લ્યો, આ ચીંધી આંગળી : વાસી ફૂલ વંટોળ – ધકેલ્યું જઇ પડે બાગની બહાર

આંધળી માનો કાગળ

અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત,
પૂનમચંદના પાનિયા આગળ, ડોશી લખાવતી ખત,
ગગો એનો મુંબઈ ગામે,
ગિગુભાઈ નાગજી નામે.

લખ્ય કે માડી! પાંચ વરસમાં પહોંચી નથી એક પાઈ.
કાગળની એક ચબરખી પણ, મને મળી નથી ભાઈ !
સમાચાર સાંભળી તારા;
રોવું મારે કેટલા દા’ડા ?

ભાણાનો ભાણીઓ લખે છે કે, ગિગુ રોજ મને ભેળો થાય,
દન આખો જાય દાડિયું ખેંચવા, રાતે હોટલમાં ખાય,
નિત નવાં લૂગડાં પે’રે,
પાણી જેમ પઈસા વેરે.

હોટલનું ઝાઝું ખાઈશ મા, રાખજે ખરચીખૂટનું માપ
દવાદારૂના દોકડા આપણે કાઢશું ક્યાંથી બાપ !
કાયા તારી રાખજે રૂડી ;
ગરીબની ઈ જ છે મૂડી.

ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું, કૂબામાં કર્યો છે વાસ,
જારનો રોટલો જડે નહિ તે દિ’ પીઉં છું એકલી છાસ,
તારે પકવાનનું ભાણું,
મારે નિત જારનું ખાણું.

દેખતી તે દિ’ દળણાંપાણી કરતી ઠામેઠામ,
આંખ વિનાની આંધળી હવે કોઈ ન આપે કામ,
તારે ગામ વીજળીદીવા,
મારે આંહીં અંધારાં પીવાં

લિખિતંગ તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર,
એકે રહ્યું નથી અંગનું ઢાંકણ, ખૂટી છે કોઠીએ જાર,
હવે નથી જીવવા આરો,
આવ્યો ભીખ માગવા વારો.


કાગળનો જવાબ

ફાટ્યાંતૂટ્યાં જેને ગોદડી-ગાભાં
આળોટવા ફૂટપાથ ;
આંધળી ડોશીનો દેખતો દીકરો
કરતો મનની વાત.

વાંચી તારાં દુઃખડાં માડી !
ભીની થઈ આંખડી મારી.

પાંચ વરસમાં પાઈ મળી નથી,
એમ તું નાખતી ધા ;
આવ્યો તે દિ’થી આ હોટલને ગણી
માડી વિનાની મા,
બાંધી ફૂટપાયરી જેણે,
રાખ્યો રંગ રાતનો એણે !

ભાણીઓ તો માડી ! થાય ભેળો જે દિ’
મિલો બધી હોય બંધ ;
એક જોડી મારાં લૂગડામાં એને
આવી અમીરીની ગંધ ??

ભાડે લાવી લૂગડાં મોંઘાં,
ખાતો ખારા દાળિયા સોંઘા.
દવાદારૂ આંહી આવે ન ઢૂકડાં
એવી છે કારમી વેઠ;
રાત ને દિવસ રળું તોયે મારું
ખાલી ને ખાલી પેટ.

રાતે આવે નીંદરું રૂડી,
મારી કને એટલી મૂડી.

જારને ઝાઝા જુહાર કે’જે,
ઊડે આંહી મકાઈનો લોટ ;
બેસવા ઘર કે ઠેકાણું ના મળે
કૂબામાં તારે શી ખોટ ?

મુંબઈની મેડિયું મોટી,
પાયામાંથી સાવ છે ખોટી.
ભીંસ વધી ને ઠેલંઠેલા,
રોજ પડે હડતાલ;
શે’રના કરતાં ગામડામાં મને
દેખાય ઝાઝો માલ.

નથી જાવું દાડીએ તારે,
દિવાળીએ આવવું મારે,
કાગળનું તારે કામ શું છે માડી?
વાવડ સાચા જાણ ;
તારા અંધાપાની લાકડી થાવાના
મેં લીધા પરખાણ.

હવે નથી ગોઠતું માડી !
વાંચી તારી આપદા કાળી.

ઈન્દુલાલ ગાંધી


(જેનો એકનો એક દીકરો મુંબઇ કમાવા ચાલ્યો ગયો છે અને ત્યાં ગયા પછી એના કોઇ વાવડ નથી એવી એક આંધળી ગામડીયણ માતાનો વેદના નિતર્યો પત્ર ગીતમાં આલેખનારા ગઇ પેઢીના પ્રસિધ્ધ કવિ ઇન્દુલાલ ગાંધી અને એ પત્રનો એવો જ વેદનાસભર જવાબ લખનારા કવિ તે પણ ઇન્દુલાલ ગાંધી ! એ કવિની પોતાની જીવનકથા કેવી હતી ? વાંચો.

