાં આપવાના છે તેમની જગ્યાએ બે નવા ચહેરા લેવા જોઈએ. પણ આ મુદ્દો બીજે દિવસે હાથ ધરવામાં આવ્યો ત્યારે નહેરુએ ચોખવટ કરી કે એમનો હેતુ સુભાષબાબુ પર વર્કિંગ કમિટી ઠોકી બેસાડવાનો નહોતો. એટલે સુભાષબાબુ પોતે જ પહેલાં સ્પષ્ટતા કરે કે મારી દરખાસ્ત પ્રમાણે તેઓ પ્રમુખપદેથી રાજીનામું પાછું ખેંચી લેશે કે કેમ. એ જ સંજોગોમાં મારી દરખાસ્તનો કંઈક અર્થ છે.

જવાબમાં સુભાષબાબુએ ફરીથી નિવેદન કર્યું કે આ મુદ્દો મને જ સ્પર્શે છે એટલે હું કંઈક ચોખવટ કરું તે જરૂરી છે. જવાહરલાલે મને રાજીનામું પાછું ખેંચી લેવા વિનંતિ કરી છે તે મારું સન્માન માનું છું. પણ મેં રાજીનામું આપ્યું તે ઉડાઉ રીતે (એમના શબ્દોમાં, in light-hearted manner) નહોતું આપ્યું એટલે કોઈ નિર્ણય પર આવતાં પહેલાં મારે ગંભીરતાથી વિચાર કરવો જોઈએ.

એમણે કહ્યું કે આ ઠરાવ મહાત્માજી ને બીજાઓએ અનૌપચારિક વાતચીતોમાં મને જે સલાહ આપી તેનું જ રૂપ છે. મહાત્માજી આપણને આ કોકડું ઉકેલવામાં મદદ નથી કરી શકતા તો આપણે શું કોંગ્રેસના બંધારણની બહાર જઈને વર્કિંગ કમિટી બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ? સામાન્ય રીતે તો મહાત્માજીનો પડ્યો બોલ મારા માટે કાયદા જેવો છે પણ જ્યાં સિદ્ધાંતની વાત છે ત્યાં ઘણી વાર એમની સલાહ માનવામાં હું પોતાને અસમર્થ માનું છું.

તે પછી એમણે કહ્યું કે ૧૯૨૧થી કોંગ્રેસે પોતાની સંરચનામાં થોડો ફેરફાર કર્યો છે, અને એ વર્કિંગ કમિટીમાં દેખાવો જોઈએ. હરિપુરામાં મેં ત્રણ ફેરફાર કર્યા. પરંતુ કોંગ્રેસમાં ઘણા મતો છે, બધાને વર્કિંગ કમિટીમાં સ્થાન મળવું જોઈએ.  કોઈ કહે છે કે એ જાતની કમિટી કામ ન કરી શકે, પણ આપણે કોંગ્રેસમાં સાથે મળીને કામ નથી કરી શકતા? આપણે બધા જ સામ્રાજ્યવાદના વિરોધીઓ નથી? એટલે તમને સૌને લાગતું હોય કે મારે પ્રમુખ તરીકે ચાલુ રહેવું જોઈએ તો મારા વિચારોને પણ ધ્યાનમાં લેવા વિનંતિ કરું છું. તે સિવાય, હું પ્રમુખની ખુરશીમાં બેઠો ન હોઉં તો કંઈ મોટી વાત નથી. કોંગ્રેસમાં તો હું કામ કરતો જ રહીશ.

સુભાષબાબુનું નિવેદન પૂરું થતાં શ્રીમતી નાયડુએ એમને જવાહરલાલની દરખાસ્ત માની લેવા અપીલ કરી. સુભાષબાબુએ એમની અપીલ અને જવાહરલાલની દરખાસ્તનો જવાબ આપતાં કહ્યું કે AICC કઈ જાતનો ઠરાવ કરશે તે જાણ્યા પહેલાં હું મારા રાજીનામા વિશે કંઈ ફાઇનલ જવાબ ન આપી શકું.

