સંસ્કૃતિની શોધમાં : ૩૭ : અંતિમ પડાવ – ધર્મરાજિકા

પૂર્વી મોદી મલકાણ

કલિંગ યુધ્ધ પછી શાંતિની શોધમાં નીકળેલા અશોકને ધર્મરાજિકામાં પરમ શાંતિ મળી. આ સ્થળમાં મળેલી શાંતિ પછી જ્યારે અશોક પાટલીપુત્ર પાછો ફર્યો ત્યારે એ એક નવી જ વ્યક્તિ હતી. આ નવો અશોક હવે ચાંડાલ અશોક નહીં, પણ અશોક મૌર્ય હતો જે ચંદ્રગુપ્ત મૌર્યનો પૌત્ર હતો. સમ્રાટ અશોકનાં જીવનનો આ પ્રથમ પ્રસંગ હતો જે સમયમાં તેણે હાજર ન રહેલા પિતા બિંબસારને ખરા હૃદયથી અપનાવ્યા. પાટલીપુત્રના એ મહેલમાં અશોકને હવે સન્નાટો સંભળાતો નહોતો, તેને તો સંભળાતા હતા તેનાં માતપિતાના મુખેથી ઉચ્ચારીત બુધ્ધસૂત્રનાં વચનોના અને બુધ્ધવાણીના પડઘા.

ભીખ્ખુ અશોક હવે શાંતિનાં અભિલેખનો વિસ્તાર કરતો. તે પાટલીપુત્રમાં આવતા પ્રત્યેક નવા દેશના યાત્રી સાથે બુધ્ધનાં દરેક સૂત્રોને વિશ્વના દરેક ખૂણે મોકલતો હતો. આ નવું કાર્ય કરતી વખતે તે કેવળ નવા દેશનાં યાત્રી તરફ જ જોતો નહતો, પણ અતીતમાં નજર કરી એ ગ્રીક સંસ્કૃતિને ય અપનાવી. જેની સાથે ક્યારેક તેનાં દાદા ચંદ્રગુપ્ત મૌર્યનો ય સંબંધ હતો. આ નવા અશોકને હવે એ ગ્રીક સંસ્કૃતિમાં યે બૌધ્ધ ભીખ્ખુઓ દેખાતાં હતાં જેને કારણે તેણે જે શિલ્પ બનાવ્યાં તેમાં આ સંસ્કૃતિ ઝળકતી હતી.

તેથી અહીં ધર્મરાજિકામાં અમે જે જે બચેલા ચહેરાઓ જોયા તે ભીખ્ખુઓમાં પણ અમને ગ્રીક સંસ્કૃતિના ચહેરાઓ દેખાયા. ધર્મરાજિકામાં અશોકના હૃદયને શાંતિ મળ્યા પછી તે ફરી પાછો ક્યારેય આ સ્થળે ન આવ્યો, હા તેના મંત્રીઓનું આવાગમન થતું રહ્યું જેને કારણે લાંબા સમય સુધી આ સ્થળની જાળવણી થઈ શકી; પણ મધ્યકાલીન યુગમાં આવેલા આક્રમણકારીઓએ આ સ્થળોનો સારો એવો વિધ્વંશ કર્યો અને ત્યારપછી થતો રહ્યો. 

ગ્રીક ભીખ્ખુ સ્ટેચ્યુ

સમ્રાટ અશોકનાં ધર્મરાજય ધર્મરાજિકાના અવશેષોને બરાબર અમારી સ્મૃતિમાં સમાવી અંતે અમે પણ ઇસ્લામાબાદ તરફ નીકળી પડ્યાં ત્યારે અમારી સ્મૃતિ પણ અમને વારંવાર યાદ કરાવતી હતી કે અમારો ય પાકિસ્તાનમાં મુક્ત મને ફરવાનો આ અંતિમ પડાવ હતો.

પાકિસ્તાન ટૂર વિષે હું એ કહીશ કે આપણાં સંબંધો ભલે વિકાસ નથી પામ્યાં પણ તોયે પાકિસ્તાનના આમ નાગરિકો મને આપણાં જેવા જ લાગ્યા. કદાચ સામાન્ય પ્રજા બધે જ સરખી હોય છે તેથી જ યાસે અનાયાસે મારે જેને જેને મળવાનું થયેલું તે બધાં જ લોકો મારે માટે ખાસ હતાં તોયે અમુક લોકો સાથેનાં પ્રસંગો મને બહુ જ યાદ રહી ગયાં તેમાં હતાં હરપ્પામાં મળેલ તે બીબી જેણે મને કહેલું કે “અગર બીના પરદે કે મૈં નિકલતી તો મેરા મિયાં મુઝે ગાડ હી દેતા.” લાહોરની હોટેલમાં મળેલાં પેલા વેઇટર જેમણે ભારતવાસીઓ માટે સંદેશો મોકલેલો, ઇસ્લામાબાદની મેરિયેટમાં મળેલ ઉઝબેકિસ્તાનનાં પ્રેસીડન્ટ સાથેની અલપઝલપ ઓળખાણ, ઇસ્લામાબાદ એરપોર્ટ પર ઓફિસરનું કહેવું કે “હમ હમારે મહેમા કી બહોત ખાનાબદોશ કરતે હે”, શેરશાહ સૂરી રોડ પર પેલા પોલીસ ઓફિસરનું પૂછવું કે” ક્યા સારે અપને હી લોગ હૈ” ? પેશાવરના શ્રીમંત શ્રેષ્ઠી શેઠી પરિવારની મુલાકાત, પેશાવરની ટૂરમાં ઉસ્માનજીને ત્યાં તેમનાં સંબંધી જેઓ ઉમરા -હજ કરીને આવેલા તેમણે મને પવિત્ર આબે ઝમઝમ અને આજવાની ખજૂર આપેલી તે પળો મારે માટે પરાકાષ્ઠા હતી. આમ કેટકેટલી યાદો તાજી કરું.