-રજનીકુમાર પંડ્યા)

‘શી કથા છે એમની?’ એક જિજ્ઞાસુએ મને પૂછ્યું.

‘બહુ લાંબી કથા છે એમની,’ મેં કહ્યું : ‘૧૯૧૧ની ૮મી ડિસેમ્બરે મોરબી પાસેના મકનસર ગામે જન્મેલા આ કવિ ફક્ત ચાર અંગ્રેજી સુધી અહીં ભણીને પછી બાપ ફૂલચંદભાઈના ધંધાને કારણે નાની ઉંમરથી જ કરાંચી જઈને વસેલા. ને ત્યાં ભણવાને બદલે એક હોટેલની બહાર પાનબીડીનો ગલ્લો કરીને બેસી જવું પડેલું એમને. આવા કપરા કાળના દિવસોમાં એમની કિશોરાવસ્થા વીતી. છતાં આવા જ દિવસોમાં એમણે આ આંધળી માનો કાગળ જેવા અમર ગીતની રચના કરી. ક્યાંક છપાયું હશે. ગીત એટલું પ્રચલિત થઈ ગયું કે રેકર્ડ કંપનીએ કોઈ પાસે ગવડાવીને એની રેકર્ડ બહાર પાડી નાખી. અને સિંધ અને સિંધ બહાર ગુજરાતમાં પણ એનું ધૂમ વેચાણ થયું. એમને તો ખબર જ નહિ, પણ એક દિવસ પાન પર કાથો-ચૂનો ચોપડતાં ચોપડતાં એમને જ કાને આ રેકર્ડનો શોર પડ્યો. એમના હાથ થંભી ગયા. જેના દરવાજે પોતાનો ગલ્લો હતો એ જ હોટેલના વાજા પર આ ગીત વાગતું હતું ! એ વકીલ પાસે દોડ્યા ને વકીલે રેકર્ડ કંપનીને નોટિસ આપી. રેકર્ડ કંપની પાંચ હજાર વળતર આપવા તૈયાર થઈ, પણ એણે સામો વળતરનો દાવો પેલા ગાયક કલાકાર પર માંડ્યો કે જેણે એ ગીત પોતાનું છે એમ કહીને રેકર્ડ કંપની પાસેથી રોયલ્ટી લીધેલી. ઈન્દુભાઈને એ તો મંજૂર જ નહોતું કે પેલો ભલે લુચ્ચો, પણ ગરીબ ગાયક કલાકાર દંડાય, એટલેએમણે દાવો પાછો ખેંચી લીધો. ને રોયલ્ટીના નામે રામનું નામ લીધું. ઊલટાનું ‘આંધળી માનો કાગળ’ના જવાબરૂપે નવું ગીત લખી આપ્યું.

પૂછનારાને નવાઈ લાગી. લાગે જ એવું હતું. એ દિવસોમાં મહમ્મદ રફી અને લતા મંગેશકર વચ્ચે સંગીતકારો સામે ગાયકોને વેચાણના ઓવરફ્લોની રોયલ્ટી અંગેના ધર્મયુદ્ધ બાબતે અલગ અલગ મત પડતા હતા. એટલે રફી-લતા વચ્ચે એ દિવસોમાં ’અસહગાયન’ તો ઠીક, પણ અબોલા ચાલતા હતા.

પૂછનારાના યુવાન માનસમાં એ બેસતું નહોતું કે કોઈ ગીતકાર કે ગાયક પૈસોય રોયલ્ટી કેમ જતી કરે?

(ઈન્‍દુલાલ ગાંધી. – તસવીર : રમેશ ઠાકર, રાજકોટ)

