ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૪ : અંતિમ તબક્કો– ૧૯૩૫થી ૧૯૪૭ :: પ્રકરણ ૮: દેશી રાજ્યોમાં પ્રજાકીય આંદોલનો (૧)

રાજકોટ સત્યાગ્રહની નિષ્ફળતા

દીપક ધોળકિયા

હરિપુરા અધિવેશનમાં કોંગ્રેસે દેશી રાજ્યોમાં પ્રજાકીય આંદોલનોને ઉત્તેજન આપવાનો નિર્ણય કર્યો. જો કે, દેશી રાજ્યોનાં પ્રજાકીય સંગઠનોને ‘કોંગ્રેસ’ નામ આપવું કે નહીં તે વિશે અવઢવ હતી. અંતે કોંગ્રેસને એનાથી દૂર રાખવાનો નિર્ણય લેવાયો. આમ છતાં, આખા દેશમાં કેટલાંય નોંધપાત્ર આંદોલનો થયાં જેમાં રાજકોટમાં ઊછરંગરાય ઢેબરના નેતૃત્વ હેઠળનો સત્યાગ્રહ, કાશ્મીરમાં શેખ અબ્દુલ્લાહનું રાજા વિરુદ્ધનું આંદોલન, ઓરિસ્સામાં ઠેરઠેર થયેલાં આંદોલનો અને હૈદરાબાદમાં નિઝામ વિરુદ્ધની પ્રજાકીય ચળવળ મુખ્ય છે.

રાજકોટ સત્યાગ્રહ

રાજકોટ રાજ્યનો ઠાકોર સાહેબ લાખાજીરાજના સમયમાં સારો એવો વિકાસ થયો. અંગ્રેજોએ ત્યાં મુલ્કી ઑફિસો શરૂ કરતાં રાજકોટ શહેર આધુનિક બન્યું. લાખાજીરાજે ૧૯૨૩માં નેવું સભ્યોની પ્રજા પ્રતિનિધિ સભા પણ બનાવી હતી. એની સત્તાઓ મર્યાદિત હતી પણ એમાં ખેડૂતો, વેપારીઓ, મજૂરો વગેરેના પ્રતિનિધિઓ હતા. એક વર્ગની સમસ્યા જે તે વર્ગના પ્રતિનિધિઓ પાસે જ જાય. મોટા ભાગે બધા વર્ગો સાથે મળીને નિર્ણય લેતા. આ નિર્ણયો અઢાર સભ્યોની ધારાસભા પાસે જતા. અંતિમ નિર્ણય તો ઠાકોરસાહેબનો જ રહેતો પણ એ મોટા ભાગે આવી સર્વસંમતિમાં આડે ન આવતા. આમ સામાન્ય પ્રજાજનોમાં પોતાની ફરિયાદો અને ઇચ્છાઓ વ્યક્ત કરવાની અને એના ઉપાયો શોધવામાં ભાગીદાર બનવાની પરંપરા બની ગઈ હતી.

૧૯૩૦માં લાખાજીરાજના અવસાન પછી એમના ૨૨ વર્ષના પુત્ર ધર્મેન્દ્રસિંહજી આવ્યા પણ એમને કંઈ રસ નહોતો. એમના ચારિત્ર્ય વિશે પણ અંગ્રેજ પોલિટિકલ એજન્ટે સરકારમાં રિપોર્ટો પણ કર્યા હતા. તે પછી એમના પર કડક નજર રાખવામાં આવી. ખરો વહીવટ દીવાનને સોંપાયો. તે પછી ૧૯૩૧માં ધર્મેન્દ્રસિંહજીને બધી સત્તા સોંપવામાં આવી પણ એ વૈભવી અને તુમાખી જીવનમાંથી બહાર ન આવ્યા. એમણે પ્રજા પ્રતિનિધિ સભા વીખેરી નાખી. પ્રજા પાસે હવે પોતાની વાત રજૂ કરવાનું સાધન ન રહ્યું અને તકલીફો વધતી જતી હતી. ખરેખર તો એમના દીવાન વીરાવાળાના હાથમાં બધી સત્તા કેન્દ્રિત થઈ ગઈ હતી. વીરાવાળાને એ ફાવતું હતું કે  રાજવીને મનફાવતી રીતે જીવે. ઠાકોર સાહેબનો ખર્ચ પૂરો કરવા માટે ચોખા, ખાંડ, અનાજ વગેરેનું વેચાણ પણ ઈજારદારોને સોંપી દેવાયું હતું અને પ્રજા પર કરવેરાનો ભારે બોજ નાખી દેવાયો હતો.

