સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. : પ્રાગ દર્શન અને હીટ-વેવ

દર્શા કિકાણી

(૨૬ જૂન ૨૦૧૯)

પ્રાગની હોટલ બહુ સરસ ન હતી. અમને મેઈન બિલ્ડીંગની પાછળ આવેલા વધારાના (ANNEXE) બિલ્ડીંગમાં રૂમો આપી હતી. વળી સવારથી જ ગરમી બહુ લાગતી હતી. આખા યુરોપને ઘેરી વળેલું કહેવાતું હીટ-વેવ (HEAT WAVE) એની અસર ફેલાવી રહ્યું હતું. કદાચ એટલે જ ગઈ રાત્રે ગોરાં પ્રવાસીઓ આછાં વસ્ત્ર પરિધાનમાં હતાં! ભરપેટ સરસ નાસ્તો કરી અમે સવારની સાઈટ સીઇંગ ટુર શરુ કરી.

પ્રાગ શહેર ઝેક રિપબ્લિક(CZECH REPUBLIC) દેશની રાજધાની છે. ઝેક મધ્ય યુરોપમાં આવેલ લેન્ડ-લોક્ડ દેશ છે. તેની ચારે બાજુ ઓસ્ટ્રિયા, જર્મની, પોલેન્ડ અને સ્લોવેકિયા દેશો આવેલા છે. પોલેન્ડ અને ઝેક રિપબ્લિક  વચ્ચેની બોર્ડર વિશ્વયુદ્ધ દરમ્યાન અને તે પછી પણ અનેક વાર બદલાતી રહી છે, એટલે બંને દેશના સરહદના વિસ્તારોની સંસ્કૃતિમાં ઘણું સામ્ય જણાય છે. ૧૯૮૯ સુધી ઝેકોસ્લોવેકિયા (CZECHOSLOVAKIA)  તરીકે ઓળખાતો આ દેશ વેલવેટ રિવોલ્યુશન (VELVET REVOLUTION) નામે ઓળખતા શાંત પરિવર્તનથી સામ્યવાદ છોડી બજારવાદ (માર્કેટ ઈકોનોમી) વાળો દેશ બન્યો અને થોડા સમય બાદ બે દેશ ઝેક અને સ્લોવેકિયામાં વિભાજીત થયો. ઝેક એક વિકસિત દેશ છે. એક કરોડથી થોડી વધુ ત્યાંની વસ્તી છે. યુરોપિયન મોડેલ પર રચાયેલ વેલ્ફેર વ્યવસ્થા અહીં પ્રસ્થાપિત છે. લોકોને સારી મેડીકલ સેવાઓ અને અભ્યાસને માટેની સગવડો મળી રહે છે, શાંત અને સુરક્ષિત દેશોની યાદીમાં આ દેશનું સ્થાન ઘણું ઊંચું આવે છે. બોહેમિયા (BOHEMIA) અને મોરાવિયા (MORAVIA) નામના  બે પ્રાંતમાં દેશ વહેંચાયેલો છે. ૧૬મીથી ૧૮મી સદીના વર્ષોમાં અહીં ભયંકર મહામારી, યુધ્ધો અને દુકાળોનો લોકોને સામનો કરવો પડ્યો. ત્યાર બાદ બંને વિશ્વ યુધ્ધમાં પણ તેમના લાખો સૈનિકો માર્યા ગયા. છેલ્લે નાઝીઓનો અત્યાચાર પણ સહન કરવો પડ્યો. ૧૯૪૫માં રશિયન અને અમેરિકનોએ દેશ પર પકડ જમાવી અને જર્મનોનું જોર ઢીલું પડ્યું. જો કે દેશ સામ્યવાદી રંગે રંગાયેલ રહ્યો. અત્યારે તો વિકસિત દેશ છે. પોતાની જરૂરિયાતથી વધારે વીજળીનું ઉત્પાદન કરે છે. સુંદર લાંબા રસ્તાઓ અને રેલ્વે ટ્રેક સાથેનું  વ્યવસ્થિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવે છે. ૪૬ એરપોર્ટસ (જેમના ૬ આંતરરાષ્ટ્રીય એરપોર્ટસ) છે. ગ્લોબલ ટેલીકોમ્યુનીકેશન અને ઇન્ટરનેટની ઉત્તમ વ્યવસ્થા ધરાવે છે.

