– મૌલિકા દેરાસરી
કિશોરકુમારના અલગ અલગ સંગીતકારો સાથેના ગીતોની સફર કરી રહ્યા છીએ આપણે.
સફરમાં આજે માણીશું સંગીતકાર ખેમચંદ પ્રકાશ અને જેમ્સ સિંઘ સાથે કિશોરકુમારના ગીતો.
ખેમચંદ પ્રકાશ, જેમની સાથે કિશોરકુમારે પ્લેબેક સિંગર તરીકે ખરી શરૂઆત કરી.

ખેમચંદ પ્રકાશે કિશોરકુમાર ઉપરાંત લતા મંગેશકર, મન્નાડે કે નૌશાદ જેવી હસ્તીઓને બ્રેક આપ્યો છે, માર્ગદર્શન આપ્યું છે. સન ૧૯૦૭માં જયપુરમાં જન્મેલા ખેમચંદ પ્રકાશને સંગીત અને નૃત્યનો વારસો અને તાલીમ તેમના પિતા પાસેથી મળી. જી હાં.. ખેમચંદજી કથ્થક નૃત્યમાં પણ પારંગત હતા. તેમના આ કૌશલ્યને કારણે જ તેમને કેમેરા સામે આવવાની તક પણ મળી, ફિલ્મ સ્ટ્રીટ સિંગરના આ ગીતમાં.
તો હવે વાત કરીએ કિશોરકુમાર સાથેના ગીતોની.
ખેમચંદ પ્રકાશના સંગીત નિર્દેશનમાં ૧૯૪૮માં દેવઆનંદ અને કલ્પના કાર્તિકને લઈને આવેલી બૉમ્બે ટોકિઝની ફિલ્મ ‘ઝિદ્દી’માં કિશોરદાને પ્રથમ બ્રેક મળ્યો અને એમણે ગાયેલું ગીત પણ બહુચર્ચિત બન્યું.
મરને કી દુઆયેં ક્યું માંગુ, જીને કી તમન્ના કૌન કરે…
જો તમે પહેલીવાર આ ગીત સાંભળતા હો તો કલ્પી જ ના શકો, કે આ ગીત કિશોરકુમારના અવાજમાં છે. ઘુંટાયેલા દર્દથી ભરેલો અવાજ સ્પર્શી જાય છે આપણને.
જો કે, કિશોરદા જેમને પોતાના ગુરુ માનતા એવા કે. એલ. સાયગલ ની છાંટ છે આ ગીતમાં, અને આ એમના શરૂઆતના ઘણાં ગીતોમાં આવી.
એક દિવસ સચિનદેવ બર્મન અશોક કુમારને મળવા આવ્યા એ દરમ્યાન એમણે કિશોરદાને ગાતા સાંભળ્યા. એમણે અવાજ વખાણ્યો પણ સાથે ટકોર કરી કે સાયગલની સ્ટાઈલમાં ગાવાને બદલે કિશોરકુમારે પોતાની મૌલિક શૈલી અપનાવવી જોઈએ. બસ… આ એક ટકોર કાફી હતી કિશોરકુમાર માટે. એ પછી તેઓ પોતાની અસલિયત પર આવ્યા અને એમનો અસલ પહાડી અવાજ ખૂલ્યો.
ખેર, વાત કરતા હતા આપણે ‘ઝિદ્દી’ ફિલ્મની.
આજ ફિલ્મનું બીજું ગીત પણ ગણગણવું ગમે એમ છે.
યે કૌન આયા… આ ગીતમાં યુગલ સ્વર છે કિશોરકુમાર અને લતા મંગેશકરનો. જી હાં… કિશોરદાનું લતાજી સાથેનું સૌથી પહેલું યુગલ ગીત… લતાજીએ એક ઇન્ટરવ્યૂમાં કહેલું કે એમને સૌથી વધુ ગાવાની મજા કિશોરકુમાર સાથે આવતી.
એ પછી ૧૯૪૯માં આવી ફિલ્મ રિમઝિમ.
કિશોરકુમારના શ્રેષ્ઠ ગીતોમાં સ્થાન પામે એવું આ ગીત છે પણ લોકપ્રિય ન થવાને કારણે એની નોંધ ખાસ લેવાઈ નહીં.
ઝગમગ ઝગમગ કરતા નીકલા ચાંદ.. આ ગીતમાં કિશોરદાના અવાજમાં પોતાની મૌલિકતા સાંભળી શકાય છે.
કિશોરકુમારના શમશાદ બેગમ સાથેના ચંદ યુગલ ગીતોમાંનું સૌથી પ્રથમ યુગલ ગીત-
મેરે ઘર આગે હૈ દો દો ગલિયાં..
હવે વાત કરીએ ૧૯૫૦ની ફિલ્મ મુકદ્દરની. આ ફિલ્મનું એક ગીત હતું, જે ખેમચંદ પ્રકાશે સંગીતબદ્ધ કર્યું હતું. ગાયક હતા કિશોરકુમાર, આશા ભોંસલે અને અરુણ કુમાર.
