ફિર દેખો યારોં : આસમાં પે હૈ ખુદા, ઔર જમીં પે હમ

જબ ઉસે હી ગમ નહીં, તો ક્યોં હમે હૈં ગમ,
આસમાં પે હૈ ખુદા, ઔર જમીં પે હમ

બીરેન કોઠારી

હાસ્યને તણાવ દૂર કરતું ટૉનિક ગણવામાં આવે છે, પણ આ હાસ્યમાં વ્યંગ્ય અને કટાક્ષ ભળે ત્યારે ઊલટાનું તે તણાવ પેદા કરે એમ બની શકે. વ્યંગ્ય અને કટાક્ષ કોઈ પણ શસ્ત્ર કરતાં વેધક અને ઘાતક હોય છે, કેમ કે, તેમાં લોહી નથી નીકળતું, છતાં ઘા એટલો ઊંડો થાય છે કે તેની પર ઝટ રુઝ આવતી નથી. ‘છપ્પનની છાતી’ બીજા કોઈ કામ માટે જોઈએ કે કેમ, એ તો ખબર નથી, પણ કોઈની પર આકરો વ્યંગ્ય અને કટાક્ષ કરવા માટે અવશ્ય જોઈએ. બીજી તરફ, પોતાના તરફ તકાયેલા હાસ્યવ્યંગ્યના તીરને જીરવવા માટે, તેને માણવા માટે છપ્પનની નહીં, અઠ્ઠાવનની છાતી જોઈએ.

આજકાલ ફ્રાન્‍સમાં બની રહેલી ઘટનાઓના પાયામાં વ્યંગ્ય અને કાતિલ કટાક્ષ છે, જેના હિંસક પડઘા સમસ્ત વિશ્વમાં પડી રહ્યા છે. પાંચેક વર્ષ અગાઉ, ફ્રાન્‍સના વ્યંગ્ય સામયિક ‘શાર્લી એબ્દો’ પર કરવામાં આવેલા આતંકી હુમલામાં બાર લોકોનાં મૃત્યુ થયાં હતાં. હુમલા પાછળનું કારણ આ સાપ્તાહિકમાં પ્રકાશિત કરાયેલાં કેટલાંક કાર્ટૂન હતાં, જે ઈસ્લામ ધર્મની કેટલીક બાબતો પર કટાક્ષ કરતાં હતાં. ‘શાર્લી એબ્દો’માં અવારનવાર આ પ્રકારનાં, અને ખરું જુઓ તો, તમામ પ્રકારનાં કાર્ટૂન પ્રકાશિત થતાં હતાં. વ્યંગ્ય સામયિક માટે કોઈ પણ વિષય ‘પવિત્ર ગાય’ હોઈ ન શકે. સમાજમાં કે અન્યત્ર જોવા મળતી વિવિધ પ્રકારની વક્રતાયુક્ત અને વિરોધાભાસી પરિસ્થિતિઓ વ્યંગ્ય માટેનું મુખ્ય ચાલકબળ બની રહે છે, અને આવી પરિસ્થિતિ ધાર્મિક ક્ષેત્રથી વધુ ક્યાં જોવા મળવાની? ચાહે કોઈ પણ ધર્મ હોય, મોટા ભાગે નજર સામે દેખાતી ધર્મની વિપરીતતાઓ તેના અનુયાયીઓને કોઠે પડી જતી હોય છે, પણ એ બાબત પર કોઈ ધ્યાન દોરે, તેના વિશે લખે યા વ્યંગ્ય કરે તો અનુયાયીઓ એ ભાગ્યે જ સહન કરી શકે છે. આ બાબત મોટા ભાગના ધર્માનુયાયીઓને લાગુ પડે છે. પોતપોતાના ગજા મુજબ આ અનુયાયીઓ તેની ઉગ્ર પ્રતિક્રિયા આપે છે. ‘શાર્લી એબ્દો’ પરનો આતંકી હુમલો આવી પ્રતિક્રિયાનું જ પરિણામ હતો. એ હત્યાકાંડના પાંચેક વર્ષ પછી, ફ્રાન્‍સમાં એક શિક્ષક આ જ સામયિકમાં પ્રકાશિત થયેલાં કાર્ટૂન વર્ગમાં દેખાડી રહ્યા હતા. તેમનું માથું ધડથી અલગ કરી દેવામાં આવ્યું. હત્યા અને હુમલાનો સીલસીલો એ પછી પણ ચાલુ રહ્યો. મુસ્લિમ બહુમતિવાળા દેશોમાં આને પગલે ફ્રાન્‍સના બહિષ્કારનું એલાન કરવામાં આવ્યું. તેમણે બહિષ્કાર કરવો જોઈતો હતો કટ્ટરવાદનો, કે ધર્મને નામે કરાતાં આતંકી કૃત્યનો. તેને બદલે તેમણે અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય જેના કેન્‍દ્રમાં છે એ દેશનો બહિષ્કાર કર્યો.

