“ઝંખના”

વ્યવસાયે ડૉક્ટર નીલેશ રાણાએ ૧૯૫૫ની સાલમાં મેડિકલ કૉલેજમાં વાર્તાઓ લખવાની શરૂ કરી હતી. અત્યાર સુધીમાં તેમની ૭ નવલકથાઓ, ૩ વાર્તા સંગ્રહો અને એક કવિતા સંગ્રહ  પ્રગટ થઈ ચૂક્યા છે.

ડૉક્ટર નીલેશ રાણાની વાર્તાઓ કુમાર,પરબ, શબ્દસૃષ્ટિ, નવનીત સમર્પણ,કવિતા, કવિલોક, અખંડ આનંદ તથા ગુર્જરી (યુ.એસ.એ), ગુજરાત દર્પણ( યુ.એસ.એ.)માં પ્રગટ થઈ છે.

ડૉક્ટર નીલેશ રાણાની નવલકથા ‘પોઇન્ટ ઑફ નૉ રિટર્ન’ને ગુજરાતી સાહિત્ય પરિષદ પારિતોષિક મળ્યું છે.

તેમના વાર્તા સંગ્રહ ‘પ્રતિબિંબ’ને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી દ્વિતિય પારિતોષિક મળ્યું છે.

રાજુલ કૌશિક , વેબગુર્જરી સંપાદન સમિતિ ,  ગદ્ય સાહિત્ય સમિતિ વતી


“ઝંખના”

– નીલેશ રાણા

ડિંગડોંગ…ડિંગડોગ

..ડોરબેલનો અવાજ રણકતા, મારી રૂમનું બારણું ખોલીને બહાર આવતા જોયું તો અમારી કામવાળી બાઈ કમળા હાથમાં એક બાળકને ઉપાડી, અંદર પ્રવેશીને મમ્મી પાસે ઊભી હતી. મમ્મીના હાથમાં બાળકને સોંપતા એ બોલી, ‘બેન મારી દીકરીનો દીકરો, તમારા આશીર્વાદ માટે અહીં લઈ આવી છું.’

વહાલથી એના માટે હાથ ફેરવતા મમ્મીએ પૂછ્યું, ‘કેટલાં દિવસનો થયો?’

‘આજે જ સાત દિવસ પૂરા થયાં છે.’

‘સારું… સારું… ભગવાન એનું રક્ષણ કરે.’ બોલતી મમ્મી તરફ મેં જોયું તો એના હાથ ધ્રુજી રહ્યાં હતાં અને પાંપણો ભીની થઈ રહી હતી.

ત્યાંજ બાળકના રડતા મમ્મી આગળ બોલી,

‘અ.રે..રે.રે, મેં એને નાહકનો રડાવી દીધો.’ પછી બાળકને કમળાના હાથમાં સોંપી. બાજુના ટેબલ પર પડેલી પર્સને ઉઘાડી. ત્રણ નોટો કાઢીને કમળાના હાથમાં મૂકતા કહ્યું,

‘આ અમારા તરફથી તારા નાનકાને ભેટ!’ બસ આટલું બોલવાનું પૂરું કરીને પાલવથી પોતાની આંખો લુછતી કિચન તરફ જતી મમ્મીને હું આશ્ચર્યથી જોઈ રહ્યો.

નોટોને કપાળે અડાડી ‘ભલે બેનજી’ કહી કમળા બાળકને લઈને, બહાર નીકળતા દરવાજો બંધ કરતી ગઈ.

હું તરત જ મારી રૂમમાં દાખલ થઈ, દરવાજો બંધ કરી, દફતરમાંથી સાયન્સની બુક હાથમાં લઈ પથારીમાં બેઠો. મેં બુક વાંચવા માટે ઊઘાડી…

અચાનક હસવાનો અવાજ સંભળાતા, મેં જોયું તો એ મારી બાજુમાં ઊભો હતો.

અરે! એ અંદર ક્યાંથી આવી ગયો? કદાચ મારાથી નજર બચાવીને અંદર ઘુસી ગયો હશે. મને ખાતરી હતી કે એને પૂછીશ તો એ પણ આજ જવાબ આપશે.

સહેજ ચીડ ચઢતા મને થયું કે એનો હાથ પકડીને મમ્મી પાસે લઈ જાઉં પથારીમાંથી ઊભા થઈને એનો હાથ પકડવાનો પ્રયત્ન કર્યો, પણ હવાને કાપતો મારો હાથ હેંઠો પડ્યો, એ જરા હસ્યો, જે મને જરાપણ ન ગમ્યું.

‘મારી પરીક્ષા પાસે છે, અને તું મને ફરી હેરાન કરવા આવ્યો?’ અવાજ ઊંચો કરતા હું આગળ બોલ્યો, ‘ચાલ મારી સાથે મમ્મી પાસે.’