પ્રાગ પ્રવાસીઓનું માનીતું અને સુરક્ષિત શહેર છે. શહેરની વસ્તી આશરે ૧૨ લાખની છે. શહેરમાં ૧૪ જેટલાં વર્લ્ડ હેરીટેજ સ્મારકો (UNESCO WORLD HERITAGE  SITES) આવેલાં છે. મહેલો, દેવળો અને કિલ્લાઓને લીધે સ્થાપત્ય કળાના આકર્ષણો પણ અસંખ્ય છે. તો માહિતીસભર અને જોવાલાયક  મ્યુઝિયમ પણ ઘણાં છે. અહીંનો મોંથી ફુલાવીને બનાવેલ બોહેમિયન કાચ બહુ વખણાય છે. રહેવા માટે હોટલો, ખાવા માટે રેસ્ટોરાં અને સારા વાહનો અને રોડનું  ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઘણું સારું છે. ટૂંકમાં પ્રવાસીઓ માટે ભરપૂર ખજાનો છે.

લોકલ ગાઈડ આવી ગયા અને અમારી પ્રાગની સીટી ટુર શરુ થઈ. તેમના કહેવા મુજબ, સારા

નસીબે  બીજા વિશ્વયુદ્ધને કારણે પ્રાગ શહેરમાં બહુ ખાનાખરાબી થઈ નથી. જૂની ગલીઓ, જૂનાં મકાનો, માર્કેટ સ્ક્વેર, મહેલો, દેવળો બધું જ નજીવી હાની સાથે ખડું છે.  ફોટોગ્રાફરો પાગલ થઈ જાય તેવાં સ્મારકો અને દ્રશ્યો…. પહેલું સ્ટોપ હતું પ્રાગ કેસલ. ઐતિહાસિક અને રાજકીય મહત્વ ધરાવતા  આ વિશાળ કેસલના એક ભાગમાં અત્યારે  અહીં દેશના પ્રેસિડેન્ટની ઓફિસ છે. કેસલમાં પહેલાં તો બહાર તેના કોર્ટયાર્ડમાં જ મોટો આંટો માર્યો. દેવળ, મ્યુઝિયમ, આર્ટ ગેલેરી, મોનેસ્ટ્રી …. બઘુ જ આ સંકુલમાં હતું. કોર્ટયાર્ડમાંથી  અમે ગયાં ગોથિક સ્ટાઈલમાં બનાવેલ દેશની અધ્યાત્મિક પરાકષ્ઠા સમા સેન્ટ વીટસ કેથેડ્રલમાં (ST. VITUS CATHEDRAL). આખું કેથેડ્રલ ભવ્ય છે. એકએક ખૂણો જોવાલાયક હતો. અદભુત કારીગરી હતી. જો કે  ભોયરામાં  રાજાઓને દફનાવવામાં આવેલ ટોમ્બ પ્રવાસીઓ માટે ખુલ્લું નથી.

આગળ ચાલ્યાં ગોલ્ડન ગલીમાં, અહીં એક એક મકાન ભવ્ય ઇતિહાસની સાક્ષી પૂરે તેવું છે. અને પછી કેસલની ગેલેરી પરથી આખા ભવ્ય અને મનોહર  પ્રાગ શહેરનું વિહંગાવલોકન કર્યું! અદભુત! અકલ્પ્ય! કલાકોના કલાકો અહીં જ બેસી રહેવાનું મન થાય! યહ કૌન ચિત્રકાર હૈ…? પણ ઘડિયાળ થોડું અમારું માને ?  ધીમે ધીમે આગળ ચાલ્યાં શહેરનાં મધ્યભાગ લેસર ટાઉન (LESSER TOWN MALA STRANA) તરફ. સેન્ટ નિકોલસ ચર્ચ (ST. NICHOLAS CHURCH) પ્રાગ બારોક સ્ટાઈલનું બહુ મહત્વનું ઐતિહાસિક સ્થળ છે.