આ આખો મામલો આમ સાદો, પણ આમ ગૂંચવનારો છે. ગૂંચવનારો એટલા માટે કે સ્પષ્ટપણે વાત કહેવાથી સામા પક્ષની નારાજગી વહોરી લેવી પડે અને તેનાં પરિણામ ઘાતક આવે એ શક્યતા પૂરેપૂરી છે. સાવ સાદી વાત એટલી છે કે મહાન મનાતો કોઈ પણ ધર્મ એટલો સંકુચિત કે નબળો ન હોઈ શકે કે તેની કોઈક બાબત પર વ્યંગ્ય કરવાથી તેના પાયા હચમચી જાય. જરા વિચારીએ તો ખ્યાલ આવશે કે વ્યંગ્ય ધર્મ પર ઓછો, અને તેમાં પેધા પડેલા બાહ્યાચારનાં દૂષણ પર વધુ હોય છે. આના માટે કોણ જવાબદાર? ધર્મગુરુઓ અને તેમનો પડ્યો બોલ ઝીલતા અનુયાયીઓનું આમાં મોટું પ્રદાન હોય છે.

સામાન્ય સંજોગોમાં ઉદારતા, કરુણતા અને માનવતાની દુહાઈ આપતા ધર્મગુરુઓ શું એમ માનતા હશે કે આવા વ્યંગ્યચિત્રોથી ધર્મનું અપમાન થાય છે? તેમણે વિચારવું જોઈએ કે વધુ અપમાન કોના થકી થાય છે? સરેઆમ બાહ્યાચાર થકી પોતાની સત્તા ટકાવી રાખતા ધર્મગુરુઓથી કે પછી આ બાબત પ્રત્યે આંગળી ચીંધનાર વ્યક્તિથી?

હકીકતે સમાજમાં ધર્મગુરુઓ કરતાં વધુ જરૂર વ્યંગ્યકારોની છે. અસલના રાજાશાહી યુગમાં રાજાના દરબારમાં વિદૂષક નિશ્ચિતપણે નિયુક્ત કરવામાં આવતો. જે વાત કહેવાની હિંમત રાજાને કોઈ ન કરી શકે એવી આકરી વાત વિદૂષક રાજાને હસતાં હસતાં સંભળાવતો. વર્તમાન યુગમાં આ ભૂમિકા વ્યંગ્યકારો ભજવી રહ્યા છે. તે એવા નિષ્ણાત છે કે જે રોગ પ્રત્યે આંગળી ચીંધીને તેનું નિદાન કરે છે. ઈલાજ તેમના હાથમાં નથી, અને તેમની પાસે એ અપેક્ષા પણ નથી. તકલીફ એ છે કે રોગનો ઉપચાર કરવાને બદલે તેની પ્રત્યે આંગળી ચીંધનાર પર તવાઈ ઉતારવામાં આવે છે અને આવો સમૂહ બહુમતિમાં હોય છે. વ્યંગ્યકારોએ કોઈ પણ ધર્મને પોતાના વ્યંગ્યપ્રહારથી ભાગ્યે જ બાકાત રાખ્યો હશે. ધર્મના પાલનમાં જેમ છીંડાં વધુ એમ વ્યંગ્યકારોનો એ પ્રિય વિષય બની રહેવાનો. તેનો ઉકેલ કદી કોઈની હત્યા થકી આવી શકે નહીં. આ રીતે હત્યા કરનારા સરવાળે પોતાના ધર્મનું મૂલ્ય જ ઘટાડે છે.

પોતાના ધર્મની કોઈ બાબત પર વ્યંગ્ય કરવામાં આવે તેને આંતરદર્શનની એક તક ગણવી જોઈએ. પણ એવો અઘરો માર્ગ કોઈ શા માટે પસંદ કરે? ઉદારતા અને સહિષ્ણુતા વ્યંગ્યને પચાવવામાં, તેને માણવામાં અને તેની પાછળનું કારણ જાણવામાં રહેલી છે. એમ લાગે છે કે વર્તમાન સમયમાં વિશ્વ સંકોચાઈ રહ્યું છે એમ માનસ પણ સંકુચિત થવા લાગ્યાં છે.

ફ્રાન્‍સની ઘટના બાબતે કટ્ટરતાનું સમર્થન કરનારા લોકો પોતાના આવા વલણ બાબતે અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના બેફામ દુરુપયોગને આગળ કરી રહ્યા છે. એ યાદ રાખવું રહ્યું કે અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય ગમે એટલું બેફામ બને, બેફામ બનતી ધર્માંધ કટ્ટરતા હંમેશાં વધુ નુકસાનકારક હોય છે. બેફામ અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય નરવાઈની નિશાની ગણાય કે ન ગણાય, ધર્માંધ કટ્ટરતા કોઈ પણ સંજોગોમાં બિમારીનું સૂચક જ છે. આ બાબત કોઈ પણ ધર્મની કટ્ટરતાને અને તેના કટ્ટરવાદી સમર્થકોને સરખી જ લાગુ પડે છે.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૫-૧૧-૨૦૨૦ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: Web Gurjari

1 thought on “ફિર દેખો યારોં : આસમાં પે હૈ ખુદા, ઔર જમીં પે હમ

  1. ……

    વીશ્વ સાથે માનસ સંકુચીત થઈ રહ્યા છે. એમાં ન્યાયપાલીકા પણ આવી જાય.

    બાબરી મસ્જીદ હતી એ બધાને ખબર છે અને હવે ત્યાં રામ મંદીર બનશે. ચુકાદો આવતાં સમય ઘણોં ગયો.

    માનસ સંકુચીત એ જ રહ્યું.

    …..

Leave a Reply

Your email address will not be published.