લોકોના અસંતોષને મનસુખલાલ મહેતા (શ્રીમદ્‍ રાજચંદ્રના નાના ભાઈ) અને અમૃતલાલ શેઠે લખાણો દ્વારા દેશ સુધી પહોંચાડ્યો. મનસુખલાલ મહેતાએ જ કાઠિયાવાડ રાજકીય પરિષદની સ્થાપના કરી હતી પણ રાજકોટના સત્યાગ્રહ સુધી એ નિષ્ક્રિય બની ગઈ હતી. આથી કાઠિયાવાડ પર કોંગ્રેસનું ધ્યાન સૌ પહેલાં ગયું. ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ સુધી તો ગુજરાતીનાં આ લખાણો સીધાં જ પહોંચતાં.  કાઠિયાવાડના કાર્યકરો સાથે પરિચિત હોવાને કારણે ગાંધીજી અને સરદારની પસંદગી રાજકોટ પર ઊતરી.

એનાથી પહેલાં પણ ઠાકોરસાહેબની જોહુકમી સામે ઘણાં રાજકીય જૂથો ઊભાં થયાં પણ અંતે ઉછરંગરાય ઢેબરે એની આગેવાની સંભાળી. બીજા ગાંધીવાદી જેઠાલાલ જોશીએ ૧૯૩૬માં રાજ્ય હસ્તકની સુતરાઉ કાપડની મિલના કામદારોનું યુનિયન ઊભું કર્યું અને આઠસો કામદારોએ હડતાળ પાડી. દરબારને યુનિયનની માગણી માનવી પડી. આ સફળતાથી પ્રેરાઈને  જેઠાલાલભાઈ અને ઢેબરભાઈએ ૧૯૩૭માં રાજકીય પરિષદને ફરી સજીવન કરી અને એમાં જવાબદાર રાજતંત્ર, કરવેરા અને રાજ્યનો ખર્ચ ઘટાડવાની માગણી કરી. ઑગસ્ટ ૧૯૩૮માં રાજવિરોધી આંદોલન શિખરે પહોંચ્યું. પહેલાં એમણે ગોકુલાષ્ટમીના તહેવારમાં રમાતા જુગારના ઇજારા સામે આંદોલન કર્યું. મેળામાં ૧૫મી ઑગસ્ટે પરિષદના કાર્યકરો જુગારના ઇજારાનો વિરોધ કરતા હતા ત્યારે રજ્યનું પોલીસ દળ એમના પર ત્રાટકી પડ્યું. આમાંથી આંદોલન એવું વિસ્તર્યું કે કાપડ મિલોના કામદારો હડતાળ પર ગયા, રાજ્યની બૅન્કમાંથી લોકોએ પોતાની ડિપોઝિટો ઉપાડી લીધી, વિદ્યાર્થીઓ પણ હડતાળમાં જોડાયા અને ઇજારદાર વેપારીઓના કે રાજ્યના માલનો બહિષ્કાર કરવામાં આવ્યો.

સરદાર પટેલ સત્યાગ્રહીઓના  સંપર્કમાં રહેતા હતા, વલ્લભભાઈએ ઠાકોરસાહેબ સમક્ષ લોકોની માગણીઓ મૂકી ત્યારે એમણે માનવાનો દેખાવ કર્યો. હવે વીરાવાળા પરદા પાછળ જવા માગતો હતો એટલે એણે દીવાનપદું છોડી દીધું અને રાજવીનો અંગત રાજકીય સલાહકાર બની ગયો. હવે જૂનાગઢના માજી દીવાન પૅટ્રિક કૅડલને દીવાન બનાવવામાં આવ્યો કે જેથી એનો બે રીતે ઉપયોગ થઈ શકે” દોષ થાય તો એનો અને અંગ્રેજો પાસેથી કામ કઢાવવું હોય તો એનો ઉપયોગ થાય.

