બાળવાર્તાઓ : ૨૧ – સૌના બેલી વાંદરાભાઈ

પુષ્પા અંતાણી

ગામના પાદરમાં તળાવ આવેલું હતું. તળાવના કિનારે વડનું મોટું ઝાડ હતું. વડ પર જાતજાતનાં પંખી રહેતાં હતાં. એની બખોલમાં એક ખિસકોલી પણ રહેતી હતી. વડ પર એક વાંદરાભાઈ પણ રહેતા હતા. વાંદરાભાઈ બહુ હોશિયાર અને ભલા હતા. એ વડ પર રહેતાં સૌની સંભાળ રાખતા. એમને કારણે બધાં કોઈ પણ જાતના ડર વિના સાથે મળીને આનંદથી રહેતાં હતાં.

        એક દિવસ સવારે વાંદરાભાઈએ ખિસકોલી અને પક્ષીઓને કહ્યું: ‘અહીંથી થોડે દૂર બીજા ઝાડ પર મારા દોસ્તો રહે છે. હું એમને મળવા જાઉં છું. સાંજ સુધી પાછો આવી જઈશ. તમે બધાં સંભાળીને રહેજો.’

વાંદરાભાઈ ગયા. બપોર પછી એક બિલાડો વડ પાસે આવ્યો. બિલાડાને જોતાં જ પંખીઓ ગભરાયાં. એમનો કલબલાટ સાંભળી ખિસકોલી પણ બખોલમાંથી દોડતી બહાર આવી. બિલાડાને જોઈ એ તો ધ્રૂજવા જ લાગી. પંખીઓ પોતાપોતાના માળામાં ભરાઈ ગયાં. ખિસકોલી પણ બખોલમાં ઘૂસી ગઈ. બધાં વાંદરાભાઈની રાહ જોવા લાગ્યાં.

સાંજ પડી. વાંદરાભાઈને દૂરથી આવતા જોઈ પંખીઓ કલબલ કરવા લાગ્યાં. ખિસકોલીએ પણ બખોલમાંથી બહાર ડોકિયું કર્યું. પંખીઓનો ગભરાટભર્યો અવાજ સાંભળી વાંદરાભાઈને લાગ્યું કે કંઈક બન્યું છે. એ ઝડપથી વડ પાસે આવ્યા. જોયું તો એક બિલાડો વડ નીચે આરામથી સૂતો હતો. વાંદરાભાઈ સમજી ગયા કે બધાં બિલાડાથી ડરી ગયાં છે.

        વાંદરાભાઈના પગના અવાજથી બિલાડો જાગી ગયો, પરંતુ એણે વાંદરાની નોંધ લીધી નહીં, ફરીથી આંખો મીંચી દીધી. એ બહુ જબરો હતો. વાંદરાભાઈએ પણ એના તરફ ધ્યાન આપ્યું નહીં. એ ઝાડ પર ચઢી ગયા.

પંખીઓ અને ખિસકોલી વાંદરાભાઈને ઘેરી વળ્યાં. ચિંતાથી બોલ્યાં: ‘વાંદરાભાઈ, આજે બપોરે આ બિલાડો ક્યાંકથી આવી ચઢ્યો છે. એ અહીં રહેશે તો અમારું આવી જ બનશે. અમે ચણવા જઈએ અને પાછળથી એ ઝાડ પર ચઢી અમારાં બચ્ચાંને ખાઈ જશે તો? માળા તોડી નાખશે તો? તમે એને અહીંથી કાઢો.’

        વાંદરાભાઈએ બધાંને શાંત પાડ્યાં. બોલ્યા: ‘તમે બધાં મારી વાત સાંભળો. આપણાથી એને અહીંથી ચાલ્યા જવાનું કહેવાય નહીં. હું સવારે એની જોડે વાત કરીશ. હું છુંને, તમારે ડરવાની જરૂર નથી. રાત થવા આવી છે. અત્યારે સૌ નિરાંતે ઊંઘી જાઓ.’

        સવારે વાંદરાભાઈ બિલાડા પાસે ગયા અને કહ્યું: ‘જો, ભાઈ, તું અહીં આવ્યો છે તો શાંતિથી રહેજે. વડ ઉપર રહે છે એમાંથી કોઈને પણ નુકસાન પહોંચાડજે નહીં.’

