વલદાની વાસરિકા : (૮૭) વૈયક્તિક લાગણીઓનાં જતન અને સામાજિક સંવાદિતા-૧

વલીભાઈ મુસા

સંવાદમય સમાજના પ્રસ્થાપન માટે જરૂરી બની જાય છે કે વ્યક્તિઓ જ વ્યક્તિગત રીતે અન્યોન્ય સાથે સંવાદિતા સાધે. છેવટે તો વ્યક્તિઓ થકી જ સમાજ બને છે અને જેવી વ્યક્તિઓ તેવો સમાજ એવી એક સામાન્ય વ્યાખ્યા સંપન્ન થઈ ગણાય. હવે સાથેસાથે એ વાસ્તવિકતાનો આપણે સ્વીકાર કરવો રહે કે બધા જ સમયે એ શક્ય નથી કે સમાજની પ્રત્યેક વ્યક્તિ એવા કોઈ આદર્શને સિદ્ધ કરી શકે અથવા એવી સિદ્ધિની નજીક પણ પહોંચી શકે. હા, એટલું જરૂર બની શકે કે ભલે અલ્પમતીમાં પણ એવી વ્યક્તિઓ સમાજમાં એક એવો માહોલ ઊભો કરી શકે કે જે તરફ લોકોની જાગૃતિ કેળવાય અને આમ સમાજ માટે ઉર્ધ્વગામી થવાની આને પણ એક સારી નિશાની ગણાવી શકાય.

માનવ-વર્તણૂકોને જાણવી અને સમજવી એ મારા માટે હંમેશાં રસનો વિષય રહ્યો છે. આજના લેખ સાથે સંબંધિત મારા જીવનના અસંખ્ય પ્રસંગો પૈકીના માત્ર બે જ હું અહીં આપવા માગું છું, જેમના પ્રકાશમાં હું મારા લેખના લક્ષને સિદ્ધ કરવાનો પ્રયત્ન કરીશ. પહેલા પ્રસંગમાં મુખ્ય પાત્રે હું છું અને અન્યો ગૌણ પાત્રે, તો બીજામાં હું ગૌણ પાત્રે છું અને અન્ય ત્રાહિત વ્યક્તિ કે વ્યક્તિઓ મુખ્ય પાત્રે છે. આ બંને પ્રસંગો વૈયક્તિક લાગણીઓના જતનને અનુલક્ષીને છે જે પહેલી નજરે કદાચ વજુદ વગરના જ લાગશે, પણ તેમની પાછળ છુપાયેલા ગહન ભાવને જાણવાથી તેમનું મહત્ત્વ સમજાશે.

પ્રથમ પ્રસંગમાં કેન્દ્રસ્થાને હું પોતે હોઈ હું લાખ સાવધાની વર્તું,  છતાંય કોઈકને તો મારી આત્મશ્લાઘા થતી હોવાનું લાગ્યા વગર રહેશે નહિ. આમ સંભવિત આવા જોખમને માથે લઈને પણ હું જે કહેવા માગું છું તે કહીને જ રહીશ. પ્રસંગની પૂર્વભૂમિકા સમજાવવા જતાં અતિવિસ્તાર થઈ જવાનો ડર હોઈ હું સીધો જ પ્રસંગનાં પાત્રોના સંવાદો જ રજૂ કરીશ. અને વચ્ચે વચ્ચે જરૂર પડશે તો જરૂરી કોઈક સ્પષ્ટતાઓ કરતો રહીશ.

* * *

‘આપનો ખૂબ ખૂબ આભાર કે આજના રજાના દિવસના આરામનો ભોગ આપીને પણ આપે એક અમૂલ્ય ગ્રાહકસેવા આપી છે.” ગ્રાહક દંપતી પૈકી મેડમે કહ્યું.

“આપ આભાર માનો છો એ આપની સજ્જનતા છે, પણ અમારી પણ એક ફરજ બનતી હોય છે; અને એટલા જ માટે અમારી દુકાનના સાઈન બોર્ડ ઉપર અમે અમારો ઘરનો ફોન નંબર આપ્યો છે, કે જેથી અમે આકસ્મિક (emergency) જરૂરી સેવાઓ આપી શકીએ.” મેં કહ્યું.