ત્યાંથી આગળ ચાલ્યાં તાવા નદી (VLTAVA RIVER) ઉપર આવેલ ચાર્લ્સ બ્રીજ (CHARLES BRIDGE) પર. આ નદી દેશની મોટામાં મોટી નદી છે. તેની પર ૧૮ પુલો અને ઘણા ડેમ બનેલા છે. માત્ર પ્રાગ શહેરમાં તે લગભગ ૩૧ કી.મિ.ની લંબાઈ ધરાવે છે. નદીમાં મહાલવા માટે નાની મોટી ઘણી ક્રુઝ છે. અમે સાંજે જમણ સાથે તે લાભ લેવાનાં હતાં એટલે અત્યારે પુલ પર ઊભા રહી વિહંગાવલોકન કરવાનો જ લાભ લીધો. ૧૫મી સદીમાં બનેલ આ પુલ એ શહેરનું સૌથી વધુ રોમેન્ટિક સ્થળ છે! પુલ ઉપર એક આંટો મારો તો તમને પ્રાગ કેસલ અને બીજાં અનેક સ્મારકો દેખાય. પુલ પર ઠેર ઠેર રાજાઓનાં અને દેવી-દેવતાઓનાં શિલ્પ બનાવેલાં છે. તડકો હતો, અસહ્ય ગરમી હતી અને ભીડ હતી પણ અમે આખો પુલ ચાલ્યાં. કહેવાય છે કે એક ચોક્કસ દેવીની મૂર્તિને પગે લાગવાથી તમારી ઈચ્છાઓ ફળે છે. અમે પણ પૂરા ભાવથી તે દેવીના દર્શન કર્યા અને ચરણસ્પર્શનો પણ લાભ લીધો!

જમવાનો સમય થઈ ગયો હતો. જલ્દી જમાય તેવું ફટાફટ ખાણું લીધું જેથી પ્રાગ દર્શનનો અમારો પ્રોગ્રામ ચાલુ રહે. જૂના શહેર વિસ્તારની ગલીઓમાં થઈ અમે શહેરના ટાઉન સ્ક્વેર કે માર્કેટ સ્ક્વેરમાં આવી પહોંચ્યાં. ૧૨મી સદીમાં બનેલ આ ટાઉન સ્ક્વેરે ઈતિહાસની ઘણી ઘટનાઓ જોઈ છે અને ખમી છે.  ગરમી અસહ્ય થઈ ગઈ હતી. બપોરનો સમય અને ખુલ્લું મેદાન. કેવી રીતે ચાલીશું અને કેવી રીતે બધું જોઈશું એવું વિચારતાં હતાં ત્યાં તો પાણીનો એક મોટો બંબો આવ્યો અને ટાઉન સ્ક્વેરની વચ્ચે ઊભો રહ્યો. બંબામાંથી આખા વિસ્તારમાં પાણીનો છંટકાવ કર્યો. ઝીણાં ઝીણાં ફોરાંનો વરસાદ હોય તેવો! અને હજુ તો છંટકાવ થાય છે ત્યાં તો લોકો બંબાની આસપાસ ભેગાં થઈ ગયાં અને બંબાવાળા ભાઈએ માણસો પર પણ પાણીનો સરસ છંટકાવ કર્યો! યુવાનો તો કપડાં કાઢીને રેઈન ડાન્સ કરવા લાગ્યાં. લોકો પહેલા વરસાદમાં આનંદથી ઝૂમતાં હોય તેવું દ્રશ્ય ખડું થઈ ગયું. રાજેશે પણ મિત્રો સાથે કૃત્રિમ વરસાદમાં નહાવાનો લાભ લીધો! છેલ્લાં ૩૦ વર્ષનો અહીંનો આ સૌથી વધુ ગરમ દિવસ હતો. (ગરમીનો આંક હતો ૪૩ ડીગ્રી સે.) યુરોપિયન હીટ-વેવ! જો આપણને ભારતીયોને કે અમદાવાદીઓને આટલી ગરમી લાગે તો ધોળિયાઓ તો બિચારાં ત્રાસી જ જાયને ! ટાઉન સ્ક્વેર અને આસપાસનાં સ્મારકો પછી એસ્ટ્રોનોમીકલ ક્લોકનો (ASTRONOMICAL CLOCK) વારો હતો. ગરમી હોવા છતાં  ખાસ્સી ભીડ ભેગી થઈ ગઈ હતી. એક ટાવરમાં મોટી ઘડિયાળ હતી. દર કલાકે અથવા અમુક ચોક્કસ સમયે નાનાંનાનાં દેવદૂતો ઘડિયાળમાંથી બહાર આવી ટકોરા મારે. બે-ત્રણ મિનિટનો આ ખેલ આજુબાજુની ભવ્ય ઈમારતોની સરખામણીમાં આમ તો સામાન્ય લાગે, પણ છે બહુ લોકપ્રિય! અમે તે જોઈને જૂની શેરીઓ અને ગલીઓનું ભ્રમણ આગળ ચાલુ રાખ્યું.