બિલાડો તોછડાઈથી બોલ્યો: ‘વાંદરાભાઈ, તમે અહીંના દાદા હશો, પણ તમને એક વાત કહી દઉં, મને કો’ક દિવસ ક્યાંયથી ખોરાક મળે નહીં ત્યારે મારું પેટ ભરવા હું ગમે એને મારીને ખાઈ શકું. તમે મને રોકનાર કોણ?’

વાંદરાભાઈએ જવાબ આપ્યો: ‘વાત અહીં રહેતાં બધાના રક્ષણની છે. અમે સૌ એક કુટુંબ જેમ રહીએ છીએ, તેથી તને સમજાવી રહ્યો છું. તું એમાંથી કોઈને મારી તો શું, અડકી પણ નહીં શકે, નહીંતર – ‘

        બિલાડો વચ્ચે જ બોલ્યો: ‘નહીંતર તું શું કરી લેશે?’

        વાંદરાભાઈ ઠંડા કલેજે બોલ્યા: ‘હું શું કરી શકું એ તો તને વખત આવે ખબર પડશે, પણ એટલું યાદ રાખજે, તું જીવવા જેવો નહીં રહે.’

        બિલાડો કહે: ‘જા, જા, તારાથી થાય તે કરી લેજે, હું કોઈથી ડરતો નથી.’

        બિલાડો ખોરાકની શોધમાં ધબધબ કરતો ત્યાંથી ચાલ્યો ગયો. વાંદરાભાઈએ વિચાર્યું, આ બિલાડો એમ માને એવો નથી. જો એ અહીં રહેશે તો બધાં પંખી અને ખિસકોલી પર ભય તો છે જ. એ ગમે ત્યારે ગમે તેને મારી નાખે એવો છે. એને બને એટલું જલદી અહીંથી ભગાડવો પડશે.

        વાંદરાભાઈએ પંખીઓને કહ્યું: ‘તમે તમારા માળામાં જાઓ અને ખિસકોલી, તું તારી બખોલમાં જા. અત્યારે બિલાડો ક્યાંક ગયો છે. હું પણ જાઉં છું, થોડી વારમાં જ પાછો આવું છું.’

વાંદરાભાઈ છલાંગ મારતા ઊપડી ગયા. થોડી વારમાં જ પાછા આવ્યા. બિલાડો હજી પાછો આવ્યો નથી એની ખાતરી કરી લીધી, પછી એમણે અવાજ કરીને કોઈક સંકેત આપ્યો. તે સાથે જ આસપાસના ઝાડ પરથી છલાંગ મારતા એમના કેટલાય દોસ્ત વાંદરા દોડી આવ્યા. વાંદરાભાઈ પોતાના ભાઈબંધોને બોલાવવા જ ગયા હતા. એમણે ભેગા મળી બિલાડાને ભગાડવાની યોજના ઘડી હતી, એને મારવાનો નહોતો.

વાંદરાઓના શોરબકોરથી વડનાં પંખી અને ખિસકોલી બહાર આવ્યાં. આટલા બધા વાંદરાને જોઈ તેઓ હેબતાઈ ગયાં. હવે શું બનશે તે જોવા બધાં અધીરાં બન્યાં હતાં. વાંદરા વડની જુદી જુદી ડાળી પર સંતાઈ ગયા. વાંદરાભાઈ વડ નીચે બિલાડાની જગ્યાએ આરામથી સૂઈ ગયા.

થોડી વારે બિલાડો આવ્યો. પોતાની જગ્યાએ વાંદરાભાઈને સૂતેલા જોઈ એ ઘૂરકિયાં કરવા લાગ્યો. વાંદરાભાઈ આળસ મરડતા બેઠા થયા.

બિલાડો વાંદરાભાઈને ધમકાવતો બોલ્યો: ‘મારી જગ્યા ખાલી કર.’

વાંદરાભાઈએ કહ્યું: ‘અરે ભાઈ, અહીં વળી મારી અને તારી જગ્યા કેવી! આ જગ્યા તો સૌની છે.’

બિલાડો કહે: ‘સારું, આ જગ્યા બધાની છેને? તો હવે તું પણ જો, હું શું કરું છું.’