“અમારી કાર રસ્તામાં ખોટવાઈ હતી અને અન્ય વાહન દ્વારા Tow કરાવીને (ખેંચાવીને)અહીં લાવ્યાં છીએ. આ ભલા મિકેનિકે પણ આપની જેમ જ અમને મદદરૂપ થવાની તત્પરતા બતાવી છે. અમે એ ભાઈના અહેસાનનો બદલો તો ચૂકવીશુ જ,  પણ આપને કહેતાં સંકોચ થાય છે; છતાંય અમે વિનંતિપૂર્વક કહીએ છીએ કે આપ આપના બિલ ઉપરાંત વધારે નહિ તો ઓછામાં ઓછા આ એકસો રૂપિયા બક્ષિસ તરીકે સ્વીકારી લઈ અમને આભારી કરશો.” પેલા સજ્જને વોલેટમાથી પૈસા કાઢતાં કહ્યું.

પેલા મિકેનિકે ઈશારા દ્વારા મેડમને કંઈક સમજાવવાનો પ્રયત્ન કર્યો તે હું જોઈ શક્યો અને મેડમ વચ્ચે કૂદી પડતાં સૌજન્યપૂર્ણ અવાજે બોલી ઊઠ્યાં, “મારા મિસ્ટર સહજભાવે ‘બક્ષિસ’ બોલી ગયા, પણ તેમના કહેવાનું તાત્પર્ય એ છે કે આપ આ મિકેનિક ભાઈના અમને જણાવ્યા પ્રમાણે દસેક કિલોમીટર દૂરના આપના ગામેથી વાહન લઈને આવ્યા છો અને સ્પેર પાર્ટનું બિલ માત્ર પંદર જ રૂપિયા થતું હોઈ આપના માટે નુકસાનનો વેપાર સાબિત થાય ને!  અમારો કોઈ હઠાગ્રહ નથી, પણ એક વ્યવહારની વાત છે. આપ આ નજીવી રકમનો સ્વીકાર કરશો તો અમને સંતોષ થશે.”

હવે પેલા મિકેનિકથી ન રહેવાતાં અને સહેવાતાં તે બોલી પડ્યો, ‘ચાલો, ચાલો વાત પતી ગઈ.” અને મારા સામે જોતાં તે પેલા ગ્રાહકયુગલ વતી જાણે માફી માગતો હોય તેમ બોલ્યો, ‘શેઠ, એ બિચારાં અજાણ્યાં માણસો છે અને તેમને આપની પેઢીની પ્રતિષ્ઠા અને આપના સ્વભાવની ખબર ન હોય ને! ’

મારા સુજ્ઞ વાચકો આટલા સુધી જોઈ શક્યા હશે કે પેલા યુગલે અને અમને સારી રીતે ઓળખતા એવા મિકેનિકે મારી લાગણીઓને સાચવવા પોતપોતાના વર્તન અને વાણીથી કેટકેટલી તકેદારીઓ રાખી હતી! હવે આપ સૌ આતુર હશો એ જાણવા કે મેં કેવો પ્રતિભાવ આપ્યો હશે! તો જાણી લો કે મેં કોઈ પ્રતિભાવ ન આપ્યો અને હું સસ્મિતવદને મૌન જ રહ્યો. મિકેનિકે પોતાની રીતે મારું કામ પાર પાડ્યું હતું અને હું જાણતો હતો કે મારો એકાદ શબ્દ પણ પેલાં બિચારાં માટે તેમના વ્યવહારુ વિવેક બદલ શરમિંદગીનું કારણ બની રહેશે.

* * *

હવેનો બીજો અને આ લેખ માટેનો છેલ્લો પણ ખૂબ જ મહત્ત્વનો પ્રસંગ વર્ણવતાં મારે ખૂબ સાવધાની વર્તવી પડશે કે જેથી પરોક્ષ રીતે વર્ણવાય તેમ છતાંય અન્ય પાત્ર કે પાત્રોની ઓળખ (Identity) પ્રસ્થાપિત ન થઈ જાય. આ પ્રસંગમાં અગાઉ કહ્યા મુજબ એ અન્ય પાત્ર કેન્દ્ર સ્થાને છે, જ્યારે હું પોતે ગૌણ પાત્રે છું. વળી મારા  શાબ્દિક એવા કોઈ કથન વગર કે મારી મનોમન કોઈ અપેક્ષા વગર, અમારી જ ધંધાકીય લાઈનના એ વેપારી ભાઈએ મારી લાગણીને સાચવવા જે ખાનદાની બતાવી છે તેને હું  યથાર્થ રીતે સન્માની શકીશ કે કેમ તે એક મોટો સવાલ છે. વાતને વધારે લડાવ્યા વગર પ્રથમ તો સંક્ષિપ્તમાં પ્રસંગની પૂર્વભૂમિકા આપીશ અને પછી આગળ વધીશ.