કદાચ ‘67ની સાલ હશે. ‘અંજલિ’ વાર્તામાસિક કે જેણે અમદાવાદનાં અમુક છાપાંઓના પીઠબળવાળાં વાર્તામાસિકોને રાજકોટ રહ્યે રહ્યે હંફાવી દીધાં હતાં, એમાં ઈન્દુલાલ ગાંધીની એક વાર્તા, એક અનુવાદ લગભગ દર મહિને છપાતાં હતાં. એના માલિક- સંપાદક પ્ર.રા. નથવાણીનો હેતુ ઈન્દુલાલને મદદરૂપ થવાનો હતો, કારણ કે ભાગલા પછી કરાંચીથી ભારત આવ્યા પછી એમની આર્થિક સ્થિતિ અત્યંત કથળી હતી. કરાંચીમાં શરૂ કરેલું ‘ઊર્મિ’ માસિક એમણે જયમલ્લ પરમારને સોંપી દીધું હતું. બીજા પણ સામયિકો ઈન્દુલાલે ક્રમેક્રમે કાઢ્યાં હતાં. ‘કોલક’, ‘કવિતા’, ‘અતિથિ’ અને રાજકોટથી ‘મંજરી’ પણ શરૂ કરેલું. છેલ્લે ‘વિશ્વપરિવર્તન’ પણ કાઢેલું,પણ કોઈ એમાંથી આયુષ્યવાન ન નીવડ્યું. નોકરી માટે ફાંફાં મારતા આવી પહોંચેલા. પણ કંઈ કારી ફાવી નહિ એટલે રાજકોટ પાછા ફરેલા. પંચાવનની સાલમાં એમને રાજકોટ આકાશવાણીમાં નોકરી મળી, પણ એ વખતે ઘણાંખરાંને મળતી હતી તેમ કોન્ટ્રેક્ટ ઉપર. સલામતીની કોઈ હૈયાધારી એમાં નહોતી.

પાનબીડીની દુકાને કરાંચીમાં પાટિયે બેસી સાહિત્યગોષ્ઠી જમાવતા. એમાં ડોલરરાય માંકડ, ભવાનીશંકર વ્યાસ વગેરેનો સારો સંગ મળેલો. એને કારણે નાઈટ કોલેજમાં જઈને ઈન્દુલાલે ઈન્ટર આર્ટ્સ સુધીનો અભ્યાસ પણ પૂરો કરેલો, પણ એ કશો જ કામ ના આવ્યો. કોન્ટ્રાક્ટ પર જ નોકરી મળી. ત્યારે ‘અંજલિ’ અને ‘ દૃષ્ટિ’ના તંત્રી-પ્રકાશક પ્ર.રા.નથવાણી મદદે આવેલા, પણ નથવાણી એમના પર સડસઠની સાલમાં રોષે ભરાયેલા તે બીજા જ કારણે. સદરમાં એક વાર મને ઊભો રાખીને કહે : ‘આ ઈન્દુલાલભાઈને કંઈક કહો !’

‘કેમ ?’ મેં પૂછ્યું : ‘તમારા તો ખાસ કૃપાપાત્ર !’

‘એમ ના કહો,’ એ એકદમ ક્ષોભ પામીને બોલ્યા : ‘સરસ્વતીના આટલા કૃપાપાત્ર કવિ ઉપર આપણે તે શી કૃપા કરવાના હતા ! પણ હા, એમના માટે લાગણી રહ્યા કરે.’

‘ક્યારથી?’ મેં કટાક્ષમાં પૂછેલું : ‘તમારા ’અંજલિ’માં દાખલ થયા ત્યારથી ?’

‘ના, આમ તો કવિ તરીકે એમનો ચાહક હું એમને મળ્યો નહોતો ત્યારથી. ‘એક વાર ‘હું ને મીરાં મથુરામાં ગ્યાં’તાં’ કે ‘મારા સ્વપ્નગરની શેરીમાં, એક રાધા રમવા આવી’તી અને ‘દિવાળીના દિન આવતા જાણી, ભાદરમાં ધુએ લૂગડાં ભાણી’ જેવાં કાવ્યો અવિસ્મરણીય છે, પણ લાગણી કે સહાનુભૂતિ જે કહો તે પ્રગટી તે ૧૯૫૦ની સાલમાં. એ વખતના મચ્છુના પૂરમાં એમની તમામ ઘરવખરી અને પુસ્તકો તણાયાં ત્યારથી. એમણે એ વખતે કે કદાચ ભાગલા વખતે વતન કરાંચી છોડીને આવ્યા ત્યારે એક કાવ્ય લખેલું ‘એ જી મારો ચકલાંનો માળો ચૂંથાણો’. એ વાંચ્યા પછી સતત એમને કામમાં આવવાની ઝંખના રહી છે. એ દિવસોમાં એક વાર ચલણી નોટોની તંગી ઊભી થયેલી ને નકરા પરચૂરણમાં પગાર ચૂકવાતો ત્યારે એક વાર ખભે મોટો શાકભાજીનો થેલો હોય એવો પરચૂરણમાં ચૂકવાયેલા પગારનો થેલો નાખીને એમને મારા ઘર પાસેથી પસાર થતા જોયેલા. આ બધું જોઈને એમની અવદશા તરફ કંપારી છૂટેલી ને મેં એમને ‘અંજલિ’માં નિયમિત લખાવીને તક આપી, પણ આજે જ્યારે મેં ‘અંજલિ’ છોડ્યું અને બીજું શરૂ કર્યું ત્યારે બ્રોકરથી માંડીને સૌ લેખકો લખે છે કે ‘જ્યાં ‘નથવાણી ત્યાં અમે’. ત્યારે આ ઈન્દુલાલ મારા હરીફના પલ્લામાં જઈને બેઠા. કહે છે કે : ‘હું ક્યાં કવિ છું ? હું તો કામદાર છું. પૈસા આપે એને લખી દઉં. તમારામાં પણ લખું ને તમારા હરીફમાં પણ લખું.’ પછી અટકીને પૂછ્યું : ‘આવું એમને શોભે ?’