ઇતિહાસની વાત કરીએ તો, પાકિસ્તાનનો ઇતિહાસ, તેની સભ્યતા અને તેની સંસ્કૃતિ મને અનેક ટુકડાઓમાં વિખરાયેલો લાગ્યો. આ ટુકડાઓમાં એક ટુકડો ભારત સાથેનો છે જે  આટલાં વર્ષો પછી યે હજી કોઈક દોર વડે ખેંચાયેલો છે, તેથી હિન્દુ રાવલ-બ્રાહ્મણ અને પંજાબી ઇતિહાસ છે, તો બીજા ટુકડામાં બૌધ્ધ અને શીખ ઇતિહાસ સમાયેલો છે, ત્રીજા ટુકડામાં અફઘાન અને ગ્રીક સંસ્કૃતિની ઝલક જોવા મળે છે તો ચોથા ટુકડામાં કરોડો વર્ષ પાછળ ખેવરા સોલ્ટ માઇન અને મુઘલ ઇતિહાસ સમાયેલ છે.  

પાકિસ્તાનની ભૂમિ પર ભોમિયો બની રખડપટ્ટી કરતાં જાણવામાં આવ્યું કે; પાકિસ્તાન ભલે કહેતું રહે કે અમે જુદા છીએ પણ તેમની એ ખંડિત ઇમારતોમાં, કલામાં, વિચારમાં, રીત-રિવાજ, ખાણીપીણીમાં, સંસ્કૃતિ, સભ્યતામાં, અમુક રીત રિવાજોમાં, ભૂગોળમાં મને ભારતીય સંસ્કૃતિ જ ધબકતી જણાઈ. તેથી જ ઘણીવાર મને -અમને લાગ્યું કે પાકિસ્તાનનાં અમુક લોકોને માટે ભારત આજે ય તેમના પૂર્વજોનો દેશ છે. એક યાત્રી, પ્રવાસી તરીકે પ્રેમ, આવકાર અને ખેલદિલીના ત્રણેય ભાવ મને પાકિસ્તાનના લોકો પાસેથી મળ્યાં પણ અગાઉ જણાવ્યું તેમ આ નજર તે કેવળ એક પ્રવાસીની છે અને એમાં યે આ સફર તો વિભાજન પછી આપણી જે સંસ્કૃતિ પાકિસ્તાન જતી રહી તેને જ જાણવાના પ્રયત્ન માટે છે….અને આ સફરમાં પાકિસ્તાન લોકોનાં હૃદયમાં ય માનવતા, હુંફ, અને જિજ્ઞાસા રહેલી છે એ બાબતનો ય અનુભવ થયો એ બાબત મારે માટે મુખ્ય બની રહી. 

નવું પાનું:- 

મારી બીજી દૃષ્ટિની વાત કરું તો અજાણ્યા પ્રદેશમાં ફરતાં જ્યારે જ્યારે અમને જ્યારે ભારતના દર્શનની ઝલક પણ દેખાઇ તે વખતે અમને ખૂબ આનંદ અને આશ્ચર્ય થયું છે, પણ જેને આપણે દુશ્મન માનીએ છીએ તેના ઘરમાં મહેનમાનગતિ માણતાં જે આનંદ થાય તે આનંદે ય કોઈક જુદી જ ભાવના, યાદ, અનુભવ અને અનુભૂતિ આપી જાય છે. ભારતમાંથી પાકિસ્તાન તરફ ઘણાં લોકોએ પ્રવાસ કર્યો હશે ને કરશે, પણ દરેકનું લક્ષ, હેતુ અને વિચાર જુદા જુદા હોય છે. પણ મારું -અમારું લક્ષ્ય કેવળ ભારત-પાકિસ્તાન વચ્ચે રહેલો છુપાયેલો જે ઇતિહાસ હતો તેને જ શોધવાનો હતો અને તેમાં અમે અમુક હદે સફળ રહ્યાં તેનો અલગ આનંદ છે. આજે અમે, તમે ને આપણે સાથે સાથે પાકિસ્તાન છોડી રહ્યાં છીએ ફરી પાછું આ સ્થળે આવવાનું થશે કે નહીં તે વિષે આપણે જાણતાં નથી પણ પાકિસ્તાનથી બહાર નીકળીને આપણી ટૂર પૂરી નથી થતી કારણ કે હજુ ટૂર ચાલુ છે. 

આભાર:- 

અંતે હું મારા દરેક એ વાંચકોનો ખૂબ ખૂબ આભાર માનું છું જેઓ આ ઇતિહાસની ખેડમાં મારી સાથે રહ્યાં અને પ્રત્યેક પળે મને પ્રોત્સાહન આપતાં રહ્યાં.


© ૨૦૧૮ પૂર્વી મોદી મલકાણ. યુ.એસ.એ | purvimalkan@yahoo.com

Author: admin

1 thought on “સંસ્કૃતિની શોધમાં : ૩૭ : અંતિમ પડાવ – ધર્મરાજિકા

  1. Beautiful..વારંવાર પાકિસ્તાન ટૂરનાં પાના પર ફરવું ગમે છે અને ત્યાંથી બહાર નીકળવાનું મન પણ થતું નથી. યુરોપ, અમેરીકાની ટૂર કરતાં આ ટૂર ક્યાંય રોમાંચક અને રહસ્યમયી લાગે છે..પ્રત્યેક પાના વાંચતી વખતે બે મિનિટ માટે હૃદય ધડથી ઢળી જાય છે.

Leave a Reply

Your email address will not be published.