1984નું વર્ષ હતું. અમારી એક Principal કંપની તરફથી પુના મુકામે દેશભરના અગ્રગણ્ય ડિલર્સની ત્રણ દિવસ માટેની એક કોન્ફરન્સ હતી. ગુજરાતમાંથી માત્ર બાર જ ડિલર્સની પસંદગી થઈ હતી, જેમાં અમારો પણ સમાવેશ થયો હતો. અન્ય સ્થળના કોઈક ડિલર સંજોગોવશાત્ બીજા દિવસે આવવાના હતા. સામાન્ય રીતે અમે જે જે કંપનીઓ સાથે સંકળાયેલા હતા, તેમની સાથેના તમામ વ્યવહાર કે સંપર્ક જાળવવાની જવાબદારી મારો જે પુત્ર સંભાળતો હતો, તે અનિવાર્ય સંજોગોના કારણે આ કંપનીની કોન્ફરન્સમાં હાજરી આપી શકે તેમ ન હોઈ ત્યાં મારે જ જવું પડ્યું હતું. ત્યાંની એક પંચતારક હોટલમાં કે જ્યાં અમારી કોન્ફરન્સ હતી, ત્યાં બે ડિલર્સ વચ્ચે એક Luxurious રૂમની ફાળવણી ઉપરાંત અમારા District Manager માટે અલાયદો રૂમ હતો. એક જ Floor ઉપર પાસે પાસે જ રૂમ હતા, પણ સૂવાના સમયને બાદ કરતાં બાકીના સમયે બધાયનો મુકામ D.M. ના રૂમમાં જ રહેતો.

પહેલી જ રાત્રિએ કંપની તરફથી પૂરા પાડવામાં આવેલા અમર્યાદિત દારૂને ગટગટાવવા માટેની મહેફિલની તૈયારીઓ થઈ રહી હતી. અમારા D.M.ને મારા વિષેની ધાર્મિક અને વ્યક્તિગત જાણ હોવાના કારણે Soft Drink ની વ્યવસ્થા થઈ ચૂકી હતી. મેં બધાને હૈયાધારણ આપી હતી કે તમામે મારો કોઈ જ સંકોચ રાખ્યા વગર મહેફિલનો પૂર્ણ આનંદ માણવો અને મારા માટે Soft Drink માટેનો પુરવઠો મહેફિલ ચાલે ત્યાં સુધી જળવાઈ રહે તેવી વ્યવસ્થા કરવી. વળી મારાથી Soft Drink વધારે ન પીવાઈ જાય તે માટે Chilled (થીજી ગએલ) બોટલ્સ મંગાવી લેવામાં આવે તેમ પણ મેં કહી દીધું હતું.

હવે જ્યારે બાકીનાઓ માટે પ્રથમ જ પેગ બનાવવા માટેની તૈયારી ચાલી રહી હતી,  ત્યારે મારા રૂમ પાર્ટનરે બધાયને કહી દીધું કે તેમના માટેનો પેગ બનાવવામાં ન આવે અને તેઓ ત્રણેય દિવસ મને Soft Drink માં કંપની આપશે. આ સાંભળતાં જ મેં અવલોકન કર્યું કે બધાયના ચહેરા ઉપરનો રંગ ઊડી રહ્યો હતો અને તેમનો Mood (મિજાજ) પણ જાણે કે મરી રહ્યો હતો. મેં સાંભળ્યું હતું કે આવા મહેફિલ જમાવવાવાળાઓને  એકાદ પણ મારા જેવો માણસ સાથે હોવાનું ગમે નહિ અને હવે તો અમે એવા બે જણ થવાના હતા.

મેં ખુલ્લા દિલે એવી દરખાસ્ત મૂકી કે ‘હું મારા રૂમમાં સૂવા માટે ચાલ્યો જાઉં છું અને શા માટે કોઈએ પણ પોતાને ખપતા આવા આનંદથી વંચિત રહેવું જોઈએ! ’  મારા રૂમ પાર્ટનરે તરત જ જાહેર કરી દીધું કે ‘વલીભાઈના એ નિર્ણયથી મારો પોતાનો નિર્ણય કોઈપણ સંજોગોમાં બદલાશે નહિ અને હું પણ તેમની સાથે અમારા રૂમમાં સૂવા માટે ચાલ્યો જઈશ.’