જો કરના હૈ કર લો આજ, અપના ઘર હૈ અપના રાજ…
આ ગીતનું મુખડું શમશાદ બેગમના એક ગીતની પેરોડી હતું.
એ ગીત એટલે: કિસ્મત હમારે સાથ હૈ, જલને વાલે જલા કરે.
આ જ ગીતનું અન્ય એક લોકપ્રિય વર્ઝન પણ છે, કે મુહમ્મદ રફીના સ્વરમાં છે.
‘મુકદ્દર’ ફિલ્મનું અન્ય એક ગીત, જે કિશોરકુમાર અને આશા ભોંસલેના અવાજમાં છે. આ ગીતમાં સંગીતકાર ખેમચંદ પ્રકાશને સાથ આપ્યો હતો ભોલા શ્રેષ્ઠએ.
આતી હૈ યાદ હમ કો જનવરી ફરવરી, પહલી પહલી મુલાકાત હુઈ મેરી તુમ્હારી…
મુકદ્દર ફિલ્મના અન્ય બે ગીતો હતા, જે જેમ્સ સિંઘ ઉર્ફે જિમ્મી દ્વારા સંગીતબદ્ધ કરવામાં આવ્યા હતા. આ ગીતોને કિશોરકુમારે તેની લાક્ષણિક વિન્ટેજ સ્ટાઈલમાં ગાયા હતા.
આ સંગીતકાર જિમ્મી વિષે થોડી વાત કરીએ તો,
ગાવા માટે, તેમણે જેમ્સ સિંઘ અને સંગીત નિર્દેશક તરીકે તેમણે જિમ્મી નામનો ઉપયોગ કર્યો.
મૂળ લુધિયાણાના જેમ્સ સિંઘએ દિલ્હીમાં શિક્ષણ મેળવ્યું હતું. તેમણે કોરસમાં ગાયક તરીકે હિન્દી ફિલ્મોમાં કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે છ જેટલી ફિલ્મોમાં ગીતો ગાયાં. તેઓ ઘણા પશ્ચિમી વાદ્યો વગાડી શકે છે. ગાયક તરીકે તેઓ નિષ્ફળ થયા પછી ઘણા સંગીતકારોના સહાયક બન્યા. છેવટે, તેમને ખેમચંદ પ્રકાશ અને ભોલાશ્રેષ્ઠ સાથે ફિલ્મ ‘મુકદ્દર’ માટે થોડા ગીતો કંપોઝ કરવાની તક મળી.
એવું માનવામાં આવે છે કે આ સંગીતકાર જિમ્મીએ કિશોરકુમારને યોડલિંગની કળા શીખવી હતી, પણ હવે એવા પુરાવા ઉપલબ્ધ છે કે કિશોરકુમાર યોડલિંગ ઑસ્ટ્રિયન ગાયક જિમ્મી રોજર્સના રેકોર્ડ્સ પરથી શીખ્યા હતા.
જિમ્મી યાને કે જેમ્સ સિંઘએ સંગીતબદ્ધ કરેલા મુકદ્દર ફિલ્મના બે ગીતો, જે આશા ભોંસલે અને કિશોરદાના યુગલ સ્વરોમાં છે.
એક દો તીન ચાર, બાગોમેં આઈ હૈ બહાર…
બલમા હૈ દીયા તુઝકો દિલ, હમસે આ કે મિલ...
જેમ્સ સિંઘના સંગીત નિર્દેશનમાં કેટલાંક અન્ય ગીતો પણ છે.
જેમાં કિશોરકુમારે ગાયેલા ગીતો છે ૧૯૫૨ની ફિલ્મ શ્રીમતીજીમાં.
આશિકો કો હુસ્નને ઉલટપલટ કર દિયા…
કિશોરદાના શમશાદ બેગમ સાથેના આ યુગલ ગીતના બે વર્ઝન છે.
પહેલાં વર્ઝનમાં ગીતની દોર નારી પાત્રોના હાથમાં છે
તો બીજા ભાગમાં ગીતની દોર પુરુષ પાત્રો લઈ લે છે
શમશાદ બેગમ સાથે ગવાયેલું અન્ય એક ખૂબસૂરત ગીત;
નૈન મિલા લો, પ્યાર કા ડર હૈ…
તો, આ હતી સફર સંગીતકાર ખેમચંદ પ્રકાશ અને જિમ્મી યાને કે જેમ્સ સિંઘના સંગીત નિર્દેશનમાં કિશોરકુમારે ગાયેલાં ગીતોની.
સફર ક્યારેય અટકતી નથી એટલે ફરીથી મુલાકાત થશે સંગીતના કોઈ નવા વળાંક પર, ત્યાં સુધી ગાતા રહીએ – જો કરના હૈ કર લો આજ, અપના ઘર હૈ અપના રાજ…..
મૌલિકા દેરાસરીનાં વીજાણુ સંપર્કસૂત્ર
· ઇ-પત્રવ્યવહારઃ maulika7@gmail.com
· નેટ જગતઃ મનરંગી