શ્રીમતી સરોજિની નાયડુએ કહ્યું કે આમાં તો કોઈ જાતની સ્પષ્ટતા નથી થતી. એટલે નહેરુએ પોતાની દરખાસ્ત પાછી ખેંચી લીધી, આમ એના પર મતદાનનો સવાલ જ ન રહ્યો. શ્રીમતી નાયડુએ કહ્યું કે પ્રમુખે રાજીનામું in a light-hearted manner નથી આપ્યું એટલે વધારે ચર્ચાને અવકાશ નથી. હવે નવા વચગાળાના પ્રમુખ ચૂંટવા જ જોઈએ. કે. એફ. નરીમાને વાંધો લીધો કે AICCને પ્રમુખ ચૂંટવાનો અધિકાર નથી. પણ ભૂલાભાઈ દેસાઈએ કોંગ્રેસના બંધારણની અમુક કલમો ટાંકીને દેખાડ્યું કે અમુક સંજોગોમાં આવું કરી શકાય. તે પછી ચોઇથરામ ગિદવાણીએ બાબુ રાજેન્દ્ર પ્રસાદના નામની દરખાસ્ત મૂકી જે સૌએ સ્વીકારી અને રાજેન્દ્ર બાબુ આવતા અધિવેશન સુધી કોંગ્રેસના પ્રમુખ બન્યા.

એમણે બનાવેલી વર્કિંગ કમિટીમાં જોડાવાની સુભાષ બાબુ અને નહેરુએ ના પાડી પણ રાજેન્દ્રબાબુએ કહ્યું કે બન્નેએ જરૂર પડ્યે એમને સહકારની ખાતરી આપી છે. તે પછી એમણે નવી વર્કિંગ કમિટીનાં નામો જાહેર કર્યાં તેમાં મૌલાના આઝાદ, સરોજિની નાયડુ, વલ્લભભાઈ, ખાન અબ્દુલ ગફ્ફાર ખાન જમનાલાલ બજાજ, (ટ્રેઝરર), આચાર્ય કૃપલાની (જનરલ સેક્રેટરી), ભૂલાભાઈ દેસાઈ, શંકર રાવ દેવ અને હરેકૃષ્ણ મહેતાબ વગેરે જૂની વર્કિંગ કમિટીના સભ્યોને લીધા. નહેરુ અને સુભાષબાબુની જગ્યાએ બંગાળના બિધાન ચન્દ્ર રૉય અને પ્રફુલ્લ ચન્દ્ર ઘોષને લેવામાં આવ્યા.

કે. એફ નરીમાને આ તબક્કે પણ પોતાનો વાંધો ન છોડ્યો અને AICCના ૨૮ સભ્યોની સહીવાળું નિવેદન રજૂ કર્યું. આ સભ્યોએ કોંગ્રેસ પ્રમુખની ચૂંટણીમાં અપનાવાયેલી ગેરકાનૂની રીતો સામે વાંધો લીધો. પ્રમુખે એમના આ નિવેદનનો સ્વીકાર કર્યો.

ફૉરવર્ડ બ્લૉક

સુભાષબાબુએ ત્રીજી તારીખે કલકત્તા પહોંચીને ફૉરવર્ડ બ્લૉકની રચનાની જાહેરાત કરી, ફૉરવર્ડ બ્લૉક કોંગ્રેસમાં રહીને જ કામ કરવાનો હતો. આઠમીએ એમણે હાવડામાં એક સભાને સંબોધતાં કહ્યું કે ફૉરવર્ડ બ્લૉક અને કોંગ્રેસના “ઑફિશિયલ બ્લૉક” વચ્ચે  બે તફાવત હતાઃ ફૉરવર્ડ બ્લૉક કોંગ્રેસનો અત્યારનો કાર્યક્રમ સુધારાવાદી માનસથી નહીં પણ ક્રાન્તિકારી માનસથી ચલાવવા માગે છે. બીજું એ કે, ફૉરવર્ડ બ્લૉકનો પોતાનો અલગ કાર્યક્રમ પણ છે. તે પછી ઉન્નાવમાં ૧૬મી તારીખે એમણે વધારે સ્પષ્ટતા કરી કે ફૉરવર્ડ બ્લૉક કોંગ્રેસના કાર્યક્રમ પ્રમાણે જ ચાલશે પણ એના માટે ગાંધીજીએ નક્કી કરેલી વ્યૂહરચનાનો સ્વીકાર નહીં કરે.

આમ સુભાષ ચન્દ્ર બોઝ કોંગ્રેસથી ધીમે ધીમે દૂર થતા જતા હતા.

૦૦૦

સંદર્ભઃ

The Indian Annual Register Jan – June 1939 Vol 1


શ્રી દીપક ધોળકિયાનાં સંપર્કસૂત્રો
ઈમેલઃ dipak.dholakia@gamil.com
બ્લૉગઃ મારી બારી

Author: admin

1 thought on “ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭ :: પ્રકરણ ૧૨: સુભાષબાબુનું રાજીનામું

Leave a Reply

Your email address will not be published.