હું તો આવી બાબતોમાં મૂઢમતિ. શું બોલું ? પણ ત્યાં પાછો નથવાણીની ઝીણી આંખોમાં દયાનો ભાવ પ્રગટી આવ્યો. બોલ્યા : ‘જવા દોને, એમને કાંઈ ના કહેશો. નાણાંભીડે એમને આવા કરી નાખ્યા છે. ને એ જુગતરામ રાવળને પણ કેમ છોડે ? કરાંચીમાં જુગતરામ રાવળ ‘સિંધ સમાચાર’ કાઢતા, એમાં પણ ઈન્દુલાલભાઈ લખતા જ ને વળી ? એમને ભૂલી જવાનું પણ આપણાથી કેમ કહેવાય?’ બોલીને એ ચાલ્યા. મનમાં કંઈ વિચારમાં પડીને.

થોડા વરસ રેડિયોમાં ઉંમર થવા છતાં એમનો કોન્ટ્રાક્ટ રિન્યુ થયા કર્યો, પણ પછી લાંબું ચાલ્યું નહિ. ૧૯૭૩માં બાસઠ વર્ષની ઉંમરે એમને નિવૃત્ત થવાનું આવ્યું. એ પહેલાં એમણે નવું સર્જવાનું લગભગ ઓછું કરી નાખેલું. રેડિયોના કોઈ કાર્યક્રમમાં એમને ભાગ લેવાનું બનતું, પણ એ સિવાય તો એકાંતવાસ જ. કદાચ કોઈ કૌટુંબિક પ્રશ્ન પણ થયા. પુત્રીઓ ઘણી, પણ પુત્ર એક જ. કદાચ એ એમાં બહુ ઠર્યા નહિ હોય. એકાદ વાર છાપામાં ‘મારા પુત્ર સાથે મારે કંઈ લેવાદેવા નથી.’ એવી નોટિસ એમના નામે છપાઈ હોવાનું પણ સ્મરણ છે. એકાદ-બે વાર એમની ગંભીર માંદગીના પણ સમાચાર આવ્યા, પણ એ પછી ઈન્દુભાઈ સાહિત્યજગતમાં લગભગ ક્ષિતિજ પર જ ચાલ્યા ગયા, પણ રાજકોટની સવાસો વરસ જૂની લેંગ લાઈબ્રેરીના ‘સુરંગ’ નામના સાહિત્ય કાર્યક્રમમાં એ જતા. અને થોડા પ્રવૃત્ત રહેતા. ‘83ની સાલમાં લેંગ લાઈબ્રેરીએ ’ઈન્દુલાલ ગાંધીની કવિતા’ નામે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભાષા- સાહિત્ય ભવનના રીડર વિદ્વાન પ્રોફેસર ડૉ. બળવંત જાની પાસે એમની કવિતાનું સંકલન તૈયાર કરાવી બહાર પાડ્યું. માત્ર ચૂંટેલા સિત્તેરેક જેટલા ગીત-કાવ્યો, ગઝલો એમાં હતાં. બાકી તો એમના અગિયાર કાવ્યસંગ્રહો, પાંચેક વાર્તાસંગ્રહો અને સાતેક નાટ્યસંગ્રહોનું સમગ્ર સંકલન કોણ બહાર પાડે ?

‘ઈન્દુલાલ ગાંધીની કવિતાનું એસ્થેટિક્સ’ નામના એ જ પુસ્તકમાં સંગ્રહાયેલા લેખમાં બળવંત જાનીએ કવિ ઈન્દુલાલ ગાંધીની સાચી આંતરછબી આલેખી આપી. એ પુસ્તક સાથે થેલી આપીને એમનું સન્માન કર્યું તો જવાબમાં ઈન્દુલાલે સમગ્ર કવિતાના કૉપીરાઈટ લેંગ લાઈબ્રેરીને ધરી દીધા. સ્થળ પર જાણે કે ઋણ ચૂકવ્યું.