વાત ગંભીર બની જાય, તે પહેલાં મેં મારી દરમિયાનગીરી શરૂ કરી. મેં મારા રૂમ પાર્ટનરને લાગણીભર્યા અવાજે કહ્યું, ‘ભાઈ, તમે મારા ખાતર બધાયનો મુડ ન બગાડો તો સારું. આમ છતાંય બધાયને સંતોષ થાય તેવું કોઈ વ્યાજબી કારણ હોય તો કહી સંભળાવો અને હું તમારી પડખે રહીશ.’

‘મારા કારણને જાહેર કરવાની મને ફરજ ન પડે તેમ હું ઇચ્છું છું. વળી મારા દિલની ભાવનાને જાહેર કરવાથી તેની ગરિમા નહિ જળવાય! ગુજરાતમાં દારૂબંધી હોઈ રાજ્ય બહાર જ્યારે પણ મારે જવાનું થાય છે ત્યારે હું પીવાનું ચૂકતો નથી, પણ આજે તો એ નહિ જ બને.’ તેમની વાતમાં મક્કમતાનો રણકો હતો.

‘વાતની ગરિમા જળવાય કે ન જળવાય, પણ વલીભાઈના કહ્યા મુજબ તમારે કારણ જાહેર કરવું જોઈએ અને તેમ નહિ કરો તો અમે બધા તમારા બેની જ નાતમાં જોડાઈ જઈશું! વળી અમે પણ ત્રણ દિવસ નહિ પીએ તો મરી જવાના નથી! ’

મારા રૂમ પાર્ટનર દયામણા ચહેરે મારી સામે જોતા ગળામાં ડૂમો ભરાયો હોય તેવા અવાજે પરાણે બોલી શક્યા, ‘વલીભાઈ મારા રૂમ પાર્ટનર છે. હું કદીય તેમને મળેલો નથી, પણ અહીંની પહેલી જ મુલાકાતે તેમના ચહેરાની સાલસતાએ મારા ઉપર એવું વશીકરણ કરી દીધું છે કે મારા માટે એમની લાગણીને સાચવવાનું ફરજરૂપ બની ગયું છે.’

અમારા D.M. ખડખડાટ હસી પડતાં બોલ્યા, ‘જો આ જ કારણ હોય તો મારી પાસે આનો ઉકેલ છે. વલીભાઈ, હવે તમે D.M. અને હું ‘વલીભાઈ’! મારો રૂમ આ ત્રણેય દિવસ માટે તમારો અને આપણા આ ભાઈનો રૂમ પાર્ટનર હું! બધાયને પૂછું છું કે મારો ઉકેલ બરાબર છે કે નહિ! ’

બધા તાળીઓ વગાડતા એકસાથે બોલી ઊઠ્યા, ‘બરાબર છે, બરાબર છે.’ વાતાવરણ હળવું બની રહ્યું હતું અને હું પણ આશાવાદી બન્યો હતો કે સમસ્યાનો સુખદ ઉકેલ જાણે કે હાથ વેંતમાં જ છે!

પરંતુ બધાયના આશ્ચર્ય વચ્ચે મારા રૂમ પાર્ટનરે ઠાવકાઈપૂર્વક ધીમેથી એટલું જ કહ્યું, ‘D.M.શ્રીના ઉકેલ કરતાં પણ વધારે ઉત્તમ ઉકેલ એ છે કે મારે ‘મારી તબિયત બગડી છે’ ના ખોટા બહાના હેઠળ અબઘડીએ પુના છોડી દેવું!  ભલા માણસો, વલીભાઈની હાજરીમાં મારે આ બધા ખુલાસા આપવા પડે છે તેનું મને દુ:ખ છે. બાકી હું તેમના રૂમ પાર્ટનર તરીકેથી બદલાઉં કે બીજી હોટલમાં ચાલ્યો જાઉં તે તો મારું મન મનાવવા પૂરતો ટેકનિકલ કે હંગામી ઉકેલ માત્ર જ છે. મારા વલીભાઈ પ્રત્યેના આદરભાવની આવી તુચ્છ મજાક હવે મારાથી વધુ સહન નહિ થાય!’ આટલું બોલતાં તો તેઓ લગભગ રડમસ જ બની ગયા.