એ મને અપલક તાકી રહ્યો.

‘જોતો નથી મમ્મી ઉદાસ છે.’

એ થાંભલાની માફક ઊભો રહ્યો.

‘તું મારી સાથે જ કેમ વાતો કરે છે અને મમ્મી સાથે નહીં? આમ કેમ?’

‘કદાચ મમ્મીને ખોટું લાગી જાય તો? તું જ જઈને મમ્મીને પૂછને એ કેમ છે.’ એ ધીમા અવાજે બોલ્યો. પછી એને આજુબાજુ નજર ફેરવી.

બે ડગલાં પાછળ ખસતા મેં કહ્યું, ‘હું…ના…ના…’.

‘કેમ, તું બીકણ છે?’

‘તો પછી તું કેમ નથી જતો?’ હું ગુસ્સામાં બોલી ઊઠ્યો.

‘તું…તું હંમેશાં મમ્મીને હસાવવાનો પ્રયત્ન કરે છે.’ તરત જ જવાબ મળ્યો.

‘તો બીકણ તું કે હું?’ બોલતા મને હસવું આવ્યું.

એ ચૂપ થઈ સામે ઊભો રહ્યો.

‘તું મને આરામથી વાંચવા નહીં દે, મારી પરીક્ષા પાસે છે.’

‘ચાલને થોડીવાર રમીએ…’ એ કરગર્યો.

‘અત્યારે નહીં, તું… જા…’

‘ક્યાં જાઉં?’

‘મને શું ખબર?’

‘જરા જોને, મમ્મી બહાર છે કે નહીં.’ એણે આજીજી કરી.

‘કદાચ રસોઈ કરતી હશે.’ બુકને બાજુમાં મૂકતા મેં કહ્યું, ‘બસ…તું…તું હવે જા.’

‘બહુ સ્માર્ટ થઈ ગયો લાગે છે. મારું આટલું કામ પણ તારાથી થતું નથી’ નારાજ થતાં એ બબડ્યો.

‘જો કાલથી મારી પરીક્ષા શરૂ થાય છે. મને વાંચવા દે, સમજ્યો?’

‘થોડું ઓછું વાંચશે તો ફેઈલ નહીં થાય.’

‘જો તું મને વધારે હેરાન કરીશ  તો મમ્મીને કહી દઈશ.’

‘મને ખબર છે એ તારું જ સાંભળે છે.’

‘મમ્મીને તું પણ ગમતો હશે.’

‘મ…મને ખબર નથી.’ અચાનક એનો અવાજ પાંગળો થઈ ગયો. ‘પ્લીઝ જરા મમ્મી કેમ છે જોઈ આવને.’

‘તું મારો પીછો નહીં છોડે, કેમ!’

‘પ્લીઝ મારું આટલું કામ…’

મેં નીચે જઈને જોયું તો મમ્મી રસોડામાં નહોતી. કદાચ બહાર ભીના કપડા સૂકવતી હશે. ફ્રીઝ ખોલી વાટકીમાં ચોકલેટ આઈસક્રીમ ભરી ઉપર આવીને મેં એને પૂછ્યું, ‘તારે આઈસક્રીમ ખાવો છે?’

એ હસે છે અને દુઃખ મને થાય છે. એક ચમચી ભરીને આઈસક્રીમ મારા મોઢામાં મૂકું છું. ‘વેરી ટેસ્ટી.’ પછી ભરેલી ચમચી એની તરફ લંબાવતા મેં કહ્યું, ‘મોઢું ખોલ.’ પણ ચમચી તો મારા જ મુખમાં ઠલવાય છે. એ ફરી હસે છે અને દુઃખ ફરી મને થાય છે. મને ખાતરી છે કે એ મને હમણાં વાંચવા નહીં દે.

પથારીમાં બેસીને હું ટી.વી. ચાલુ કરું છું. એ આવીને મારી બાજુમાં બેસે છે. પણ કહેતો નથી કે એને શું જોવું  ગમશે. સામેના અરીસામાં મારું પ્રતિબિંબ દેખાય છે. થોડું ગમગીન…

‘જો તારે કારણે મારું માથું દુઃખે છે એટલે મમ્મી મને ડાૅક્ટર પાસે પણ લઈ ગઈ હતી. પણ ડૉક્ટરે કહ્યું કે હું ઠીક છું. બોલ હવે હું શું કરું?’

એણે જવાબ ન આપ્યો.

‘જો, તું મને આમ જ હેરાન કરશે. તો મમ્મીને તારી ફરિયાદ કરીશ.’ મને બોલતો બંધ કરવા એ હાથ લંબાવે છે. અને મારો જ હાથ મારા મુખ પર દબાય છે.

