ત્રણ કાવ્યો

પ્રફુલ્લ રાવલ

(૧) રાહ જોઉં છું

હું તો તૈયાર જ બેઠો છું

બારણું ખખડે એટલી જ વાર
મારું પોટલું ઉપાડીને જ ચાલવા માંડીશ,
મારી જાતે જ.

મારે ક્યાં કોઈની રાહ જોવાની છે ?
ક્યાં કોઈ આંખમાં આંજીને બેઠું છે
મારી પ્રતીક્ષાનું કાજળ ?
વળી મેં તો ક્યારનોય મારા તરફનો ભાવ
ઓછો કરી નાખ્યો છે,
વાદળ તો ક્યારનું વિખરાઈ ગયું છે,
હવે તો માત્ર હું જ છું,
પણ કોઈ ખખડાવતું નથી બારણું,
મારું પોટલું હું આઘું કરી શકતો નથી
ને નથી તસુયે ખસી શકતો હું.

+    +    +    +     +

(૨) ઠેબે ચડ્યો છું મારામાં

સાઠ વર્ષના અન્તરાલે,
આ પોષની થાકેલી સાંજે,
જૂના મહોલ્લાના ઝાંપે
વીજળીના થાંભલાને અઢેલીને ઊભો છું,
ત્યારે
એ ફળિયું ને એ સરિયામ
એ તુલસીક્યારો ને એ મંદિર
સંતાકૂકડી રમતાં બાળકો
કોઈ ખીલેલા, કોઈ કરમાયેલા
કોઈ રુક્ષ, કોઈ ચિંતાગ્રસ્ત ચહેરાઓ
વીંટળાઈ વળ્યા છે જાણે મને કંઈક ને કંઈક કહેવા.
જીમાશીનો પથરાયેલો કડપ,
સાથે મધુબાનું વેરાતું સ્મિત,
હજુયે જાણે સ્પર્શે છે મને,
સવારે ફળિયું વાળતાં-વાળતાં ઊડતી ઝીણી ધૂળ,
આંગણે મૂકેલી સગડીમાંથી નીકળતો ભૂખરો ધુમાડો,
હવાની દિશા પકડીને ભરાતો કોઈના ઘરના ઓરડામાં
ને આરંભાતું વિનિતાઓનું વાક્‌યુદ્ધ
બધાયે ચહેરામાં એક સાવ નોખો ચહેરો અત્યારે પણ જોઉં છું,
કેવો નિરાધાર!
એ ચહેરાના આધારે ભરાઈ ગઈ છે મારી વહી,
બસ, અવગણનાની એક ગીતા રચાઈ ગઈ છે.
તોય નહોતો કળાતો
કશોય અભાવ એ ચહેરા પર
‘અમે તો ઓળગાણાં
અમારે વળી શું ભાવ, શું અભાવ?’
હા, હું મણિવઉની વાત કરું છું,
એ કહેતી’તી :
‘જે દિ’ ન કોઈ ધુત્કારે અમને
તે દિ’ અમારે મન સોનાનો.
બાકી તો નસીબમાં ઠેબાં ને ઠેબાં.’
આ ક્ષણે હુંય જાણે ઠેબે ચડ્યો છું મારામાં

+    +    +    +     +

(૩) હું જ સાંભળું મને

હું જ સાંભળું મને

વચ્ચે વચ્ચે કોનો ટહુકો દોડી આવે કને?
હું જ સાંભળું મને

બપોર આખી જૂનાં દ્રશ્યો કેવાં રમણે ચડે
ઢળતા તડકે ધીમી ચાલે દ્રશ્યો ઝાંખા પડે
ઝાંખી ઝાંખી છાયા મારી મારી સાથે લડે
હું જ સાંભળું મને

સાંજ પડે ત્યાં પંખી મેળો આંગણ આવી રમે
કલરવ વચ્ચે સુણી આંખો છાનીમાની ઝમે
ઝમતી આંખે જોતાં જોતાં અશ સાંતી દમે
હું જ સાંભળું મને

સંપાદકોની નોંધ : અત્યંત સુંદર રીતે આ ટૂંકા કાવ્યમાં કવિએ સનાતન સત્ય જેવી એટલી મોટી વાત કેટલી સોંસરવી ઉતરી જાય એવી રીતે કહી છે. વૃદ્ધાવસ્થા, એકલતા અને સ્મરણોની પોટલી કરુણ રસ જલદ એસિડની જેમ કવિએ છ લીટીમાં જ ઉતારી દીધો છે. નહીં કોઈ પૃષ્ડ ભૂમિકા કે નહિ કોઈ અંત. વાચકના પર છોડી દીધું છે બધું જ.

