ફિર દેખો યારોં : કૉલેજને વિદ્યાર્થીનીઓ સુધી લઈ જવાનો સફળ પ્રયાસ

બીરેન કોઠારી

કૉલેજ શરૂ થવાનો સમય સવારના દસનો હોય અને માંડ ત્રીસ-બત્રીસ કિ.મી.નું અંતર બસમાં કાપવાનું હોય, બસોની સારી સુવિધા હોય એ સંજોગોમાં ઘેરથી કલાકેક વહેલા નીકળીએ તો ચાલે. પણ સમાજશાસ્ત્રના વિષય સાથે એમ.એ.નો અભ્યાસ કરી રહેલી સોનલ સોલંકી સવારના છ વાગ્યે ઘેરથી નીકળી જતી. તેણે નડિયાદ પહોંચવાનું અને એ માટેની બસ કઠલાલથી પકડવાની. આ બન્ને નગર વચ્ચે માંડ ત્રીસેક કિ.મી.નું અંતર. પણ સોનલનું ગામ નવા મુવાડા, જે ખરેખર તો ગામ નહીં, છૂટાંછવાયાં ઘરોની વસાહત કહી શકાય. મુખ્ય માર્ગથી છ કિ.મી.ના અંતરે આવેલા પોતાના ઘરથી સડક પર પહોંચીને રીક્ષા પકડીને કઠલાલ જવા માટે તેણે ખેતરો ખૂંદીને આવવું પડે. આટલું ઓછું હોય એમ તેના એક પગે જન્મજાત ખોડ હોવાથી ખોડંગાતી ચાલે તેણે ચાલવાનું. નવા મુવાડાથી કઠલાલ અને ત્યાંથી નડિયાદ પહોંચે એ પછી પણ નડિયાદના બસ સ્ટેશનથી પોતાની કૉલેજ આ રીતે જ ચાલતા જવાનું. તેના પિતાજી નાના ખેડૂત. સંતાનોમાં સોનલ સૌથી મોટી, એટલું જ નહીં, ઘરમાંથી કોઈ આટલે સુધી ભણ્યું જ નથી. આટલું ભણેલી યુવતીને પોતાના સમાજમાંથી યોગ્ય મૂરતિયો મળવો મુશ્કેલ. આમ છતાં, વિપરીતતાઓ સામે ઝઝૂમવાનો ભાર ન સોનલને કે ન તેના કોઈ કુટુંબીને. આ રીતે જ તેણે બી.એ.માં ફર્સ્ટ ક્લાસ મેળવેલો. આ વરસે લેવાયેલી એમ.એ.ની પરીક્ષામાં તો તેનો સમગ્ર યુનિવર્સિટીમાં નંબર આવ્યો. 

બીજો કિસ્સો નરગીસબાનુ નુરલ્લાહ ખલીફા નામની યુવતીનો. ઠાસરા તાલુકાના એક ગામની વતની નરગીસબાનુ પરણીને નડિયાદ આવી. તેના પિતા કમ્પાઉ‍ન્ડર હતા, તેથી ઘરમાં શિક્ષણનું વાતાવરણ ખરું. બી.એ. તેણે પિયરમાં કરેલું. નડિયાદમાં તેનો પતિ તનવીર ખલીફા રીક્ષાચાલક, અને પત્નીથી તેનું ભણતર ઓછું. આમ છતાં, આ બાબતની તેને શરમ નહીં, બલ્કે ગૌરવ. પત્નીને આગળ અભ્યાસ કરવા માટે તેણે પરવાનગી જ નહીં, પ્રોત્સાહન આપ્યું અને નરગીસબાનુએ એમ.એ.નો અભ્યાસ શરૂ કર્યો. અંતિમ વર્ષની પરીક્ષા આવી ત્યારે નરગીસબાનુ સગર્ભા બની અને કૉલેજ આવવું મુશ્કેલ બન્યું. એવે સમયે તનવીર ખલીફા પોતાની રીક્ષામાં પત્નીને બેસાડીને કૉલેજ મૂકવા અને લેવા આવતો. લૉકડાઉન દરમિયાન પ્રસૂતિની પીડા ઉપડતાં નરગીસની પ્રસૂતિ ઘેર જ કરવી પડે એવી સ્થિતિ આવી. તેનાં સાસુએ પ્રસૂતિ ઘેર કરાવી. નરગીસબાનુએ પુત્રને જન્મ આપ્યો. પહેલું સંતાન હોવાથી માતા તરીકે અનુભવ નહીં, અને ત્રણ જ મહિનામાં યુનિવર્સિટીની પરીક્ષા આવી. પુત્રની સંભાળ સાસુ રાખતાં અને પત્નીને લેવા-મૂકવાની જવાબદારી પતિએ સંભાળી. નરગીસબાનુનો ઉત્સાહ પણ ઓછો નહોતો. સૌની મહેનત રંગ લાવી. નરગીસબાનુએ ગુજરાતી વિષય સાથે, યુનિવર્સિટીમાં ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો.