ધીરેથી બોલ, ‘મમ્મી કદાચ સાંભળી જશે તો?’

‘તો, પછી મને વાંચવા દે.’

‘ચાલ, થોડીવાર આપણે વીડિયો ગેમ રમીએ.’

‘પણ તું રોજની જેમ હારી જશે. તને રોજ કેમ હારવાનું ગમે છે?’

‘તો શું થયું’ એનો જવાબ મને ગમતો નથી.

‘તને માત્ર ડેથ-ગેમ્સ્ જ કેમ ગમે છે?’

મુખ નીચું કરતાં એ બોલ્યો, ‘તને નહીં સમજાય.’

‘કેમ?’

‘કદાચ, તું હજી નાનો છે.’

‘હું…? તારી સાથે આર્ગ્યુમેન્ટ કરવી સાવ નકામી.’

‘હવે સમજ્યો’ ઠાવકા મુખે એ બોલ્યો.

એ ના જ પાડશે છતાંય બારીને અડધી ખોલી. બહાર જોતાં મેં પૂછ્યું, ‘બહાર ક્રિકેટ રમવા તારે આવવું છે?’

‘મારી સાથે ન રમવું હોય તો તું નીચે જા’ નારાજ થતાં એ બોલ્યો.

‘અહીં આવીને બહાર જો તો ખરો.’

‘શા માટે?’ બોલતા એણે બારણા તરફ જોયું.

‘જરા જો તો ખરો’ હું ચીડાયો.

‘તું જુએ છે ને.’

‘હા…પણ…’

‘તને ગમે છે?’

‘હા, મને ગમે છે.’

‘તો… તો તું રમવા જા.’

‘અને તું….?’

‘હું રૂમમાં તારી રાહ જોઈશ.’

‘સાથે ચાલને, મને એકલા રમવું નથી ગમતું.’

‘ના… ના હું નહીં આવું.’

મેં ધમકી આપી ‘તો હું મમ્મીને કહી દઈશ.’

‘જો જે એમ ન કરતો’ એના ચહેરાને ગંભીર બનતો જોઈને…

‘જા, આજે હું તારી સાથે નહીં રમું.’

‘આમ તે કરાતું હોય.’

‘તું મમ્મીથી નારાજ છે?’ એને અનુત્તર જોતાં મેં બીજો સવાલ કર્યો ‘તને અજવાળું નથી ગમતું?’

બારી તરફ જોતાં એ બોલ્યો, ‘અજવાળું એટલે શું?’

‘મારી મશ્કરી કરે છે!’

‘મને તારી પર હવે ગુસ્સો આવે છે.’ બોલતા એણે મોઢું ચઢાવ્યું.

‘પણ… શા માટે?’

‘કારણ કે તારા દરેક સવાલનો જવાબ મારી પાસે નથી.’

‘તો ચાલ મમ્મીને પૂછી જોઈએ.’

‘તું પૂછ.’

‘હું…’

‘નહીં તો કોણ…’

ફરી દરવાજો ખોલી બહાર આવી, રેલિંગ પાસે ઊભા રહેતા મેં નીચે જોયું તો ડાઈનિંગ ટેબલ પાસેની ખુરશીમાં મમ્મી નતમસ્તકે બેઠી હતી. હું ધીમા પગલે દાદરા ઊતરીને મમ્મી પાસે તો ગયો. પણ કશુંય બોલવાની હિંમત ન  થતાં, ચોર પગલે પાછો મારી રૂમ પાસે આવ્યો. એ બારણામાં જ ઊભો હતો ભાવવિહન ચહેરા સાથે.

મેં કહ્યું, ‘તું જ જઈને મમ્મીને સમજાવને.’ એનો હાથ હાથમાં લેવા છતાંય એ ખેંચાયો નહીં. મને થયું એને રૂમની બહાર લઈ જઈને, ધક્કો મારી દાદરા પરથી નીચે પાડી દઉં. પણ બીક લાગી, ક્યાંક હું જ ન પડી જાઉં.’

‘ના… ના… તારે જ જવું પડશે.’

‘એટલે તારું કામ પણ મારે જ કરવાનું? જા હવે બસ થયું.’

અચાનક મને ઉધરસ આવતા, મમ્મીએ ઉપર જોતાં પૂછ્યું, ‘શું થયું?’

‘કંઈ નહીં’ બોલતા હું રૂમમાં પેસી ગયો ત્યારે એ પથારી પાસે ઊભો હતો.

‘મમ્મી આપણને જોઈ ગઈ લાગે છે, હવે શું?’

‘તને જરૂર જોયો હશે.’ એ બોલ્યો.

