મોજ કર મનવા – ઈશ્વર અને કોરોના એક તુલનાત્મક અધ્યયન

કિશોરચંદ્ર ઠાકર

અધ્યયન એ વિદ્વાનોનો વિષય છે અને તુલનાત્મક અધ્યયન એ મહાવિદ્વાનોનું કાર્યક્ષેત્ર છે, એવી સમજથી પ્રેરાઈને મેં આ લેખ લખવાનો વિચાર કર્યો.  આ માટે  એક વિદ્વાન તરીકે ઈશ્વર અને કોરોનામાં રહેલાં સામ્ય અને વિરોધાભાસનો તલસ્પર્શી અભ્યાસ કર્યો. સૌ જાણે છે તે પ્રમાણે કશું પણ લખવા માટે સાક્ષરોને એકાદ નાનકડી પ્રેરણા પણ પૂરતી હોય છે. મને પણ આ લેખ લખવાની પ્રેરણા થોડા દિવસો પહેલા સાંભળવામાં આવેલી આ પ્રાર્થનામાંથી મળી.     

“આસપાસ આકાશમાં અંતરમાં આભાસ
ઘાસચાસની પાસ પણ વિશ્વપતિનો વાસ
ખાલી જગ્યા ખોળીએ કણી મૂકવા કાજ
ક્યાંયે જગકર્તા વિના ખાલી ન મળે ઠામ”

         પ્રાર્થના ભલે ભગવાન માટે લખાયેલી હોય પરંતુ મને તો તેમાં કોરોનાનાં જ દર્શન થયાં. ભગવાન દરેક જગ્યાએ છે તેમ કોરોનાના વાયરસ પણ સર્વવ્યાપી છે, એમ અનુક્રમે ભગવાનના અને કોરોનાના શ્રદ્ધાળુઓનું માનવું છે. લાકડું, લોઢું તાંબુ કે પિત્તળ એવા જડ પદાર્થો કે પછી સમગ્ર જીવજગત એમ દરેક સ્થળે અને શિયાળો ઉનાળો ચોમાસુ અહોરાત્રિ, ઉષા કે સંધ્યા એમ દરેક સમયે ઈશ્વર હાજર હોય છે. કોરોનાનો વાયરસ પણ દરેક સ્થળે અને ભલે હંમેશા નહિ પરંતુ ક્યારેક ક્યારેક તો ઉપસ્થિત હોય છે જ. માનવદેહની વાત કરીએ તો ઈશ્વર મનુષ્યનાં હૃદયમાં વસે છે તો કોરોનાનો વાયરસ મનુષ્યનાં ફેફસામાં વસવું પસંદ કરે છે.

         ગીતાના ‘વિભૂતિયોગ’ નામના અધ્યાયમાં ભગવાન કૃષ્ણે પોતાની અનેક વિભૂતિઓનું વર્ણન કરેલું છે, જેમ કે ‘વૃક્ષોમાં હું પીપળો છું’, ‘છળકપટમાં હું જુગાર છું’, ‘ગુપ્તભાવોમાં હું મૌન છું’ , સર્પોમાં વાસુકી છું વગેરે વગેરે.      ભાગવાનને જો હાલના સમયમાં આ અધ્યાય કહેવાનો થયો હોત તો તેમણે પોતાની એક વધારે વિભૂતિની વાત કરતા કહ્યું હોત કે “વ્યાધિઓમાં હું કોરોના છું”    

                       સમાજના સમગ્ર અગ્રવર્ગને પોતાનાં સુખશાંતિ ઈશ્વરની કૃપાથી છે તેમ લાગવાને કારણે તેમની દૃષ્ટિએ ઈશ્વરનું સ્વરૂપ ભલે આજે મંગળમય લાગતું હોય, પરંતુ  આરંભમાં તો મનુષ્યે ઈશ્વરની કલ્પના ભયાનક તત્વ તરીકે જ કરી હતી. આગ, પૂર, વાવાઝોડાં, ધરતીકંપ વગેરે કુદરતી આફતો તથા હિંસક પ્રાણીઓના ભયને કારણે તેને ઈશ્વર ભયાનક લાગતો. આથી તેને રીઝવવા માટે પ્રાર્થનાઓ, યજ્ઞો વગેરે થતા. એ જ પ્રમાણે પોતાની પ્રારંભિક અવસ્થાએ કોરોના આજે  વિકરાળ લાગે છે. માનવસમાજ તેનાથી ભયભીત હોવાથી તેને રીઝવવા દિવાબત્તી કરવા, થાળી વગાડવી વગેરે પ્રકારની ચેષ્ટાઓ કરવામાં આવી. આશ્ચર્ય એ વાતનું છે કે શીતળા માતા કે બળિયાદેવનાં મંદિરો બનાવવા આવ્યા છે તેમ કોરોનાદેવનું એક પણ મંદિર હજુ નથી બન્યું!