આજે સમયસર હોટલે પાછાં આવ્યાં અને સરસ તૈયાર થઈ ક્રુઝમાં અને ડાન્સના પ્રોગ્રામમાં ગયાં. રસ્તામાં બસમાંથી જ ગાઈડે અમને સ્પોર્ટસ સ્ટેડીયમ બતાવ્યું જે દેશનું બીજા નંબરનું મોટું  સ્પોર્ટસ સ્ટેડીયમ હતું, પણ તેની હાલત બહુ સારી દેખાતી ન હતી. અમારે જવાની  જગ્યા થોડી દૂર હતી અને શોધતાં વાર લાગી, પણ છેવટે સાચી જગ્યાએ પહોંચી ગયાં. અમને બધાંને સાથે બેસવાની જગ્યા મળી નહીં એટલે બે ભાગમાં વહેંચાઈ જવું પડ્યું. અહીં વાઈન, બીઅર કે સોફ્ટ ડ્રિન્ક્સ અને જમવાનું બધું ટિકિટમાં સામેલ હતું. જે ખાવું હોય તે ખાવ અને જે પીવું હોય તે પીઓ! પણ  આવા બધા પ્રોગ્રામોમાં શાકાહારી ખાવાનું જરાક તકલીફ કરે, તેના વિકલ્પો માર્યાદિત જ રહે. સરસ ઠંડાં પીણાં અને સાથે સ્વાદિષ્ટ નાસ્તો આવી રહ્યાં હતાં. સ્ટેજ પરથી  લોકનૃત્યનો સરસ પ્રોગ્રામ પ્રસ્તુત થયો. રંગબેરંગી વસ્ત્રો અને લોકભોગ્ય ઠુમકા રાજસ્થાનનાં હોય કે પ્રાગનાં, આકર્ષક  જ લાગે! લોકનૃત્ય અને લોકસંગીત તરત જ સામાન્ય જનતાને મોહિત કરી દે. તેના તાલમાં બધાં ઝૂમવા લાગ્યાં. આજુબાજુનું માદક વાતાવરણ અને  લોકનૃત્યનો પ્રોગ્રામ જોતાં જોતાં અમે ખાણીપીણીની ભરપૂર મઝા માણી. પ્રોગ્રામમાં બ્રેક પડ્યો અને પછી પાછાં નૃત્યો શરુ થયાં જેમાં પ્રેક્ષકોમાંથી પણ લોકોને નૃત્ય કરવા આમંત્રિત કર્યા. આ બાજુ ગરમ સૂપ અને જમવાનું આવવાનું પણ શરુ થયું. જો કે બ્રેક પછીના નૃત્યમાં કે ખાવાપીવામાં એકેયમાં ભલીવાર ન હતો. હું અને રાજેશ કંટાળીને બહાર લટાર મારવા નીકળ્યાં. બહારનો નદી કિનારાનો માહોલ બહુ સુંદર હતો. સૂર્યાસ્ત થઈ ગયો હતો અને અંધારું થઈ ગયું હતું. ક્રુઝમાં અને વહાણોમાં થોડી થોડી લાઈટો ચાલુ હતી. નદીના પાણીમાં તેનું પ્રતિબિંબ બહુ જ મનમોહક લાગતું હતું. (રેશમી ઉજાલા હૈ, મખમલી અંધેરા ?!?!)