 ઠાકોરસાહેબે ૧૯૩૮ના ડિસેમ્બરની ૨૬મીએ સરદાર સાથે સમજૂતી કરી. આ સમજૂતી પ્રમાણે દરબારે લોકોના હાથમાં સત્તા સોંપવા માટે રાજ્યના દસ નાગરિકો અથવા અધિકારીઓની નીમણૂક કરવાની હતી, બીજા સાતને વલ્લભભાઈ નીમવાના હતા. બ્રિટિશ સરકાર આ સમજૂતીથી વિરુદ્ધ હતી. વાઇસરૉય અને ભારત માટેના પ્રધાનના દબાણ હેઠળ ધર્મેન્દ્રસિંહજીએ સરદારે સૂચવેલાં સાત નામો સ્વીકારવાનો ઇનકાર કરી દીધો અને અંગ્રેજ રેસિડન્ટની મદદથી નવાં સાત નામો નક્કી કર્યાં. એમણે એ કારણ આપ્યું કે સરદારની યાદીમાં માત્ર બ્રાહ્મણ-વાણિયા છે, રાજપૂતો, મુસલમાનો અને ડિપ્રેસ્ડ ક્લાસિસનો કોઈ પણ પ્રતિનિધિ નથી.  દીવાન વીરાવાળાની આ ચાલ હતી અને બ્રિટિશ સરકારનો પણ એને ટેકો હતો.

૧૯૩૯ની ૨૬મી જાન્યુઆરીએ ફરી સત્યાગ્રહ શરૂ થયો. રાજકોટ તો કસ્તૂરબાનું વતન એટલે એ પણ સરદાર વલ્લબભાઈનાં પુત્રી મણિબેન સાથે સત્યાગ્રહ માટે રાજકોટ જવા નીકળ્યાં પણ રાજકોટથી ૧૬ માઇલ દ્દૂર એક ગામે એમની ધરપકડ કરી લેવામાં આવી. હવે ગાંધીજી જાતે જ રાજકોટ ગયા. એમણે લોકોની માગણી ન સંતોષાય ત્યાં સુધી ઉપવાસ જાહેર કર્યા.

વીરાવાળાએ આમ છતાં મચક ન આપી. એક રિપોર્ટ પ્રમાણે વીરાવાળાએ કહ્યું કે મહાત્માજી રાજકોટમાં મૃત્યુ પામશે તો એનો લાભ રાજ્યને મળશે કારણ કે રાજકોટ તીર્થધામ બની જશે! આમ વીરાવાળાની તૈયારી હતી કે ગાંધીજીનું અવસાન થાય તો પણ એમની માગણી ન માનવી.

પરંતુ ગાંધીજીના ઉપવાસને કારણે રાજકોટનો સત્યાગ્રહ હવે રાષ્ટ્રીય મુદ્દો તો બની જ ગયો હતો.  મુંબઈ પ્રાંતની સરકારે પણ રાજીનામું આપવાની ધમકી આપી હતી. ગાંધીજીએ પણ વાઇસરૉય લિન્લિથગોને પત્ર લખીને વચ્ચે પડવા વિનમ્તિ કરી. આ બધાં કારણોસર વાઇસરૉયપર દબાણ આવ્યું. એણે ચીફ જસ્ટિસ સર મોરિસ ગ્વાયરને લવાદી કરવાની જવાબદારી સોંપી. ગ્વાયરે એ તપાસ કરવાની હતી કે રાજકોટના ઠાકોરે સમજૂતિનો ભંગ કર્યો હતો કે કેમ. એનો નિર્ણય સરદારની તરફેણમાં ગયો. આ સાથે ગાંધીજીએ ઉપવાસનાં પારણાં કર્યાં.