‘તને મમ્મી નથી ગમતી?’

‘ખબર નથી.’ એના મુરઝાયેલા ચહેરા પર મારો હાથ ફેરવા મને માત્ર થતો હવાના સ્પર્શનો અહેસાસ…

‘મમ્મી તારા જ વિશે વિચારતી હશે’ હું જોરથી બોલ્યો.

‘શી…સ…સ… મમ્મી સાંભળી જશે.’

‘ભલે સાંભળે’ મને ચીસ પાડવાનું મન થયું.

‘તું પાછી જીદ કરે છે.’

‘તો તું શું કરે છે?’

‘મારા કરતાં તું વધારે જીદ્દી છે.’

‘બસ… બસ હવે’ બોલતા મેં મોઢું ફેરવ્યું.

‘જો, તું આજે હારી ગયો.’

‘ભલે..ભલે. તો તું હવેથી મારી રૂમમાં નહીં આવતો.’

‘નારાજ થઈ ગયો’ ઢીલા અવાજે એ બોલ્યો.

‘તું કામ જ એવું કરે છે. જા આજથી તારી સાથે કિટ્ટા…કિટ્ટા…’

‘ના… ના… તને એમ કરવાની છૂટ નથી.’

‘કેમ? તું મારો બોસ છે?’

દાદરાના પગથિયા પરથી ઉપર આવતી મમ્મીના પગલાંનો અવાજ…

‘જો મમ્મી તને સાંભળી ગઈ લાગે છે.’

મને ગભરામણ થતાં ધ્રુજી ઊઠું છું. દરવાજા પર બે ટકોરા, બારણું ખોલીને અંદર પ્રવેશતી મમ્મીનો પૂછાતો પ્રશ્ન ‘શું થયું છે તને?’

નર્વસ થતાં હું બોલી ઊઠું છું, ‘કંઈ નંઈ… કંઈ નંઈ!’ હું પથારીમાં બેસી પડું છું.

મમ્મી અજાયબ નજરથી મારી સામે જુએ છે.  પછી મારી પાસે આવીને જમણો હાથ મારા કપાળ પર દબાવતા પૂછે છે, ‘આવતીકાલે તારી પરીક્ષા છે, ફરી પાછો માંદો તો નથી પડી ગયો ને?’

કો’ક મારું માથું નકારમાં હલાવે છે. અચાનક અર્ધખુલ્લી બારીમાંથી અંદર ધસી આવતો પવન મને ઠંડક અર્પે છે, છતાંય મારા કપાળે પરસેવો વળે છે.

‘તો ઠીક, ચાલ વાંચવામાં ધ્યાન રાખજે.’

હું સાયન્સની બુક હાથમાં લઉં છું. પીઠ ફેરવીને બહાર જતી મમ્મીને મારો પ્રશ્ન સંભળાય છે, ‘મમ્મી એર્બોશન એટલે શું?’

મારી સામે ન જોતાં મમ્મી બહાર દોડી જાય છે. રૂમની બહાર આવીને, દાદરા ઉતરતી મમ્મીને હું નિરાશ બનતો જોઈ રહું છું. પછી હોલ-વેમાં નજર ફેરવતાં મને મારા જ ફોટાઓ દીવાલ પર દેખાય છે. હું ફરી મારી રૂમમાં દોડી આવું છું. મેં શું પૂછ્યું, એ મને જ સમજાતું નથી.

હું ચારે તરફ નજર ફેરવું છે, ગભરાતા, ગભરાતા. એ કેમ દેખાતો નથી? કદાચ એને બીક લાગી હશે કે મમ્મીએ એને જોઈ લીધો છે, એ ક્યાં ગયો. કદાચ ક્લોઝેટમાં તો નથી સંતાય ગયો ને? આજે તો એનો હાથ પકડીને મમ્મી

પાસે જરૂર લઈ જઈશ.

મારી રૂમમાં દોડીને ચારે તરફ વળીને હું બૂમ પાડી ઊઠું છું, ‘અરે તું ક્યાં સંતાઈ ગયો? કેમ તે મમ્મીને કશું કહ્યું નહીં?’

ઓરડાના સ્તબ્ધ વાતાવરણમાં…પડઘાતો…અવાજ ‘તારી જેમ મને પણ થોડા શ્વાસો મળ્યા હોત તો…

તો મેં  મમ્મીને જરૂર કહ્યું હોત કે મમ્મી મારે પણ જીવવું હતું…’


ડૉ.નીલેશ રાણાનાં સંપર્ક સૂત્રો:

Nilesh Rana
1531 Buck Creek Drive Yardley, PA 19067, USA
E-mail: ncrana@hotmail.com | Phone : +1 609-977-3398

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.