          ઈશ્વરને ભલે આપણે સર્વવ્યાપી કહેતા હોઈએ પરંતુ  બધા જ સ્થળો  તેને સરખા પ્રિય હોય એમ લાગતું નથી. કેટલીક વસ્તુઓ તરફ તેનો પક્ષપાત હોવાથી ત્યાં તે દૃઢ આસન જમાવીને બિરાજે છે, જેમ કે તુલસીપત્ર, દર્ભ, ગંગામૈયા ગાયમાતા, ભકતજનોનાં હૃદયો, ભૂદેવો,  મંદિર, મસ્જિદ દેવળ વગેરે વગેરે. તે રીતે નિષ્ણાતોના કહેવા મુજબ  કોરોના વાયરસને કેટલીક જગ્યાએ રહેવું પસંદ નથી હોતું. ઓછોવત્તો સમય ત્યાં રોકાઈને ત્યાં આત્મવિલોપન કરે છે, પરંતુ  માનવદેહમાં તો  તે ઈશ્વરની માફક “હું એક છું તો બહુ થાઉં” એવા સંકલ્પ સાથે તેત્રીસ કોટિ દેવતાઓ કરતા પણ વધારે એવા અબજોની સંખ્યામાં વૃદ્ધિ પામીને વસે છે.

            ઈશ્વરનાં સ્વરૂપ વિષે આસ્થાળુઓમાં અને જુદાં જુદાં શાસ્ત્રોમાં મતભેદ છે. કોઈ શાસ્ત્ર તો નેતિ નેતિ કહીને હાથ ઊંચા કરી દે છે. તેમ કોરોના વાયરસના નિષ્ણાતોમાં પણ તેના સ્વરૂપ વિશે મતભેદ છે. કેટલાકનો મત એવો હોય છે કે જેમ વનરાજને છંછેડવામાં ના આવે તો તે આપણને નુક્શાન કર્યા વિના પોતાની મોજમાં આપણી બજુમાંથી જ પસાર થઈ જાય છે, તેમ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓ ઉપર કોઈ આડાઅવળા પ્રયોગ  કરવામાં ના આવે તો તે એકાદ બે સપ્તાહ રોકાઈને પોતાના માર્ગે સિધાવી જાય છે. એથી વિપરીત કેટલાકના મત મુજબ કોરોના વાયરસને ખૂબ ગંભીરતાથી લઈને દાકતરી સારવાર લેવી જોઈએ. જડ પદાર્થોમાં તે કેટલા દિવસ રોકાય છે તે બાબતે પણ તેમના અભિપ્રાયોમાં સમાનતા નથી. કોઈ કહે છે કે લોખંડમાં તે વધારે સમય રોકાય છે તો અન્યના કહેવા પ્રમાણે પ્લાસ્ટિકની મહેમાનગતિ માણવી તેને વધારે પસંદ  છે

         ભક્તકવિ દયારામે  કહ્યું છે કે તુજ સંગે કોઈ વૈષ્ણવ થાયે તો તું વૈષ્ણવ સાચો.  કોરોનાના દર્દીને માટે પણ કહી શકાય કે તુજ સંગે કોઈ સંક્રમિત થાય તો તું સંક્રમિત સાચો!

         નાસ્તિકોની માન્યતા પ્રમાણે ઈશ્વરનું અસ્તિત્વ જ નથી. એ જ પ્રમાણે આ સૃષ્ટિમાં એવા મનુષ્યો પણ વિચરે છે કે જેઓ એ બાબતે ચોક્કસ છે કે, કોરોના નામના કોઈ વ્યાધિનું અસ્તિત્વ જ નથી. તેમને મન તો એ કોઈની કપોળ કલ્પના છે. નાસ્તિકો કહેતા હોય છે કે ઈશ્વરને નામે ધર્મગુરુઓ કે રાજનેતાઓ પોતાનાં હિત સાધે છે, તેવી જ રીતે કોરોનાનાં અસ્તિત્વને ઈ‌ન્કારનારાઓનું કહેવું છે કે કોરોનાનો  કાલ્પનિક ભય ઊભો કરીને લોકોને પરેશાન કરવા તેમજ હિત ધરાવતા લોકોનું ધન કમાવા માટેનું કાવતરું કરવામાં આવેલું છે. નાસ્તિકોના મત મુજબ જેમ દેવમંદિરમાં જોડા પહેરીને જવામાં કશું પાપ લાગતું નથી તેમ કોરોનાના અશ્રદ્ધાળુઓના માનવા મુજબ મોં પર માસ્ક  પહેરવાની કોઈ  જરૂર નથી.