બિલાડો વડની નજીક ગયો અને બોલ્યો:  ‘હવે જોઉં છું, તારાં પંખીઓ અને ખિસકોલી કેમ બચે છે!’

 એ ઝડપથી વડ ઉપર ચઢવા લાગ્યો. તે જ વખતે ઉપરની એક ડાળી પરથી એક વાંદરો છલાંગ મારતો નીચે કૂદ્યો. અચાનક થયેલા ધબાકાથી બિલાડો ડરનો માર્યો નીચે પડ્યો, પછી કળ વળતાં હિંમત કરીને ઊભો થયો અને બોલ્યો: ‘તું કોણ છે? અહીં ક્યાંથી આવ્યો?’

ત્યાં તો બીજો વાંદરો પણ કૂદીને નીચે આવ્યો. એ બોલ્યો: ‘એ એકલો નથી, હું પણ છું.’ પછી તો ત્રીજો, ચોથો, પાંચમો એમ એક પછી એક ‘હું પણ છું, હું પણ છું’ એમ બોલતા બોલતા વાંદરા આવતા ગયા.

બધા વાંદરા બિલાડાને ચારે બાજુથી ઘેરી વળ્યા. આટલા બધા વાંદરાને જોઈને બિલાડાના તો છક્કા જ છૂટી ગયા. બીકની મારી એની પૂંછડી ફૂલીને જાડી થઈ ગઈ. આવું થશે એવું તો એણે ધાર્યું જ નહોતું.

અત્યાર સુધી સૂતા સૂતા બધો તમાશો જોતા વાંદરાભાઈ ઊભા થયા, ધીરેધીરે બિલાડાની નજીક આવીને બોલ્યા: ‘જોયુંને, હું શું કરી શકું છું?’

બિલાડો સાવ ઢીલો પડી ગયો. એ માફી માગવા લાગ્યો: ‘મારી ભૂલ થઈ, મને છોડી દો.’

 વાંદરાભાઈ તાડૂક્યા: ‘તને છોડી દઈએ એમ?’ પછી બીજા વાંદરાઓને કહ્યું: ‘અરે, તમે જોઈ શું રહ્યા છો? તૂટી પડો એના પર.’

બિલાડો રડી પડ્યો, કરગરવા લાગ્યો: ‘હું કોઈને હેરાન નહીં કરું, શાંતિથી રહીશ, બધાંને મદદ કરીશ… મહેરબાની કરી મને છોડી દો.’

વાંદરાભાઈ કહે: ‘જા, જા, હવે… તું જીવતો રહીશ તોને!’ બધા વાંદરાને કહ્યું: ‘ચાલો, સાથીઓ, આને મારવાની શરૂઆત કોણ કરશે?’

બે વાંદરા આગળ આવ્યા. બચવાની કોઈ આશા ન જણાતાં બિલાડો આંખો બંધ કરી કોકડું વળીને બેસી ગયો. બંને વાંદરાએ બિલાડાના પગ પકડી, ટાંગાટોળી કરી, બે-ચાર ઝૂલા ખવરાવી જોરથી ઘા કર્યો. બિલાડો ગડથોલિયાં ખાતો થોડે દૂર પડ્યો. એને તમ્મર આવી ગયાં. થોડી કળ વળી પછી એ ઝડપથી ઊભો થયો. જોયું તો પોતે બચી ગયો છે. એ મનોમન બોલ્યો, જીવ વહાલો હોય તો ભાગ અહીંથી… અને એ ઊભી પૂંછડીએ નાઠો.

પાછળથી વાંદરાબાઈ મોટેથી બોલતા હતા: ‘આજ તો તને જીવતો જવા દઈએ છીએ, પણ બીજી વાર આ બાજુ દેખાયો છે તો તારી ખેર નથી.’

 ત્યાં સુધીમાં તો બિલાડો અલોપ થઈ ગયો હતો. બધાં પંખીઓએ અને ખિસકોલી ખુશ ખુશ થઈ ગયાં. એમણે વાંદરાભાઈ અને એમના દોસ્તોનો ખૂબ આભાર માન્યો. એ દિવસ પછી બિલાડો આ બાજુ ફરક્યો જ નહીં. બધાં ફરીથી કોઈ પણ જાતના ડર વિના સાથે રહેવા લાગ્યાં.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.