પ્રોગ્રામ પૂરો થતાં અમે પાછાં હોટલે આવ્યાં. નદી કિનારે અને પ્રોગ્રામના હોલની  વાતાનુકુલીત હવામાં તાપમાનનો ખ્યાલ આવતો ન હતો, પણ બસમાંથી નીચે ઉતરતાં જ ભયંકર ગરમી લાગવી શરુ થઈ ગઈ. હોટલની રૂમમાં બેસાશે જ નહીં તેવું અમને સૌને લાગ્યું. અમે બધાં બહાર રોડ પર જ મધરાત સુધી બેઠાં. થોડીથોડી વારે હોટલમાં જઈ પાણી પી આવીએ પણ રૂમમાં બેસવાની હિંમત થાય નહીં. જે પ્રવાસીઓ હોટલમાં ગયાં હતાં તેમણે પોતાની રૂમની ઈમરજન્સી માટે રાખવામાં આવેલી મોટી બારીઓ ખોલી નાંખી હતી અને એટલે હોટલનું સેન્ટ્રલ એ.સી. કામ કરતું બંધ થઈ ગયું હતું. દુકાળમાં અધિક માસ! પ્રવાસીઓ પાણી-પાણી કરીને ત્રાસી ગયાં હતાં. હોટલનો સ્ટાફ આવી આપદા માટે તૈયાર ક્યાંથી હોય? રીસેપ્શન પરનો સ્ટાફ અને મેનેજર બધાં ગાયબ થઈ ગયાં! ‘આટલી ગરમી જ સહન કરવાની હોય તો અમદાવાદ શું ખોટું?’ એમ બબડતાં બબડતાં અમે માંડ બે-ચાર કલાકની ઊંઘ કાઢી. વહેલી સવાર થતાં ફટાફટ તૈયાર થઈ ચેક આઉટ કરી પાછાં રસ્તા પર આવી ગયાં. બહારનું વાતાવરણ અંદર કરતાં ઘણું સારું હતું. અમારી જેમ અનેક પ્રવાસીઓ મોર્નિંગ વોકનો આનંદ માણી રહ્યાં હતાં. ગરમી ભૂલી જઈએ તો બીજું બધું તો સુંદર જ હતું. અમે તો મ્યુઝિયમ અને તેના બગીચાનો પણ સવાર-સવારમાં લાભ લઈ લીધો. ‘નાસ્તો તૈયાર છે’ નો મેસેજ મળતાં અમે હોટલે જઈ નાસ્તો કર્યો. ડાઈનીંગ રૂમમાં વ્યવસ્થિત એ.સી. ચાલુ હતું અને નાસ્તો પણ સરસ હતો! પ્રાગને બાય-બાય  કરી અમે વિએના (VIENNA) જવા બસ-સવારી શરુ કરી.


સંપર્ક : દર્શા કિકાણી : ઈ –મેલ – darsha.rajesh@gmail.com

Author: admin

8 thoughts on “સ્વિત્ઝરલેન્ડ અને પૂર્વ યુરોપની સફર:: યહ કોન ચિત્રકાર હૈ….. : પ્રાગ દર્શન અને હીટ-વેવ

 1. We were lucky to visit these places in September 2019 so weather was very pleasant & throughly enjoyed the places, you have described so well in good details.

  We can always visit this place again as few places we couldn’t cover.

  1. Thanks, Gitaben! Yes, probably, September is a better time. But the place is just awesome! One feels like visiting it again and again!

 2. Darsha,
  Thoroughly enjoyed reading the details about Prague. It is a beautiful city. We have been there several years ago and we also enjoyed the trip. I was so happy to read that you got a chance to visit the local dance and the music program. Looking forward to the next episode!
  Amrish

  1. Thanks, Amrishbhai! Yes, Prague is a beautiful city, indeed!

   We also had a chance to witness the heat wave ! 😂

 3. પ્રાગ પ્રવાસીઓનું માનીતું અને સુરક્ષિત શહેર છે એ વાત તો જાણીતી છે, પરંતુ આ શહેરમાં ચૌદ જેટલાં વર્લ્ડ હેરિટેજ સ્મારકો છે એ વાતની જાણકારી ન હતી. ખૂબ સુંદર અને વિગતવાર વર્ણન માટે આભાર.

 4. Very nicely described…for us,who have not visited, it was a feeling of seeing these places, with eyes closed…….
  Wonderful.

Leave a Reply

Your email address will not be published.