પરંતુ વીરાવાળાએ મુસલમાનો અને ડિપ્રેસ્ડ ક્લાસના પ્રતિનિધિત્વને નામે ફરી આ ચુકાદો માનવાની ના પાડી દીધી. આ તબક્કે જિન્ના અને ડૉ. આંબેડકર પણ મુસલમાનો અને ડિપ્રેસ્ડ ક્લાસના પ્રતિનિધિત્વ માટે આગળ આવ્યા. આથી કોકડું વધારે ગુંચવાયું. ગાંધીજીના ઉતારા સામે વિરોધ દેખાવો પણ થયા.

અંતે, ગાંધીજીએ જોયું કે આમાં કંઈ થઈ શકે એમ નથી એટલે એમણે સમજૂતીમાંથી ઠાકોરસાહેબને મુક્ત કર્યા, વાઇસરૉય અને ચીફ જસ્ટિસનો સમય બગાડવા બદલ માફી માગી અને રાજકોટ છોડ્યું.

આ નિષ્ફળતામાંથી કોંગ્રેસ શીખી કે રજવાડાંના લોકો જેટલું કરી શકે તેનાથી આગળ ન જવું કે એમને ધક્કો પણ ન આપવો.

ગાંધીજીનું આત્મમંથન

ગાંધીજીએ આ આંદોલનની નિષ્ફળતા માટે બધી જવાબદારી પોતાના માથે લીધી. એમને કહ્યું કે એમના ઉપવાસમાં હિંસા હતી કારણ કે ઠાકોર ધર્મેન્દ્રસિંહજીનું હૃદય પરિવર્તન ન થાય તો એમણે પોતે ઉપવાસ છોડવાને બદલે મરી જવું જોઈતું હતું, તેને બદલે એમણે ઉપવાસ છોડાવવા માટે વાઇસરૉયને પત્ર લખ્યો. કોંગ્રેસમાં આમ પણ બે જાતના વિચાર હતા. જવાહરલાલ વગેર ઉદ્દામવાદીઓ માનતા હતા કે દેશી રાજ્યોની પ્રજા પણ બ્રિટિશ ઇંડિયાની પ્રજા જેમ જ ત્રસ્ત છે અને આઝાદી ઝંખે છે. રાજાઓની વ્યવસ્થા જ કાળ્ગ્રસ્ત થઈ ગઈ છે અને એ જેમ જલદી સમાપ્ત થાય તેમ સારું. એટલે કોંગ્રેસે રજવાડાંની પ્રજાઓની પણ નેતાગીરી સંભાળવી જોઈએ. ગાંધીજીને, ખાસ કરીને, રાજકોટમાં વિશ્વાસ હતો કે એમની વગ કામ લાગશે. રાજ સાથે પિતાના વખતથી એમના સંબંધ હતા. એ રાજાને ટ્રસ્ટી સમજતા હતા. વલ્લભભાઈ જેવા નેતા કહેતા કે “બ્રિટિશ રાજ જશે ત્યારે આ રાજાઓ ખરી પડવાના છે.” એમને રજવાડાંઓમાં દરમિયાનગીરી કરવાનું યોગ્ય નહોતું લાગતું.

૦૦૦

સંદર્ભઃ

Preview: People, princes, and paramount power : society and politics in the Indian princely states (Chapter 7 Rajkot. Indian Nationalism in the Princely Context: Rajkot Satyagraha of 1938-9). (archive.org)

બીજા એક સ્રોતમાંથી અલગથી આ આખું પ્રકરણ મળશે, જેની લિંક નીચે આપી છેઃ

http://dspace.wbpublibnet.gov.in:8080/jspui/bitstream/10689/12725/9/Chapter%207-8_240-305p.pdf


શ્રી દીપક ધોળકિયાનાં સંપર્કસૂત્રો
ઈમેલઃ dipak.dholakia@gamil.com
બ્લૉગઃ મારી બારી

Author: admin

Leave a Reply

Your email address will not be published.