પલક ઇમેન્યુઅલ ખ્રિસ્તીનો કિસ્સો સાવ જુદો છે. નડિયાદની જિલ્લા પંચાયતમાં જુનિયર ક્લાર્ક તરીકે નોકરી કરતી પલકે સ્નાતક થયા પછી સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી હતી અને આ સરકારી નોકરી મેળવી હતી. કૌટુંબિક કારણોસર પિતાજી વતનમાં એકલા રહે, અને નડિયાદમાં પલક પોતાની બહેનો અને માતા સાથે રહીને પિતા તરીકેની જવાબદારી સંભાળતી. સરકારી નોકરી મળી ગયા પછી ભણવાની શી જરૂર એમ માનવાને બદલે તેણે એમ.એ.નો અભ્યાસ શરૂ કર્યો. કૉલેજ, નોકરી અને પરિવાર વચ્ચે સંતુલન જાળવ્યું. પરિણામ સમાજશાસ્ત્ર સાથે એમ.એ.ના અંતિમ વર્ષમાં સમગ્ર યુનિવર્સિટીમાં ચૌદમો ક્રમાંક.

અહીં ઉલ્લેખેલા ત્રણ કિસ્સાઓ કેવળ નમૂનારૂપ છે. નડિયાદની યુ.ટી.એસ.મહિલા આર્ટ્સ કૉલેજની એક એક વિદ્યાર્થીનીઓ કેવળ વિદ્યાર્થીની નહીં, પણ જીવનસંઘર્ષની જીવતીજાગતી કથાઓ છે.

૨૦૧૪માં આ કટારના આરંભિક ગાળામાં આ કૉલેજના વિચક્ષણ આચાર્ય અને સમર્પિત શિક્ષકોએ આસપાસનાં ગામડાંઓમાં લોકસંપર્ક કેળવીને શી રીતે વિદ્યાર્થીનીઓને કૉલેજમાં આવતી કરી હતી તેની વાત આલેખાઈ હતી.[1] એ પછીનું આ બીજા તબક્કાનું કાર્ય છે. એક વાર વિદ્યાર્થીનીઓ કૉલેજમાં આવતી થાય એ પછી તેને ઉત્તમ શિક્ષણ આપવું, એટલું જ નહીં, ફી ઉઘરાણી અને કૉલેજમાં ગેરહાજરી બાબતે કડક વલણ ધરાવતા સંચાલક બની રહેવાને બદલે વિદ્યાર્થીનીઓના હમદર્દ હિતેચ્છુ વાલી બની રહેવાનો અભિગમ અહીંના સંચાલકોએ અપનાવ્યો છે.