         ઈશ્વર વિષે શ્રદ્ધાળુઓ અને નાસ્તિકો ઉપરાંત એક ત્રીજો વર્ગ પણ છે કે જે ઈશ્વર હોય કે ન હોય તે બાબતે બેપરવા  છે. ઈશ્વરનાં હોવા કે ના હોવાથી તેમને કોઈ ફરક પડતો નથી. મંદિર કે મસ્જિદમાં જવાય તો ઠીક અને ના જવાય તો પણ તેમને કશું નુક્શાન દેખાતું નથી. તેમને મન બધું સરખું જ હોવા છતાં ધાર્મિક લોકોની લાગણીઓને માન આપીને રસ્તે દેવમંદિર આવે તો બે હાથ જોડવાની ઔપચારિકતા તેઓ નિભાવી લે છે, કોઈ પ્રસાદ આપે તો ગ્રહણ કરી લેતા હોય છે. કોરોના બાબતે પણ એવા તટસ્થો હોય છે કે જેને વાયરસ હોય કે ના હોય તેનાથી કોઈ ફરક પડતો નથી. પરંતુ  લોકલાગણીને માન આપીને કે રાજદંડથી ડરીને મોં પર માસ્ક ગ્રહણ કરી લે છે, સાબુથી કે સાબુ વિના હાથ ધોઈ લેતા હોય છે. આ બધુ તેઓ કોરોના પ્રત્યેની શ્રદ્ધાથી કરતા નથી પરંતુ  વે’વારમાં રહેવું હોય તો લોકરિવાજોને માન આપવું જોઈએ એવી માન્યતાને કારણે કરતા હોય છે!

         ઈશ્વરમાં શ્રદ્ધા ધરાવનારાઓનું પ્રમાણ ખૂબ મોટું હોવા છતાં તેના પરમભક્તો તો બહુ જ ઓછા હોય છે. રાતદિવસ આઠે પહોર તેમનું ચિત્ત ઈશ્વરમાં લાગેલું હોય છે. અખા ભગતે કહ્યા મુજબ તેઓ પથ્થર દેખી પૂજા અને પાણી દેખી સ્નાન કરતા હોય છે. તેમના મુખમાં હંમેશા રામનામ હોય છે.   

         કોવિદ 19 બાબતે પણ આવું જ છે. કેટલાક લોકો સતત તેના વિષે જ ચિંતન કરતા હોય છે. તેમની વાતચીતનો વિષય પેલા પરમ ભક્તોના રામનામની જેમ કોરોના જ હોય છે. કશી પણ વસ્તુને અડકી જવાયાના સંદેહ માત્રથી હાથ ધોઈ લે છે. ચુસ્ત મરજાદી વૈષ્ણવોની જેમ બહાર જઈને ઘરે પરત થયા પછી તરત સ્નાન કરી લેતા હોય છે. 

         ભક્તકવિ રહીમે કહ્યું છે કે

“रहिमन यहि संसार में, सब सो मिलिय धाइ। ‌
ना जानैं केहि रूप में, नारायण मिलि जाइ।।“

રહીમસાહેબ નારાયણને મળવાની ઈચ્છાથી સૌની સાથે હળીમળીને રહેવા કહે છે તો કોરોનાના પરમ શ્રદ્ધાળુઓ કોરોના નારાયણ ભેટી ના જાય એ માટે કોઈને પણ મળવાનું ટાળતા હોય છે.

         આમ ઈશ્વર અને કોરોનામાં અનેક સમાનતા છે અને વિરોધાભાસ તો ક્વચિત જ દેખાય છે. બન્ને નરી આંખે ના દેખાતા હોવા છતાં માનવજીવનમાં તેમની દખલગીરી ખૂબ છે. ઈશ્વરપ્રેમીઓ ભલે કહેતા હોય કે ઈશ્વર તેમને પ્રિય છે અને કોરોના અપ્રિય છે. પરંતુ વાસ્તવિક્તા તો એ જ છે કે ઈશ્વરનું સ્મરણ સતત કરતા હોવા છતાં ઈશ્વર પોતે તેમને યાદ કરી લે એ તો કોઈને પસંદ નથી  હોતું. 

કોરોના બાબતે પણ આ જ  વાત છે ને?


શ્રી કિશોરચંદ્ર ઠાકરનં સપર્ક સૂત્રો :-પત્રવ્યવહાર સરનામું: kishor_thaker@yahoo.in  । મો. +91 9714936269

Author: admin

Leave a Reply

Your email address will not be published.