મારા અંતરમાંથી તો  એવો અવાજ ઊઠતો હતો કે આ એક અજનબી જેવો માણસ માત્ર મારો ચહેરો જોઈને મને જે માનસન્માન આપી રહ્યો છે તેના સામે હું પોક મૂકીને હૈયાફાટ રડી પડું, પણ હું તેમ કરી શકું તેમ ન હતો; કારણ કે મારે બધાયની લાગણી સાચવવાની હતી.

અચાનક મારા મનમાં પરિસ્થિતિને પલટી નાખવાની આશાનો એક ઝબકારો થયો અને મેં જાહેર કર્યું કે, ‘જો બધા જ મારામાં વિશ્વાસ મૂકતા હો તો આ સમસ્યાના આખરી ચુકાદાને હું જ જાહેર કરું અને જેનો સ્વીકાર મારા રૂમપાર્ટનર સુદ્ધાં બધાએ જ કરવાનો રહેશે! બોલો મંજૂર? ’

બધાએ અમારા રૂમમાં ‘મંજૂર’ શબ્દના પડઘા પાડ્યા. મેં બધાયને વચનબદ્ધ કરીને મારો નિર્ણય જાહેર કર્યો, “રૂમ સર્વિસમાં ફોન કરીને તમને જરૂરી લાગે તો તમારા બધા માટે હજુ પણ વધુ દારૂ મંગાવીને જલસા કરી શકો છો, પણ મારા અને મારા રૂમપાર્ટનર માટે તો Soft Drinkનો જથ્થો બેવડો કરાવી જ દો. તમે બધા એકદમ મદમસ્ત (Out) થઈ જાઓ, તો અમે બે જણા અમારા ખભાઓનો સહારો આપીને તમને તમારા રૂમોમાં સહીસલામત પહોંચાડીશું. મારા એકલાથી આ જવાબદારીનું વહન ન થાત એટલે જ તો મને મારા પાર્ટનરના રૂપે ગેબી મદદ મળી છે તેમ બધાયે માનવું જ રહ્યું!  ચાલો, બધા પોતપોતાની જોડીમાં ગોઠવાઈ જઈને Cheers શરૂ કરી દો. બસ તમારી જ જેમ મારા રૂમ પાર્ટનર અને હું પણ અમારા Soft Drink ની બોટલ્સને એકબીજી સાથે ખખડાવીને Cheers કરી લઈએ છીએ.’

* * *

મારા વિદ્વાન વાચકો મને માફ કરશે, જો અહીં અતિ વિસ્તાર થઈ ગયો હોય તો! મારા સઘળા પ્રયત્ને લાઘવ લાવવામાં હું નિષ્ફળ રહ્યો છું. વળી રસસાતત્યનો ભંગ થવાના ભયે લેખને વિભાજિત કરવાનું પણ મુનાસિબ ગણ્યું નથી. લેખની શરૂઆતના પૂર્વકથનમાં વૈયક્તિક લાગણીઓના જતન માટે સમજદારોએ રાખવી પડતી સભાનતા વિષે જે કહેવાઈ ગયું છે, તેનું પુનરાવર્તન ન કરતાં માત્ર એટલું જ કહીશ કે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં કોઈક અન્ય વ્યક્તિ કે વ્યક્તિઓના સહવાસમાં આવતાં કાચના વાસણની જેમ બીજાઓની લાગણીઓને સાચવવાનો પ્રયત્ન કરે તો સંવાદમય સમાજનું સર્જન જરૂર થઈ શકે તે એક નિર્વિવાદ હકીકત હોવાનું મારું નમ્ર માનવું છે.

                                                                   (ક્ર્મશ: ભાગ-૨)

* * *

શ્રી વલીભાઈ મુસાનાં સંપર્કસૂત્ર:

ઈ મેઈલ – musawilliam@gmail.com મોબાઈલ + 91-93279 55577 / / + 91-94261 84977

નેટજગતનું સરનામુઃ
• William’s Tales (દ્વિભાષી-ગુજરાતી/અંગ્રેજી) | વલદાનો વાર્તાવૈભવ | માનવધર્મ – જીવો અને જીવવા દો

Author: admin

1 thought on “વલદાની વાસરિકા : (૮૭) વૈયક્તિક લાગણીઓનાં જતન અને સામાજિક સંવાદિતા-૧

  1. વાહ વાહ … શેઠ, એ બીચારા અજાણ્યાં માણસો છે અને તેમને આપની પેઢીની પ્રતીષ્ઠા અને આપના સ્વભાવની ખબર ન હોય ને !

Leave a Reply

Your email address will not be published.