જુલાઈ ‘૮૫માં મશહૂર ફોટો આર્ટિસ્ટ વયોવૃદ્ધ જગન મહેતા એકાએક મારે ત્યાં આવી ચડ્યા. કહે : ‘સાંભળ્યું છે કે ઈન્દુલાલ ગાંધીને પક્ષાઘાતનો ગંભીર હુમલો થયો છે. સાવ પથારીવશ છે. હવે ઝાઝા દિવસ…’ એ બાકીના શબ્દો ગળી ગયા. ‘મારે એમનો ફોટો લેવો છે. સાથે આવશો ?’

મને સમય નહોતો. મને નથવાણી સાંભર્યા. મેં જગનભાઈને કહ્યું : ‘તમે જરૂર જાઓ. ઈન્દુલાલભાઈ રાજકોટમાં કોઠારિયા નાકા પાસે બોઘાણી શેરીમાં રહે છે, પણ મને સમય નથી. તમે પ્ર. રા. નથવાણીને લઈ જાઓ. એ એમના ખરા હિતેચ્છુ છે.’

ને નથવાણીને જોઈને ખરેખર ઈન્દુલાલ ગાંધીનો ચહેરો તદ્દન મરણતોલ માંદગીમાંય ખીલ્યો. અસ્પષ્ટ સ્વરે કંઈક બોલ્યા, જે એમના પુત્રે વાચિક રીતે ઉકેલી આપ્યું. કહે છે : ‘દાઢી વધી ગઈ છે, ભાઈ, ફોટો સારો આવશે ?’

પુત્ર વાળંદને બોલાવવા ગયો, પણ વાળંદ આવ્યો નહિ. તો નથવાણીએ તદ્દન ભોળા ભાવે ઓફર કરી : ‘ઈન્દુલાલભાઈ, હું દાઢી કરી આપું ?’

ઈન્દુલાલ ફરી પક્ષાઘાતવાળા ચહેરે પણ હસ્યા. તદ્દન અસ્પષ્ટ સ્વરે કહ્યું :‘પછી એનો ચાર્જ તો નહિ માગો ને ?’

બધા હસ્યા. જગનભાઈને કેમેરા સેટ કરતાં કરતાં એક વાર કરાંચીમાં કવિ નાનાલાલે એમના માટે કોઈ સાહિત્યિક સમારંભમાં ‘એક નવા શક્તિશાળી કવિનો ઉદય થઈ રહ્યો છે’ એમ કહેલું તે યાદ અપાવડાવ્યું.

જગનભાઈએ જે ફોટો પાડ્યો તે ઈન્દુલાલ ગાંધીનો છેલ્લો ફોટો હતો. જે એક્સ-રે નહોતો, છતાં એમની વિગત જિંદગીના એમના ચહેરા પર છવાયેલા એક્સ-રે જેવો હતો.

નથવાણીએ બહાર નીકળીને જગનભાઈને કહ્યું : ‘આજે તમે ઈન્દુલાલ ગાંધીની જિંદગીનાં દસ વરસ વધારી આપ્યાં. કદાચ એ એમ સમજ્યા હતા કે તમને ગુજરાત સાહિત્ય પરિષદે અથવા સાહિત્ય અકાદમી કે સાહિત્યસભાએ મોકલ્યા હતા. કદાચ કોઈ સન્માનની પૂર્વતૈયારી રૂપે.’

દસ વરસ તો શું, ઈન્દુલાલ ગાંધી એ પછી દસ માસ પણ જીવ્યા નહિ. ઓગણીસસો છ્યાંસીની દસમી જાન્યુઆરીએ એમના ઘરની સાંકડી ખડકીમાંથી અને સાંકડ-મોકંડ ગલીમાંથી એમની અર્થી બહાર નીકળી ત્યારે બહુ ઝાઝા માણસો સ્મશાનયાત્રામાં નહોતા. ખરી પડેલું વાસી ફૂલ વંટોળના ઝપાટે બગીચાની બહાર ફેંકાઈ જાય એમ જ એ પણ…..


લેખકસંપર્ક-

રજનીકુમાર પંડ્યા.,
બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો. +91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +91 79-25323711/ ઇ મેલ: rajnikumarp@gmail.com

Author: admin

3 thoughts on “લ્યો, આ ચીંધી આંગળી : વાસી ફૂલ વંટોળ – ધકેલ્યું જઇ પડે બાગની બહાર

  1. આ કવિની માનવીય બાજુ અને જીંદગીની બેહાલી જાણીને જીવ બળી જાય એવું છે.

Leave a Reply

Your email address will not be published.