+    +    +    +     +

જાણીતા ચરિત્ર-લેખક પ્રફુલ્લ રાવલ. (જન્મ- ૫ સપ્ટે. ૧૯૪૮) કવિ, નિબંધકાર, ચરિત્રકાર, વાર્તાકાર, વિવેચક અને સંપાદક છે. પ્રફુલ્લ રાવલ એક ગુજરાતી શિક્ષક, કવિ, નિબંધકાર અને ટૂંકી વાર્તા લેખક છે. તેઓ ‘કવિલોક’ અને ‘કુમાર’ સામાયિકના સહ સંપાદક છે અને ગુજરાતી સાહિત્ય પરિષદના મહામંત્રી તરીકે વર્ષોથી કરે છે. ડૉ. પ્રફુલ્લ રાવલ ધીરુભાઈ પરીખના સમર્પિત સહયોગી છે. તેમને ૧૯૮૨માં કુમાર સુવર્ણ ચંદ્રક મળ્યો હતો.

શિક્ષક દિને જન્મેલા પ્રફુલભાઇ નખશીખ શિક્ષક છે, વિરમગામમાં એમના નેતૃત્વ હેઠળ એક શાળા ચાલે છે જેમાં આવતીકાલના નાગરિકોને ઉચ્ચ ગુણવત્તા સભર શિક્ષણ અપાય છે. પ્રફુલભાઇ એટલે મળવા જેવા માણસ, એક વાર જો તમે એમની મીઠી નજરમાં વસી ગયા તો જીવનભર તમને એક સમભાવી સહૃદયી મિત્ર એમનામાં સાંપડે.

આવતીકાલની શોધમાં, મિનોઈ સાચું કહેતી’તી અને ઘોષા ક્યાં એમના કાવ્ય સંગ્રહો છે. નોખા-અનોખા, બા એટલે, માણસ એ તો માણસ અને પરલોકે પત્ર એમના વાંચવા જેવાં ગદ્ય પુસ્તકો છે. જયારે પાકેલો  અંધકાર જેવા કેટલાક વાર્તા સંગ્રહો પણ છે. વિચલક્ષ, અત્યંત તેજ ગ્રહણ શક્તિ અને મુદ્દાસર રજુઆત અને અત્યંત વિશાળ વાંચન દ્વારા કોઈને પણ પ્રભાવિત કરવાની શક્તિ એમના વ્યક્તિત્વનું આંખે ઉડીને વળગે એવું પાસું છે. સાદગી અને અત્યંત માનવીય અભિગમ દ્વારા પ્રફુલ્લ રાવલ સર્વગ્રાહ્ય અને સર્વપ્રિય બની રહ્યા છે.

જયભિખ્ખુ જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે શ્રી પ્રફુલ્લ રાવલ લિખિત ‘જીવનધર્મી સાહિત્યકાર જયભિખ્ખુ’ નામનું ચરિત્ર પ્રગટ થયું છે. એમણે આ પુસ્તકમાં જયભિખ્ખુના જીવનચરિત્રને ઉપસાવવાનો પ્રયાસ કર્યો છે.

શ્રી પ્રફુલ્લ રાવલનો ફોન સંપર્કઃ  +૯૧ ૯૮૭૯૦૧૩૧૭૦

વે.ગુ. પદ્યવિભાગ- સંપાદન સમિતિ વતી – રક્ષા શુક્લ અને દેવિકા ધ્રુવ

Author: admin

Leave a Reply

Your email address will not be published.