આ કૉલેજના પુસ્તકાલયમાં ઘોડિયું બંધાયેલું જોવા મળે. બાળક ઘોડિયામાં પોઢેલું હોય અને તેની માતા વિદ્યાર્થીની બનીને પરીક્ષા આપતી હોય, પોઢેલા બાળકની સંભાળ વિદ્યાર્થીનીની મા નહીં, પણ સાસુ રાખતી હોય એવાં દૃશ્યોની અહીં નવાઈ નથી.

આ વર્ષે લૉકડાઉનને કારણે માર્ચ મહિનાથી કોલેજો બંધ હતી. એવામાં જુલાઇમાં અચાનક યુનિવર્સિટીની પરીક્ષા જાહેર થઇ. પૂરતી તૈયારીના અભાવે વિદ્યાર્થીનીઓ મૂંઝાઈ અને પરીક્ષા આપવા તૈયાર ન થઈ. આચાર્ય હસિત મહેતા અને તેમના સાથી પ્રાધ્યાપકોએ આયોજન ઘડી કાઢ્યું. સૌ પ્રથમ તો પ્રત્યેક વિદ્યાર્થીનીઓને ફોન દ્વારા વ્યક્તિગત અભ્યાસ કરાવવાનું શરૂ કરી દીધું. એ પછી ટીમ બનાવીને ત્રણ-ચાર વાહનોમાં પ્રાધ્યાપકો નીકળી પડ્યા. જુદા જુદા ગામડાંમાં નાનાં કેન્‍દ્ર બનાવ્યાં. આ કેન્‍દ્ર પર થોડી છોકરીઓ ભેગી થતી અને પ્રાધ્યાપકો ત્યાં જઈને ભણાવતા. સરકારની માર્ગદર્શિકા અનુસાર વિદ્યાર્થીનીઓને કૉલેજમાં બોલાવી શકાય એમ હતું નહીં, પણ પ્રાધ્યાપકો વિદ્યાર્થીનીઓને ગામ જઈને ન ભણાવી શકે એવો નિયમ નહોતો. આથી પ્રાધ્યાપકો ગામડે ગામડે ફરી વળ્યા, વિદ્યાર્થીનીઓને અભ્યાસ કરાવ્યો. આ સહુનો ખંત અદ્‍ભુત પરિણામ લાવ્યો. કૉલેજની પચાસેક વિદ્યાર્થીનીઓએ વિવિધ વિષયોમાં યુનિવર્સિટી કક્ષાએ અગ્રતાક્રમ પ્રાપ્ત કર્યો છે.

શહેરની નહીં, પણ મોટે ગામે ગામડાંની, ગામડામાંય મોટે ભાગે વંચિત – દલિત યા લઘુમતિ સમાજની, ઘણી બધી તો યુવતી નહીં, સ્ત્રી એટલે કે યુવાન માતાઓએ તમામ આર્થિક, શારીરિક, સામાજિક વિપરીતતાઓ વચ્ચે ઝઝૂમીને એક અનોખો દાખલો બેસાડ્યો છે. તેમની આ સિદ્ધિ વ્યક્તિગત પ્રાપ્તિ નહીં, બલ્કે સાસરીયાં, પિયરિયાં, કૉલેજના સંચાલકો-પ્રાધ્યાપકો સહિત અનેકોની સહિયારી સિદ્ધિ છે. શિક્ષણજગતમાં શિક્ષણના સ્તરને બદલે ભ્રામક પ્રચાર અને નકલી ચમકદમકનું પ્રમાણ દિન બ દિન વધી રહ્યું છે એવા આજના સમયમાં હૈયાને અનેરી શાતા પહોંચાડતી આ ઘટના ખરેખર તો સમાજશાસ્ત્રીય અધ્યયનનો વિષય બની શકે એમ છે.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૨-૧૦-૨૦૨૦ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)


[1] મહીલા આર્ટ્સ કૉલેજ – બીરેન કોઠારી

Author: admin

1 thought on “ફિર દેખો યારોં : કૉલેજને વિદ્યાર્થીનીઓ સુધી લઈ જવાનો સફળ પ્રયાસ

Leave a Reply

Your email address will not be published.